પાકિસ્તાનમાં ટ્રેન પર હુમલાની જવાબદારી લેનાર બલૂચ લિબરેશન આર્મી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના બ્લૂચિસ્તાન રાજ્યના સિબ્બી જિલ્લામાં મંગળવારે બપોરે હથિયારધારી ઉગ્રવાદીઓએ ક્વેટાથી પેશાવર જતી ટ્રેન જાફર ઍક્સપ્રેસ પર હુમલો કરીને અનેક યાત્રીઓને બંધક બનાવ્યા હતા. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મીએ લીધી હતી.
પાકિસ્તાની સૈન્યએ મંગળવારે બલૂચિસ્તાનમાં બળવાખોરો દ્વારા હાઇજેક કરવામાં આવેલી ટ્રેન જાફર ઍક્સપ્રેસના 300 પ્રવાસીઓને ઉગારી લીધા હોવાનો દાવો કર્યો હતો. સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુસાફરોને બચાવી લેવા માટે હાથ ધરાયેલા ઑપરેશનમાં 33 બળવાખોરોને ઠાર કરવામાં આવ્યા છે.
પાકિસ્તાની સેનાએ બીબીસીને જણાવ્યું છે કે, ઑપરેશન શરૂ થાય એ પહેલાં જ ઉગ્રવાદીઓએ 21 લોકોનાં મોત નીપજાવ્યાં હતાં.

આની પહેલાં જાફર ઍક્સપ્રેસમાંથી બચી ગયેલા 80 મુસાફરો મચ્છ રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
રેલવેના અધિકારીઓએ જણાવ્યા અનુસાર, જે ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો તેમાં લગભગ 400 મુસાફર હતા.
આ હુમલા પછી બલૂચ લિબરેશન આર્મી ચર્ચામાં આવી છે.
ત્યારે જાણીએ, હુમલાની જવાબદારી લેનાર બલૂચ લિબરેશન આર્મી શું છે અને અલગ બલૂચિસ્તાનની માગના મુદ્દે સમયસમયાંતરે તે કઈ રીતે સક્રિય થઈ રહી છે. બલૂચિસ્તાનમાં ઉગ્રવાદની શરૂઆત ક્યારથી થઈ?

બલૂચ બિલરેશન આર્મી એટલે કે, બીએલએ બે દાયકા કરતાં વધારે સમયથી બલૂચિસ્તાનમાં સક્રિય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, તાજેતરનાં વર્ષોમાં આ ચરમપંથી સંગઠન અને તેના પેટાજૂથ મજીદ બ્રિગેડનો વ્યાપ અને હુમલા વધી ગયા છે.
પાકિસ્તાને તાજેતરમાં જ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બીએલએની સહયોગી મજીદ બ્રિગેડ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.
જોકે, પાકિસ્તાન અને અમેરિકા પહેલાંથી જ બીએલએને પ્રતિબંધિત કરી ચૂક્યા છે.

