રાધેમા : બાબાઓ વચ્ચે પોતાનું સ્થાન ઊભું કરનારાં 'દેવીમા'ના ચમત્કારના દાવા અને 'સચ્ચાઈ'ની કહાણી

રાધેમા, અંધશ્રદ્ધા, ધર્મ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાધેમાં હંમેશા લાલ કપડાં સાથે અને હાથમાં ત્રિશૂલ પકડીને પોતાના ભક્તોને દર્શન આપે છે
    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

તેઓ ચમત્કાર કરવાનો દાવો કરે છે. તેમના ભક્તો તેમને દેવીમા માને છે. રાધેમાના નામથી પ્રખ્યાત સુખવિંદરકોર, એવી કેટલીક મહિલાઓમાંનાં એક છે જેઓ ભારતમાં વિસ્તરેલા બાબાઓના સંસારમાં પોતાનું સ્થાન ઊભું કરી શક્યાં છે. ભક્તિ, ભય, અંધવિશ્વાસ અને રહસ્યની દુનિયા સુધી પહોંચવું મુશ્કેલ કાર્ય છે. બીબીસી રાધેમાની આ જ દુનિયામાં પ્રવેશ્યું અને તેના એક પછી એક પરદા ખોલ્યા.

લૂઈ વિત્તૉં ગૂચ્ચી જેવી મોંઘી ગ્લોબલ બ્રાંડનું પર્સ હાથમાં લઈને, સોના અને હીરાનાં જડેલાં ઘરેણાં અને ફૅશનેબલ પહેરવેશમાં મહિલાઓ એકઠી થઈ રહી છે.

આ બધી મહિલાઓ રાધેમાની ભક્ત છે. દિલ્હીમાં લગભગ મધ્યરાત્રિએ શરૂ થનારાં તેમનાં દર્શન માટે આવી છે.

પોતાને 'ચમત્કારી માતા' તરીકે ઓળખાવતાં રાધેમાને સંતો જેવું સાદગીભર્યું જીવન પસંદ નથી. ન તો તેમની વેશભૂષા સાધારણ છે, ન તો તેઓ લાંબાં પ્રવચનો કરે છે, કે ન તો સવારના સમયે ભક્તોને મળે છે.

જ્યારે તેમની મુલાકાત બીબીસી સાથે થઈ ત્યારે જરાય ખચકાટ વગર બોલ્યાં, "એ સાચું છે કે ચમત્કારને નમસ્કાર. એમ તો લોકો એક રૂપિયોય નથી ચડાવતા. તેમની સાથે મિરેકલ થાય છે, તેમનાં કામ થઈ જાય છે, ત્યારે ચઢાવે છે."

રાધેમા, અંધશ્રદ્ધા, ધર્મ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પુષ્પિન્દરસિંહ એક ઍજ્યુકેશન કન્સલ્ટન્સી કંપનીના સીઈઓ છે

આ 'ચમત્કારો'ની ઘણી કહાણીઓ છે. તેમના ભક્તો દાવો કરે છે કે, જેમને બાળકો નહોતાં થતાં, તેમના આશીર્વાદથી તેમને બાળક થઈ જાય છે. જેમને માત્ર દીકરીઓ જ જન્મતી હોય, તેમને પુત્ર પ્રાપ્ત થાય છે. જેમને વેપારમાં ખોટ થઈ હોય, તેમને નફો મળવા લાગે છે. બીમાર લોકો સ્વસ્થ થઈ જાય છે.

'ભગવાનરૂપી' હોવાના અને ચમત્કાર કરતાં હોવાના દાવા માત્ર રાધેમાના જ નથી; ભારતમાં એવા ઘણા સ્વઘોષિત બાબા છે. તેમની સંખ્યા રોજેરોજ વધતી જ જાય છે.

એમ તો, કેટલાક પર ભ્રષ્ટાચારથી લઈને જાતીય શોષણ સુધીના ઘણા આરોપ પણ થયા છે. રાધેમા પર પણ 'મેલીવિદ્યા' કરવાના અને એક પરિવારને દહેજ લેવા માટે ઉશ્કેરવાના આરોપ થયા હતા. જોકે, પોલીસ-તપાસ બાદ બધા જ આરોપ રદ થઈ ગયા.

