'ભૂંગા' તરીકે ઓળખાતાં કચ્છી મકાનો ભૂકંપ, ગરમી અને ઠંડી સામે કેવી રીતે ટકી રહે છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા, કચ્છના લૂડિયાંથી
ગુજરાતમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાનું આગમન થઈ ચૂક્યું છે. કેટલાક જિલ્લામાં ગત અઠવાડિયે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચ્યું હતું, જેનાથી એ અંદાજ આવે છે કે ઉનાળો કેવો હશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાં ખૂબ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. તેમ છતાં કચ્છના સુદૂર વિસ્તારોમાં રહેતા કેટલાક લોકોને અંગ દઝાડતી ગરમીની બહુ ચિંતા નથી, કારણ કે તેમની પાસે 'કચ્છી ભૂંગા'નો આશરો છે.
કચ્છી ભૂંગા એટલે કે કચ્છનાં પરંપરાગત મકાનો જે ઇકૉ-ફ્રૅન્ડલી તો છે જ, સાથેસાથે તીવ્ર ગરમીથી રક્ષણ આપે છે.
કચ્છના ભચાઉ શહેરની આજુબાજુના ગામોમાં ગોળ આકારના અને વિલાયતી નળિયાની (મૅંગ્લોર રૂફ ટાઇલ) છત ધરાવતાં મકાનો નૅશનલ હાઈવે-27 વાટે કચ્છ જિલ્લામાં પ્રવેશતા બહારના સૌ કોઈ લોકોનું ધ્યાન ખેંચે.
આ અલગ પ્રકારનાં લાગતાં મકાનો પાકી દીવાલોવાળા આધુનિક ભૂંગા છે, જેમાંના મોટા ભાગનાં કચ્છમાં 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ લોકોના પુનર્વસન દરમિયાન બાંધવામાં આવ્યાં હતાં.
સત્તાવાર આંકડા અનુસાર, ભૂકંપથી એ સમયે કચ્છ જિલ્લામાં 12,221 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને બે લાખ કરતાં વધારે મકાનો પડી ગયાં હતાં અને અન્ય પાંચ લાખ કરતાં વધારે મકાનોને નુકસાન થયું હતું.

ભૂંગા ભૂકંપ સામે કેમ ટકી રહે છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
1982થી કચ્છમાં ગ્રામીણ લોકોના ઉત્થાન માટે કામ કરી રહેલ કિરણ વાઘેલા કહે છે, "7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ છતાં એકેય પરંપરાગત ભૂંગો પડ્યો ન હતો અને ભૂંગામાં રહેનાર કોઈ લોકોનું મૃત્યુ થયું ન હતું."
"તે જ રીતે 2023માં આવેલા બિપરજોય વાવાઝોડામાં પણ ભૂંગાને કોઈ મોટું નુકસાન થયાની ફરિયાદો ન હતી, કારણ કે ગોળ આકારની દીવાલ અને તેના પરની શંકૂ આકારની છત પવનના પ્રવાહને અટકાવવાને બદલે આજુબાજુમાં વહેંચીને પસાર થવા દે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર,"કચ્છ જિલ્લો એ વેરી હાઈ-સિસ્મિક એટલે કે એવા ભૂભાગમાં આવેલો છે, જ્યાં ભૂકંપની થવાની શક્યતા અતિશય વધારે હોય છે."
સિવિલ એન્જિનિરીંગમાં સ્નાતક થયેલ વાઘેલા જણાવે છે કે ભૂંગાનો ગોળ આકાર અને હલકી છત ભૂકંપની તાકાતને સહન કરી જાય છે. સામાન્ય રીતે ચોરસ મકાનમાં પૃથ્વીના વાતાવરણના દબાણ અને ગુરુત્વાકર્ષણના કારણે વજન મકાનની છત પર હોય છે, તે ચાર દીવાલો વાટે જમીન પર ઉતરે છે."
વાઘેલા સમજાવે છે, "જ્યારે ભૂકંપ આવે, ત્યારે તેની તાકાત મકાનની ચારમાંથી કોઈ એક દીવાલ સાથે અથડાય છે. તેવા સંજોગોમાં પાકા ચોરસ મકાનની છત બીમ-કૉલમ બની જાય છે અને ભૂકંપ જે દિશામાંથી આવ્યો હોય તેની સામેની તરફની દીવાલને ધક્કો મારે છે. આથી, મકાન પડી જાય છે."