બલૂચિસ્તાનના પાકિસ્તાનમાં વિલય થવા સાથે જ બલૂચિસ્તાનમાં ચરમપંથની શરૂઆત થઈ ગઈ હતી. એ દરમિયાન કલાત રાજ્યમાં રાજકુમાર કરીમે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો હતો.
ત્યાર પછી, 1960ના દાયકામાં, જ્યારે નવરોજ ખાન અને તેમના પુત્રોની ધરપકડ કરવામાં આવી ત્યારે રાજ્યમાં એક નાના ચરમપંથી આંદોલને માથું ઊંચક્યું હતું.
બલૂચિસ્તાનમાં સંગઠિત ચરમપંથી આંદોલન 1970ના દાયકામાં શરૂ થયું હતું, એ સમયે બલૂચિસ્તાનની પહેલી ચૂંટાયેલી વિધાનસભા અને સરકારને પદચ્યૂત કરી દેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તે સમયે સરદાર અતાઉલ્લાહ મેંગલ રાજ્યના મુખ્ય મંત્રી હતા અને મીર ગૌસ બખ્શ બિજેન્ઝો ગવર્નર. આ બંને નૅશનલ અવામી પાર્ટીમાં હતા.
તે સમયે બલૂચિસ્તાનમાં અલગતાવાદી નેતાઓમાં નવાબ ખૈર બખ્શ મરી અને શેર મુહમ્મદ ઉર્ફે શેરોફ મરીનું નામ સૌથી આગળ હતું. તે સમયે પણ બીએલએનું નામ સામે આવ્યું હતું.
બલૂચિસ્તાનની પહેલી વિધાનસભા અને સરકારને માત્ર દસ મહિનામાં જ બરખાસ્ત કરી દેવામાં આવી હતી.
ગૌસ બખ્શ બિજેન્ઝો, અતાઉલ્લાહ મેંગલ અને નવાબ ખૈર બખ્શ મરી સહિત નૅશનલ અવામી પાર્ટીના ઘણા અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
તેમના ઉપર સરકાર વિરુદ્ધ કાવતરું રચવાનો કેસ ચલાવવામાં આવ્યો, જેને હૈદરાબાદ ષડ્યંત્ર કેસ તરીકે યાદ કરવામાં આવે છે.

ત્યાર પછી નવાબ ખૈર બખ્શ મરી અફઘાનિસ્તાન જતા રહ્યા. તેઓ પોતાની સાથે મોટી સંખ્યામાં મરી જનજાતિના સભ્યોને પણ લઈ ગયા. ત્યાં તેઓ 'હક ટાવર' નામનું એક સ્ટડી સર્કલ ચલાવતા હતા.
ત્યાર પછી, અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાન સરકાર સત્તામાં આવી ત્યારે તેઓ પાકિસ્તાન પાછા આવી ગયા અને અહીં પણ 'હક ટાવર' સ્ટડી સર્કલ ચાલુ રાખ્યું.
આ સ્ટડી સર્કલમાં જોડાવા માટે ઘણા યુવા પ્રેરિત થયા. તેમાં ઉસ્તાદ અસલમ અચ્છૂ પણ સામેલ હતા, જે પછીથી બીએલએના કમાન્ડર બન્યા.
ઈ.સ. 2000થી બલૂચિસ્તાનનાં વિભિન્ન ક્ષેત્રોમાં સરકારી કચેરીઓ અને સુરક્ષા દળો પર હુમલા શરૂ થઈ ગયા.

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે ડિસેમ્બર 2005માં પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેજ મુશર્રફની કોહલૂ યાત્રા દરમિયાન રૉકેટ છોડવામાં આવ્યાં ત્યારે સ્થિતિ ગંભીર થઈ ગઈ. ત્યાર પછી ફ્રન્ટિયર કોરના હૅલિકૉપ્ટર પર કથિત ગોળીબાર કરવામાં આવ્યો. કોહલૂ નવાબ ખૈર બખ્શ મરીનું પૈતૃક ગામ છે.
પાકિસ્તાની સરકારે બીએલએને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં મૂકી દીધું. 21 નવેમ્બર 2007માં અફઘાનિસ્તાનમાં એક રોડની નજીક એક કથિત ઑપરેશનમાં નવાબ ખૈર બખ્શ મરીના પુત્ર નવાબજાદા બાલાચ મરીની હત્યા કરી નાખી.
પાકિસ્તાની અધિકારીઓએ તેમને બીએલએના પ્રમુખ ગણાવ્યા હતા. બાલાચ મરીના મૃત્યુ પછી પાકિસ્તાની અધિકારીઓએ તેમના ભાઈ નવાબજાદા હરબયાર મરીને બીએલએના પ્રમુખ ગણાવવાનું શરૂ કરી દીધું હતું.
તેઓ બ્રિટનમાં રહેતા હતા. તેમણે પાકિસ્તાની અધિકારીઓના એ દાવાનું ખંડન કર્યું હતું કે તેઓ બીએલએના પ્રમુખ છે.