વીડિયો કૅપ્શન, Godwoman રાધે મા : સુખવિંદર કૌરથી ગૉડવુમન બનવા સુધીની વણકહી કહાણી

ત્યાર પછી પણ હજારો લોકો આ બાબાઓ અને દેવીઓને જોવા માટે આવે છે. ઈ.સ. 2024માં હાથરસમાં આવા જ એક બાબાના સત્સંગમાં થયેલી નાસભાગમાં એકસો વીસ કરતાં વધારે લોકોના જીવ ગયા.

અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક, પ્રોફેસર શ્યામ માનવ સાથે નાગપુરમાં અમારી મુલાકાત થઈ.

તેમણે કહ્યું, "મોટા ભાગના ભારતીય પરિવારોમાં એવો સામાન્ય સંસ્કાર છે કે જીવનનો ઉદ્દેશ જ ભગવાનની પ્રાપ્તિ છે. તે માટે જો ધ્યાન, પ્રાર્થના, ભજન-કીર્તન કરવામાં આવે તો સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા બાબા કે દેવીને લોકો ભગવાનનું રૂપ માનવા લાગે છે—જેઓ ચમત્કાર કરી શકે છે."

રાધેમાના ભક્તો કોણ છે?

રાધેમા, અંધશ્રદ્ધા, ધર્મ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાધેમાંના ભક્તના હાથમાં જૂની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય માન્યતા એવી છે કે ગરીબ અથવા તો જે લોકો અભણ છે, તેઓ આવી વિચારધારાથી પ્રભાવિત થાય છે, પરંતુ રાધેમાના ઘણા ભક્ત ધનિક અને ભણેલા-ગણેલા પરિવારના છે.

મારી મુલાકાત ઑક્સફર્ડ યુનિવર્સિટીના સૅદ બિઝનેસ સ્કૂલમાં ભણેલા એક ઍજ્યુકેશન કન્સલ્ટન્સી ચલાવતા પુષ્પિંદર ભાટિયા સાથે થઈ. તેઓ પણ એ રાત્રે દર્શન માટે પેલી મહિલાઓ સાથે કતારમાં હતા.

તેમણે મને કહ્યું કે, 'દૈવીય શક્તિઓના માનવરૂપ'ની ભક્તિ કરવા વિશે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું.

પુષ્પિંદરે જણાવ્યું કે, "શરૂઆતમાં મનમાં સવાલ હતા – શું ભગવાન માનવરૂપમાં આવે છે? શું આ સાચું છે? શું તેઓ એવા આશીર્વાદ આપે છે કે તમારું જીવન બદલાઈ જાય? આ તથાકથિત ચમત્કાર કઈ રીતે થાય છે?"

પુષ્પિંદર ભાટિયા રાધેમાના સંપર્કમાં એવા સમયે આવેલા જ્યારે તેમનો પરિવાર એક મોટી દુઃખદ ઘટના સામે ઝઝૂમી રહ્યો હતો. ઘણા લોકો કહેશે કે આ કારણે તેઓ નબળા રહ્યા હશે અથવા તો તેમને ફોસલાવી શકાયા હશે. પરંતુ, તેમણે જણાવ્યું કે, એ વખતે રાધેમાની વાતોથી તેમને લાગ્યું કે તેઓ ખરેખર તેમની પરવા કરે છે.

તેમણે કહ્યું, "મને લાગે છે, પ્રથમ દર્શને જ તેમના આભામંડળે મને આકર્ષિત કર્યો. મારા મતે, જ્યારે તમે તેમના મનુષ્યરૂપથી આગળ વધીને જુઓ છો, ત્યારે તરત જ સંધાન અનુભવો છો."

ત્યાં એકઠા થયેલા સેંકડો ભક્તોમાં એક મોટા વેપારી અને એક વરિષ્ઠ પોલીસ અધિકારી પણ હતા. તેઓ પોતાના પરિવાર સાથે બીજા શહેરમાંથી વિમાનની મુસાફરી કરીને ખાસ તેમનાં દર્શન માટે આવ્યા હતા.

હું ત્યાં પત્રકાર તરીકે આ બધું જોવા-સમજવા ગઈ હતી. મને કહેવામાં આવ્યું કે, પહેલાં દર્શન કરવાં પડશે. પછી એક લાંબી કતારની આગળ ઊભી રાખી દીધી. ત્યાર પછી જણાવાયું કે કઈ રીતે પ્રાર્થના કરવાની રહેશે. ચેતવણી આપવામાં આવી કે, જો પ્રાર્થના નહીં કરું તો મારા પરિવાર પર કેટલી વિપદા આવી શકે છે.

