ગુજરાત : કચ્છમાં બની રહેલો હાઇબ્રિડ ઍનર્જી પાર્ક ભારત-પાક સીમાથી કેટલો દૂર અને શું વિવાદ છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં કચ્છના ખાવડા નજીક પાકિસ્તાન સરહદે એક વિશાળ રિન્યુએબલ ઍનર્જી (આરઈ) પાર્ક આકાર લઈ રહ્યો છે, પરંતુ આ મામલે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે.
સૂર્યપ્રકાશ અથવા પવન જેવા સ્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવા આરઈ પાર્ક સ્થપાઈ રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકારે સુરક્ષાના પ્રોટોકોલની અવગણના કરી હોવાનો આરોપ છે.
આ મામલે વિરોધપક્ષ કૉંગ્રેસ અને ડીએમકેના સાંસદો ગયા બુધવારે લોકસભામાં વેલમાં દોડી ગયા હતા. કૉંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રી પ્રલ્હાદ જોશીએ આપેલા જવાબથી સંતોષ ન થવાથી વિરોધપક્ષોએ ગૃહમાંથી વૉકઆઉટ કર્યું.
લગભગ એક મહિનામાં બીજી વખત કૉંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
ખાવડાના આરઈ પાર્કમાં જમીન ફાળવણીનો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
ગયા મહિને બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં દાવો કર્યો હતો કે ભારત સરકારે સરહદની સુરક્ષાના નિયમો હળવા કર્યા પછી અદાણી ગ્રૂપને ફાયદો થયો છે.
અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાત સરકારે 30,000 મેગાવૉટની ક્ષમતાના આરઈ પાર્ક માટે કેન્દ્રની ભાજપ શાસિત સરકારને વિનંતી કરી હતી કે પાકિસ્તાન સરહદે એક કિલોમીટર સુધીના વિસ્તારમાં પવનચક્કીઓ અને સોલાર પેનલ્સ ઊભી કરવા સરહદની સુરક્ષાના પ્રોટોકોલમાં છૂટછાટ આપવામાં આવે.
અહેવાલમાં જણાવાયું છે કે 21 એપ્રિલ, 2023ના રોજ દિલ્હીમાં મળેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલયે આ જમીન "રિન્યુએબલ ઍનર્જી માટે આર્થિક રીતે પરવડે તેવી બને" તે માટે સરહદ સુરક્ષાના ધારા-ધોરણોમાં છૂટછાટ આપવા સંમતિ આપી હતી. જોકે, બેઠકમાં હાજર ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ શરૂઆતમાં આવી છૂટછાટનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે વિન્ડમિલ અને સોલર પેનલ્સના કારણે ટૅન્કોની મૂવમેન્ટ અને સરહદ પર દેખરેખ રાખવામાં અવરોધ પેદા થશે.
ગાર્ડિયનના અહેવાલ મુજબ સેનાના અધિકારીઓને મીટિંગમાં જણાવાયું કે, "સોલાર પ્લૅટફૉર્મ્સ દુશ્મનની તોપોની મૂવમેન્ટથી પેદા થતા ભયનું સમાધાન કરવા માટે પૂરતા સાબિત થશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાર્કનું કામ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારની કંપની સોલાર ઍનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (SECI)ને સરહદ પર 230 ચોરસ કિલોમીટર જમીન ફાળવવામાં આવી હતી. ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે કે મે, 2023માં કેન્દ્ર સરકારે તેનાં વિવિધ મંત્રાલયોને વાકેફ કર્યાં કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, નેપાળ અને મ્યાનમાર સાથેની ભારતની સરહદ પર માળખાગત સુવિધાઓના વિકાસ માટે નિયમો હળવા કરવામાં આવ્યા છે.
17 જુલાઈ, 2023ના રોજ સોલર ઍનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડએ તેને ખાવડા આરઈ પાર્કમાં ફાળવાયેલ જમીન ગુજરાત સરકારને પરત સોંપી દીધી અને તે જ વર્ષે ઑગસ્ટ સુધીમાં તે જમીન અદાણી ગ્રૂપને ફાળવવામાં આવી.
કૉંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ 12 માર્ચે લોકસભામાં પૂછ્યું કે "રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલ અનુસાર સરહદથી 10 કિલોમિટરની અંદર કોઈ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્થાપિત કરી શકાતો નથી. હું માનનીય મંત્રીને પૂછવા માંગુ છું કે શું નિર્માણાધીન ખાવડા પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલમાં છૂટછાટ આપવામાં આવી છે? બીજું, આ મિશ્ર નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ કે જેમાં પવન, સૌર અને અન્ય વસ્તુઓ છે તેના માટે ભારત સરકાર દ્વારા કેટલી છૂટછાટો આપવામાં આવી છે?"