બલૂચિસ્તાનના લોકોનું માનવું છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે તેમને બળજબરીથી પાકિસ્તાનમાં ભેળવી દેવાયા, પરંતુ, તેમની તો પોતાને એક આઝાદ દેશ તરીકે જોવાની ઇચ્છા હતી.
એવું ન થઈ શક્યું તેથી આ રાજ્યના લોકોનો પાકિસ્તાનની સરકાર અને ત્યાંની સેના સાથે સંઘર્ષ ચાલતો રહ્યો અને તે આજે પણ ચાલે છે.
હાલના સમયે બલૂચિસ્તાનની આઝાદીની માગણી કરતા અનેક અલગતાવાદી સમૂહ સક્રિય છે.
તેમાં સૌથી જૂનું અને અસરકારક સંગઠનમાંનું એક છે બીએલએ, એટલે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી.
ઈ.સ. 2007માં પાકિસ્તાન સરકારે બલૂચિસ્તાન લિબરેશન આર્મીને ચરમપંથી સંગઠનોની યાદીમાં ઉમેરી દીધું હતું.
આ જૂથ બલૂચિસ્તાનને વિદેશી પ્રભાવ, ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની સરકારથી મુક્ત કરાવવા માગે છે. બીએલએનું માનવું છે કે, બલૂચિસ્તાનનાં સંસાધનો પર પહેલો હક તેમનો છે.