"પરંતુ, ભૂંગાની દીવાલ ગોળાકાર હોવાથી કોઈ એક દિશામાંથી આવતી ભૂકંપની તાકાત ગોળાકારમાં વહેંચાઈ જાય છે અને કોઈ ખૂણો ન હોવાથી બાંધકામ મોટો ધક્કો પણ ખમી જાય છે. વળી, છત હલકી હોવાથી દીવાલને ધક્કો મારતી નથી. તેથી માટીમાંથી બનેલા પરંપરાગત ભૂંગા ભૂકંપ સામે મોટા ભાગે ટકી રહે છે."
2001ના ભૂકંપ પછી વાઘેલાએ અન્ય સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને હુન્નરશાળા ફાઉન્ડેશનની સ્થાપના કરી તેના માધ્યમથી કચ્છની વાસ્તુકલા સહિતના પરંપરાગત જ્ઞાનને જાણવાનું, તેનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વૅલિડેશન (ખરાઈ) કરવાનું અને તેને આધુનિક જ્ઞાન સાથે જોડવાનું કામ કરી રહ્યા છે.
વાઘેલા કહે છે, "કચ્છના ઉત્તર ભાગમાં આવેલા ખડીર ટાપુ (જ્યાં હડ્ડપીય સંસ્કૃતિના ધોળાવીરા શહેરના અવશેષો આવેલ છે), બન્નીનું ઘાસિયું મેદાન અને તે મેદાનના છેવાડે આવેલા 'કચ્છ પચ્છમ' તરીકે ઓળખાતા ખાવડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પશુપાલન, ખેતી, કાંતણ અને છૂટક મજૂરી કરતા લોકો આજે પણ માટીની દીવાલોવાળા પરંપરાગત ભૂંગામાં રહે છે."
200 વર્ષ કરતાં જૂનો આધુનિક ઇતિહાસ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
વાઘેલા કહે છે ભૂંગાનો ઇતિહાસ કચ્છમાં 1819 માં આવેલ ભૂકંપ સાથે જોડાયેલ છે.
કિરણ વાઘેલા કહે છે, "આમ તો ધોળાવીરામાં હડ્ડપીય સંસ્કૃતિના અવશેષોમાં પણ ગોળ આકારનાં મકાનોના નિશાન છે, જે ભૂંગા જેવા લાગે છે. તે હડપ્પીય સંસ્કૃતિના અંત ભાગ તરફ, ઇસવી સન પૂર્વે 1300 ની આજુબાજુ બંધાયેલા હોવાનું જણાય છે. તે રીતે, કચ્છમાં ભૂંગા હજારો વર્ષથી લોકોના રહેણાંક રહ્યા હોય તેવું મનાય છે."
હુન્નરશાળાના સ્થાપક ડાયરેક્ટર કહે છે, "પરંતુ 1819માં કચ્છમાં જોરદાર ભૂકંપ આવેલા અને સેંકડો મકાનો પડી ગયાં હતાં. તેથી કચ્છ અને હાલમાં પાકિસ્તાનમાં રહેલ સિંધ પ્રાંતના કડિયા ભેગા થયા અને એવું નુકસાન ભવિષ્યમાં નિવારી શકાય તે માટે કેવા મકાન બનાવવા તેના વિષે મંથન કર્યું."
"અંતે, તેઓ ગોળ આકારનાં ભૂંગા ભૂકંપ સામે ટકી શકશે તેવા તારણ પર આવ્યા અને ત્યારથી ભૂંગાનું ચલણ વધ્યું તેમ મનાય છે."
વાઘેલા કહે છે કે એક ભૂંગો એ એકલું મકાન નથી હોતું, પણ એક મકાનનો એક ભાગ ગણાય છે. તે એક જ પ્રાંગણમાં આવેલાં મકાનોના સમૂહનો એક ભાગ છે.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
કચ્છના ગ્રામ્યલોકોના ઉત્થાન માટે કામ કરતી સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડિરેક્ટર રમેશ ભટ્ટી જણાવે છે.
"જ્યારે વીજળી અને પંખા જેવાં સાધનો ન હતાં, ત્યારે કચ્છના વાતાવરણમાં લોકો માટે ભૂંગા તડકા અને ટાઢથી બચાવનારાં સારાં મકાન ગણાતાં. પૂર્વ કચ્છના વાગડ તરીકે ઓળખાતા પ્રાંતથી માંડીને ખડીર, બન્ની અને પચ્છમ પ્રદેશોના ખેડૂત, માલધારી, મજૂરો અને પરંપરાગત વ્યવસાયો સાથે જોડાયેલા લોકો તેમાં રહેતા."