પ્રલ્હાદ જોશીએ જવાબમાં દાવો કર્યો કે ખાવડા પાર્કને મંજૂરી આપતી વખતે ધારા-ધોરણોનું પાલન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, "અમે દેશમાં નવીનીકરણીય ઊર્જા ઉત્પન્ન કરવા માંગીએ છીએ. એક અર્થમાં ખાવડાનો પ્રશ્ન અસંબંધિત છે. તેમ છતાં હું કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈ પ્રોજેક્ટને પરવાનગી આપવામાં આવે છે, ત્યારે તે રાજ્ય, કેન્દ્ર (સરકાર) અને સ્થાનિક (સંસ્થાઓ)ના વિભાગો પાસેથી યોગ્ય મંજૂરીઓ અને લાઇસન્સ મેળવ્યા પછી જ આપવામાં આવે છે."
ખાવડા હાઇબ્રિડ આરઈ પાર્ક શું છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
સત્તાવાર રીતે ગુજરાત સોલાર/વિન્ડ હાઇબ્રિડ આરઈ પાર્ક તરીકે ઓળખાતો ખાવડા આરઈ પાર્ક એક જ જગ્યાએ આટલા મોટા પ્રમાણમાં પુનઃપ્રાપ્ય વીજળીનું ઉત્પાદન કરતો વિશ્વનો સૌથી મોટો પાર્ક હોવાનો સરકારનો દાવો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં આ મેગા પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. આ નિર્માણાધીન પાર્ક એક હાઇબ્રિડ ઍનર્જી પાર્ક છે, જેમાં પવન ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરવા માટે પાવર જનેરેટરને ફેરવતી પવનચક્કીઓ અને સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પેનલ્સ ફિટ કરાઈ રહી છે.
2020માં ધ ઇન્ડિયન ઍક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ ગુજરાત સરકારે શરૂઆતમાં પ્રસ્તાવિત ખાવડા હાઇબ્રિડ આરઈ પાર્ક માટે એક હાજર ચોરસ કિમી એટલે કે એક લાખ હેક્ટર જમીન ફાળવવાનું નક્કી કર્યું હતું. પરંતુ, બાદમાં તેને ઘટાડીને 726 ચોરસ કિમી કરી દીધી.
"એપ્રિલ 2020માં સંરક્ષણ દળોની જરૂરિયાતોને ધ્યાનમાં લીધા પછી સંરક્ષણ મંત્રાલય એ પાર્ક બનાવવા માટે ઓળખાયેલી જમીનમાંથી 72,600 હેક્ટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપી."
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે, "આરઈ પાર્ક બે ઝોનમાં વહેંચાયેલો હશે: એક ઝોનમાં 49,600 હેક્ટર હાઇબ્રિડ પાર્ક ઝોન હશે જેમાં 24,800 મેગાવૉટ ક્ષમતાના પવન અને સૌર ઊર્જાનો હાઇબ્રિડ પાર્ક બનશે અને બીજા ઝોનમાં 23,000 હેક્ટરમાં ફેલાયેલો એક વિશિષ્ટ વિન્ડ પાર્ક ઝોન... વિશિષ્ટ વિન્ડપાર્ક ઝોન આંતરરાષ્ટ્રીય સરહદથી એકથી છ કિમી દૂર હશે. હાઇબ્રિડ પાર્ક ઝોન સરહદથી છ કિમી દૂર હશે."
ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કૉર્પોરેશન લિમિટેડ (જીપીસીએલ)ને ખાવડા આરઈ પાર્ક બનાવવાની કામગીરીની પ્રગતિ પર નજર રાખવાની જવાબદારી સોંપાઈ છે.
જીપીસીએલની વેબસાઇટ પર ઉબલબ્ધ માહિતી અનુસાર ગુજરાત સરકારે શરૂઆતમાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની લિમિટેડ (જીઆઈપીસીએલ)ને 47.50 ચોરસ કિમી, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કૉર્પોરેશન(જીએસઈસીએલ)ને 66.50 ચોરસ કિમી, નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન લિમિટેડ(એનટીપીસી) અને સુઝલોન ગ્રૂપની સર્જન રિયાલિટીઝ લિમિટેડને 95-95 ચો. કિમી, અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડ(એજીઈએલ)ને 190 ચો. કિમી અને સોલર ઍનર્જી કર્પોરેશનને 230 ચો. કિમી જમીન ફાળવી હતી.