રાધેમાના પસંદગીના લાલ અને સોનેરી રંગોથી સજાવાયેલા એ ઓરડામાં બધું જ જાણે તેમની આંખના ઇશારે થઈ રહ્યું હતું.

એક પળમાં આનંદી; એક પળમાં નારાજ… અને એ ગુસ્સો કોણ જાણે કઈ રીતે તેમનાં [મહિલા] ભક્તમાં ઊતરી આવ્યો! આખો ઓરડો શાંત થઈ ગયો. એ ભક્તનું માથું અને શરીર જોર જોરથી હલવા લાગ્યાં. તેઓ જમીન પર આળોટવા માંડ્યાં.

ભક્તોએ રાધેમાને ગુસ્સો છોડી માફ કરવા કહ્યું. થોડીક મિનિટો પછી, બૉલીવૂડનું ગીત વગાડવામાં આવ્યું. રાધેમા નાચવા લાગ્યાં. રાતની રોનક પાછી ફરી.

ભક્તોની કતાર પાછી આગળ વધવા લાગી.

રાધેમા પંજાબથી મુંબઈ સુધી કઈ રીતે પહોંચ્યાં

રાધેમા, અંધશ્રદ્ધા, ધર્મ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પંજાબના મુકેરિયાંમાં બનેલું રાધેમાંનું મંદિર

રાધેમા પંજાબના ગુરદાસપુર જિલ્લાના એક નાનકડા ગામ દોરાંગ્લાના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યાં હતાં. તેમનાં માતાપિતાએ તેમનું નામ સુખવિંદરકોર રાખ્યું હતું.

સુખવિંદરકોરનાં બહેન રજિંદરકોરે મને જણાવ્યું કે, "જે રીતે બાળકો બોલતાં હોય છે કે, હું પાઇલટ બનીશ, હું ડૉક્ટર બનીશ; દેવીમાજી બોલતાં હતાં : હું કોણ છું? તો પિતાજી તેમને એકસો પાંત્રીસ વર્ષના એક ગુરુજી પાસે લઈ ગયા. તેમણે કહ્યું કે આ બાળકી એકદમ ભગવતીનું સ્વરૂપ છે."

વીસ વર્ષની ઉંમરે સુખવિંદરકોરનાં લગ્ન મોહનસિંહ સાથે થયાં હતાં. ત્યાર પછી તેઓ મુકેરિયાં શહેરમાં રહેવાં લાગ્યાં. તેમના પતિ કમાવા માટે વિદેશ જતા રહ્યા.

રાધેમા અનુસાર, "આ દરમિયાન મેં સાધના કરી. મને દેવીમાનાં દર્શન થયાં. ત્યાર બાદ હું પ્રસિદ્ધ થઈ ગઈ."

હવે રજિંદરકોર મુકેરિયાંમાં જ રાધેમાના નામે બનેલા એક મંદિરની દેખરેખ રાખે છે. આ મંદિર રાધેમાના પતિ મોહનસિંહે બનાવડાવ્યું છે.

રજિંદરકોર અનુસાર, "અમે તેમને 'ડૅડી' કહીએ છીએ. તેઓ [રાધેમા] અમારી મા છે, એટલે તેઓ અમારા પિતા થયા."

જ્યારે રાધેમાના પતિ વિદેશમાં હતા ત્યારે તેઓ [સુખવિંદરકોર] પોતાના બંને પુત્રને પોતાની બહેન પાસે મૂકીને પોતે ભક્તોનાં ઘરે રહેવાં લાગ્યાં. મોટા ભાગના ભક્ત વેપારી પરિવારના હતા.

એક શહેરથી બીજા શહેર થતાં થતાં તેઓ મુંબઈ પહોંચ્યાં. અહીં તેઓ એક દાયકા કરતાં વધારે સમય સુધી એક વેપારી પરિવારની સાથે રહ્યાં. ત્યાર પછી પોતાના પુત્રો સાથે રહેવાં લાગ્યાં.

રાધેમા જે લોકોનાં ઘરે રહ્યાં, તેઓ તેમના આગળ પડતા ભક્ત છે. તેઓ દાવા કરે છે કે તેમના ઘરમાં દેવીમાનાં 'ચરણ પડવા'ના કારણે જ તેમના ઘરમાં સમૃદ્ધિ આવી.

રાધેમાના પરિવારમાં કોણ કોણ છે?

