આયુષ્યમાન ભારત PMJAY : નરેન્દ્ર મોદીની યોજના કોરોનાકાળમાં કેટલી કામ લાગી? બીબીસી ઇન્વેસ્ટિગેશન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
"ત્રણ રાતથી મારા ભાઈને નિમકાથાનાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેને કોરોના થયો છે. ત્યાંના ડૉક્ટરોથી સારવાર થઈ શકે તેમ ન હતી તેથી તેમણે ખાનગી હૉસ્પિટલમાં જવા કહી દીધું. ગઈ કાલે રાતે જ ભાઈને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યો છે. ઓક્સિજનનું લેવલ 80 સુધી પહોંચી ગયું હતું. દાખલ થયાને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં અમે હૉસ્પિટલવાળાઓને એક લાખ 30 હજાર રૂપિયા આપી ચુક્યા છીએ."
બસ આ ત્રણ-ચાર લાઇનો પછી બીજી તરફ ફોન પર ચૂપકીદી છવાઈ જાય છે. રાજેન્દ્ર પ્રસાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તેમના અવાજમાં લાચારીનો ભાવ સ્પષ્ટ અનુભવી શકાય છે.
જયપુરથી 17 કિલોમીટર દૂર આવેલા નિમકાથાના, સિકરના રહેવાસી રાજેન્દ્ર પ્રસાદ સિકરની એક ખાનગી હૉસ્પિટલમાં પોતાના ભાઈ સુભાષચંદની સારવાર કરાવવા આવ્યા છે. તેમના ભાઈ અત્યારે હૉસ્પિટલના આઇસીયુમાં જીવનમરણ વચ્ચે જંગ લડી રહ્યા છે.
તેમના હાથમાં ભાઈ સુભાષના નામનું આયુષ્યમાન કાર્ડ છે જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છપાયેલી છે.
આંસુ લૂછતાં લૂછતાં રાજેન્દ્ર પ્રસાદ જણાવે છે, "ત્રણ દિવસ સુધી તો સરકારી હોસ્પિટલમાં હતા. ત્યાં સારવારનો કોઈ ખર્ચ થતો ન હતો. અમને લાગ્યું કે આ કાર્ડ અહીં પણ કામ લાગશે. ડૉક્ટરોએ કહ્યું એટલે અમે અહીં આવીને ભાઈને દાખલ કરી દીધો. પરંતુ હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું કે સૌથી પહેલાં રૂપિયા આપો. અમે રસીદ આપીશું. પછી તમને જ્યાંથી રૂપિયા મળવાના હોય ત્યાંથી લઈ લેજો...તમે જ કહો મૅડમ. અમે આ કાગળ/કાર્ડનું શું કરીએ. મોદીજી શું કામના…આ કાર્ડ શું કામનું?"
આટલું બોલતાં જ તેમની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યાં. સુભાષના ઘરે તેમનાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. બંને બી.એ.નો અભ્યાસ કરે છે. પરિવારમાં સુભાષ એકમાત્ર કમાતી વ્યક્તિ છે અને નાનકડી સ્કૂલ ચલાવે છે, જે છેલ્લા એક વર્ષથી બંધ છે.

આયુષ્યમાન ભારત -PMJAY શું છે?