સોલર ઍનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને ફાળવવામાં આવેલી જમીન ફક્ત વિન્ડફાર્મ ઍક્ટિવિટી એટલે કે પવનઊર્જાને લગતી પવનચક્કી વગેરે જેવી માળખાગત સુવિધા માટે હતી.
આ છ કંપનીઓને અનુક્રમે 2375 મેગાવૉટ, 3325 મેગાવૉટ, 4750 મેગાવૉટ, 4750 મેગાવૉટ, 9500 મેગાવૉટ અને 3000 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાની હતી.
અદાણી અને સર્જન ખાનગી કંપનીઓ છે. જીઆઈપીસીએલ અને જીએસઈસીએલ ગુજરાત સરકારની અને એનટીપીસી અને સોલર ઍનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા ભારત સરકારની કંપનીઓ છે.
ખાવડા આરઈ પાર્ક કેમ મહત્ત્વનો છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
2015માં પેરિસમાં યુએન ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સ (COP21)માં ભારતે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી કે 2030 સુધીમાં તેની 40 ટકા વીજળી બિન-અશ્મિભૂત ઈંધણમાંથી ઉત્પન્ન કરતો દેશ બની જશે અને તે રીતે આબોહવા પરિવર્તનનો સામનો કરવાની પોતાની જવાબદારી નિભાવશે. ત્યારથી, ભારત દર વર્ષે તેની વીજળી ઉત્પાદન ક્ષમતામાં હજારો મેગાવૉટ સૌર અને પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા ઉમેરી રહ્યો છે.
2014માં ભારતમાં પવન અને સૌરઊર્જામાંથી 23,864 મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા હતી. જાન્યુઆરી 2025 સુધીમાં તે વધીને 1.51 લાખ મેગાવટ થઈ ગઈ કારણ કે આ સમય દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં "સરકારી પડતર" તરીકે વર્ગીકૃત કરાયેલી શુષ્ક જમીન પર મોટા મોટા સોલાર પાર્કો અને વિન્ડ ફાર્મ્સનું નિર્માણ થયું.
2024ના અંતે ભારતની વીજળી ઉત્પન્ન કરવાની કુલ ક્ષમતા 4.62 લાખ મેગાવૉટ હતી. તેમાંથી આરઈનો હિસ્સો 2.09 લાખ મેગાવૉટ એટલે કે 45.3 ટકા હતો. આમ, ભારતે પેરિસમાં કરેલ વાયદાને સમયમર્યાદા કરતા પાંચ વર્ષ અગાઉ જ પૂરો કરી બતાવ્યો.
ભારતે હવે 2030 સુધીમાં તેની બિન-અશ્મિભૂત ઈંધણ ઊર્જા ઉત્પાદન ક્ષમતાને લગભગ ત્રણ ગણી વધારીને પાંચ લાખ મેગાવૉટ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને ખાવડા આરઈ પાર્ક તે લક્ષ્ય સિદ્ધ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.
ગુજરાત સરકારના એક અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે ખાવડા આરઈ પાર્કે 3000 મેગાવૉટથી વધુ વીજળી ઉત્પાદન કરવાનું શરૂ પણ કરી દીધું છે.
બીબીસીએ ફેબ્રુઆરી, 2025માં ખાવડા હાઇબ્રિડ આરઈ પાર્કની મુલાકાત લીધી ત્યારે ત્યાં સોલાર પેનલ્સ, પવનચક્કીઓ, પાવર ટ્રાન્સમિશન લાઇનના ટાવર અને તાર લગાડવાનું કામ દિવસ-રાત યુદ્ધના ધોરણે ચાલુ હતું.
ગયા વર્ષે અદાણી જૂથે જણાવ્યું કે કંપનીએ ખાવડા પાર્કમાં 8,000 કર્મચારીઓ અને મજૂરો રહી શકે તેવી ક્ષમતાવળી એક ટાઉનશિપ વિકસાવી છે. પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખાવડા પાર્કમાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
જીપીસીએલની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આરઈ પાર્કના નિર્માણનું કામ 2026ના અંત સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા છે.
આરઈ પાર્કે ખાવડા અને નજીકનાં ગામોમાં આર્થિક પ્રવૃત્તિને વેગ આપ્યો છે. આ પાર્કને લગતી કામગીરી ચાલું થઈ તે પહેલાં આ ગામોમાં રહેતા લોકો તેમની આજીવિકા માટે વરસાદ આધારિત ખેતી અને પશુપાલન પર નિર્ભર હતા.
