બલૂચિસ્તાનને ભારતમાં સામેલ થવું હતું કે નહીં, ઝીણાએ બલૂચિસ્તાનની આઝાદીનું સમર્થન કેમ કર્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના વિભાજન પછી સ્ટેટ ઑફ કલાત એટલે કે બલૂચિસ્તાન અંદાજે 227 દિવસ સુધી સ્વતંત્ર અને સંપ્રભુ રાજ્ય તરીકે અસ્તિત્વમાં રહ્યું હતું.
બલૂચિસ્તાન એ પાકિસ્તાનમાં સામેલ થવા ઇચ્છતું નહોતું અને પાકિસ્તાનના સંસ્થાપક મહમદઅલી ઝીણા પણ તેનાથી સહમત હતા. પરંતુ અંગ્રેજોના ગયા પછી ન તો ભારતમાં દેશી રાજ્યો રહી શક્યાં કે ન તો પાકિસ્તાનમાં કોઈ દેશી રાજ્યો રહી શક્યાં.
બલૂચિસ્તાનનો મોટો ભાગ સૂકું રણ છે, જે ઈરાની પહાડી પ્રદેશના પૂર્વ છેડે આવેલું છે. હાલનું બલૂચિસ્તાન ત્રણ દેશોમાં વહેંચાયેલું છે. જેમાં પાકિસ્તાનમાં આવેલો બલૂચિસ્તાન પ્રાંત, ઈરાનનો સિસ્તાન-બલૂચિસ્તાન વિસ્તાર અને એક નાનકડો ભાગ અફઘાનિસ્તાનમાં પણ છે.
અફઘાનિસ્તાનમાં નિમરુઝ, હેલમંદ અને કાંધાર એ બલૂચિસ્તાનનો જ ભાગ રહ્યા છે. બલોચ લોકો સુન્ની મુસ્લિમ છે. શિયા બહુમતી ધરાવતા ઈરાનના બલૂચિસ્તાનમાં પણ બલોચ લોકો સુન્ની જ છે.
પાકિસ્તાન બન્યા પછી પણ બલૂચિસ્તાનમાં વિદ્રોહનો અવાજ કાયમ ઊઠતો રહ્યો છે. પરંતુ બલૂચિસ્તાનમાં ચીનની ઍન્ટ્રી પછી સ્થિતિ વધુ જટિલ થઈ ગઈ છે. પાકિસ્તાનએ બલૂચિસ્તાનનું ગ્વાદર બંદર ચીનને આપેલું છે અને સ્થાનિક બલોચ લોકો તેની સામે વિરોધપ્રદર્શન કરતા રહ્યા છે.
બલૂચિસ્તાન હંમેશાં ફારસ અને હિન્દ સામ્રાજ્ય વચ્ચે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી સૅન્ડવિચની જેમ રહ્યું છે.
બલૂચિસ્તાનના ઉત્તરમાં પાડોશી અફઘાનિસ્તાનને પણ આ યુદ્ધોને કારણે ભોગવવું પડ્યું છે. પરંતુ બલોચ લોકો પાસે તેમની જેમ સુરક્ષા માટે પહાડો નથી.
સ્ટેટ ઑફ કલાતને અનેક લોકો પાકિસ્તાનનું હૈદરાબાદ પણ કહી ચૂક્યા છે. કલાત સ્વતંત્ર દેશી રાજ્ય હતું જેણે પાકિસ્તાનમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો, જેમ હૈદરાબાદે પણ ભારતમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝીણાએ આઝાદ બલૂચિસ્તાનનું સમર્થન કેમ કર્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહમદઅલી ઝીણાએ કલાત અને હૈદરાબાદ બંનેને કાયદાકીય સલાહ આપી હતી કે 15 ઑગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ રાજ ખતમ થયા પછી પણ તેઓ સ્વતંત્ર સંપ્રભુ રાજ્ય તરીકે રહી શકે છે. બંને મામલે કોઈ સમાધાન થઈ શક્યું ન હતું.
હૈદરાબાદને અંતે સૈન્ય કાર્યવાહી પછી 13 સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતમાં ભેળવી દેવામાં આવ્યું હતું.
જર્મન પૉલિટિકલ સાયન્ટિસ્ટ માર્ટિન ઍક્સમેને બલોચ રાષ્ટ્રવાદ અને તેના ઇતિહાસ પર એક મહત્ત્વનું પુસ્તક લખ્યું છે.
