ગુજરાત : વાહન ચલાવતી વખતે ટ્રાફિકના કયા નિયમો ભંગ કરો તો લાઇસન્સ રદ થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત રાજ્યમાં અલગઅલગ શહેરોમાં સમયાંતરે ટ્રાફિકના નિયમન માટે ડ્રાઇવ શરૂ કરાતી હોય છે અને કેટલાક કિસ્સામાં ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી દેવાતું હોય છે.
તમે રસ્તા પર પસાર થતી વખતે જોતા હશો કે ટ્રાફિક જંકશન પર પોલીસ વાહનો ચેક કરતા હોય અને નિયમોના ભંગ જણાય તો વાહનચાલકોને દંડ કરતી હોય છે.
વાહનચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે વાહનોના જરૂરી દસ્તાવેજી પુરવા ન હોય તેવા કિસ્સામાં વાહન જપ્ત કરે છે. જોકે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવે છે.

જો તમે હેલ્મેટ પહેર્યા વગર ત્રણ કરતાં વધારે વાર પકડાશો, તો તમારું લાઇસન્સ ત્રણ મહિના માટે રદ થઈ શકે છે. હેલ્મેટ ન પહેરનાર માટે પોલીસે ડ્રાઇવ શરૂ કરી હતી.
માત્ર હેલ્મેટના નિયમના ભંગ બદલ જ નહીં, પરંતુ સીટ બેલ્ટ ન પહેરવો, ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ, ઓવર સ્પિડ કે જંક્શન પર રેડલાઇટ ક્રૉસ કરવા બદલ પણ તમારું લાઇસન્સ રદ થઈ શકે છે.
ફેટલ અકસ્માતના કેસમાં અકસ્માત કરનારનું છ મહિના માટે ફરજિયાત લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. આરટીઓ દ્વારા ઓછામાં ઓછી ત્રણ મહિનાથી લઈને આજીવન સુધી લાઇસન્સ રદ કરવામાં આવે છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા RTOને લેખિતમાં જાણ કરવામાં આવે છે. RTO દ્વારા જે તે કેસની તપાસ કરીને લાઇસન્સ રદ કરવું કે નહીં, તેમજ કેટલા સમય માટે કરવું, તે અંગેનો નિર્ણય લેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના એ.સી.પી. (ઍડમિન) જે. એસ. મોદીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાના પાવર રિઝનલ ટ્રાન્સપૉર્ટ ઑફિસર (RTO) પાસે હોય છે."
"અત્યારે હેલ્મેટ અંગે ઝુંબેશ ચાલી રહી છે. ત્રણ કરતાં વધારે વખત હેલ્મેટ ન પહેવાનો મેમો આપવામાં આવ્યો હોય તેવા લોકોના લાઇસન્સ રદ કરવા માટે આરટીઓને પત્ર લખીએ છીએ. ફેટલ કે ડ્રિન્ક ઍન્ડ કેસમાં પણ લાઇસન્સ રદ કરવા પત્ર લખીએ છીએ. ઓવર સ્પિડિંગ, જોખમી ડ્રાઇવિંગના કેસમાં પણ લાઇસન્સ રદ કરવાની ભલામાણ કરીએ છીએ."
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ડિસેમ્બર-2024ના મધ્ય ભાગ સુધીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા કે સસ્પેન્ડ કરવા માટેની સાત હજાર 500 જેટલી ભલામણો આર.ટી.ઓ.ને કરવામાં આવી હતી.
"કોઈ વાહનચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તેવા કિસ્સામાં પોલીસ વાહનને ડિટેઇન કરી શકે છે, પરંતુ મેમો ન ભર્યો હોય તેવા કિસ્સામાં વાહનો ડિટેઇન કરવાના પાવર પોલીસ પાસે નથી. આ માટે અમે લેખિતમાં રજૂઆત કરી છે કે ત્રણ કરતાં વધારે મેમો ન ભરનાર રિપીટ ઑફેન્ડરના વાહનો ડિટેઇન કરવાના પાવર પોલીસને મળે."
"અત્યારે કેટલાક લોકો મેમો ભરતા નથી, પરંતુ જો વાહનો ડિટેઇન થશે, તો લોકો મેમો ભરશે. તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન પણ ગંભીરતાથી કરશે."