પરંતુ કેટલાક સ્થાનિક ખેડૂતોએ બીબીસીને જણાવ્યું કે ખાવડા આરઈ પાર્કનું કામ ચાલુ તથા તેમણે તેમની જમીન કંપનીઓ અને કૉન્ટ્રાક્ટરોને મટિરિયલ ડેપો સ્થાપવા માટે ભાડે આપી છે. કેટલાક ખેડૂતોએ જેસીબી મશીન, ટ્રૅક્ટર, પાણીના ટાંકા વગેરે જેવાં વાહનો ખરીદી આરઈ પાર્કમાં વિવિધ કામગીરી માટે આપ્યાં છે.
આરઈ પાર્ક માટે સરહદ નજીકની જમીન જ કેમ પસંદ કરાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
આરઈ પાર્ક્સ, ખાસ કરીને સોલાર પાર્ક્સ બનાવવા માટે જમીનોના મોટા ટુકડાઓની જરૂર રહે છે કારણ કે વ્યાપારિક ધોરણે નિર્માણ કરતા આવા પાર્ક્સમાં જમીન પર ફ્રેમ ઊભી કરી તેના પર સોલાર પેનલ્સ ફિટ કરવા માટે મોટા વિસ્તારોની જરૂર પડે છે.
તાજેતરમાં ભારતમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર અને ખાણકામ પ્રોજેક્ટ્સ માટે ખાનગી જમીન સંપાદન કરવાની પ્રીક્રિયાનો જાહેર વિરોધ જોવા મળ્યો છે.
પરંતુ, રાજસ્થાન અને ગુજરાતમાં "સરકારી પડતર" જમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ સરકારની માલિકીની વિશાળ જમીનો આવેલ છે અને આવી જમીનો હવે સોલાર અને વિન્ડપાર્ક બનાવવા માટે સરકાર ફાળવી રહી છે.
મોટા ભાગની આવી જમીનો રાજસ્થાનના થારના રણ તેમ જ કચ્છના મોટા રણ અને તેની કાંધી પર આવેલ છે. આ વિસ્તાર ભારત-પાકિસ્તાનની સરહદ નજીક પણ છે.
કચ્છ જિલ્લો 45000 ચો. કિમીથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલો છે અને વિસ્તારની દૃષ્ટિએ તે ભારતનો સુધી મોટો જિલ્લો છે. કચ્છમાં નાનું અને મોટું બંને રણ આવેલાં છે. પરંતુ, આ બંને રણના મોટા ભાગના વિસ્તારો વન્યજીવન અભયારણ્ય જાહેર કરાયેલ હોવાથી તેમની જમીન માળખાકીય પ્રોજેક્ટસ માટે ઉપલબ્ધ નથી.

ઇમેજ સ્રોત, AFP
જોકે, કચ્છના મોટા રણને અડીને આવેલ ખાવડા નજીકની જમીન પર આવાં કોઈ નિયંત્રણો નથી, સિવાય કે તે સરહદની નજીક છે.
ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તત્કાલીન અધિક મુખ્ય સચિવ સુનૈના તોમરે 2020માં ઇન્ડિયન ઍક્સપ્રેસને જણાવ્યું હતું કે, "આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે કારણ કે આ એક સંપૂર્ણ પડતર જમીન છે. બીજું, જો તમે સરહદ નજીક પવનચક્કીઓ ઊભી કરો તો તે એક સરહદ તરીકે પણ કામ કરે."
ખાવડામાં આરઈ પાર્કના શિલાન્યાસ પછી એક જાહેર સભાને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું "પવનચક્કીઓની સ્થાપનાને કારણે સરહદ વધુ સુરક્ષિત બનશે. સામાન્ય માણસના વીજળી બિલ ઘટાડવાની દિશામાં આ એક પગલું હશે... તે પ્રદૂષણ ઘટાડશે અને પર્યાવરણનું રક્ષણ કરશે. આ પાર્ક પાંચ કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટકાવશે. તે નવ કરોડ વૃક્ષો વાવવાં બરાબર હશે."
આરઈ પાર્ક પર કામ શરૂ થયું તે પહેલાં ખાવડા ગામથી લગભગ 18 કિમી દૂર અને કચ્છના જિલ્લામથક ભુજથી 90 કિમી દૂર આવેલ ઇન્ડિયા બ્રિજ સુધી નાગરિક પ્રવૃત્તિઓને મંજૂરી હતી. પ્રવાસીઓને યોગ્ય પરવાનગી સાથે સરહદ પર વિઘાકોટ સુધી જવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આરઈ પાર્કના વિકાસ માટે સામગ્રી અને માણસોની અવરજવર માટે રાજ્ય સરકારે એક 18 કિમી લાંબો એપ્રોચ રોડ વિકસાવ્યો છે. આ રસ્તે ઇન્ડિયા બ્રિજને બાયપાસ કરી 726 ચો. કિમી જમીનમાં સીધું પ્રવેશી શકાય છે.
