'ત્રણ મહિનામાં 200 લોકોએ જાતીય શોષણ કર્યું', ગુજરાતમાં બાંગ્લાદેશી છોકરી સાથે શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી સંવાદદાતા
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈમાં માનવતસ્કરીની એક ભયાનક ઘટના બહાર આવી છે. મીરા-ભાયંદર પોલીસ અને કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ સાથે મળીને વસઈની એક ઇમારતમાંથી મૂળ બાંગ્લાદેશી છોકરીને ઉગારી લીધી છે.
પીડિતાનું ત્રણ મહિનામાં 200થી વધુ લોકોએ જાતીય શોષણ કર્યું હોવાની માહિતી સ્વયંસેવી સંસ્થાઓએ આપી છે. ઍક્સોડ્સ રોડ ઇન્ડિયા ફાઉન્ડેશન અને હાર્મની ફાઉન્ડેશન નામની સ્વયંસેવી સંસ્થાઓએ પીડિતાને મદદ કરી હતી.
પોલીસે આપેલી માહિતી મુજબ, પીડિતાને મહારાષ્ટ્રના વસઈ, મુંબઈ, અહલ્યાનગર તથા ગુજરાતનાં કેટલાંક સ્થળોએ લઈ જવાઈ અને ત્યાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
મીરા-ભાયંદર પોલીસના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને કેટલીક સ્વયંસેવી સંસ્થાઓની ટીમોની મદદ વડે ગત 26 જુલાઈ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કેસમાં અત્યાર સુધીમાં દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓ સામે POCSO, PITA (પ્રિવેન્શન ઑફ ઇમ્મોરલ ટ્રાફિકિંગ ઍક્ટ) હેઠળ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિતા બાંગ્લાદેશની છે. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે લગભગ ત્રણ મહિના પહેલાં પરીક્ષામાં નાપાસ થયાં બાદ ડરને કારણે ઘરે જવાને બદલે તે બીજા ગામ ગઈ હતી અને ત્યાંથી એક મહિલા તેને ભારત લાવી હતી.
"ગામ પાછા જવું હોય તો આ કામ કરવું પડશે"

વસઈ પોલીસે હાથ ધરેલી આ કામગીરીમાં 12 વર્ષની બાંગ્લાદેશી છોકરીને બચાવી લેવામાં આવી હતી.
બાંગ્લાદેશના એક ગામમાં રહેતી 12 વર્ષ તથા પાંચ મહિનાની વયની આ સગીર છોકરી શાળાની પરીક્ષામાં નાપાસ થઈ હતી. તેથી તે ગભરાઈ ગઈ હતી અને ઘરે જવાને બદલે નજીકના ગામમાં પહોંચી હતી. ત્યાં તેની મુલાકાત ગામની એક મહિલા સાથે થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પીડિતાએ ફરિયાદમાં આપેલી માહિતી મુજબ, "તું ઘરે પાછી જઈશ તો એ લોકો તને મારી નાખશે," એમ કહીને મહિલાએ પીડિતાને બે દિવસ સુધી પોતાના ઘરમાં રાખી હતી. પછી તેને ગુપ્ત રીતે બાંગ્લાદેશથી કોલકાતા લાવી હતી. ત્યાંથી તેને વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવી હતી.
મુંબઈમાં તેને એક ઘરમાં રાખવામાં આવી હતી, જ્યાં પાંચથી છ અન્ય છોકરીઓ પણ રહેતી હતી. મુંબઈ પહોંચતાંની સાથે જ પીડિતાને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
ઇન્જેક્શન આપ્યા પછી પીડિતા બેભાન થઈ ગઈ હતી અને ભાનમાં આવી ત્યારે તેના શરીરમાંથી રક્તસ્રાવ થતો હતો અને પેટમાં પીડા થતી હતી.
