જલિયાંવાલા બાગનો બદલો 21 વર્ષ બાદ ઉધમ સિંહે કેવી રીતે લીધો હતો?

ઉધમસિંહ

ઇમેજ સ્રોત, WWW.SHAHEEDKOSH.DELHI.GOV.IN

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

મારિયો પુઝોએ લખેલા અંગ્રેજી પુસ્તક 'ધ ગૉડફાધર'માં એક ડાયલૉગ છે, "રિવેન્જ ઇઝ ધ ડિશ ધૅટ ટેસ્ટ્સ વ્હેન ઇટ ઇઝ કોલ્ડ."

અર્થાત્ 'બદલો એ એક એવું પકવાન છે જે ઠંડું હોય ત્યારે વધુ સ્વાદિષ્ટ લાગે છે.'

આ વાત સંપૂર્ણપણે ઉધમસિંહના જીવન પર લાગુ થાય છે જેમણે વર્ષ 1919માં થયેલા જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડનો બદલો લેવા માટે 21 વર્ષ સુધી રાહ જોઈ હતી.

ત્યાર સુધી જલિયાંવાલા બાગમાં ગોળીઓ ચલાવવાનો આદેશ આપનાર બ્રિગેડિયર રેજિનૉલ્ડ ડાયરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પણ ઉધમસિંહની ગોળીઓનો શિકાર બન્યા તે સમયના પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ ડ્વાઍર. એ જ માઇકલ ઓ ડ્વાઍર, જેમણે દરેક વખતે એ હત્યાકાંડને યોગ્ય ઠેરવ્યો હતો.

જલિયાંવાલા સમયે ક્યાં હતા ઉધમ?

જલિયાંવાલા બાગમાં ફાયરિંગ પૉઇન્ટ જ્યાંથી ડાયરના સૈનિકોએ હથિયાર વિનાના લોકો પર ગોળીઓ ચલાવી હતી

ઇમેજ સ્રોત, PARTITION MUSEUM

ઇમેજ કૅપ્શન, જલિયાંવાલા બાગમાં ફાયરિંગ પૉઇન્ટ જ્યાંથી ડાયરના સૈનિકોએ હથિયાર વિનાના લોકો પર ગોળીઓ ચલાવી હતી

સામાન્ય ધારણા છે કે જે દિવસે જલિયાંવાલા બાગમાં કત્લેઆમ થઈ રહી હતી, ઉધમસિંહ ખુદ ત્યાં હાજર હતા અને તેમણે ત્યાંની માટી ઉઠાવીને પ્રણ લીધાં હતાં કે તેઓ એક દિવસે બદલો લેશે.

જોકે, ઉધમસિંહ પર બહુચર્ચિત પુસ્તક 'ધ પેશન્ટ અસાસીન' લખનારા બીબીસીનાં પ્રખ્યાત પ્રેઝન્ટર અનીતા આનંદ તેનાથી સહમત નથી.

અનીતા આનંદ કહે છે, "માત્ર ઉધમસિંહને જ ખબર હતી કે તે દિવસે તેઓ ક્યાં હતા. મેં એ જાણવાનો ઘણો પ્રયત્ન કર્યો કે તે દિવસે તેઓ ક્યાં હતા, પણ મને કોઈ સફળતા મળી નથી."

અનીતા પ્રમાણે, "બ્રિટિશ લોકોએ પોતાની તરફથી ઘણો પ્રયાસ કર્યો કે ઉધમસિંહનું નામ જલિયાંવાલા બાગ સાથે ક્યારેય ન જોડાય, પણ તેઓ સફળ ન રહ્યા. અંગત રીતે મારું માનવું છે કે ઉધમસિંહ તે સમયે પંજાબમાં હતા પણ ફાયરિંગ સમયે બાગમાં હાજર ન હતા."