ઇમેજ સ્રોત, TWITTER
આયુષ્યમાન કાર્ડ એટલે મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારતનું કાર્ડ. આયુષ્યમાન ભારત યોજનાના બે ભાગ છે. તેમાંથી પહેલો હિસ્સો એક આરોગ્ય વીમા યોજના છે જેને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત-PMJAY) કહેવાય છે. બીજી છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર યોજના.
કેન્દ્ર સરકારનો હંમેશાં દાવો રહ્યો છે કે આયુષ્યમાન ભારત- PMJAY એ માત્ર દેશની નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિસેમ્બર 2018માં રાંચીથી આ યોજના લૉન્ચ કરવામાં આવી હતી. પરંતુ તે અગાઉ ઑગસ્ટમાં જ ટ્રાયલ દરમિયાન હરિયાણાના કરનાલમાં આ યોજના હેઠળ જન્મેલી બાળકી 'કરિશ્મા'ને આ યોજનાની પ્રથમ લાભાર્થી ગણવામાં આવે છે.
આ યોજના હેઠળ ગરીબ પરિવારના દરેક સભ્યનું એક આયુષ્યમાન કાર્ડ બને છે. હૉસ્પિટલમાં દાખલ થવું પડે તો આ કાર્ડની મદદથી પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં થાય છે. દેશની કુલ વસતીના 40 ટકા લોકોને આ યોજના હેઠળ મેડિકલ વીમા કવર મળે છે તેવું માનવામાં આવે છે. તેના હેઠળ દેશભરમાં 20,000થી વધારે હૉસ્પિટલો અને 1000થી વધારે બીમારીઓની સારવાર મફતમાં કરાવી શકાય છે.
આ યોજનાના લાભાર્થીઓને સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. તેના માટે 2011માં થયેલી સામાજિક અને આર્થિક વસતી ગણતરીને માપદંડ નક્કી કરવામાં આવી છે.
2020ની શરૂઆતના મહિનાઓમાં ભારતમાં કોરોના રોગચાળો ફેલાઈ રહ્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે કોવિડ-19ના દર્દીઓની સારવાર પણ આયુષ્યમાન યોજના હેઠળ કરાવવાની જાહેરાત કરી હતી.
પરંતુ કોરોના રોગચાળા દરમિયાન કાર્ડધારકોને આ યોજનાનો કેટલો લાભ મળે છે તેનું ઉદાહરણ સુભાષચંદ જેવા દર્દીઓ છે.

ઇમેજ સ્રોત, Getty Images
દેશના દરેક ભાગમાં કોરોનાની સારવાર કરાવવા માટે મકાન, જમીન અને ઘરેણાં વેચવાની નોબત આવી હોય તેવા અનેક કિસ્સા સાંભળવા મળે છે. પરંતુ જેમની પાસે વેચવાલાયક કંઈ નથી, તેમના માટે આ કાર્ડ કેટલું ઉપયોગી થશે જેનાં વખાણ કરતાં કેન્દ્ર સરકાર થાકતી ન હતી.