"ભૂંગા બાંધવામાં બહુ ખર્ચ થતો ન હતો, પરંતુ હવે લોકોની આર્થિક સ્થિતિ સુધારતા લોકો પાકાં મકાનો કે પાકી દીવાલો અને નળિયાવાળા છત ધરાવતા ભૂંગામાં રહેતા થયા છે."
કિરણ વાઘેલા સમજાવે છે એ પ્રમાણે,
- પેઢી: પરંપરાગત રીતે ભૂંગો હોય તેના બારણાં આગળ નળિયાંવાળું એક છાપરું હોય છે, જેને 'પેઢી' કહેવાય છે. તે ઘરની બહાર બેસી કામ કરવાની જગ્યા છે.
- ઓતાંગ: ભૂંગાની બાજુમાં 'ઓતાંગ' તરીકે ઓળખાતું નળિયાંવાળું મકાન હોય છે, જે મહેમાનો માટે 'ગેસ્ટ રુમ' જેવું હોય છે.
- ગઝેબો: આ સમૂહમાં 'છનોડિયા' તરીકે ઓળખાતા ગઝેબો (દીવાલ વગરનું છત્રી આકારનું છાપરું) પણ હોય છે.
એ સિવાય નળિયાની છતવાળું 'રાંધણિયું' એટલે કે રસોડું અને 'નાયણી' કહેવાતા સ્નાનઘરનો સમાવેશ પણ થાય છે.
પરિવારના સભ્યોની સંખ્યા મુજબ એક જ પ્રાંગણમાં એક કરતાં વધારે ભૂંગા હોય શકે તેમ વાઘેલા જણાવે છે.
ભૂંગા કેવી રીતે બાંધવામાં આવે છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
કચ્છના ભુજ તાલુકામાં પાકિસ્તાનની સરહદ નજીક આવેલ ખાવડા ગામ નજીકના લૂડિયાં ગામના કેટલાય રહીશોએ પરંપરાગત ભૂંગા ચણવાના કારીગર તરીકે તેમની ઓળખ સ્થાપિત કરી છે.
આવા જ એક કારીગર કુંભાભાઈ મારવાડા કહે છે, "એક ભૂંગો તૈયાર કરતાં બે મહિના કરતાં વધારે સમય લાગે. તેઓ કહે છે કે ભૂંગાની દીવાલ સામાન્ય રીતે નવેક ફૂટ ઊંચી હોય અને એકાદ ફૂટ પહોળી હોય છે. ભૂંગાનો વ્યાસ અઢારેક ફૂટ સુધી હોય છે."
કુંભાભાઈ કહે છે, "ભૂંગો ચણવા માટે સારી ચીકણી માટી ખોદી લાવી, તેમાં ગધેડા કે ઘોડાની લાદ, ભેંસ કે ગાયનું છાણ મિશ્રિત કરી એક આઠથી દસ ફૂટ ઊંડો ખાડો ખોદી તેમાં રાખવામાં આવે છે. તેમાં પાણી ભેળવી વીસેક દિવસ સુધી પલળવા દેવામાં આવે છે."
"પછી તે માટીની ઇંટો બનાવી તેને સૂકવી અને તેનાથી ચણતર કરવામાં આવે છે અને પછી દીવાલ પર માટીનું લીંપણ કરવામાં આવે છે. દીવાલ ચણાય ગયા પછી તેના પર એક આડી મૂકી તે આડીના આધારે વાંસ કે નીલગીરીની વળીઓથી શંકુ આકારની છતનું માળખું બનાવવામાં આવે છે."
"આ ખપેડા ઉપર દાભડા જેવું સ્થાનિક ઘાસ કે ડાંગરનું પરાળ દોરડી વડે બાંધી છતને મઢી લેવામાં આવે છે." છતના શંકુની ઊંચાઈ 17 ફૂટ સુધીની હોઈ શકે છે.
કુંભાભાઈ ઉમેરે છે કે પરંપરાગત ભૂંગાનું ચણતર માટીનો ગારો કરીને, માટીની ઇંટો બનાવીને કે દિવાલના આકારમાં લાકડા ખોડી તેને માટીથી મઢીને કરાય છે.
અંદરની બાજુએ દિવાલમાં લીપણ કરી તેના પર માટી વડે પશુ-પક્ષી અને વૃક્ષો-વેલી કે વિવિધ અકારોની ભાત પાડી મોટા ભાગે સફેદ માટીનો ઢોળ ચઢાવાય છે. ભોંયતળિયામાં છાણ-મિશ્રિત કાળી માટીથી લીંપણ કરવામાં આવે છે.