ભારતીયો વિશે ડ્વાઍરનો મત

જલિયાંવાલા બાગની ઘટના સમયે પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ ડ્વાઍર હતા

ઇમેજ સ્રોત, PARTITION MUSEUM

ઇમેજ કૅપ્શન, જલિયાંવાલા બાગની ઘટના સમયે પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ ડ્વાઍર હતા

હવે એ પણ જાણી લઈએ કે જલિયાંવાલા બાગના મુખ્ય સૂત્રધારોમાંથી એક માઇકલ ઓ ડ્વાઍર કોણ હતા અને રિટાયરમૅન્ટ અને ભારતથી પાછા ફર્યા બાદ લંડનમાં શું કરી રહ્યા હતા?

અનીતા આનંદ કહે છે, "ભારતમાં સર માઇકલનો સમય 1919માં જ પૂરો થઈ ગયો હતો. પરંતુ ત્યાર બાદ પણ તેમના કાર્યકાળ દરમિયાન થયેલી ઘટનાઓના આધારે જ તેઓ ઓળખાવા લાગ્યા. તેમણે દરેક મંચ પર પંજાબમાં ઉઠાવેલા પગલાને યોગ્ય ઠેરવ્યા હતા."

અનીતા પ્રમાણે, "તેઓ દક્ષિણપંથના મોટા 'પોસ્ટર બૉય' બની ગયા. તેમને રાષ્ટ્રવાદીઓથી સખત નફરત હતી. ઘણા અંગ્રેજો હતા, જે ભારતમાં કામ કરતી વખતે ભારતીય લોકો અને સંસ્કૃતિને પ્રેમ કરતા હતા. માઇકલ ઓ ડ્વાઍર તેમાંથી એક ન હતા. તેમણે ક્યારેય ભારતીયો પર વિશ્વાસ કર્યો ન હતો."

અનીતા આનંદ કહે છે, "માઇકલનું માનવું હતું કે ભારતીય લોકોમાં વંશીય ઊણપ છે અને તેઓ ખુદ પર શાસન કરી શકતા નથી. તેમનું એ પણ માનવું હતું કે ભારતમાં કોઈ પણ કિંમતે રહેવું જોઈએ અને જો ભારત તેમના હાથમાં નીકળી જશે તો બ્રિટિશ સામ્રાજ્ય પત્તાંના મહેલની જેમ ધ્વસ્ત થઈ જશે."

1933માં લંડન પહોંચ્યા હતા ઉધમસિંહ

ઉધમસિંહ પર અનીતા આનંદનું બહુચર્ચિત પુસ્તક ‘ધ પૅશન્ટ ઍસાસિન’

ઇમેજ સ્રોત, THE PATIENT ASSASSIN/ANITA ANAND

ઇમેજ કૅપ્શન, ઉધમસિંહ પર અનીતા આનંદનું બહુચર્ચિત પુસ્તક ‘ધ પૅશન્ટ ઍસાસિન’

વર્ષ 1933માં ઉધમસિંહ એક નકલી પાસપોર્ટ દ્વારા બ્રિટનમાં પ્રવેશ્યા હતા. 1937માં તેમને લંડનના શૅફર્ડ બુશ ગુરુદ્વારામાં જોવામાં આવ્યા હતા.

તેમણે સૂટ પહેર્યો હતો, તેઓ પોતાની દાઢી કઢાવી ચૂક્યા હતા અને ત્યાં હાજર લોકો સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા. તે સમયે એક શખ્સ તેમનાથી ઘણા પ્રભાવિત થયા હતા, જેમનું નામ હતું શિવ સિંહ જોહલ.

ઉધમ સિંહે તેમને એક ગુપ્ત વાત કહી હતી કે તેઓ એક ખાસ અભિયાનને પૂર્ણ કરવા માટે ઇંગ્લૅન્ડ આવ્યા છે. ઉધમસિંહ તેમના કૉન્વેન્ટ ગાર્ડનસ્થિત 'પંજાબ રેસ્ટોરાં'માં અવારનવાર જતા હતા.

આલ્ફ્રેડ ડ્રેપર પોતાના પુસ્તક 'અમૃતસર- ધ મૅસેકર ધૅટ ઍન્ડેડ ધ રાજ'માં લખે છે, "12 માર્ચ, 1940ના રોજ ઉધમ સિંહે પોતાના ઘણા મિત્રોને પંજાબી ભોજન માટે બોલાવ્યા. ભોજનના અંતે તેમણે બધાને લાડુ ખવડાવ્યા. મિત્રો જ્યારે વિદાય લઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક જાહેરાત કરી કે આવતીકાલે લંડનમાં એક ચમત્કાર થવા જઈ રહ્યો છે. જેનાથી બ્રિટિશ સામ્રાજ્ય હચમચી જશે."