ગયા વર્ષે મે મહિનામાં આ યોજનાના ભરપૂર વખાણ કરવામાં આવ્યાં હતાં અને તેના હેઠળ એક કરોડ લોકોને મળેલી મફત સારવારની ઉજવણી પણ થઈ હતી.
પરંતુ કોરોના મહામારીનો ભોગ બનેલા લોકોના સારવારની વાત આવી ત્યારે આયુષ્યમાન ભારત- PMJAYનો રિપોર્ટ કાર્ડ સરકારના દાવા જેવો આકર્ષક નથી.

રાજસ્થાનમાં આયુષ્યમાન યોજનાની સ્થિતિ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સૌથી પહેલા રાજસ્થાનની વાત કરીએ. સુભાષચંદની કહાણી સાંભળ્યા બાદ બીબીસીએ રાજસ્થાનમાં સ્ટેટ હેલ્થ ઇસ્યોરન્સ સ્કીમના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણા રાજોરિયાનો સંપર્ક કર્યો.
તેમણે જણાવ્યું કે રાજસ્થાનમાં આયુષ્યમાન ભારત - PMJAY નું નામ પહેલી મેથી 'મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય વીમા યોજના' થઈ ગયું છે. આ અગાઉ આ યોજનાનું નામ 'આયુષ્યમાન ભારત-મહાત્મા ગાંધી રાજસ્થાન આરોગ્ય વીમા યોજના' હતું.
નામ બદલવાની સાથે સાથે આ યોજના માટે લાયકાતનું ક્ષેત્ર પણ વધારવામાં આવ્યું છે. તેના હેઠળ રાજ્યના 1.35 કરોડ ગરીબોને આ યોજનાનો લાભ અપાઈ રહ્યો છે. તેથી માત્ર આયુષ્યમાન ભારત- PMJAYના લાભાર્થીઓની અલગ યાદી રાખવામાં નથી આવતી.
અરુણા રાજોરિયાનો દાવો છે કે રાજસ્થાનમાં આયુષ્યમાન ભારત- PMJAYના લાભાર્થીઓની સારવાર 'મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય યોજના' હેઠળ કરવામાં આવે છે.
સુભાષચંદના મામલે તેમણે કહ્યું કે તેમણે આ યોજનાની પૅનલમાં સામેલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવી હોત તો તેમની મફતમાં સારવાર થઈ હોત. પરંતુ સુભાષચંદના ભાઈની દલીલ છે કે તેમને આયુષ્યમાન ભારતની પૅનલમાં સામેલ હૉસ્પિટલો અંગે જાણકારી નથી. તેમની પાસે આવી હૉસ્પિટલોની કોઈ યાદી પણ નથી.
આના જવાબમાં રાજોરિયાએ કહ્યું કે આયુષ્યમાન ભારત - PMJAY યોજનાના દરેક લાભાર્થીને ફોન પર મૅસેજ દ્વારા પૅનલમાં સામેલ હૉસ્પિટલોની લિસ્ટની લિંક મોકલવામાં આવી હતી.
શક્ય છે કે સુભાષચંદને આવો કોઈ મૅસેજ મળ્યો હોય અને તેઓ મૅસેજની લિંક ખોલીને જોઈ શક્યા ન હોય. તેથી તેમને કઈ ખાનગી હૉસ્પિટલોમાં આયુષ્યમાન ભારત- PMJAY હેઠળ મફતમાં સારવાર મળી શકે તેની કદાચ ખબર ન હોય.
આ તો થઈ રાજસ્થાનની વાત. હવે આખા દેશની વાત કરીએ.

