અજાણ્યા લોકો સાથેની વાતચીત તમને કઈ રીતે ખુશખુશાલ રાખી શકે?

સમાજ, વાતચીત, સંવાદ, જીવનશૈલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મર્વ કારા કાસ્કા અને અન્યા ડોરોડિકો
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

કૉફી શૉપમાં કોઈને નમસ્તે કહેવાથી અથવા રસ્તામાં અજાણ્યા લોકો સાથે થોડી વાતચીત કરવાથી લોકો ખુશ થઈ શકે છે.

તુર્કીમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સામાજિક સંબંધો લોકોને પ્રસન્ન રહેવામાં મદદરૂપ બની શકે એમ છે.

સબાંસી યુનિવર્સિટીના સામાજિક વિજ્ઞાન ફેકલ્ટીનાં વડાં અને અભ્યાસનાં લેખકોમાંનાં એક એસ્રા એસિગિલ કહે છે, "અમને જાણવા મળ્યું કે જે લોકોની આપણે ભાવનાત્મક રીતે નજીક નથી તેમની સાથે વાતચીત કરવાથી આપણા જીવન પર સકારાત્મક અસર પડે છે."

તેઓ કહે છે કે આવી ક્રિયાઓમાં બસમાંથી ઊતરતી વખતે ડ્રાઇવરનો આભાર માનવો અથવા પરિચિત ચહેરાઓનું સ્વાગત કરવું સામેલ છે.

સમાજ, વાતચીત, સંવાદ, જીવનશૈલી, બીબીસી ગુજરાતી

આ અભ્યાસ એ પણ દર્શાવે છે કે વિશ્વભરના લોકો અજાણ્યાઓ સાથે વાતચીત કરવામાં અસ્વસ્થતા અનુભવે છે. તેમને તે બિનજરૂરી, અજીબ અને અસુરક્ષિત લાગે છે.

નાની વાતચીતો રોજિંદા લોકોના જીવનમાં કેવી રીતે ખુશી લાવે છે અને કોઈની સાથે વાતચીત શરૂ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે?

સમાજ, વાતચીત, સંવાદ, જીવનશૈલી, બીબીસી ગુજરાતી
સમાજ, વાતચીત, સંવાદ, જીવનશૈલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આભાર કહેવાથી તમે લોકો સાથે જોડાયેલા અનુભવો છો.

યુકેમાં સસેક્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની ડૉ. ગિલિયન સેન્ડસ્ટ્રૉમ કહે છે કે જ્યારે લોકો કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરે છે, ત્યારે તેમનો મૂડ સુધરે છે અને તેઓ તેમની આસપાસના વાતાવરણ સાથે વધુ જોડાયેલા અનુભવે છે.

ડૉ. ગિલિયન એવા સંશોધકોમાંના એક છે જેઓ નાની નાની વાતોથી મળતી ખુશીનો અભ્યાસ કરે છે અને તુર્કીમાં હાથ ધરાયેલા તાજેતરના અભ્યાસના સહ-લેખક પણ છે.

તેઓ કહે છે, "અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાથી તમને કનેક્ટેડ લાગે છે અને તમને લાગે છે કે તેઓ પણ 'જોઈ રહ્યા છે', જે એક મૂળભૂત માનવ જરૂરિયાત છે. તે 'આપણે કેવું અનુભવીએ છીએ' તેના પર પણ અસર કરે છે. આ સાથે તે આપણા શરીર અને સ્વાસ્થ્યને પણ અસર કરે છે."

ડૉ. સેન્ડસ્ટ્રૉમ લગભગ એક દાયકાથી આ વિષયમાં રસ ધરાવે છે. તેઓ શરૂઆતથી જ શરમાળ છે અને લોકો સાથે ઓછું ભળે છે. આમ છતાં, જ્યારે તેઓ સેંકડો અજાણ્યા લોકો સાથે વાત કરતો, ત્યારે તેમનો દૃષ્ટિકોણ બદલાતો અને લોકોમાં તેનો વિશ્વાસ વધતો.