રાધેમા, અંધશ્રદ્ધા, ધર્મ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાધેમાંનો નાનો પુત્ર, મોટો પુત્ર, નાની પુત્રવધૂ, મોટી પુત્રવધૂ સાથે મુંબઈ સ્થિત હવેલીમાં

રાધેમાની દુનિયા અજબની છે. તેમાં દિવ્યતાની સાથોસાથ સાંસારિક વસ્તુઓ અને સગાં-સંબંધના તાણાવાણા છે.

તેઓ પોતાના વેપારી પુત્રોએ બનાવેલી મોટી હવેલીમાં રહે છે. પુત્રોનાં લગ્ન પણ એવા મોટા વેપારી પરિવારોમાં થયાં છે જે રાધેમાના સૌથી નિકટના ભક્ત છે.

પરિવારના અન્ય સભ્યોથી અલગ, રાધેમા હવેલીના એક અલગ માળ પર રહે છે. ત્યાંથી તેઓ ત્યારે જ બહાર નીકળે છે જ્યારે દર્શન આપવાનાં હોય અથવા તો કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિમાન દ્વારા બીજા શહેરમાં જવાનું હોય.

રાધેમાના બધા સાર્વજનિક કાર્યક્રમ તેમનાં મોટાં પુત્રવધૂ મેધાસિંહ સંભાળે છે. મેધા અનુસાર, "તેઓ અમારી સાથે નથી રહેતાં. અમે ધન્ય છીએ કે અમે તેમની કૃપાથી તેમના શરણમાં રહીએ છીએ."

રાધેમાના નામ પર આવતાં દાનનો હિસાબ તેમના પરિવારના લોકો અને નજીકના ભક્તો રાખે છે.

મેધાએ કહ્યું કે, "રાધેમાના દિશાનિર્દેશથી તેમના ભક્તોએ એક સોસાયટી બનાવી છે. જરૂરિયાતવાળા ભક્તો અરજી કરે છે. અરજદારની સંપૂર્ણ તપાસ કરીને તેમને મદદ કરવામાં આવે છે. રાધેમા પોતે બધી સાંસારિક બાબતોથી પર છે."

જોકે, રાધેમાને ચમકદાર કપડાં અને ઘરેણાં ગમે છે.

બીબીસી સાથેની વાતચીતમાં રાધેમાએ કહ્યું, "કોઈ પણ પરિણીત મહિલાની જેમ મને સારાં કપડાં અને લાલ લિપસ્ટિક લગાડવાનું પસંદ છે. પણ, મને મેકઅપ નથી ગમતો." જોકે, અમે તેમની સાથે જેટલો સમય વિતાવ્યો, તે દરમિયાન તેઓ મેકઅપમાં જ હતાં.

મેધાએ કહ્યું કે, "તમે હંમેશાં પોતાના ભગવાનની મૂર્તિ માટે સૌથી સુંદર વેશભૂષા લાવો છો, તો જીવતાંજાગતાં દેવી માટે કેમ નહીં? અમારું સદ્‌નસીબ છે કે તેઓ છે અને અમે તેમની સેવા કરી શકીએ છીએ."

ઈ.સ. 2020માં રાધેમા પોતાના એ જ લાલ પોશાક અને હાથમાં ત્રિશૂલ સાથે રિયાલિટી ટીવી શો બિગ બૉસના સેટ પર આવ્યાં અને બિગ બૉસના ઘરને પોતાના આશીર્વાદ આપ્યા હતા.

તેમની આજની છબિ તેમના જૂના રૂપથી એકદમ અલગ છે. જ્યારે હું પંજાબ ગઈ અને તેમના ભક્તોને મળી તો તેમાંથી કોઈએ મને જૂની તસવીર બતાવી.

રાધેમાના ચમત્કારના દાવા અને તેની 'સચ્ચાઈ'

રાધેમા, અંધશ્રદ્ધા, ધર્મ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પંજાબના દોરાંગ્લા ગામના એક કાર્યક્રમની જૂની તસવીરમાં સુખવિંદર કૌર

મુકેરિયાંમાં રહેતાં સંતોષકુમારીએ પોતાના ઘરના મંદિરમાં ભગવાન શિવ અને પાર્વતીના ફોટાની સાથે જ રાધેમાની તસવીર પણ રાખી છે.

તેમણે મને જણાવ્યું કે, હૃદયરોગનો હુમલો આવ્યા પછી જ્યારે તેમના પતિ હૉસ્પિટલમાં હતા ત્યારે તેઓ રાધેમા પાસે આશીર્વાદ લેવા ગયાં હતાં. ત્યાર પછી તેમના પતિની તબિયત જલદી સારી થઈ ગઈ. તેનાથી તેમને શ્રદ્ધા થઈ.