ગામડાંમાં કોરોના અને આયુષ્યમાનનો લાભ

ઇમેજ સ્રોત, Arjun Jasvantbhai Parmar
આંકડા દર્શાવે છે કે કોરોના મહામારીની બીજી લહેર હવે ગામડાં તરફ આગળ વધી રહી છે. હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વાત કરી છે.
આ યોજનાના મોટા ભાગના કાર્ડધારકો પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ રહે છે.
માર્ચની શરૂઆતમાં બીજી લહેરનો પ્રકોપ વધ્યો ત્યારે 38 ટકા કેસ એવા જિલ્લામાં નોંધાયા હતા જ્યાં 60 ટકાથી વધુ લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. પરંતુ એપ્રિલના અંત સુધીમાં આ આંકડો વધીને 48 ટકા સુધી પહોંચી ગયો હતો.
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 15 કરોડ 88 લાખ કાર્ડ બની ગયાં છે જેમાંથી મોટા ભાગના લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.
આયુષ્યમાન ભારતના ડેપ્યુટી સીઈઓ વિપુલ અગ્રવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં -
-આયુષ્યમાન ભારત- PMJAY હેઠળ 14 એપ્રિલ 2021 સુધીમાં દેશભરમાં ચાર લાખ લોકોને કોરોનાની મફત સારવાર અપાઈ હતી.
-દસ લાખ કાર્ડધારકોનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.
-તેના પર કુલ માત્ર 12 કરોડનો ખર્ચ થયો છે.
આ માહિતી આયુષ્યમાન ભારતના ટ્વિટર હૅન્ડલ પર ટ્વીટ કરવામાં આવેલા એક રિપોર્ટમાં અપાઈ હતી. આ રિપોર્ટ આયુષ્યમાન ભારતના ડેપ્યુટી સીઈઓ વિપુલ અગ્રવાલના ઇન્ટરવ્યૂ પર આધારિત છે.
બીબીસીએ આ આંકડાને બારીકાઈથી સમજવા માટે આયુષ્યમાન ભારતના ડેપ્યુટી સીઈઓ ડૉક્ટર વિપુલ અગ્રવાલ અને આયુષ્યમાન ભારતના સીઈઓ આર. એસ. શર્મા સાથે પણ સંપર્ક કર્યો. પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.
તેથી આયુષ્યમાન ભારત- PMJAY હેઠળ 12 કરોડ રૂપિયાનો જે ખર્ચ થયો તેમાંથી કયા રાજ્યની કેટલી જવાબદારી છે તેના આંકડા મળ્યા નથી.
કોરોના મહામારી વચ્ચે આયુષ્યમાન ભારત- PMJAYના આંકડા ક્યાં ઊભા છે તે સમજવા માટે ભારતનો કોરોનાનો ગ્રાફ સમજવો પણ જરૂરી છે.