ડૉ. સેન્ડસ્ટ્રૉમ કહે છે, "તે હંમેશાં સારું નથી હોતું, પણ મને ખૂબ જ સારો અનુભવ થયો. મેં ઘણી રમુજી વાર્તાઓ સાંભળી, ઘણી નવી વસ્તુઓ શીખી અને ઘણા લોકોએ મને સૂચનો અને ભલામણો આપ્યાં. મને એવું લાગ્યું કે હું કોઈ સમુદાયનો ભાગ છું અને સુરક્ષિત અનુભવું છું."

પશ્ચિમી વર્તુળોની બહાર આ વિષયનો અભ્યાસ કરનાર જાપાનની રિક્ક્યો યુનિવર્સિટીના સંશોધક ઇટારુ ઇશિગુરો લખે છે, "અજાણ્યા સાથે સીધો સામાજિક સંપર્ક આપણી ભાવનાને મજબૂત બનાવે છે. આ બાબતો આપણને ખુશ કરે છે."

સમાજ, વાતચીત, સંવાદ, જીવનશૈલી, બીબીસી ગુજરાતી

ડૉ. સેન્ડસ્ટ્રૉમ કહે છે કે હકીકતમાં લોકો સમજી શકતા નથી કે આ નાની વસ્તુઓ પણ ફાયદાકારક છે. તેઓ તેમને નકામા અને સમયનો બગાડ માને છે, પરંતુ સાચું કારણ એ છે કે લોકો ડરે છે.

તેઓ કહે છે, "ડેટા દર્શાવે છે કે લોકો વાતચીતનો ઇનકાર કર્યા કરતાં વધુ અજાણ્યા લોકો સાથે વાત કરવામાં વધુ અસહજ અનુભવે છે."

ઇટારુ ઇશિગુરો કહે છે કે ઘણા લોકોને એ પણ ડર છે કે વાતચીત સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય છે કે કેમ, કારણ કે એક જ દેશનાં જુદાં જુદાં શહેરોમાં તમે વાતચીત કરતા તમે એકસરખી સહજતા ન પણ અનુભવો એવું બની શકે છે.

"ઉદાહરણ તરીકે, જ્યારે હું જાપાનના તોહોકુ પ્રદેશના એક નાના શહેર હિરોસાકીના રસ્તાઓ પર મારા બાળક સાથે ફરતી હતી, ત્યારે ઘણા લોકો અમારી પાસે આવતા અને કહેતા, 'કેટલું સુંદર બાળક છે!' જોકે, જ્યારે હું ટોક્યો ગયો, ત્યારે આવું ભાગ્યે જ બન્યું."

સમાજ, વાતચીત, સંવાદ, જીવનશૈલી, બીબીસી ગુજરાતી
સમાજ, વાતચીત, સંવાદ, જીવનશૈલી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાળપણમાં, બાળકોને અજાણ્યા લોકોથી દૂર રહેવાનું કહેવામાં આવે છે.

અજાણ્યા સાથે વાત કરવાનો મુદ્દો બાળપણનાં જોખમો સાથે સંબંધિત છે. બાળપણમાં બાળકોને ઘણી વાર અજાણ્યાઓથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. આને "સ્ટ્રેન્જર ડેન્જર" તરીકે ઓળખવામાં આવે છે.

ડૉ. ગિલિયન સેન્ડસ્ટ્રૉમ કહે છે, "સલાહ હવે વધુ સંકુચિત થઈ ગઈ છે. હા, અજાણ્યા લોકો ખતરનાક હોઈ શકે છે, પણ તેઓ મદદરૂપ પણ થઈ શકે છે."

ઉદાહરણ તરીકે, યુકેમાં બાળકોને "સલામત અજાણ્યાઓ"ને ઓળખવાનું શીખવવામાં આવે છે, જેના પર તેઓ વિશ્વાસ કરી શકે છે, જેમ કે અન્ય બાળકોનાં માતાપિતા અથવા પોલીસ અધિકારીઓ અથવા સુપરમાર્કેટ સ્ટાફ જેવા ગણવેશધારી લોકો.

