હોળી-ધુળેટી રમ્યા બાદ ચહેરા પર લાગેલો પાક્કો રંગ કેવી રીતે સાફ કરશો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જાન્હવી મૂળે
- પદ, બીબીસી મરાઠી
હોળી પછી રંગપંચમી એટલે કે રંગનો તહેવાર ધુળેટી આવે છે. ઘણા લોકો ઉત્સાહપૂર્વક રંગથી રમે છે, પરંતુ એ દરમિયાન ચામડી પર ચડેલો રંગ સ્નાન કરવા છતાં ઊતરતો નથી. શરીર પરથી રંગ કાઢવા માટે શું કરવું જોઈએ તેની વાત આપણે આ લેખમાં કરીશું.
ધુળેટીના દિવસે રંગ વડે રમતા સાવધ રહેવાની ચેતવણી ડૉક્ટરો આપે છે, પરંતુ અમે ત્વચારોગ નિષ્ણાતો પાસેથી એ જાણ્યું છે કે ખરેખર શું ધ્યાનમાં રાખવું જોઈએ.
ત્વચારોગ નિષ્ણાત દીપાલી ભારદ્વાજે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રંગ વડે રમતા પહેલાં થોડી તૈયારી કરવી જોઈએ. કેવી તૈયારી કરવી જોઈએ તેની કેટલીક ટિપ્સ તેમણે આપી હતી.

રંગ વડે રમતાં પહેલાં શું કાળજી લેવી જોઈએ?

ઇમેજ સ્રોત, AFP
- સૌપ્રથમ તો માથાથી પગ સુધી શરીર પર તેલ લગાવવું જોઈએ. માથાના વાળના મૂળ સુધી તેલ લગાવવું જરૂરી છે.
- તમને ત્વચાનો કોઈ રોગ થયો હોય કે તેના પર ઘા પડ્યો હોય તો તેના પર ટેપ લગાવીને રમવા જવું જોઈએ, જેથી રંગ ઘાની અંદર ન પ્રવેશે. ઑર્ગેનિક રંગ વડે રમતા હો તો પણ આ કાળજી લેવી જ જોઈએ.
- ચહેરા પર તેલ લગાવતા પહેલાં તડકાથી બચવા માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ.
- તમારા ચહેરા પર ખીલ, ફોડકી, ગૂમડું, ખરજવું કે સોરાયસીસ હોય તો પ્રથમ ડૉક્ટરે લખી આપેલો મલમ લગાવવો જોઈએ અને પછી તેલ લગાવવું જોઈએ.
- મહિલાઓની સાથે પુરુષો પણ નેઈલ પૉલિશ લગાવી શકે, જેથી નખના મૂળમાં રંગ ચોંટેલો ન રહે.
- ચશ્માં કે ગોગલ્સ પહેરો તો સારું. તેનાથી તમારી આંખ સલામત રહેશે.
- જેમને નંબરવાળાં ચશ્માં હોય તેમણે મજબૂત ફ્રેમવાળાં ચશ્માં પહેરવાં જોઈએ, જેથી રંગથી રમવાની ધમાચકડીમાં ફ્રેમ તૂટી નહીં અને દૃષ્ટિની સમસ્યા ન સર્જાય.
- રંગ વડે રમતી વખતે શક્ય હોય તો આરામદાયક, સુતરાઉ વસ્ત્રો પહેરવાં જોઈએ. સિન્થેટિક નાઈલોનના કપડાં ભીનાં થાય ત્યારે ત્વચા સાથે ઘસાય છે અને તકલીફ સર્જે છે.
- ધુળેટી રમવા જતાં પહેલાં રમતી વખતે અને એ પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. તેનાથી ત્વચામાંની ભીનાશ જળવાઈ રહેશે.

