'જીવનભરની મૂડી ટ્રાન્સફર કરી', ભારતમાં ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી છેતરપિંડી

ઇમેજ સ્રોત, Pawan Kumar
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ટોચની ભારતીય હૉસ્પિટલો પૈકીની એકમાં ન્યૂરૉલૉજિસ્ટ તરીકે કાર્યરત 44 વર્ષનાં રુચિકા ટંડન માટે ઑગસ્ટનું એક કષ્ટદાયક સપ્તાહ કોઈ અત્યંત ગંભીર ગુનાની તપાસ જેવું રહ્યું હતું.
તે એક વિસ્તૃત કૌભાંડ હતું. છેતરપિંડીકર્તાઓ દ્વારા ફેલાવવામાં આવેલી જાળમાં ડૉ. રુચિકાનાં દરેક પગલાંનો તેમણે પોતાના હિસાબે ઉપયોગ કર્યો હતો અને ડૉ. રુચિકાની તથા તેમના પરિવારજનોની જીવનભરની બચતને સાફ કરી નાખી હતી.
ડિજિટલ એરેસ્ટ ગુનેગારો દ્વારા બનાવવામાં આવેલો એક શબ્દ છે. આ ડિજિટલ એરેસ્ટના નામે ડૉ. રુચિકાને કામ પરથી એક સપ્તાહની રજા લેવા, પોતાની દૈનિક સ્વતંત્રતા ત્યાગવા અને અજાણ્યા લોકો દ્વારા સતત સર્વેલન્સ તથા સૂચનાના પાલન માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં. એ લોકોએ ડૉ. રુચિકાને ખાતરી કરાવી હતી કે તેમની ગંભીર તપાસ ચાલી રહી છે.
ડિજિટલ એરેસ્ટમાં છેતરપિંડીકારો વીડિયો કૉલ્સ પર સરકારી અધિકારીઓ હોવાનો દેખાડો કરે છે, પીડિતોને ખોટા આરોપસર ધરપકડ કરવાની ધમકી આપે છે અને મોટા પ્રમાણમાં પૈસા ટ્રાન્સફર કરવા તેમના પર દબાણ કરે છે.
ડૉ. રુચિકા પાસેથી આવી છેતરપિંડીમાં તેમના તથા તેમના પરિવારજનોનાં બૅન્ક એકાઉન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન ફંડ્સમાંના લગભગ અઢી કરોડ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા. એક બનાવટી દુઃસ્વપ્નમાં તેમની વર્ષોની બચતનો સફાયો થઈ ગયો હતો.
ડૉ. રુચિકા આવી છેતરપિંડીનો ભોગ બન્યાં હોય તેવી એકમાત્ર વ્યક્તિ નથી. સત્તાવાર આંકડા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન ભારતીયોએ 120 કરોડથી વધુ રૂપિયા આવી છેતરપિંડીમાં ગુમાવ્યા છે.
જોકે, આ તો સપાટી પરના આંકડા છે, કારણ કે અનેક પીડિતો આવી છેતરપિંડી રિપોર્ટ કરતા નથી. લોકો પાસેથી આ રીતે લૂંટવામાં આવેલાં નાણાં મોટા ભાગે વિદેશી ખાતાંમાં કે ક્રિપ્ટૉકરન્સી વૉલેટમાં નાખી દેવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આવા કુલ પૈકીના 40 ટકાથી વધારે કારસ્તાનનાં મૂળ મ્યાનમાર, કંમ્બોડિયા અને લાઓસમાં હોવાનું જાણવા મળ્યું છે.
ડિજિટલ અરેસ્ટના નામે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Mansi Thapliyal
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઑક્ટોબરના તેમના માસિક રેડિયો કાર્યક્રમમાં આ કૌભાંડ બાબતે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું હતું, “તમને આવો કોલ આવે ત્યારે ગભરાશો નહીં. તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ તપાસ એજન્સી ફોન કોલ કે વીડિયો કોલ દ્વારા ક્યારેય પૂછપરછ કરતી નથી.”
ભારતમાં અનેક પ્રકારના સાયબર ગુનાઓ થાય છે, જેમાં બનાવટી રોકાણ અને ટ્રેડિંગથી લઈને ડેટિંગ કૌભાંડો સુધીનાં કૌભાંડોનો સમાવેશ થાય છે, પરંતુ ખાસ કરીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડ વિસ્તૃત અને ભયંકર છે. અત્યંત ચોકસાઈપૂર્વકના આ કૌભાંડ પીડિતના જીવનના દરેક હિસ્સા પર આક્રમણ કરે છે.