તેમના પુસ્તક 'બૅક ટુ ફ્યુચર: ધી ખાનેટ ઑફ કલાત ઍન્ડ ધી જેનેસિસ ઑફ બલોચ નૅશનલિઝમ 1915-1955'માં માર્ટિને લખ્યું છે કે ઝીણાની સલાહથી બ્રિટિશ શાસકો પણ નવાઈ પામી ગયા હતા. કલાત એ હૈદરાબાદ જેવું નહોતું.
માર્ટિન ઍક્સમેને લખ્યું છે કે, "20 માર્ચ, 1948ના રોજ ખાન ઑફ કલાત પાકિસ્તાનમાં સામેલ થવા માટે રાજી થઈ ગયા. ભારત અને અફઘાનિસ્તાન પાસેથી નિરાશા સાંપડ્યા પછી તેમણે આવો નિર્ણય લીધો હતો. કલાતના ખાન ઇચ્છતા હતા કે સંપ્રભુ રહેવામાં ભારત અને અફઘાનિસ્તાન તેમને મદદ કરે."
પાકિસ્તાનના ઇતિહાસકાર યાકુબ ખાન બાંગશે તેમના પુસ્તક 'અ પ્રિન્સલી અફેયર'માં લખ્યું છે કે, "કલાત જ્યારે પાકિસ્તાનમાં સામેલ નહોતું થયું એ પહેલાંથી જ અહીં લોકતાંત્રિક રાષ્ટ્રવાદી આંદોલન ચાલી રહ્યું હતું. કલાત સ્ટેટ નૅશનલ પાર્ટી (કેએસએનપી)એ 1945માં ઑલ ઇન્ડિયા સ્ટેટ પીપલ્સ કૉન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો. ત્યારે આ કૉન્ફરન્સની અધ્યક્ષતા જવાહરલાલ નેહરુએ કરી હતી. બીજી તરફ મુસ્લિમ લીગને બલૂચિસ્તાનમાં ક્યારેય સમર્થન મળ્યું નહોતું."
'સ્ટેટ ઑફ કલાત' શું ઇચ્છતું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
યાકુબ ખાન બાંગશ લખે છે, "કલાતના ખાન અને કેએસએનપી વૈચારિક ઢબે લોકતાંત્રિક હતા. રાષ્ટ્રવાદી હોવાને કારણે કેએસએનપી મુસ્લિમ લીગની આગેવાની હેઠળના પાકિસ્તાનમાં સામેલ થવું ઇચ્છતી નહોતી. કેએસએનપી ભારત સાથે નજીકના સંબંધો સ્થાપિત કરવા ઇચ્છતી હતી અથવા તો કલાત સ્ટેટ સાથે રહીને સ્વતંત્ર સ્ટેટ ઇચ્છતી હતી."
"કલાતના ખાન લોકતાંત્રિક આંદોલનનું સમર્થન કરી રહ્યા હતા અને તેની હેઠળ જ ત્યાં બે ગૃહોવાળી સંસદીય વ્યવસ્થા બની હતી. કલાતની સંસદનું માનવું હતું કે બલૂચો માત્ર મુસ્લિમ છે એટલે તેમણે પાકિસ્તાનનો ભાગ ન બની જવું જોઈએ. પરંતુ આ પ્રતિરોધને પાકિસ્તાનની સરકારે દબાવી દીધો અને બળજબરીથી કલાતને પોતાનામાં ભેળવી દીધું."
પાકિસ્તાનના જાણીતા ઇતિહાસકાર મુબારક અલી કહે છે કે દેશી રાજ્યોનો પાકિસ્તાનમાં વિલય એ શરતે થયો હતો કે સરકાર તેમના આંતરિક મામલામાં બહુ દખલગીરી નહીં કરે.
મુબારક અલી કહે છે, "પરંતુ ધીમે-ધીમે આ સૂબાઓની સ્વાયત્તતા સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવી. આનાથી અનેક રાજ્યોની મૂળભૂત અને મૌલિક ઓળખ ખતમ થઈ ગઈ. બલૂચિસ્તાન પણ આ સૂબાઓ પૈકીનું જ એક હતું. બલૂચિસ્તાન ક્યારેય પાકિસ્તાનમાં સામેલ થવા ઇચ્છતું નહોતું. પાકિસ્તાને તેને બળજબરીથી સામેલ કર્યું. કલાતના ખાન આઝાદ કલાત ઇચ્છતા હતા, પરંતુ પાકિસ્તાન આમ થાય તેવું ઇચ્છતું નહોતું. નાના સૂબાઓ માટે આઝાદ રહેવું એટલું સહેલું નહોતું."