રક્તસ્રાવ બાબતે તેણે સવાલ કર્યો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે "ગામ પાછી જવા ઇચ્છતી હો તો તારે કામ કરવું પડશે." કામ વિશે પૂછ્યું ત્યારે તેને કહેવામાં આવ્યુ હતું કે "પુરુષો સાથે સેક્સ કરવું પડશે," એમ પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યું છે.
પીડિતાની ફરિયાદ મુજબ, "મેં એવું કામ કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે હું ગામ પાછી જઈ શકું એટલા માટે મારા પિતા પૈસા મોકલશે, ત્યારે મને છરીથી ઘાયલ કરવામાં આવી હતી અને મારા હાથ તથા પીઠ પર માર પણ મારવામાં આવ્યો હતો."
એટલું જ નહીં, તેનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હોવાનું પીડિતાએ જણાવ્યું હતું.

પીડિતાએ ફરિયાદમાં આરોપ કર્યો છે કે તેની પાસે દરરોજ અલગ-અલગ પુરુષો સાથે ખરાબ કામ કરાવવામાં આવતું હતું અને એ માટે જે પૈસા મળતા હતા તે તેને મળતા ન હતા.
એક મહિનામાં અત્યાચારથી કંટાળીને પીડિતાએ ત્યાંથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. તે 500 રૂપિયા લઈને નાસી છૂટી હતી અને એક રેલવે સ્ટેશને પહોંચી હતી.
પીડિતાએ તેમના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તે તેના ગામ આવવા ઇચ્છે છે.
પિતાએ પીડિતાને એક પુરુષનો કૉન્ટેક્ટ નંબર આપ્યો હતો. એ પુરુષ સાથે સંપર્ક થયા પછી તે પીડિતાને વસઈના નાયગાંવ લઈ ગયો હતો.
પીડિતાએ કહ્યું હતું, "એ પુરુષે પણ તેને એ જ કામ કરવા અને તને ગામ પાછી નહીં જવા દઉં એવું કહ્યું હતું. પીડિતા એ કામ કરવાનો ઇનકાર કરતી હતી ત્યારે તેને માર મારવામાં આવતો હતો."
એમ પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, "પુરુષોને રૂમમાં લાવવામાં આવતા હતા. મને ટ્રેનમાં 10થી 12 કલાક પ્રવાસ કરાવીને બીજા સ્થાને પણ લઈ જતા હતા."
પીડિતાના પિતાએ પેલા પુરુષને ફોન કરીને પીડિતાને તેના ગામ પાછી મોકલવા જણાવ્યું હતું. આખરે પીડિતાના પિતાએ બાંગ્લાદેશના ખુલના મોડેલ પોલીસ સ્ટેશનમાં તે પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ કાર્યવાહીમાં 21 વર્ષની એક અન્ય છોકરીને પણ બચાવી લેવામાં આવી હતી. એ છોકરી પાંચથી છ વર્ષ પહેલાં બાંગ્લાદેશથી આવી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે શું માહિતી આપી?

ઇમેજ સ્રોત, Getty Images
વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ ખાતેના ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને આ વિશેની માહિતી 26 જુલાઈની સવારે મળી હતી.
વસઈની એક ઇમારતમાં કેટલાક દલાલો દ્વારા સગીર વયની એક બાંગ્લાદેશી છોકરીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ અને સ્વયંસેવી સંસ્થાઓએ આ કાર્યવાહી કરી હતી.
આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ત્રણ આરોપી બાંગ્લાદેશી છે.
પોલીસે દરોડો પાડીને ઉગારી લીધેલી પીડિતાને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર અભિજિત મડગેએ બીબીસીને કહ્યું હતું, "બે દરોડા પાડવામાં આવ્યા હતા. પહેલા દરોડામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બે પીડિતાને બચાવી લેવામાં આવી હતી, જ્યારે બીજા દરોડામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ પીડિતાને બચાવી લેવામાં આવી હતી."