ક્યારેક વીડિયો કોલ દરમિયાન કૌભાંડકાર ખુદની ઓળખ જાહેર કરે છે, જ્યારે અન્ય કિસ્સામાં છુપાયેલા રહે છે. માત્ર ઑડિયો પર નિર્ભર રહે છે. તે કોઈ વિચિત્ર હિન્દી ફિલ્મ જેવું હોય છે, પરંતુ છેતરપિંડીનું આયોજન અત્યંત સાવધાનીપૂર્વક કરવામાં આવ્યું હોય છે.
એ કમનસીબ દિવસે ખુદને ટેલિકૉમ નિયમનકર્તા વિભાગના અધિકારી તરીકે ઓળખાવતા કૌભાંડકર્તાએ લખનૌસ્થિત ડૉ. ટંડનને ફોન કર્યો હતો અને દાવો કર્યો હતો કે તમારા ફોન નંબર મારફત દ્વારા મોકલવામાં આવેલા સતામણીના મૅસેજ સંબંધે “22 ફરિયાદ”ને કારણે તમારો નંબર ડિસકનેક્ટ કરી નાખવામાં આવશે.
થોડી મિનિટો પછી જ એક અન્ય વ્યક્તિ આવી હતી, જેણે પોતે વરિષ્ઠ પોલીસ અધિકારી હોવાનું જણાવ્યું હતું. મહિલા અને બાળતસ્કરી સંબંધી પૈસાના વ્યવસ્થાપન માટે ડૉ. ટંડન તેમનાં માતા સાથેના જૉઇન્ટ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોવાનો આરોપ તેણે મૂક્યો હતો.
પૃષ્ઠભૂમિમાં એક કર્કશ સ્વર સંભળાતો હતોઃ “તેમની ધરપકડ કરો, તેમની ધરપકડ કરો.”
ઘરમાં થતી હિલચાલ પર સતત નજર રખાતી

ઇમેજ સ્રોત, Pawan Kumar
એ માણસે ચેતવણી આપી હતી, “પોલીસ તમારી ધરપકડ કરવા પાંચ મિનિટમાં આવશે. તમામ પોલીસ સ્ટેશનને ઍલર્ટ કરી દેવામાં આવ્યાં છે.”
ડૉ. ટંડન કહે છે, “હું અત્યંત ગુસ્સામાં અને હતાશ હતી. હું સતત કહેતી હતી કે આ સાચી વાત નથી.”
અધિકારી એક શરત સાથે નરમ પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હવે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) આ કેસને હાથમાં લેશે, કારણ કે તે “રાષ્ટ્રીય ગોપનિયતાનો મામલો” છે.
અધિકારીએ ભારપૂર્વક કહ્યું હતું, “હું તેમની સાથે વાત કરીશ અને તમને ફિઝિકલ કસ્ટડીમાં ન રાખવા સમજાવીશ, પરંતુ તમારે ડિજિટલ એરેસ્ટમાં રહેવું પડશે.”
ડૉ. ટંડન એક એવા ફીચર ફોનનો ઉપયોગ કરતાં હતાં, જેમાં વીડિયો કોલિંગની સુવિધા ન હતી. એ કારણે કૌભાંડકારો માટે આગળ વધવાનું મુશ્કેલ બની ગયું હતું. તેથી કૌભાંડકારોએ ડૉ. ટંડનને એક સ્માર્ટફોન ખરીદવા મજબૂર કર્યાં હતાં.
એ પછીના છ દિવસ સુધી ખુદને પોલીસ અધિકારી અને જજ ગણાવતા ત્રણ પુરુષો તથા એક સ્ત્રીએ સ્કાઇપ મારફત તેમના પર સતત નજર રાખી હતી. તેમના ફોનનો કૅમેરા સતત ચાલતો રહ્યો હતો.