એવું માનવામાં આવે છે કે 1970ના દાયકાની શરૂઆતમાં આ સંગઠનની પ્રથમ શરૂઆત થઈ અને અસ્તિત્વમાં આવ્યું.
તે સમયે બલૂચોએ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકાર વિરુદ્ધ સશસ્ત્ર બળવો શરૂ કર્યો.
પરંતુ, સૈન્યશાસક ઝિયાઉલ હકે સત્તા પર કબજો જમાવ્યા પછી બલૂચ અલગતાવાદી નેતાઓ સાથે વાતચીત થઈ.
અને, પરિણામ એ આવ્યું કે સશસ્ત્ર બળવો સમાપ્ત થયા બાદ બલૂચિસ્તાન લિબરેશન આર્મી પણ ગાયબ થતી ગઈ.
ઈ.સ. 2000માં બીએલએ ફરી સક્રિય થયું. કેટલાક જાણકારો માને છે કે, બીએલએની સત્તાવાર સ્થાપના આ વર્ષે જ થઈ હતી.
ઈ.સ. 2000થી જ સંગઠને બલૂચિસ્તાનના જુદા જુદા વિસ્તારોમાં સરકારી સંસ્થાઓ અને સુરક્ષા દળો પર હુમલાની પરંપરા શરૂ કરી.
આ સંગઠનમાં મોટા ભાગે મરી અને બુગતી જનજાતિના સભ્યો સામેલ છે અને તેઓ તેમની ક્ષેત્રીય સ્વાયત્તા માટે પાકિસ્તાન સરકાર સામે લડી રહ્યા છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જુલાઈ 2000 - બીએલએએ ક્વેટામાં બૉમ્બવિસ્ફોટની જવાબદારી લીધી. આ વિસ્ફોટમાં સાત લોકો મૃત્યુ પામ્યા, જ્યારે 25 લોકો ઘાયલ થયા હતા.
મે 2003 - બીએલએએ એક પછી એક ઘણા હુમલા કર્યા, જેમાં પોલીસ અને બિનબલૂચ નિવાસીઓનાં મૃત્યુ થયાં.
2004 - બીએલએએ પાકિસ્તાની સરકારની મેગા વિકાસ પરિયોજનાઓમાં સામેલ ચીની વિદેશી શ્રમિકો પર હુમલો કર્યો. બીએલએ ચીન દ્વારા પાકિસ્તાનમાં શરૂ કરવામાં આવતી પરિયોજનાઓનું વિરોધી રહ્યું છે.
ડિસેમ્બર 2005 - બીએલએના લડવૈયાઓએ કોહલૂમાં, જ્યાં તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફ પ્રવાસ કરી રહ્યા હતા ત્યાં એક અર્ધસૈનિક શિબિર પર છ રૉકેટ છોડ્યાં હતાં.
જોકે, મુશર્રફને કશું નુકસાન ન થયું, પરંતુ, પાકિસ્તાની સરકારે આ હુમલાને તેમનો જીવ લેવાના પ્રયાસ તરીકે ગણાવ્યો અને જવાબી કાર્યવાહીમાં એક વ્યાપક સૈન્ય અભિયાન શરૂ કર્યું.
એપ્રિલ 2009 - બીએલએના કથિત નેતા બ્રહ્મદાગ ખાન બુગતીએ બલૂચિસ્તાનમાં રહેતા બિન-મૂળનિવાસીઓને મારવાની બલૂચ મૂળના લોકોને અપીલ કરી.
બીએલએનો દાવો છે કે આ અપીલ પછી થયેલા હુમલામાં લગભગ 55 પંજાબીઓનાં મૃત્યુ થયાં.
જુલાઈ 2009 - બીએલએના હુમલાખોરોએ સૂઈમાં 19 પાકિસ્તાની પોલીસકર્મીઓનું અપહરણ કર્યું. અપહરણ કરાયેલા કર્મીઓ ઉપરાંત બીએલએએ એક પોલીસ અધિકારીની પણ હત્યા કરી અને 16 લોકોને ઘાયલ કર્યા.
ત્રણ અઠવાડિયાં દરમિયાન બીએલએના સભ્યોએ અપહરણ કરાયેલા પોલીસ કર્મીઓમાંથી એકને બાદ કરતાં બધાને મારી નાખ્યા.
નવેમ્બર 2011 - બીએલએ વિદ્રોહીઓએ ઉત્તરી મુસાખેલ જિલ્લામાં એક ખાનગી કોલસા ખાણની સુરક્ષા કરી રહેલા સરકારી સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો, જેમાં 14 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે 10 ઘાયલ થયા હતા.
ડિસેમ્બર 2011 - બીએલએના લડવૈયાઓએ પૂર્વરાજ્યમંત્રી મીર નસીર મેંગલના ઘરની બહાર એક કારમાં બૉમ્બવિસ્ફોટ કર્યો. આ હુમલામાં 13 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે 30 ઘાયલ થયા હતા.
જૂન 2013 - બીએલએએ પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાના એક ઘર પર રૉકેટ હુમલા અને રેડની જવાબદારી લીધી. સંગઠને ઝીણાના ઘર પરના પાકિસ્તાની ધ્વજને પણ ઉખાડી નાખ્યો અને ત્યાં બીએલએનો ઝંડો ફરકાવ્યો હતો.
જૂન 2015 - બીએલએ ઉગ્રવાદીઓએ પીર મસોરી વિસ્તારમાં યુનાઇટેડ બલૂચ આર્મીના કરમ ખાન કૅમ્પ પર હુમલો કર્યો. હુમલામાં 20 લોકોનાં મૃત્યુ થયાં.
મે 2017 - બલૂચિસ્તાનના ગ્વાદરમાં મોટરસાઇકલ પર સવાર બીએલએના લડવૈયાઓએ નિર્માણકાર્ય કરી રહેલા શ્રમિકો પર ગોળીબાર કર્યા.
ઓગસ્ટ 2017 - બીએલએએ બલૂચિસ્તાનના હરનાઈમાં આઇઇડી હુમલાની જવાબદારી લીધી. આ હુમલો પાકિસ્તાની અર્ધસૈનિક સીમા સુરક્ષા દળના ફ્રન્ટિયર કોરના સભ્યો પર કરવામાં આવ્યો હતો. હુમલામાં આઠ લોકો મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.
નવેમ્બર 2018 - બીએલએ ઉગ્રવાદીઓએ કરાચીમાં ચીની વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