અમદાવાદ ગ્રામ્યના આસિસ્ટન્ટ આર.ટી.ઓ. હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે. વાહનચાલક સુરક્ષિત સુરક્ષિત રહે તેમજ અન્ય લોકો પણ સુરક્ષિત રહે તે આશયથી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. લાઇસન્સ રદ કે સસ્પેન્ડ કરવા માટેની સત્તા આરટીઓ પાસે જ હોય છે."
આર.ટી.ઓ. હાર્દિક પટેલે આપેલી માહિતી અનુસાર:
- ફેટલ કેસમાં ફરજિયાત છ મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.
- ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના કેસમાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના કેસમાં પહેલી વખત પકડાય તો ત્રણ મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ થાય, બીજી વાર પકડાય તો 6 મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ થાય અને ત્રીજી વખત પકડાય તો લાઇસન્સ કાયમ માટે રદ કરવામાં આવે છે, જેને લાઇસન્સ 'રિવૉક કર્યું' કહેવાય.
- રૉંગ સાઇડના ડ્રાઇવ કરનાર પકડાય, તો તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.
- ફેટલ અકસ્માત અંગેના આરોપીઓ કે ટ્રાફિકના નિયમોનું ત્રણ કરતાં વધારે વખત ઉલ્લંઘન કરનારા વાહનચાલકોનું લિસ્ટ પોલીસ વિભાગ દ્વારા જે-તે વિસ્તારની આરટીઓ ઑફિસને મોકલવામાં આવે છે. આ લિસ્ટના આધારે લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.
- કોઈ કેસમાં કોર્ટ દ્વારા ઑર્ડર કરવામાં આવે તે કેસમાં કોર્ટના આદેશ મુજબના સમયગાળા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.
- આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવે, ત્યારે ઓવર સ્પીડ કે જોખમી ડ્રાઇવ કરતાં જોવા મળે, જેમાં ડ્રાઇવર તેમજ અન્ય લોકોને પણ જોખમ ઊભું થાય એમ હોય, તેવા કિસ્સામાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.
આ અંગે MACT બાર કાઉન્સિલના પ્રમુખ વકીલ ડી.એમ. ચૌહાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ, ફેટલ કે બેજવાબદારીપૂર્વક ડ્રાઇવ કરવાના કેટલાક કિસ્સામાં કોર્ટને યોગ્ય જણાય, તો તે લાઇસન્સ ચોક્કસ સમયગાળા માટે સસ્પેન્ડ કે આજીવન રદ કરવા માટેના ઑર્ડર કરે છે."
થોડા મહિના પૂર્વે અમદાવાદના બોપલ વિસ્તારમાં એકસાથે અનેક ગાડીઓ જોડે અકસ્માત કરનારા યુવકનું લાઇસન્સ આજીવન રદ કરવાનો આદેશ અદાલતે આપ્યો હતો.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું, "આ સિવાય ગુજરાતનો ડ્રાઇવિંગ લાઇસન્સધારક અન્ય રાજ્યમાં જઈને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેવા કિસ્સામાં અન્ય રાજ્યોમાંથી પત્ર લખીને અમને આ અંગે માહિતી મોકલવામાં આવે છે. જેને આધારે લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવામાં આવે છે."
"ટ્રાફિકના નિયમોના ભંગ કરવા બદલ લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે ગોવા પોલીસના અમને સૌથી વધારે પત્ર મળે છે. પત્રને આધારે અમે લાઇસન્સ સસ્પેન્ડ કરીએ છીએ."

હાર્દિક પટેલે જણાવ્યું હતું, "આરટીઓ દ્વારા લાઇસન્સધારકને નોટિસ મોકલીને જાણ કરવામા આવે છે કે તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે. નોટિસમાં નિયમભંગનો સમય તેમજ સ્થળ પણ લખવામાં આવે છે. તમારું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે; જો તમે ન હો, તો ખુલાસો કરવા આવવું. સામાન્ય રીતે લોકો આવતા નથી, પરંતુ જો આવે તો તેમને સાંભળવામાં આવે છે."
"જો કોઈ ન આવે તો કે આવીને સંતાષકારક કારણ રજૂ ન કરી શકે, ત્યારબાદ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. લાઇસન્સધારકનું નામ લાઇસન્સ-નંબર વગેરે માહિતી ઈ-પરિવહન પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે."
"ધારો કે લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય, તો ત્રણ મહિના બાદ તેનું નામ સસ્પેન્ડના ડેટામાં રહેતું નથી અને તે આપોઆપ નીકળી જાય છે."
"જો કોઈ વાહનચાલક તેનું લાઇસન્સ સસ્પેન્ડ હોય તે સમયગાળામાં વાહન ચલાવે છે અને પકડાય છે તો પોલીસ તેના લાઇસન્સની વિગત ઈ-પરિવહવન પોર્ટલ પર ચેક કરે છે તો તે લાલ અક્ષરે SUSPEND દેખાય છે. તેને રિપીટ ઑફેન્ડર ગણવામાં આવે છે, તેમજ બમણી પેનલ્ટી વસૂલવામાં આવે છે."

હાર્દિક પટેલના જણાવ્યાનુસાર, "હેલ્મેટ કે અન્ય કોઈ ગુનામાં ઈ-મેમો મોકલાયેલો હોય તેવા કિસ્સામાં લાઇસન્સ જમા લીધું હોતું નથી. પરંતુ ફેટલ, ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ કે અન્ય કેસમાં પોલીસે વાહનચાલકને સ્થળ પર પકડ્યો હોય અને લાઇસન્સ જમા લીધું હોય કે કોર્ટે જમા લીધું હોય. તેવા કિસ્સામાં પોલીસ અને કોર્ટ લાઇસન્સ આરટીઓને મોકલે છે.
વ્યકિતએ લાઇસન્સના સસ્પેન્સનના સમયગાળો પૂર્ણ થયા બાદ આરટીઓ ઑફિસને અરજી કરીને પરત મેળવવાનું હોય છે."

વકીલ ડી.એમ. ચૌહાણે જણાવ્યું હતું, "કોઈ વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય અને તે વ્યક્તિ વાહન ચલાવે અને અકસ્માત સર્જે તો તેવા કિસ્સામાં ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ ચૂકવતી નથી."
"વ્યકિતને પોતાને કોઈ ઈજા થાય કે તેનાથી કોઈને ઈજા થાય બન્ને કિસ્સામાં વીમા કંપની ક્લેમ ચૂકવતી નથી. વાહન ચલાવનારની અન્ય વ્યકિતને ઈજા કે મૃત્યુ થાય, તો તેવા કિસ્સામાં ઇન્સ્યૉરન્સ કંપનીએ માલિક પાસેથી પૈસા વસૂલીને ભોગ બનનારને આપવા માટે કોર્ટનાં દ્વાર ખખડાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