કૅક્સ્ટન હૉલમાં 'મોહમ્મદસિંહ આઝાદ'

લંડનના કૅક્સટન હૉલમાં જ્યાં ઉધમસિંહે માઇકલ ઓ ડ્વાઍરને ગોળી મારી હતી

ઇમેજ સ્રોત, THE PATIENT ASSASSIN/ANITA ANAND

ઇમેજ કૅપ્શન, લંડનના કૅક્સટન હૉલમાં જ્યાં ઉધમસિંહે માઇકલ ઓ ડ્વાઍરને ગોળી મારી હતી

13 માર્ચ 1940ના દિવસે જ્યારે લંડન જાગ્યું તો ચોતરફ બરફની ચાદર છવાયેલી હતી. ઉધમસિંહે પોતાના વૉર્ડરોબમાંથી સૂટ કાઢ્યો. તેમણે પોતાના કોટના ઉપરના ખિસ્સામાં પોતાનો પરિચયપત્ર મૂક્યો, જેના પર લખ્યું હતું - મોહમ્મદસિંહ આઝાદ, 8 મૉર્નિંગટન ટૅરેસ, રિજેન્ટ પાર્ક, લંડન.

ઉધમ સિંહે 8 ગોળીઓ કાઢીને પોતાના પેન્ટના ડાબા ખિસ્સામાં મૂકી અને પોતાના કોટમાં સ્મિથ ઍન્ડ વેસેન માર્ક-2 રિવૉલ્વર રાખી.

આ દિવસની તેમણે 21 વર્ષ રાહ જોઈ હતી.

જ્યારે તેઓ મધ્ય લંડનના કૅક્સટન હૉલ પહોંચ્યા તો કોઈને તેમની તપાસ કરવાનું તો દૂર, એ જાણવાનો પણ પ્રયાસ ન કર્યો કે તેમની પાસે કાર્યક્રમની ટિકિટ છે કે નહીં.

અનીતા આનંદ કહે છે, "ઉધમે પોતાની ટોપી નીચી રાખી હતી. તેમના એક હાથમાં તેમનો ઓવરકોટ હતો. ચોંકાવનારી વાત એ છે કે એ હૉલમાં સેક્રેટરી ઑફ સ્ટેટ ઑફ ઇન્ડિયા બેસતા હોવા છતાં ત્યાં સુરક્ષા ઘણી ઓછી હતી. ઉધમસિંહ એ હૉલમાં પ્રવેશનારા અંતિમ લોકોમાંના એક હતા."

માઇકલ ઓ ડ્વાઍરના દિલ પર નિશાન

માઇકલ ઓ ડ્વાઍરને ગોળી માર્યા બાદ ઉધમસિંહની ધરપકડ કરાઈ હતી, આ તસવીર એ દરમિયાનની છે

ઇમેજ સ્રોત, THE PATIENT ASSASSIN/ANITA ANAND

ઇમેજ કૅપ્શન, માઇકલ ઓ ડ્વાઍરને ગોળી માર્યા બાદ ઉધમસિંહની ધરપકડ કરાઈ હતી, આ તસવીર એ દરમિયાનની છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે બે વાગ્યે કૅક્સટન હૉલના દરવાજા ખૂલ્યા તો મિનિટોમાં જ ત્યાંની 130 ખુરશીઓ ભરાઈ ગઈ. માઇકલ ઓ ડ્વાઍરની બેઠક હૉલની એકદમ જમણી બાજુએ હતી.

ઉધમસિંહ પાછળ જવાની જગ્યાએ જમણી તરફની હરોળમાં ચાલ્યા ગયા. ધીરેધીરે તેઓ ચોથી હરોળમાં પહોંચી ગયા.