આંકડાને કઈ રીતે સમજવા?

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ બે કરોડ લોકો સાજા થઈ ગયા છે. હજુ પણ 40 લાખ ઍક્ટિવ કેસ છે. એટલે કે અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના કુલ બે કરોડ 40 લાખ કેસ આવ્યા છે.
ભારત સરકારના જણાવ્યા પ્રમાણે 80થી 90 ટકા દર્દી ઘરમાં જ સારવારથી સાજા થઈ જાય છે.
માત્ર દસથી 20 ટકા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.
ધારો કે દસ ટકા લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે. એટલે કે બે કરોડ 40 લાખ લોકોમાંથી લગભગ 24 લાખ લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડશે.
સરકારી આંકડા પ્રમાણે તેમાંથી માત્ર ચાર લાખ દર્દીઓને જ આ વીમા યોજના હેઠળ લાભ મળ્યો છે.
અને આ ચાર લાખ લોકોની સારવાર માટે સરકારે 12 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આપને જણાવી દઈએ કે આયુષ્યમાન ભારત- PMJAY યોજનાનું વાર્ષિક બજેટ લગભગ 6400 કરોડ રૂપિયા છે.

પ્રાઇવેટ હૉસ્પિટલોની લૂંટ અને આયુષ્યમાન ભારત- PMJAYનું રેટ કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
આયુષ્યમાન ભારત- PMJAYનું રિપોર્ટ કાર્ડ સારું છે કે ખરાબ તે સમજવા માટે અમે આરોગ્ય ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી.
તેમાંથી એક જાણકાર વ્યક્તિ છે ઉમેન સી કુરિયન.
તેઓ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સાથે સિનિયર ફેલો તરીકે જોડાયેલા છે. ઉમેન સી. કુરિયને બીબીસીને જણાવ્યું કે, "દેશમાં જ્યારે કોવિડ 19ના દરરોજ સરેરાશ 20-25 હજાર નવા કેસ આવતા હોય ત્યારે આખા વર્ષમાં સરકારી સ્કીમ હેઠળ માત્ર ચાર લાખ દર્દીની સારવાર કરવી એ આટલી મોટી હેલ્થ સ્કીમ માટે કઈ રીતે યોગ્ય ગણી શકાય?"
અહીં એ યાદ રાખવું જરૂરી છે કે માર્ચ-એપ્રિલમાં શરૂ થયેલી બીજી લહેરમાં તો ભારતમાં રોજના ચાર લાખ સુધી નવા કેસ બહાર આવ્યા છે.
"આ સરકારની સમસ્યા એ છે કે તે કોઈ વિગત જાહેર નથી કરતી. હવે આ ચાર લાખ દર્દી કેવી સ્થિતિમાં હતા, કયા રાજ્યમાં કેટલા હતા, તે જણાવવામાં પણ તેમને વાંધો છે. તો પછી તેઓ શું છુપાવવા માંગે છે તે સમજી શકાય છે."
ગયા વર્ષના ડિસેમ્બર 2020 સુધીના આંકડા અમુક પ્રમાણમાં જાહેર પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે. તેમાંથી કેટલોક સંદર્ભ મેળવી શકાય છે. આ આંકડા દર્શાવે છે કે કોરોના મહામારી દરમિયાન આ યોજના હેઠળ સારવાર માંગતા લોકોની સંખ્યા સતત વધતી જતી હતી. છતાં હૉસ્પિટલોમાં બધાને સારવાર મળી ન હતી.
ઉમેન માને છે કે કોવિડ-19ની સારવાર કરાવવા માટે આયુષ્યમાન ભારત- PMJAYનું રેટકાર્ડ પણ ઘણા અંશે જવાબદાર છે.
આયુષ્યમાન ભારત- PMJAY હેઠળ હરિયાણાનું રેટ કાર્ડ આ પ્રકારનું છેઃ
• આઇસીયુ બેડ (વૅન્ટિલેટર સાથે) - દૈનિક રૂ. 5000
• આઇસીયુ બેડ - દૈનિક રૂ. 4000
• હાઇ ડેન્સિટિ યુનિટ બેડ - દૈનિક રૂ. 3000
• જનરલ વૉર્ડ બેડ - દૈનિક રૂ. 2000
કોવિડ-19ની સારવાર દરમિયાન પીપીઈ કિટની પણ જરૂરિયાત પડે છે, તેથી હરિયાણા સરકારે તેના પર 20 ટકા રેટ વધારવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી વૅન્ટિલેટર સાથે આઇસીયુ બેડનો ચાર્જ વધીને એક દિવસના રૂ. 6,000 થઈ ગયો છે.
આટલું કર્યા પછી પણ હરિયાણાનો રિપોર્ટ જણાવે છે કે અહીં છેલ્લા એક વર્ષમાં માત્ર દસ હજાર લોકોએ આ યોજના હેઠળ સારવાર કરાવી છે. પરંતુ હરિયાણામાં આયુષ્યમાન કાર્ડ ધારકોની સંખ્યા 15.5 લાખ છે. અહીં કોરોનાના દર્દીઓની સંખ્યા પણ સાડા છ લાખથી વધારે છે. સાથે સાથે હરિયાણામાં 600થી વધારે હોસ્પિટલોમાં કોરોનાના ઇલાજની સુવિધા છે.
બીજાં રાજ્યોનાં રેટ કાર્ડ પણ એકંદરે હરિયાણા સરકાર જેવાં જ છે.
આ પરિસ્થિતિમાં એ સવાલ પેદા થાય છે કે સુભાષચંદ જેવા ક્રિટિકલ દર્દીઓને ખાનગી હૉસ્પિટલો આયુષ્યમાન કાર્ડ હેઠળ માત્ર દૈનિક 6000 રૂપિયા માટે શા માટે દાખલ કરે? ખાસ કરીને જ્યારે કોરોના મહામારીના કારણે આઇસીયુ બેડની ભારે અછત હોવાથી ખાનગી હૉસ્પિટલો આરામથી ઘણી ઊંચી કિંમત વસૂલી શકે છે ત્યારે.
ઉમેનના જણાવ્યા મુજબ આ એક મોટું કારણ છે જેના લીધે કોવિડ-19 કટોકટીમાં આ યોજના હેઠળ વધારે લોકોને મફતમાં સારવારનો લાભ નથી મળ્યો. ખાનગી હૉસ્પિટલોએ કોરોના રોગચાળાને રૂપિયા એકઠા કરવાનો એક સાધન બનાવી લીધો છે.