ભૂંગા ટાઢ-તડકામાં કઈ રીતે રાહત આપે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
પોતાના જન્મથી જ લૂડિયાં ગામે ભૂંગામાં રહેતા 67 વર્ષના આચારભાઈ મારવાડા કહે છે કે ભૂંગા માટી, લાકડા અને ઘાસથી બનેલ હોવાથી તેની અંદર વાતાવરણ સમ રહે છે.
આચારભાઈ કહે છે, "ભૂંગાની ખાસિયત છે કે ગરમીમાં ઠંડુ રહે અને ઠંડીમાં ગરમ રહે. બીજું કે તેમાં માખી કે મચ્છર કે કીડા એવું કંઈ થતું નથી. ભૂંગાની છત ઘાસની અને દીવાલ માટીની બનેલી હોવાથી ગરમીમાં તે ગરમ થતા નથી તેથી અંદરનું વાતાવરણ ઠંડુ રહે છે. તે જ રીતે શિયાળામાં છત અને દીવાલ ઠંડા થતા નથી તેથી અંદરનું વાતાવરણ હૂંફાળું રહે છે."
કિરણભાઈ વાઘેલાનો દાવો છે કે બહારના અને ભૂંગાની અંદરના વાતાવરણમાં પાંચ ડિગ્રીથી વધારેનો તફાવત રહે છે.
કિરણભાઈ વાઘેલા કહે છે, "કચ્છમાં અતિશય ગરમી અને ખૂબ ઠંડી પડે છે. તેનાથી બચવા માટે ભૂંગામાં જે એક કે બે બારીઓ હોય છે તેની સાઇઝ નાની રખાય છે અને બારણું પણ નાનું રખાય છે, જેથી બહારની ગરમ કે વધારે ઠંડી હવા અંદર ન આવી જાય."
"જળવાયુ પરિવર્તન તથા સાતત્યપૂર્ણ વિકાસના જમાનામાં ભૂંગા લૉ-કોસ્ટ હાઉસિંગ નહીં, પણ નૉ-કોસ્ટ હાઉસિંગ (સસ્તા નહીં પણ મફતમાં બનતાં મકાનો) છે, કારણ કે તેમાં મોટા ભાગનું મટીરીયલ સ્થાનિક કક્ષાએ મોટા ભાગે મફત મળી રહે છે અને વીજળીથી ચાલતા ઉપકરણોનો ઉપયોગ બહુ કરવો પડતો નથી."
લુડિયામાં ભૂંગામાં રહેતા અને આશા વર્કર તરીકે કામ કરતા ધર્માબહેન સંજોટ પણ આ વાતમાં સૂર પુરાવે છે.
ધર્માબહેન કહે છે, "અમારે નળિયાંવાળું મકાન પણ છે, પણ મને તો ભૂંગામાં રહેવું જ ગમે છે. મકાનમાં ઉનાળો આવે, ત્યારે ખૂબ ગરમી થાય છે."
ભૂંગા ચણવામાં કેટલો ખર્ચ થાય?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
કુંભાભાઈ કહે છે, "એક ભૂંગાનો સમૂહ ચણવામાં સાડા ત્રણેક લાખનો ખર્ચ થાય. હવે અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ જેવા મોટા શહેરોમાં રહેતા લોકો પણ ભૂંગા ચણાવે છે અને તેનો ખર્ચ સાડા આઠ લાખ સુધી થઈ શકે છે."
સુથારીકામ, ભરતગૂંથણ અને ખેતી સાથે સંકળાયેલા આચારભાઈ કહે છે કે, ભૂંગામાં રહેવું હવે મોંઘુ પડવા માંડ્યું છે.
આચારભાઈ મારવાડા કહે છે, "જો છતમાં દાભડો નાખીએ તો તે સાત-આઠ વર્ષ સુધી ટકે, પરંતુ વરસાદ ઓછા થવાથી હવે દાભડો બહુ મળતો નથી અને અન્ય ઘાસનું છત બનાવીએ તો વીંછી કે અન્ય જંતુઓનો ઉપદ્રવ થવાનો ડર રહે છે."
"તેથી, લોકો ડાંગરનું પરાળ વાપરતા થયા છે, પરંતુ આ પરાળ પાંચ વર્ષમાં સડી જાય છે એટલે દર પાંચ વર્ષે છત બદલવા માટે પાંચથી પંદર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે."
"એ ઉપરાંત, ભૂંગાની દીવાલ અને ભોંયતળિયે વર્ષમાં બે વાર માટીનું લીપણ કરવું પડે છે. પરંતુ, નવી પેઢીને તે ગમતું નથી. તેમને પાકાં મકાન વધારે ગમે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












