સુનીતા વિલિયમ્સ જ્યારે અવકાશમાં 'સમોસા' અને 'ભગવદ્ ગીતા' લઈ ગયાં

સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, અંતરીક્ષ, ધરતી પર પુનરાગમન, મહેસાણાનું ઝુલાસણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

માત્ર આઠ દિવસ માટે અવકાશમાં ગયેલાં સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર છેલ્લાં નવ મહિનાથી અવકાશમાં હતાં. હવે તેઓ પરત ફરી રહ્યાં છે.

સમગ્ર વિશ્વમાંથી આ બે અવકાશયાત્રીઓ માટે અભિનંદનની વર્ષા થઈ રહી છે અને કરોડો લોકો તેમનાં આગમનની રાહ જોઈ રહ્યાં છે.

સુનીતા વિલિયમ્સ 62 કલાક અને છ મિનિટ સાથે અવકાશમાં સૌથી વધુ સમય સ્પેસવૉક કરવાનો રેકૉર્ડ ધરાવે છે. તેમણે નવ વખત સ્પેસવૉક કર્યું છે, તેઓ વિશ્વનાં બીજાં સૌથી અનુભવી અવકાશયાત્રી છે.

સુનીતા વિલિયમ્સે એકવાર કહ્યું હતું, "હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મને પૃથ્વીને અવકાશમાંથી આવી રીતે જોવાની તક મળી."

સુનીતા વિલિયમ્સનાં પુનરાગમનની સાથે તેમનાં ભારતીય મૂળ અને તેમનાં જીવન વિશે ફરીથી ચર્ચા શરૂ થઈ છે. ગુજરાતમાં સુનીતાનાં પૈતૃક ગામ ઝુલાસણમાં પણ ઉત્સાહનો માહોલ છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના ભારતના આંતરરાષ્ટ્રીય સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાતના હવામાન સમાચાર, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

સુનીતા વિલિયમ્સ અને ઝુલાસણનો સંબંધ

સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, અંતરીક્ષ, ધરતી પર પુનરાગમન, મહેસાણાનું ઝુલાસણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dinesh Patel

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સે જ્યારે ઝુલાસણની મુલાકાત લીધી, તે સમયની તસવીર

સુનીતા વિલિયમ્સનો જન્મ અને ઉછેર અમેરિકામાં જ થયો છે, પરંતુ તેમના પિતા ભારતીય હતા.

સુનીતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યાનો જન્મ ગુજરાતના મહેસાણાના ઝુલાસણ ગામ ખાતે થયો હતો. તેઓ ડૉક્ટર હતા અને તેમણે અમદાવાદમાં મેડિકલનો અભ્યાસ કર્યો હતો.

એ પછી દીપક પંડ્યા અમેરિકા ગયા હતા અન તેમણે ત્યાં ઉર્સુલિન બૉની સાથે લગ્ન કર્યાં હતાં. દંપતીને ત્રણ બાળકો થયાં; જય, દિના અને સુનીતા. સુનીતા વિલિયમ્સનો જન્મ 1965માં અમેરિકા ઓહાયો રાજ્યમાં થયો હતો.

સુનીતાના પિતા હિન્દુ અને તેમનાં માતા કૅથલિક હોવાથી તેઓ ઘરમાંથી જ દરેક ધર્મ પ્રત્યે આદર, સન્માન રાખતાં શીખ્યાં હતાં.

સુનીતાના પિતા દીપક પંડ્યા તેમની સાથે ચર્ચમાં પણ 'ભગવદ્ ગીતા' લઈ જતા. તેમણે બાળકોને રામાયણ અને મહાભારતની કહાણીઓ સંભળાવીને તેમનાં બાળકોમાં ભારતીય સંસ્કૃતિ સાથે જોડાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો.

સુનીતા વિલિયમ્સે બાળપણમાં સ્વિમિંગ પણ શીખ્યું હતું અને છ વર્ષની ઉંમરે જ તેમણે સ્વિમિંગમાં ઘણાં પદક જીત્યાં હતાં.

એ જોઈને તમામને લાગતું હતું કે સુનીતા સ્વિમર બનશે, પરંતુ તેમને મેડિકલ અભ્યાસમાં વધુ રસ હતો.

સુનીતાને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો એટલે જ મેડિકલ અભ્યાસમાં વધુ રસ હતો. સુનીતાને પશુચિકિત્સામાં અભ્યાસ કરવો હતો. સુનીતાએ વૅટરનરી માટે ઍપ્લિકેશન કરી હતી, પરંતુ તેમને પસંદગીની કૉલેજમાં ઍડમિશન ન મળ્યું.