રંગથી રમ્યા બાદ શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- ધુળેટીમાં રંગ વડે રમવા જવાના આગલા દિવસે વાળ ધોવા જરૂરી નથી, પરંતુ રમ્યા પછી સૌથી પહેલાં નળ નીચે માથું રાખીને વાળને પહેલાં પાણી વડે સાફ કરવા જોઈએ અને પછી શેમ્પુ લગાવવું જોઈએ.
- તમે સૂકા રંગથી રમ્યા હો તો સ્નાન કરતા પહેલાં તમારું માથું ધુણાવીને તમામ રંગ ખંખેરી નાખવો જરૂરી છે. શરીર પરના સૂકા રંગને ડ્રાય બ્રશ વડે દૂર કરવો જોઈએ.
- ચહેરા અને હાથ પરથી રંગ દૂર કરતાં પહેલાં વધુ એક વખત થોડું તેલ લગાવી શકાય.
- રંગ સખત રીતે ચોંટી ગયો હોય અને દૂર ન થતો હોય તો જે જગ્યાએ રંગ લાગેલો હોય ત્યાં સુધી 10-15 મિનિટ સુધી ઘસો.
- 10-15 મિનિટ સુધી ઘસ્યા પછી પણ રંગ ન નીકળે તો ત્વચા પર થોડું દહીં કે એલો વેરા જેલ લગાવો.
- રંગથી રમતી વખતે પાણીમાં ભરપૂર પલળ્યા હો તો તેના કારણે ત્વચા સુકાઈ જશે અને અન્ય સમસ્યાઓ સર્જાશે. એવું ન થાય એટલા માટે સ્નાન કર્યા પછી ત્વચા પર થોડું તેલ લગાવવું જોઈએ.
- રંગ કાઢવા માટે કેરોસીન, કોઈ બીજા કેમિકલ કે કપડા ધોવાના સાબુનો ઉપયોગ ન કરવો. તેનાથી ત્વચાને નુકસાન થાય છે.

રંગની ઍલર્જી હોય તો શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
તમે કુદરતી રંગોથી જ રમતા હશો, પરંતુ કોઈ કેમિકલ કલર લઈને આવે અથવા કોઈ અકસ્માતે તમને એ કલર વડે રંગી નાખે તો સમસ્યા સર્જાઈ શકે છે. કુદરતી રંગમાંના એકાદ ઘટકથી પણ કોઈને ઍલર્જી થઈ શકે છે.
આવો રંગ લાગ્યા પછી ત્વચા પર ખંજવાળ આવે અથવા ઍલર્જી રીએક્શન જેવું લાગે કે તરત જ એ ત્વચાના એ હિસ્સાને વહેતા પાણી નીચે રાખીને સાફ કરવો જોઈએ. તમે દહીં, એલો વેરા જ્યૂસ કે જેલ અથવા સાદો બરફ પણ લગાવી શકો છો.
તેમ છતાં પણ પીડા ચાલુ રહે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ત્વચા પરનો રંગ દૂર કરવા માટે બ્લીચ કે ફેસિયલ કે કોઈ બ્યૂટી ટ્રીટમૅન્ટ કરાવતા પહેલાં કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. રંગ ચુસ્ત રીતે ચોંટી ગયો હોય એ વખતે ક્રીમ વગેરે લગાવવાથી રીએક્શન આવી શકે છે. તેથી જ રંગે રમ્યા પછીના ચાર-પાંચ દિવસ સુધી ચહેરા પર કૉસ્મેટિક્સ લગાવવાનું ટાળવું જોઈએ.
આંખના ડૉક્ટરના જણાવ્યા મુજબ, ધુળેટી રમતી વખતે આંખમાં રંગ જાય તો તેને તત્કાળ પાણી વડે સાફ કરવી જરૂરી છે. આંખમાં બળતરા થતી હોય તો નાના કપમાં પાણી લઈને આંખ પર છંટકાવ કરવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટરે લખી આપ્યા હોય તે આઈ ડ્રોપ્સ આંખમાં નાખવા જોઈએ અને સખત ઈરિટેશન થાય તો ડૉક્ટરનો તત્કાળ સંપર્ક કરવો જોઈએ.