ઇમેજ સ્રોત, Pawan Kumar
કૌભાંડ ચાલતું રહે એટલા માટે કૌભાંડકારોએ ડૉ. ટંડનને તેમના વિદ્યાર્થીઓને રાતે ઊંઘતા ઉઠાડીને ઍક્સ્ટ્રા ડેટા પૅક ખરીદવાની ફરજ પણ પાડી હતી. તેમણે ઘરમાં બધે ફોન રાખવો પડતો હતો. રસોઈ કરતી વખતે, ઊંઘતી વખતે અને બાથરૂમની બહાર હોય ત્યારે પણ ચાલુ રાખવો પડતો હતો. તેમની દરેક હિલચાલ પર આ રીતે નજર રાખવામાં આવતી હતી.
પોતે બહુ બીમાર છે અને કામ કરી શકે કે કોઈને મળી શકે તેમ નથી, એવી ખોટી વાત તેમની હૉસ્પિટલ તથા સગાંસંબંધીઓને જણાવવાની ફરજ ડૉ. ટંડનને પાડવામાં આવી હતી. એક કાકા તેમને મળવા આવ્યા ત્યારે કૅમેરા ચાલુ હોય એ રીતે ફોનને પલંગની નીચે છુપાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
એક આખા સપ્તાહ સુધી ડૉ. ટંડને તેમના જીવન, કામ, ખોટા મુકદ્દમા અને કોર્ટના ખોટા દસ્તાવેજો સંબંધી 700 સવાલોનો સામનો કર્યો હતો તેમજ પોતાની જીવનભરની બચતના બદલામાં ડિજિટલ “જામીન”ની ખાતરી આપવામાં આવી હતી. નકલી કોર્ટમાં “ન્યાયમૂર્તિ પ્રત્યે આદર દર્શાવવા” તેમને શ્વેત વસ્ત્રો પહેરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોલ કરનારા લોકોએ તેમનો વીડિયો બંધ કરી દીધો હતો. સ્ક્રીન પર તેમના નકલી નામ અને અસલી લાગતા બેજ જ દેખાતા હતા.
જીવનભરની મૂડી અલગઅલગ ખાતાંમાં ટ્રાન્સફર કરી

ઇમેજ સ્રોત, Pawan Kumar
આ અગ્નિપરીક્ષા દરમિયાન એક તબક્કે કૌભાંડકારોએ ડૉ. ટંડનનાં 70 વર્ષની વયનાં માતા સાથે વાત કરી હતી અને “તેમની દીકરીના ભલા ખાતર” ચૂપ રહેવાની વિનંતી કરી હતી.
ડૉ. ટંડન કૅમેરા સમક્ષ વારંવાર ભાંગી પડતાં હતાં ત્યારે કૌભાંડકારો તેમને કહેતા હતા, “ઊંડા શ્વાસ લો અને આરામ કરો. તમે કોઈની હત્યા નથી કરી. તમે કાળાં નાણાંને જ કાયદેસરનાં બનાવ્યાં (મની લૉન્ડરિંગ) છે.”
મુક્તિ મેળવવાના મરણિયા પ્રયાસમાં ડૉ. ટંડને તેમની જીવનભરની બચત કૌભાંડકારોએ સંચાલિત જુદાં-જુદાં બૅન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. “સરકારી ચકાસણી” પછી બધું પાછું મળી જશે એવું ધારીને તેમણે આમ કર્યું હતું, પરંતુ પૈસા પાછા મળવાને બદલે તેમણે બધું ગુમાવી દીધું હતું. પૈસા ટ્રાન્સફર થઈ ગયા પછી કૌભાંડકારોએ લાઇન ડિસકનેક્ટ કરી નાખી હતી.
એક સપ્તાહ પછી કામ પર પાછાં ફરેલાં ડૉ. ટંડને ઇન્ટરનેટ પર “ડિજિટલ કસ્ટડી” અને “ન્યૂ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન મેથડ્સ” જેવા શબ્દો વડે ઇન્ટરનેટ પર શોધખોળ કરી હતી.
એ કારણે તેમને સમગ્ર દેશમાં આવી ડિજિટલ એરેસ્ટની સંખ્યાબંધ ઘટનાનાં અખબારોમાં પ્રકાશિત અહેવાલો જોવા મળ્યા હતા. તેમ છતાં પોતે એક વિસ્તૃત છેતરપિંડીનો ભોગ બન્યાં હોવાનું તેમને સ્વીકાર્ય ન હતું. “પોલીસ અધિકારીઓ તો અસલી જ હશે,” એવું ધારીને તેઓ પોલીસ સ્ટેશને દોડી ગયાં હતાં.