યોજના હેઠળ હૉસ્પિટલોનું નેટવર્ક

ઇમેજ સ્રોત, Getty Images
અમારા બીજા નિષ્ણાત છે ડૉક્ટર ચંદ્રકાંત લહરિયા.
ડૉ. લહરિયા ભારતના જાણીતા જાહેર નીતિ અને આરોગ્યતંત્રના નિષ્ણાત છે.
તેઓ તાજેતરમાં કોરોના મહામારી વિશે લખાયેલા પુસ્તક 'ટિલ વી વિનઃ ઇન્ડિયાઝ ફાઇટ અગેન્સ્ટ કોવિડ-19 પેન્ડેમિક'ના સહ-લેખક પણ છે.
ડૉક્ટર ચંદ્રકાંત જણાવે છે, "આ આંકડાઓને ધ્યાનમાં રાખીને બે બાબતોનો વિચાર કરવાની જરૂર છે. આ યોજનાનો હેતુ જ દેશના નીચલા સ્તરના 40 ટકા લોકોને આરોગ્ય સુવિધા અપાવવાનો છે. એટલે કે બહુ નાના વર્ગ માટેની આ યોજના હતી. બીજું કે કોરોના મહામારી સમયે ઘણી હૉસ્પિટલોમાં આ નવી બીમારી માટે સારવારની સુવિધા ન હતી."
તેઓ માને છે કે આ મોટો મુદ્દો છે. આ આંકડા દર્શાવે છે કે આવી યોજનાઓમાં કેવી ખામીઓ છે.
આ યોજના હેઠળ દેશભરમાં બહુ ઓછી હૉસ્પિટલો તેની પૅનલ પર હોય છે. જરૂરિયાતમંદ લોકોને જ્યારે તેની ખાસ જરૂર હોય, ત્યારે આ સુવિધા તેમને નથી મળતી.
ડૉક્ટર ચંદ્રકાંત તેના માટે ઉદાહરણ પણ આપે છે. હાલમાં ગામડાંમાં કોઈને કોરોના ટેસ્ટ કરાવવો હોય તો દરેક જગ્યાએ ટેસ્ટ નથી થતા. તેથી કાર્ડધારકે લાચાર બનીને એવી હૉસ્પિટલમાં જ જવું પડશે જ્યાં કોરોનાનો ટેસ્ટ થતો હોય.
કોઈ પણ દર્દી પૅનલમાં સામેલ હૉસ્પિટલની રાહ નહીં જુએ. તેવી જ રીતે પૅનલમાં હોય તેવી હૉસ્પિટલોમાં જ મફતમાં સારવાર થાય છે. પરંતુ આ યોજના હેઠળ પૅનલમાં સામેલ બધી હૉસ્પિટલોમાં કોવિડ -19ની સારવાર થતી હોય તે જરૂરી નથી.
વાસ્તવમાં સુભાષચંદની સાથે પણ આવું જ થયું. સરકારી હૉસ્પિટલે તેમને જે પ્રાઈવેટ હૉસ્પિટલમાં જવા કહ્યું હતું તે હૉસ્પિટલ આયુષ્યમાન સ્કીમની પૅનલમાં સામેલ નથી.
બીબીસીના સહયોગી પત્રકાર મોહરસિંહ મીણાએ ખંડાકા હૉસ્પિટલના ડો. સુધીર વ્યાસ સાથે વાત કરી હતી. તેમનું કહેવું છે કે તેમની હૉસ્પિટલ આયુષ્યમાન ભારત યોજનાની પૅનલમાં સામેલ થવા માંગતી નથી, કારણ કે ડિસેમ્બર 2019થી રાજ્યની ભામાશા યોજનાના 16 લાખ રૂપિયા તેમને હજુ સુધી નથી ચુકવાયા.
સુભાષના પરિવારને પૂછવામાં આવ્યું કે તેઓ આયુષ્યમાન યોજના હેઠળ કોવિડની મફતમાં સારવાર થાય તેવી ખાનગી હૉસ્પિટલમાં શા માટે ન ગયા? ત્યારે તેમણે કહ્યું કે તેમને આ વાતની માહિતી ન હતી.
આ યોજનાની આ બીજી મોટી ખામી છે. પૅનલમાં સામેલ હૉસ્પિટલો વિશે લાભાર્થીઓને પૂરી માહિતી નથી હોતી.
કોરોના મહામારી દરમિયાન આર્થિક રીતે નબળા પરિવારોને આયુષ્યમાન ભારત- PMJAY સાથે જોડવા માટે ઘણા અભિયાન ચલાવવામાં આવ્યાં હતાં. ઘણા લોકોનાં કાર્ડ તૈયાર થયાં હતાં. આયુષ્યમાન ભારતના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર છેલ્લા બે મહિનાની પોસ્ટ જોવામાં આવે તો તેના ઘણાં ઉદાહરણ મળશે. પરંતુ માર્ચ-એપ્રિલમાં ભારતમાં બીજી લહેર શરૂ થઈ ત્યારથી એવી એક પણ પોસ્ટ નહીં મળે જેમાં કોવિડની સારવાર, કોવિડ હૉસ્પિટલોની યાદી કે રેટ કાર્ડની માહિતી આપવામાં આવી હોય.