જોકે, આરઈ પાર્ક વિસ્તારમાં પ્રવેશ પર હજુ પણ ખૂબ જ નિયંત્રણો છે. તેમાં જવા માટે ભુજના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી છે. બીએસએફે ઇન્ડિયા બ્રિજ નજીક આરઈ પાર્કના પ્રવેશદ્વાર પર એક નવી ચેકપોસ્ટ બનાવી છે અને બીએસએફના જવાનો પરવાનગી હોય તેને જ આરઈ પાર્ક વિસ્તારમાં જવા દે છે.
SECIને ફાળવાયેલ જમીન અદાણીને કેવી રીતે મળી?

ઇમેજ સ્રોત, Getty Images
સોલર ઍનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને ફાળવાયેલી જમીન અદાણીને કેવી રીતે મળી એ પ્રશ્નનો જવાબ મેળવવા બીબીસીએ ગુજરાતના ઊર્જામંત્રી કનુ દેસાઈ અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ફોન કૉલ્સ અને ટેક્સ્ટ એસએમએસથી સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. જવાબ મળશે તેને આ અહેવાલમાં ઉમેરી દેવામાં આવશે.
પરંતુ એક સરકારી સૂત્રએ જણાવ્યું: "અદાણી ગ્રૂપને સોલર ઍનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાવાળી જમીન ફરીથી ફાળવવાની પ્રક્રિયા હજુ પણ પૂર્ણ થયેલી નથી, પરંતુ એ સાચું છે કે ખાવડા પાર્કમાં જમીનનો સૌથી મોટો ભાગ અદાણી ગ્રૂપ પાસે છે."
અન્ય એક સૂત્રે જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારની સમિતિ દ્વારા 40 વર્ષના લીઝ પર જમીન સીધી આરઈ ડેવેલોપર્સને જ ફાળવવામાં આવે છે. ડેવલપર્સ સરકારને પ્રતિ હેક્ટર વાર્ષિક 15,000 ભાડું ચૂકવે છે. આ રીતે મેળવેલી જમીનમાંથી કોઈ ભાગને કોઈ ડેવલપર અન્ય કોઈ ડેવલપરને પેટા લીઝ પેટે આપવાની છૂટ છે."
કચ્છમાં અદાણીની હાજરી કેટલી મોટી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખાવડા આરઈ પાર્ક કચ્છમાં પહેલો એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી કે જેમાં અદાણી જૂથને મોટો હિસ્સો મળ્યો હોય. અદાણી જૂથ દેશના સૌથી મોટાં બંદરોમાંના એક એવા મુન્દ્રા બંદરની સ્થાપના અને સંચાલન કરનાર ખાનગી ઉદ્યોગગૃહ છે. પોર્ટ નજીક તેનું ખાનગી સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન (સેઝ) આવેલું છે અને તેમાં વિવિધ વસ્તુઓનું મૅનુફેક્ચરિંગ, સ્ટોરેજ વગેરે પ્રવૃત્તિ કરતા એકમો આવેલાં છે.
અદાણી ગ્રૂપ કંડલા બંદર નજીક આવેલા તુણા ટર્મિનલનું પણ સંચાલન કરે છે. કંડલા પોર્ટ અને તુણા ટર્મિનલની માલિકી સરકારની છે અને અદાણી પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશિપથી તેના નિર્માણ અને સંચાલનની કામગીરી કરતું ખાનગી ભાગીદાર છે.
અદાણી જૂથે 2001ના ભૂકંપ પછી સરકાર દ્વારા બાંધવામાં આવેલી કચ્છની સૌથી મોટી હૉસ્પિટલ જી. કે. જનરલ હૉસ્પિટલને પણ પીપીપી રૂટથી હસ્તગત કરીને 2009માં ત્યાં એક મેડિકલ કૉલેજ સ્થાપી હતી.
અદાણીએ 2011માં વિલુપ્તીના આરે પહોંચી ગયેલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ પક્ષીઓના નિવાસસ્થાન નજીક આવેલ બિટ્ટા ગામમાં 40 મેગાવૉટનો એક સોલાર પાર્ક પણ શરૂ કર્યો હતો.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