ડૉ. ટંડનના કહેવા મુજબ, તેઓ બેચેન અવસ્થામાં પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં.
“મને ઘણા દિવસોથી વિચિત્ર કોલ્સ આવી રહ્યા છે,” એમ કહીને તેમણે વસ્તુસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેઓ વધુ બોલે તે પહેલાં એક મહિલા અધિકારીએ તેમને અધવચ્ચે અટકાવીને પૂછ્યું હતું, “તમે કોઈને પૈસા ટ્રાન્સફર કર્યા છે?”
એક અન્ય પોલીસ સ્ટેશનમાં “મારી વાત સાંભળી કે તરત તેઓ હસવા લાગ્યા હતા,” ડૉ. ટંડન કહે છે.
એક પોલીસકર્મીએ કહ્યું હતું, “આજકાલ આવું બહુ કૉમન છે.”

લખનૌથી 500 કિલોમીટર દૂર દિલ્હીમાં લેખક અને પત્રકાર નીલાંજન મુખોપાધ્યાય જુલાઈમાં જ આ કૌભાંડમાંથી બચી ગયા હતા.
તેઓ 28 કલાક સુધી “ડિજિટલ એરેસ્ટ”માં રહ્યા હતા, કારણ કે તેમના નિષ્ક્રિય બૅન્ક એકાઉન્ટનો ઉપયોગ મની લૉન્ડરિંગ માટે કરવામાં આવતો હોવાનો દાવો કૌભાંડકારોએ કર્યો હતો.
તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ શા માટે રીડિમ કર્યું નથી, એવો સવાલ એક કૌભાંડકારોએ તેમને કર્યો ત્યારે નીલાંજનને શંકા પડી હતી, કારણ કે પોલીસ અધિકારીઓ સામાન્ય રીતે આવો સવાલ ફોન પર કરતા નથી.
કૌભાંડકારો નીલાંજન પર તેમની સ્ટડી રૂમમાંના ડેસ્કટૉપ મારફત તેમની હિલચાલ પર નજર રાખતા હતા. નીલાંજન સ્ટડીરૂમમાંથી બહાર નીકળ્યા હતા. તેમનાં પત્ની સાથે ટૂંકી વાત કરી હતી અને તમામ મોડેમ ડિસ્કનેક્ટ કરવા કહીને કૌભાંડકારોની ચુંગાલમાંથી મુક્ત થયા હતા.

ઇમેજ સ્રોત, Mansi Thapliyal
નીલાંજન કહે છે, “મારા દોસ્તોએ આ કૌભાંડનો પર્દાફાશ ન કર્યો ત્યાં સુધી હું ડિજિટલ ગુલામ બની રહ્યો હતો. મેં મારા બધા પૈસા મારા એકાઉન્ટમાં તેમને ટ્રાન્સફર કરી આપવા માટે એકઠા કરી લીધા હતા. એ પ્રકરણ પૂર્ણ થયું ત્યારે મને મારી મૂર્ખતાનો અહેસાસ થયો હતો.”
આવાં કૌભાંડો કરતા લોકોને પકડવાની દિશામાં કેટલી પ્રગતિ થઈ છે તે સ્પષ્ટ નથી અને ફરિયાદની ધીમી પ્રક્રિયાથી ઘણા પીડિતો હતાશ છે.
જોકે, ડૉ. ટંડનને થોડી સફળતા મળી છે. પોલીસે સમગ્ર દેશમાંથી એક મહિલા સહિત 18 શકમંદોની ધરપકડ કરી છે. ચોરી જવામાં આવેલા પૈસાનો આશરે એક-તૃતીયાંશ હિસ્સો પાછો મેળવવામાં આવ્યો છે અને અલગ-અલગ બૅન્ક એકાઉન્ટમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. ડૉ. ટંડનને તેમની પાસેથી ચોરી જવામાં આવેલા અઢી કરોડ રૂપિયામાંથી માત્ર રોકડા બાર લાખ રૂપિયા જ પાછા મળ્યા છે.