મુબારક અલીને જ્યારે બીબીસીએ પૂછ્યું કે ઝીણા શરૂઆતમાં સ્વતંત્ર કલાતના પક્ષધર હતા, તો પછી તેમણે પોતાનું મન કેમ બદલી નાખ્યું?
મુબારક અલી કહે છે, "જુઓ, રાજકારણમાં કોઈ એક વાત કાયમી હોતી નથી. સમય સાથે વસ્તુઓ બદલાતી રહે છે. એટલે નેતાઓએ કરેલાં નિવેદનો પર જવું ન જોઈએ. પાકિસ્તાન જ્યારે રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવી ગયું તો ઝીણાનો મત બિલકુલ વિપરિત થઈ ગયો. ઝીણાએ જ સ્ટેટ ઑફ કલાતને પાકિસ્તાનમાં બળજબરીથી ભેળવી દીધું."
તેઓ કહે છે, "જોકે, બલૂચિસ્તાનનો ભૌગોલિક રીતે ભલે પાકિસ્તાનમાં સામેલ હોય, પરંતુ લોકોનું મન હજુ પણ પાકિસ્તાનમાં સામેલ નથી. નાના સૂબાઓની પોતાની કોઈ હેસિયત નહોતી. જૂનાગઢના નવાબ પણ પાકિસ્તાનમાં ભળવા માગતા હતા, પણ જૂનાગઢની ભૌગોલિક પરિસ્થિતિને કારણે તેનું પાકિસ્તાનમાં ભળી જવું સહેલું નહોતું. એવી જ રીતે કલાતનું ભૌગોલિક સ્થાન જોઈએ તો તેનું પણ ભારતમાં ભળવું સહેલું નહોતું."
ઝીણાનું મન કેમ બદલાઈ ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે આ જ પ્રશ્ન પાકિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર અને ઇતિહાસકાર ટીસીએ રાઘવનને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, "ઝીણાના મનમાં શું હતું તે વિશે કંઈ કહેવું મુશ્કેલ છે."
"પરંતુ એ વાત બિલકુલ સાચી છે કે ઝીણા કલાતને સ્વતંત્ર રહેવા દેવાના પક્ષમાં હતા. 1947માં બુગતી નવાબ અને કલાતના ખાન સાથે આવ્યા એ પછી માહોલ બદલાઈ ગયો હતો. સ્વાભાવિક છે કે તેમનો વિચાર પછીથી બદલાઈ ગયો હતો. પછી જ બલૂચિસ્તાનને બળજબરીથી પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યું."
જ્યારે પણ બલૂચિસ્તાનમાં કંઈપણ થાય છે, ત્યારે ભારતીય મીડિયાનો એક વર્ગ કહેવાનું શરૂ કરે છે કે કલાત રાજ્યના નવાબે ભારતમાં ભળી જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ નેહરુએ તેનો સ્વીકાર કર્યો નહીં.
ટીસીએ રાઘવન કહે છે કે, "આ બધો વૉટ્સએપનો ઇતિહાસ છે. નેહરુ એ સમયના સન્માનિત નેતા હતા અને કલાતના ખાન પણ તેમને સન્માનની નજરે જોતા હતા. કલાતના ખાન ઇચ્છતા હતા કે તેમના રાજ્યનો દરજ્જો બાકીના રાજ્યોથી બિલકુલ અલગ હોય. બ્રિટિશ સામ્રાજ્યમાં પણ કલાતનો દરજ્જો અન્ય દેશી રાજ્યો કરતાં અલગ હતો."
ટીસીએ રાઘવન કહે છે, "એ વાતનું કોઈ ઐતિહાસિક તથ્ય નથી કે સ્ટેટ ઑફ કલાત ભારત સાથે ભળી જવા ઇચ્છતું હતું. અસલ વાત એ છે કે કલાતના ખાન અલગ દરજ્જો ઇચ્છતા હતા અને તેના માટે તેઓ ઈરાન, બ્રિટિશ સામ્રાજ્ય, પાકિસ્તાન અને ભારત એમ બધા સાથે વાત કરી રહ્યા હતા. તેમનો હેતુ એવો હતો કે કલાત માટે અલગ કેટેગરી બનાવવામાં આવે. કલાતની એ સમયની સ્થિતિને આપણે સમજવી પડે."
મુબારક અલી પણ કહે છે કે સ્ટેટ ઑફ કલાતે ક્યારેય ભારતમાં સામેલ થવાની રજૂઆત કરી નહોતી.