સંતોષકુમારીએ કહ્યું, "હું આજે સૌભાગ્યવતી છું તો તે દેવીમાની દેણ છે. તેમના મોંમાંથી લોહી નીકળ્યું હતું. તેનાથી તેમણે મારો સેંથો પૂર્યો, ચાંદલો કર્યો અને કહ્યું, જા… કશું નહીં થાય. તારો પતિ સાજો થઈ જશે."

મને આશ્ચર્ય થયું, પરંતુ, ઘણા ભક્તોએ રાધેમાની દિવ્ય શક્તિઓના કારણે તેમના મોંમાંથી લોહી નીકળતું હોવાનો દાવો કર્યો, જે તેમના અનુસાર તેમની ખાસ શક્તિઓના કારણે થયું.

શ્રી રાધેમા ચૅરિટેબલ સોસાયટી દર મહિને સંતોષકુમારી સહિત લગભગ પાંચસો મહિલાઓને એકથી બે હજાર રૂપિયા પેન્શન આપે છે. તેમાંનાં મોટા ભાગની મહિલા વિધવા અથવા એકલી છે.

પેન્શન મેળવનારાં આ ભક્તોએ ચમત્કારની અનેક કહાણીઓ જણાવી, પરંતુ, તેમાં ભયનો પણ થોડો ઉલ્લેખ હતો.

સુરજિતકોરે જણાવ્યું કે, "અમે તેમના વિશે કશું ન બોલી શકીએ. મને નુકસાન થઈ જશે. હું જ્યોત ન પ્રગટાવું તો મને નુકસાન થઈ જાય છે. હું બીમાર પડી જાઉં છું."

રાધેમાની કૃપા જળવાઈ રહે તે માટે સુરજિત દરરોજ તેમની તસવીર આગળ દીવો ધરે છે.

પ્રોફેસર માનવ અનુસાર, આવું એટલા માટે છે કે, ભક્તોને ડર હોય છે કે ક્યાંક દેવીમાને તેમની ભક્તિ ઓછી ન લાગવા માંડે.

તેમણે કહ્યું કે, "લૉ ઑફ પ્રોબેબિલિટીના કારણે જે ભવિષ્યવાણી સાચી પડે છે, તેની ક્રેડિટ બાબાઓને મળે છે. પરંતુ, જે સાચી નથી પડતી, તેની ડિસ્ક્રેડિટ બાબાઓ સુધી નથી પહોંચતી. ભક્ત પોતાને દોષિત માનવા લાગે છે કે અમારી ભક્તિમાં કશી ખામી રહી ગઈ હશે અથવા તો મારું નસીબ જ એવું છે. બાબાનો હાથ માથેથી ખસી જશે. બાબાના પ્રિય લોકોમાંથી હું બહાર થઈ જઈશ, એવી પણ બીક હોય છે."

રાધેમાના સાર્વજનિક કાર્યક્રમોમાં તેમના ચમત્કારના દાવાને પાયા વિહોણા ગણાવનાર પણ ઘણા હતા.

દિલ્હીના એક કાર્યક્રમમાં મળેલાં એક મહિલાએ આવા દાવાને "બનાવટી વાર્તા" ગણાવ્યા. બીજાએ કહ્યું કે, તેમણે એક પણ ચમત્કાર તેમની આંખે નથી જોયો. મેકઅપ કરીને અને મોઘાં કપડાં પહેરવાથી વ્યક્તિ ભગવાન નથી બની જતા.

તોપણ તેઓ રાધેમાના કાર્યક્રમમાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે, રિયાલિટી ટીવી શોમાં જોયાં પછી વાસ્તવિક જીવનમાં રાધેમાને જોવાની ઉત્સુકતા હતી.

ભક્તિ અને ભય

રાધેમા, અંધશ્રદ્ધા, ધર્મ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સંતોષકુમારી તેમના મંદિરમાં રાધેમાની તસવીર રાખે છે

આ તપાસ દરમિયાન મને કેટલાક એવા લોકો પણ મળ્યા, જે પહેલાં રાધેમાના ભક્ત હતા, પરંતુ તેમણે જણાવ્યું કે, તેમના કિસ્સામાં રાધેમાના 'ચમત્કાર' અથવા 'આશીર્વાદ' કારગર સાબિત નથી થયા. તેથી ઊલટું, તેમને નુકસાન થયું. જોકે, એમાંના કોઈ પણ પોતાની ઓળખ જાહેર કરવા તૈયાર નહોતા.