ડૉ. સેન્ડસ્ટ્રૉમ માને છે કે પુખ્ત વયના લોકો માટે અજાણ્યાઓ સાથે વાતચીત કરવાની ઘણી સલામત રીતો છે. "હું એવું સૂચન નથી કરતો કે આપણે અંધારી ગલીમાં લોકો સાથે વાત કરીએ, પણ જ્યારે આપણે માનવ જોડાણની આ ક્ષણોનો આનંદ માણી શકીએ છીએ ત્યારે જાહેર જગ્યામાં લોકો સાથે સમય કેમ મર્યાદિત કરવો?"

સમાજ, વાતચીત, સંવાદ, જીવનશૈલી, બીબીસી ગુજરાતી

અજાણ્યાઓ સાથે વાતચીત શરૂ કરવા માટે ડૉ. સેન્ડસ્ટ્રૉમ આ ટિપ્સ સૂચવે છે...

  • સામાન્ય રુચિ : એવી કોઈ વસ્તુ શોધો જેમાં તમારા બંનેમાં સમાનતા હોય. ઉદાહરણ તરીકે જ્યારે લોકો હવામાન વિશે વાત કરે છે, ત્યારે તમે પણ તેના વિશે વાત કરો છો. જો તમે વસંતઋતુમાં બગીચામાં ફૂલ ખીલેલું જુઓ છો, તો તમે તેના વિશે અન્ય લોકો સાથે ચર્ચા કરી શકો છો.
  • જિજ્ઞાસા રાખો, સવાલ પૂછો : "હું ઘણી વાર લોકોને પૂછું છું કે તેઓ શું કરી રહ્યા છે. મેં કૅમેરા સાથે એક વ્યક્તિને દીવાલના ફોટા લેતા જોઈ અને મેં પૂછ્યું, 'તમે શું કરી રહ્યા છો?' તમે ટ્રેનમાં છો અને ત્યાં એક વ્યક્તિ સુટકેસ લઈને બેઠી છે અને તમે પૂછો છો, 'તમે ક્યાં જઈ રહ્યા છો?' આ બધું ધ્યાન આપવા અને વસ્તુઓ પર ધ્યાન આપવા વિશે છે. જ્યારે તમે હળવાશથી પૂછો છો ત્યારે લોકો સામાન્ય રીતે ખુશ થાય છે. એવું ન લાગવું જોઈએ કે તમે તેમના વ્યક્તિત્વ પર હાવી થઈ રહ્યા છો કે તમે એમના જીવનમાં ચંચુપાત કરી રહ્યા છો.
  • સંગ્રહાલય કે અન્ય રસપ્રદ સ્થળ : "કોઈ કર્મચારીને પૂછો કે ત્યાં તેમની મનપસંદ વસ્તુ કઈ છે. તેઓ તમને કોઈ સરસ વાર્તા કહી શકે છે અથવા કંઈક એવું બતાવી શકે છે જે તમે પહેલાં ક્યારેય જોયું ન હોય."
  • સૂચનો માગો : "લોકોને ટિપ્સ અથવા ભલામણો શૅર કરવાનું કહેવામાં આવે તો તેઓ ખુશ થાય છે. જો તમે કોઈને આશ્ચર્યચકિત કરતા જુઓ, તો કહો, 'શું તમને મદદની જરૂર છે?'
  • પ્રશંસા કરો : "હું કોઈના દેખાવ પર પ્રશંસા કરવાની ભલામણ કરતો નથી, કારણ કે તે થોડું અસ્પષ્ટ હોઈ શકે છે, પરંતુ જો તમે તેમને ગમતી કોઈ વસ્તુ પર ટિપ્પણી કરો છો - જેમ કે ઘરેણાં અથવા વાદળી વાળ - તો કોઈ અજાણી વ્યક્તિ પાસેથી કોઈ કારણ વગર પ્રશંસા સાંભળવી સરસ લાગે છે."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.