તેમણે કહ્યું, "સ્ટેટ ઑફ કલાત સ્વતંત્ર અને સંપ્રભુ રાજ્ય ઇચ્છતું હતું. કલાતને સ્વતંત્ર રાખવામાં તેઓ નહેરુની મદદ ઇચ્છતા હતા. પરંતુ કલાતના ખાને ક્યારેય કહ્યું નહોતું કે તેઓ ભારતમાં ભળવા માગે છે. નહેરુ મોટા નેતા હતા એટલે કલાતના ખાન તેમને સન્માન આપતા હતા. પરંતુ એ વાત કહેવી ખોટી છે કે નહેરુએ કલાતને ભારતમાં ભેળવવાની ઑફર ઠુકરાવી દીધી હતી."
બલૂચિસ્તાનમાં પાકિસ્તાનમાં સામેલ થવાને લઈને વિરોધ
જોકે, એ વાત પણ નોંધવી જોઈએ કે એ સમયે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનમાં સામેલ ન થવાને લઈને જોરદાર ચર્ચાઓ થઈ રહી હતી.
તાજ મોહમ્મદ બ્રેસિગે તેમના પુસ્તક, 'બલોચ નૅશનલિઝમ: ઇટ્સ ઑરિજિન ઍન્ડ ડેવલપમેન્ટ અપ્ટુ 1980' માં લખ્યું છે કે, "1947માં મીર ગૌસ બખ્શ બિઝેન્ઝો કલાત સ્ટેટ નૅશનલ પાર્ટીના સભ્ય હતા. બિઝેન્ઝોએ ડિસેમ્બર, 1947માં ઍસેમ્બલીની દીવાન-એ મીટિંગમાં કહ્યું હતું કે – આપણી સંસ્કૃતિ ઈરાન અને અફઘાનિસ્તાનથી અલગ છે. જો આપણે માત્ર મુસ્લિમ હોવાને નાતે પાકિસ્તાનમાં ભળવા માંગતા હોઈએ તો પછી ઈરાન અને અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનમાં સામેલ થઈ જવું જોઈએ."
"આપણને કહેવામાં આવી રહ્યું છે કે પરમાણુ હથિયારોના સમયમાં આપણે આપણી રક્ષા નહીં કરી શકીએ. પરંતુ મારો સવાલ એ છે કે શું અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન મહાશક્તિઓ સામે પોતાની રક્ષા કરવામાં સક્ષમ છે?"
બલૂચિસ્તાનના નેતા અને ઇતિહાસકાર ગુલ ખાન નાસેરે તેમની અગત્યની રચના તારીખ-એ-બલૂચિસ્તાનમાં લખ્યું છે કે, "27 માર્ચ, 1948ના રોજ ઑલ ઇન્ડિયા રેડિયોએ વીકે મેનનની પ્રેસ કૉન્ફરન્સનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો."
"જેમાં ઑલ ઇન્ડિયા રેડિયોએ મેનનના હવાલેથી દાવો કર્યો હતો કે બે મહિના પહેલાં કલાતના ખાને નવી દિલ્હી સંપર્ક કરીને બલૂચિસ્તાનને ભારતમાં ભેળવવાનો આગ્રહ કર્યો હતો પરંતુ એ આગ્રહને ઠુકરાવી દેવામાં આવ્યો હતો."

ઇમેજ સ્રોત, Getty Images
ગુલ ખાન નાસેરે તેમના પુસ્તકમાં કલાતના છેલ્લા ખાન અહમદ યાર ખાનને ટાંકીને લખ્યું છે કે, "આ સંપૂર્ણપણે અસત્ય હતું. તેનો હેતુ એવો હતો કે કલાત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મની પેદા કરવામાં આવે. બીજો હેતુ એવો હતો કે ખોટા અહેવાલથી પાકિસ્તાનીઓ આંદોલિત થઈ જાય અને ઉતાવળમાં એવું કંઈક કરી બેસે કે ભારતને હૈદરાબાદમાં મોકો મળી જાય. જોકે, આ પહેલી વાર નહોતું બની રહ્યું કે જ્યારે કલાતના ખાનનું નામ ભારત સાથે ઊછળ્યું હોય. કલાતના ખાન અને પાકિસ્તાન વચ્ચે થયેલી વાતચીતના સમગ્ર સમયગાળામાં એવું કહેવાતું હતું કે પાકિસ્તાનનું નાક દબાવવા માટે ભારતમાં સામેલ થવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવતો હતો."
કલાત પાકિસ્તાનમાં સામેલ થયું પછીના છ મહિનામાં જ ભારતે હૈદરાબાદને પોતાનામાં ભેળવી દીધું હતું.