બીજી બીમારીઓની સારવાર

ઇમેજ સ્રોત, Getty Images
આયુષ્યમાન યોજના હેઠળ અન્ય બીમારીઓની સારવારમાં પણ ભારે ઘટાડો થયો છે. ગયા વર્ષે માર્ચથી લઈને મે દરમિયાન કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે આ ત્રણ મહિના દરમિયાન આંખના મોતિયાના ઑપરેશનમાં કોરોનાના કારણે 90 ટકા ઘટાડો થયો હતો.
કૅન્સર સંબંધિત સારવારમાં 57 ટકાનો ઘટાડો થયો હતો. ડાયાલિસિસના કેસમાં 10થી 20 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે સિઝેરિયનથી બાળકોની ડિલિવરીમાં કેટલાંક રાજ્યોમાં 70 ટકા સુધી ઘટાડો થયો હતો. બાળકોની બીમારીઓની સારવાર અને ઇમર્જન્સી સેવાઓમાં પણ 15થી 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેના માટે લૉકડાઉન, કોરોના ફેલાવાનો ભય અને હૉસ્પિટલમાં બીજી કેટલીક સેવાઓ બંધ થઈ તે પણ જવાબદાર છે.
ઉમેન જણાવે છે કે અગાઉના લોકડાઉન પછી ધીમે ધીમે સપ્ટેમ્બર 2020 પછી આ યોજના હેઠળ અન્ય બીમારીઓની સારવારમાં થોડી તેજી આવી હતી. આ યોજના માટે આ સારી બાબત હતી. ગયા વર્ષે કોરોનાનો આતંક ધીમો પડ્યો ત્યારે બીજી ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને આ યોજનાના કારણે ઘણી મદદ મળી હતી. પરંતુ કોવિડ-19ના દર્દીઓને એટલી મદદ નહોતી મળી.

યોજનાને વધુ સારી બનાવવાના ઉપાય
ડૉક્ટર ચંદ્રકાંત અને ઉમેન બંને આ યોજના પાછળના વિચારોને બિરદાવે છે. ડૉક્ટર ચંદ્રકાંત માને છે કે આ યોજના શરૂ થયા પછી દોઢ વર્ષ સુધી તેનો બહુ સારી રીતે ઉપયોગ થયો. મહામારીના સમયમાં તેના રિપોર્ટ કાર્ડ પર ટિપ્પણી કરવી એ વધારે પડતી વહેલી ગણાશે અને તેમાં અન્યાય પણ થશે. કોરોનાકાળમાં આરોગ્ય સેવાઓ બેહાલ થઈ છે.
આ યોજનાને વધુ અસરકારક બનાવવાનાં સમાધાન પણ સૂચવાયાં છે.
ડૉ. ચંદ્રકાંત મુજબ "સરકાર ગરીબો માટે યોજના બનાવી રહી છે. અમીરો પોતાના માટે ઇન્સ્યોરન્સ સ્કીમ ખરીદી લે છે. પરંતુ જે લોકો આ બંને કૅટેગરીમાં નથી આવતા તેમના માટે પણ સરકારે પહેલ કરવી જોઈએ, ભલે તેનો ખર્ચ જનતા સ્વયં ઉઠાવે."
તેને તેઓ 'મિસિંગ મિડલ' નામ આપે છે. આ રીતે આયુષ્યમાન ભારત યોજનાનું ક્ષેત્ર વધશે અને વધુ લોકોને તેનો લાભ મળશે.
બીજો રસ્તો છે આયુષ્યમાન ભારત યોજનાના બીજા હિસ્સાને વધુ મજબૂત બનાવવો.
તેના હેઠળ હેલ્થ અને પ્રાઇમરી વેલનેસ સેન્ટરના નેટર્વકને સુદૃઢ બનાવવાની વાત કરવામાં આવી છે.
તમારા પડોશમાં જ આરોગ્યકેન્દ્ર હોય અને ત્યાં કોરોનાના ટેસ્ટિંગ જેવી પાયાની સુવિધા મળી રહે તો લોકોએ મોટી હૉસ્પિટલોમાં જવાની નોબત નહીં આવે.
તેનાથી હૉસ્પિટલો પર બોજ ઘટશે, સરકારનો ખર્ચ ઘટશે અને શરૂઆતનાં લક્ષણો દેખાતાં જ બીમારીને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.
આ પ્રકારની સુદૃઢ પ્રાથમિક સેવાઓ મળશે તો લોકોની આરોગ્યને લગતી સમસ્યાઓ દૂર થશે.
ઉમેન માને છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોવિડ 19 જેવા રોગચાળા દરમિયાન સારવારના રેટ કાર્ડ વિશે પણ વિચારવું જોઈએ.
જે સેવાઓ માટે હૉસ્પિટલો બમણી કમાણી કરી રહી હોય તેના માટે તે સસ્તા સરકારી પૅકેજવાળા દર્દીઓને પોતાને ત્યાં શા માટે દાખલ કરશે?


ઇમેજ સ્રોત, MohFW, GoI