કૌભાંડકારો શિક્ષિત હોય છે અને માહિતી એકત્ર કરતા રહે છે

ઇમેજ સ્રોત, Mansi Thapliyal
તપાસ અધિકારી દીપકકુમારસિંહનું કહેવું છે કે કૌભાંડકારોએ ઝીણવટભરી રીતે કૌભાંડ આચરી રહ્યા હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારી દીપકકુમારસિંહે બીબીસીને કહ્યું હતું, “કૌભાંડકારો શિક્ષિત પુરુષો અને સ્ત્રીઓ છે. તેઓ અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષા કડકડાટ બોલી શકે છે. તેમાં એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ્સ, સાયબર સલામતી નિષ્ણાતો અને બૅન્કિંગ પ્રોફેશનલ્શનો સમાવેશ થાય છે. એ પૈકીના મોટા ભાગના ટેલિગ્રામ ચેનલ્સ મારફત કામ કરે છે.”
તપાસ અધિકારીઓ માને છે કે કૌભાંડકારો ચાલાક હતા અને પીડિતના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી મળેલી લક્ષિત માહિતીનો ઉપયોગ કરતા હતા.
દીપકકુમારસિંહે કહ્યું હતું, “તેઓ તેમના ટાર્ગેટને ટ્રેક કરે છે. અંગત માહિતી એકઠી કરે છે અને તેની નબળાઈ શોધી કાઢે છે. એ પછી તેઓ હિટ ઍન્ડ રનની માફક સંભવિત પીડિતો પર ઝડપથી પ્રહાર કરે છે.”
નીલાંજન મુખોપાધ્યાય એક પત્રકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્રના લેખક છે તેવું કૌભાંડકારો જાણતા હતા. તેઓ જાણતા હતા કે રુચિકા ટંડન એક ડૉક્ટર છે અને તેમણે ગોવામાં એક કૉન્ફરન્સમાં હાજરી આપી હતી.
કૌભાંડકારો પાસે તેમના બાયોમેટ્રિક નૅશનલ આઇડેન્ટિટી નંબર્સ હતા. દિલ્હી પોલીસે ન્યૂઝક્લિકના ફંડિંગ સંબંધી તપાસમાં ઑક્ટોબર 2023માં જે પત્રકારોને ઘરો પર દરોડા પાડ્યા હતા એ પત્રકારોમાં નીલાંજનનો પણ સમાવેશ થતો હતો.
આ વાત કૌભાંડકર્તાઓ જાણતા હશે કે કેમ તેનું નીલાંજનને આશ્ચર્ય છે. (ન્યૂઝક્લિક સંબંધી કાર્યવાહીને અખબારી સ્વાતંત્ર્ય પરનો હુમલો ગણાવીને વિવેચકોએ તેની ટીકા કરી હતી. સરકારે તે આક્ષેપને નકારી કાઢ્યો હતો)
કૌભાંડકારોએ ભૂલો પણ કરી હતી. મ્યુચ્યુઅલ ફંડ્સને રીડિમ કરવામાં સામાન્ય રીતે કેટલો સમય લાગે છે તે વાતથી કૌભાંડી અજાણ હતો. એ કારણે નીલાંજનની શંકા ઘેરી બની હતી. ખુદને ન્યાયાધીશ ધનંજય તરીકે ઓળખાવતા ડૉ. ટંડનના નકલી ન્યાયાધીશે તાજેતરમાં નિવૃત્ત થયેલા સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડની તસવીર સાથેનું એક નકલી પ્રતીક ચિહ્ન પ્રદર્શિત કર્યું હતું. તેમ છતાં એ ક્ષણે અભિભૂત થઈ ગયેલાં ડૉ. ટંડન તેનો તાગ મેળવી શક્યા ન હતાં.
ડૉ. ટંડનના કહેવા મુજબ, તેઓ અત્યારે પણ ગૂંચવાડામાં જીવી રહ્યાં છે. તેઓ દુઃસ્વપ્નને વાસ્તવિકતાથી અલગ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે પણ તેમને આશ્ચર્ય હતું કે “આ પોલીસ સ્ટેશન પણ નકલી તો નથી ને?”
દરેક ફોનકોલ નવી ચિંતા જગવે છે.
તેઓ કહે છે, “કામ પર હોઉં ત્યારે કેટલીક વખત મારું મગજ ડરને કારણે બહેર મારી જાય છે. દિવસ દરમિયાન સારું હોય છે, પરંતુ સાંજ થયા પછી મશ્કેલી થાય છે. મને ખરાબ સપનાં આવે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












