Holi : હોળી કેમ ઊજવાય છે? પ્રહ્લાદની યાદમાં કે કામદેવની યાદમાં?

હોલિકાદહન સમયે પૂજા કરતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે.

ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે.

પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે. હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ-અલગ કથાઓ છે. તેમાંથી ચાર પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

પ્રહ્લાદ અને હિરણ્યકશિપુની કથા

પ્રહ્લાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી

ઇમેજ સ્રોત, AFP

હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહ્લાદ અને હિરણ્યકશિપુની.

કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા કે જેઓ પોતાને ઇશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકોની તેમની પૂજા કરે.

પરંતુ તેમના જ દીકરા પ્રહ્લાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા.

ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહ્લાદ ન સમજ્યા તો હિરણ્યકશિપુએ પ્રહ્લાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી.

તેમણે પોતાનાં બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહ્લાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં.

કહેવામાં આવે છે કે પ્રહ્લાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી.

તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયાં, અને પ્રહ્લાદ બચી ગયા.

રાધા અને કૃષ્ણની કથા

ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે. વસંતમાં એકબીજા પર રંગ નાંખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે.

ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે.

કૃષ્ણ અને પૂતનાની કથા

હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે

ઇમેજ સ્રોત, Reuters

વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યાં હતાં.

પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતાં હતાં અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતાં હતાં.

ગોકુળનાં ઘણાં બાળકો તેમનો શિકાર બની ગયાં હતાં પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા. તેમણે દુગ્ધપાન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો.

કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ છે.

શિવ-પાર્વતીની કથા

કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે

ઇમેજ સ્રોત, Thinkstock

ઇમેજ કૅપ્શન, કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક કથા શિવ-પાર્વતીની પણ છે. પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતાં હતાં પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું.

તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું.

તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા.

ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયાં. ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધાં હતાં.

કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મકરૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે.

તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમનાં પત્ની રતિ રડવા લાગ્યાં અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવા આહ્વાન કર્યું હતું.

આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા.

તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.