આથી તેમણે તેમના ભાઈ જયની સલાહથી યુએસ નેવલ ઍકેડેમી જોઇન કરી. આ સાથે જ સુનીતાના જીવનની દિશા અલગ થઈ ગઈ.

જ્યારે નાસાએ તેમની અરજી નકારી દીધી

સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, અંતરીક્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ સાથે તેમના પિતા દીપક પંડ્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આમ, સુનીતાની પ્રોફશનલ કારકિર્દીની શરૂઆત નેવીમાંથી થઈ.

તેમણે 1983માં યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ઍકેડેમી જોઇન કરી. તેમણે ત્યાં ટ્રેઇનિંગ પૂર્ણ કરી એ પછી તેમણે નેવીમાં પાઇલટ તરીકે 1989માં નવી શરૂઆત કરી. નેવલ સર્વિસમાં તેમણે ઍરક્રાફ્ટ ઉડાવ્યું અને 2770 કલાકની ઉડાણનો અનુભવ ધરાવે છે.

1993માં તેમણે મેરીલૅન્ડમાં નેવલ ટેસ્ટ પાઇલટ સ્કૂલમાં ગયાં અને તે સમય દરમિયાન તેમણે હ્યુસ્ટનમાં આવેલાં જ્હૉન્સન સ્પેસ સેન્ટરની મુલાકાત કરી હતી. ત્યાં તેમણે અવકાશયાત્રી જ્હોન યંગ સાથે મુલાકાત કરી અને તેઓ તેનાથી પ્રભાવિત થયા. જ્હૉન ચંદ્ર પર પણ જઈ આવ્યા હતા. આ મુલાકાત પછી તેમણે નાસામાં ઍપ્લિકેશન કરી.

સુનીતાની અરજી નકારી દેવામાં આવી, પરંતુ તેઓ અટક્યાં નહીં. 1995માં તેમણે એન્જિનિયરિંગ મૅનેજમેન્ટમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી અને પછી તેમણે 1997માં ફરીથી નાસામાં અરજી કરી.

નાસાએ તેમની અરજીને સ્વીકારી. એ પછી તેઓ એક ટ્રેઇની અવકાશયાત્રી તરીકે પસંદ થયાં.

સુનીતા અવકાશમાં નવ ડિસેમ્બર, 2006 ના રોજ પહેલી વાર ગયાં હતાં. એ સમયે તેઓ જૂન 22, 2007ના રોજ અવકાશમાંથી પાછાં ફર્યાં હતાં.

સુનીતા બીજી વાર અવકાશમાં 15 જુલાઈ, 2012માં રશિયન સોયુઝ ડીએમએ-05માં ગયાં હતાં અને મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર તેઓ 19 નવેમ્બરે પાછાં ફર્યાં હતાં.

સુનીતા અવકાશમાં સમોસાં લઈ ગયાં

સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, અંતરીક્ષ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કૉમર્શિયલ ધોરણે 2015માં અવકાશમાં જવા માટે પસંદ થનારાં તેઓ પહેલા અવકાશયાત્રી હતાં. તેમણે આ પ્રોગ્રામમાં ભાગ લીધો અને સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં બેસીને તેઓ પહેલી વાર પાંચ જૂન, 2024ના રોજ અવકાશમાં ગયાં.

ત્યારબાદ તેઓ નવ મહિના સુધી પાછા ફરી ન શક્યા અને હવે પાછાં ફરી રહ્યાં છે.

સુનીતા 59 વર્ષનાં છે અને તેમણે માઇકલ વિલિયમ્સ સાથે લગ્ન કરેલાં છે. તેઓ બંને નેવલ ઍકેડમીમાં મળ્યાં હતાં અને મિત્રો હતાં. ગ્રૅજ્યુએટ થયાં પછી બંનેનો સંપર્ક ઘટી ગયો હતો અને બંને પછી એક મિત્રનાં લગ્નમાં મળ્યાં હતાં. પછી તેમનો સંબંધ ફરીથી ખીલ્યો.

બે વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી તેમણે 1987માં લગ્ન કરી લીધાં.

ભૂતકાળમાં સુનીતા સમોસાં અને ભગવદ્ ગીતા લઈને અવકાશમાં ગયા, ત્યારે વિવાદ થયો હતો.

તેના વિશે સુનીતાએ કહ્યું હતું, "આ બંને વસ્તુઓ મારા દિલની નજીક છે. આ મારા પિતાએ મને આપેલી ભેટ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.