"આ પીડિતાઓમાં એક 12 વર્ષની છોકરી છે. તેણે તેનો મોબાઇલ છીનવી લેવામાં આવ્યો હોવાનું પોલીસને જણાવ્યું છે. જે મહિલા તેને અહીં લાવી હતી તેનું પૂરું નામ જાણી શકાયું નથી."

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ ઇન્સ્પેક્ટર અભિજિત મડગેએ કહ્યું હતું, "છોકરીને પહેલાં વસઈ લાવવામાં આવી હતી. પછી તેને મુંબઈના કોઈ વિસ્તારમાં રાખવામાં આવી હતી. તેના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો."
"છોકરી ત્યાંથી નાસી છૂટી હતી અને એક રિક્ષાચાલક મારફત તેના પિતાનો સંપર્ક કર્યો હતો. પિતાએ છોકરીને એક બાંગ્લાદેશી નાગરિકનો સંપર્ક કરાવ્યો હતો. એ માણસ વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવતો હતો."
"તેણે છોકરીને, પૈસાની જરૂર પડશે, એમ કહીને એક દલાલ પાસે મોકલી હતી. આ માહિતી મળ્યા પછી પોલીસે દરોડો પાડ્યો હતો અને કાર્યવાહી કરી હતી. દરોડો પાડવામાં આવ્યો હતો તે સ્થળેથી સગીર છોકરીને ઉગારી લેવામાં આવી હતી."
ઇન્સ્પેક્ટર મડગેએ ઉમેર્યું હતું, "એ છોકરીનું કેટલા લોકોએ જાતીય શોષણ કર્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. એક જ સ્થળે બધું થયું હોત તો તે જાણી શકાયું હોત, પરંતુ બધું અલગ-અલગ સ્થળે થયું હતું."
"બાંગ્લાદેશી પુરુષ દલાલ હતો તેથી છોકરીને દસ દિવસ માટે ગુજરાત મોકલવામાં આવી હતી. પછી અહલ્યાનગર મોકલવામાં આવી હતી. આ રીતે ચાલતું રહ્યું હતું."
"ગુજરાતમાંથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. એ ઉપરાંત અહલ્યાનગરમાંથી પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક ટીમને કોલ્હાપુર પણ મોકલવામાં આવી છે."
પોલીસ ઇન્સ્પેક્ટર અભિજિત મડગેના કહેવા મુજબ, "છોકરીને માર મારવામાં આવ્યો હોવાનું અને તેના હાથ પર ઉઝરડાના નિશાન હોવાનું તબીબી તપાસમાં જાણવા મળ્યું છે."
'ત્રણ મહિનામાં 200થી વધુ લોકો દ્વારા જાતીય શોષણ'
હાર્મની ફાઉન્ડેશન નામની સ્વયંસેવી સંસ્થાએ પીડિતા બાબતે એક નિવેદન બહાર પાડ્યું છે.
સંસ્થાના અધ્યક્ષ ડૉ. અબ્રાહમ મથાઈએ બીબીસીને કહ્યું હતું, "વસઈના નાયગાંવમાંથી 26 જુલાઈએ 12 વર્ષની એક છોકરીને વેશ્યાવૃત્તિમાંથી ઉગારી લેવામાં આવી હતી."
"હાલ રિમાન્ડ હોમમાં રહેતી તે છોકરીએ આપેલી માહિતી અનુસાર, તેને માનવતસ્કરો ગુજરાતના નડિયાદ ગામે લઈ ગયા હતા. ત્રણ મહિનામાં 200થી વધુ લોકોએ અલગ-અલગ સ્થળે તેનું જાતીય શોષણ કર્યું હતું."
ડૉ. અબ્રાહમ મથાઈ લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ છે.
તેમણે ઉમેર્યું હતું, "આવી ક્રૂરતા બિલકુલ સહન ન કરવી જોઈએ તેમજ જાતીય શોષણ કરનારા તમામ લોકો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