આ બધાએ રાધેમાના એવા ભક્તો વિશેની મારી જિજ્ઞાસા ખૂબ વધારી જેમને તેમની દિવ્ય શક્તિઓ પર વિશ્વાસ છે અને જેઓ તેમની સેવા કરવા તૈયાર છે.

એક સાંજે હું સ્તબ્ધ થઈ ગઈ. રાધેમાએ પોતાના ઓરડામાં જમીન પર બેઠેલા પોતાના સૌથી નજીકના ભક્તોને જાનવરોના અવાજ કાઢવાનું કહ્યું અને તેઓ માની ગયા.

રાધેમાએ તેમને કૂતરા અને વાંદરાની જેમ વર્તન કરવા કહ્યું. તેમણે ભસવાના, ચીસો પાડવાના અવાજો કાઢ્યા અને ખંજવાળવાનો અભિનય કર્યો.

મેં આવું ક્યારેય નહોતું જોયું.

રાધેમાનાં પુત્રવધૂ મેધાસિંહ પણ એ ઓરડામાં હતાં. મેં તેમને ભક્તોના આવા વર્તનનું કારણ પૂછ્યું.

તેમને બિલકુલ આશ્ચર્ય ન થયું.

તેમણે જણાવ્યું કે, છેલ્લા ત્રણ દાયકાથી દર્શન આપવા ઉપરાંત રાધેમા પોતાના ઓરડામાં બંધ રહે છે.

મેધાએ જણાવ્યું કે, "એટલે તેમની પાસે મનોરંજનનું આ એકમાત્ર સાધન છે. અમે આ બધી ઍક્શન્સ કરીને અથવા જોક્સ સંભળાવીને કોશિશ કરીએ છીએ કે તેઓ હસે."

રાધેમા, અંધશ્રદ્ધા, ધર્મ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રોફેસર શ્યામ માનવ અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક છે

આ જવાબે મને એ ચેતવણીની યાદ અપાવી જે મને વારંવાર આપવામાં આવી હતી કે, ભક્તોએ પૂર્ણ શ્રદ્ધા રાખવી જરૂરી છે.

જેમ કે, જ્યારે મેં પુષ્પિંદરસિંહને પૂછ્યું કે, રાધેમા પોતાના ભક્તો પાસે શું માગે છે?

તેમણે કહ્યું, "કશું નહીં. તેઓ બસ કહે છે, 'જ્યારે મારી પાસે આવો ત્યારે દિલ અને દિમાગ ખુલ્લાં રાખીને આવો'. મેં જોયું પણ છે કે, લોકો, ભલે નવા હોય કે જૂના, જ્યારે આ વિચાર સાથે આવે છે ત્યારે તેઓ તેમના માટે ચમત્કાર કરે છે. જો તમે તેમની પરીક્ષા કરવા જશો તો તમે એ સંગતનો ભાગ નહીં રહો."

આ બધાનો અર્થ એ હતો કે ભક્તિ સંપૂર્ણ સમર્પણ માગે છે. 'ભગવાનની પ્રાપ્તિ' માટે બધા જ તર્ક ત્યાગવાના હોય છે.

પ્રોફેસર માનવ અનુસાર, કોઈ પણ સવાલ પૂછ્યા વિના પૂર્ણ શ્રદ્ધા રાખવી તે જ, લોકોને 'અંધવિશ્વાસુ' બનાવી દે છે.

તેમણે કહ્યું, "આપણને કહેવામાં આવે છે કે તેમને જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે જેઓ પોતાના ગુરુ પર અડગ શ્રદ્ધા રાખે છે. જે કોઈ શંકા કરશે, ચકાસવાની કોશિશ કરશે, તેઓ પોતાની શ્રદ્ધા ગુમાવી દેશે."

અંધવિશ્વાસ કહો કે ભક્તિ, રાધેમાને વિશ્વાસ છે કે તેમના ભક્ત તેમની સાથે રહેશે. જેમને તેમના ચમત્કારો પર વિશ્વાસ નથી અથવા તેમને ઢોંગી માને છે, રાધેમાને તેમની ફિકર નથી.

રાધેમા હસીને કહે છે, "આઈ ડોન્ટ કેર… કેમ કે, ઉપરવાળો મારી સાથે છે. બધું જોઈ રહ્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.