અહમદ યાર ખાનને લઈને પાકિસ્તાનમાં (1947) બ્રિટનના રાજદૂત લૉરેન્સ ગ્રેફ્ટી સ્મિથે કહ્યું હતું કે, "ભારત અને અફઘાનિસ્તાનમાં કલાતના સામેલ થવાની અફવાઓનો ઇનકાર દર્શાવે છે કે કલાતના ખાન આવી અફવાઓનો ઉપયોગ વાટાઘાટોમાં કરતા હતા. એ માનવા માટેનાં પર્યાપ્ત કારણો છે કે અહમદ યાર ખાન ભારત અને અફઘાનિસ્તાન બંને સાથે કોઈ ગંભીરતા વગર પ્રેમ-પ્રદર્શન કરી રહ્યા હતા."
એ સિવાય 14 ઑગસ્ટ, 1947ના રોજ ગવર્નર જનરલે ઇન્ડિયન ઇન્ડિપેન્ડેન્સ ઍક્ટ, 1947 હેઠળ એક આદેશ પણ જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત કલાતની પરિસ્થિતિ અને પાકિસ્તાન અફઘાનિસ્તાનને ભાગનારી સરહદ ડુરાન્ડ લાઇન પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં અને પાકિસ્તાન મૅકમોહન લાઇન પર કોઈ સવાલ ન ઉઠાવી શકે.
ઝીણા પછીના બદલાવો

ઇમેજ સ્રોત, Getty Images
ઝીણા એ યુનિવર્સલ પાકિસ્તાની નાગરિકતા ઇચ્છતા હતા, તેઓ પાકિસ્તાનને માત્ર ધાર્મિક ઓળખ મળે તેવું ઇચ્છતા ન હતા.
11 ઑગસ્ટ, 1947ના રોજ ઝીણાએ આપેલા ભાષણમાં કહ્યું હતું કે, "તમે સ્વતંત્ર છો. તમે તમારા મંદિર અને મસ્જિદમાં જવા માટે સ્વતંત્ર છો. તમે પાકિસ્તાનમાં કોઈપણ પૂજાસ્થળે જવા માટે સ્વતંત્ર છો. તમે કોઈ પણ ધર્મ, જાતિ કે વંશના હોવ, સરકાર તમારી સાથે એ આધારે ભેદભાવ નહીં કરે."
પરંતુ ઝીણાના નિધન પછી પાકિસ્તાનમાં પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ. પાકિસ્તાને 1956માં પોતાનું પહેલું બંધારણ લાગુ કર્યું. ત્યારે પછી જે દેશી રાજ્યોને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યાં હતાં ત્યાં સેના અને અધિકારીઓનું નિયંત્રણ વધતું ગયું.
યાકુબ ખાન બાંગશે લખ્યું છે કે ભૌગોલિક રજવાડાં પાકિસ્તાનમાં જોડાયા હતા પરંતુ સામાજિક એકીકરણ થયું ન હતું. કલાતમાં રાજકીય પ્રવૃત્તિ માટે બહુ જગ્યા નહોતી. આવી સ્થિતિમાં, ભૂગર્ભમાં રહેલા બળવાખોર બલૂચો પાકિસ્તાન વિરુદ્ધ થઈ ગયા.
બાંગશે લખ્યું છે કે, "પાકિસ્તાનને કલાતમાં ફક્ત રાષ્ટ્રીય સાર્વભૌમત્વ મળ્યું હતું પરંતુ કોઈ રાષ્ટ્રીય ઓળખ બની શકી ન હતી. રાજ્ય અને સમાજ વચ્ચે કોઈ સુમેળ સ્થાપિત થઈ શક્યો નહીં. આ બાબતો આજે પણ પાકિસ્તાનને પરેશાન કરે છે."
ટીસીએ રાઘવન કહે છે કે જ્યાં સુધી પાકિસ્તાન બલૂચિસ્તાનને સુરક્ષા અને લશ્કરી દૃષ્ટિકોણથી જુએ છે ત્યાં સુધી કોઈ ઉકેલ નહીં આવે.
રાઘવન કહે છે, "1947 પહેલાંની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં ઘણો તફાવત છે. પાકિસ્તાનમાં આવા તમામ રાજકીય મુદ્દાઓનો ઉકેલ સુરક્ષાના દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે પરંતુ બલૂચિસ્તાનનો ઉકેલ આમાં નથી. પાકિસ્તાને બલૂચિસ્તાનના લોકોના ગુસ્સાને સમજવો જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