માઇકલ ઓ ડ્વાઍર તેમનાથી થોડે દૂર જ બેઠા હતા અને તેમની પીઠ ઉધમસિંહ તરફ હતી.

અનીતા આનંદ કહે છે, "લોકોએ જોયું હતું કે ઉધમસિંહ હસી રહ્યા છે. તેઓ એક-એક ઇંચ કરીને આગળ વધી રહ્યા હતા. જેવું ભાષણ સમાપ્ત થયું, લોકો પોતપોતાનો સામાન ઉઠાવવા લાગ્યા. ઉધમસિંહ પોતાનો હાથ આગળ કરીને ડ્વાઍર તરફ વધ્યા. તેમને લાગ્યું કે તેઓ હાથ મિલાવવા આવી રહ્યા છે પણ અચાનક તેમને હાથમાં રિવૉલ્વર દેખાઈ."

"ત્યાં સુધી ઉધમસિંહ તેમની એકદમ નજીક આવી ગયા હતા અને બંદૂક ડ્વાઍરના કોટને લગભગ અડકી રહી હતી. ઉધમે રાહ જોયા વગર ગોળી ચલાવી. જે ડ્વાઍરની પાંસળી તોડીને હૃદયના જમણા ભાગને ભેદીને બહાર નીકળી ગઈ."

હજી ડ્વાઍર સંપૂર્ણપણે જમીન પર પડ્યા પણ નહોતા અને ઉધમ સિંહે બીજી ગોળી ચલાવી. જે પ્રથમ ગોળીથી થોડે નીચે પીઠમાં ઘૂસી ગઈ. સર માઇકલ ઓ ડ્વાઍર સ્લો મોશનમાં જમીન પર ઢળી પડ્યા અને તેમની આંખો છતને તાકી રહી હતી.

સેક્રેટરી ઑફ સ્ટેટ ઑફ ઇન્ડિયા પર પણ ગોળી

ઉધમસિંહની ગોળીનાં નિશાન બનેલા લોકો પૈકી એક સેક્રેટરી ઑફ સ્ટેટ ઑફ ઇન્ડિયા રહેલાં લૉર્ડ જૅટલૅન્ડ પણ હતા

ઇમેજ સ્રોત, THE PATIENT ASSASSIN/ANITA ANAND

ઇમેજ કૅપ્શન, ઉધમસિંહની ગોળીનાં નિશાન બનેલા લોકો પૈકી એક સેક્રેટરી ઑફ સ્ટેટ ઑફ ઇન્ડિયા રહેલાં લૉર્ડ જૅટલૅન્ડ પણ હતા

આ બાદ તેમણે મંચ પર ઊભેલા સેક્રેટરી ઑફ સ્ટેટ ઑફ ઇન્ડિયા રહેલા લૉર્ડ જૅટલૅન્ડ પર નિશાન તાક્યું. તેમના શરીરના ડાબા ભાગે બે ગોળીઓ વાગી. તેઓ પોતાની ખુરશી પર જ ઢળી પડ્યા.

તે પછી ઉધમ સિંહે પોતાની બંદૂક બૉમ્બેના પૂર્વ ગવર્નર લૉર્ડ લૅમિંગ્ટન અને પંજાબના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર સર સુઈ ડેન તરફ ફેરવી.

એ દિવસે ઉધમસિંહની તમામ ગોળીઓ નિશાના પર લાગી. તે દિવસે ચાર લોકોએ મરવાનું હતું પણ માત્ર એક જ મૃત્યુ થયું.

ઉધમસિંહને એક મહિલાએ પકડાવ્યા

ઉધમસિંહની વર્ષ 1931ની તસવીર

ઇમેજ સ્રોત, THE PATIENT ASSASSIN/ANITA ANAND

ઇમેજ કૅપ્શન, ઉધમસિંહની વર્ષ 1931ની તસવીર

જ્યારે ઉધમ સિંહે ફાયરિંગ બંધ કર્યું, તો તેમની રિવૉલ્વરની નાળ ગરમ થઈ ગઈ હતી. તેઓ 'રસ્તો છોડો, રસ્તો છોડો' બૂમ પાડીને હૉલના દરવાજા તરફ ભાગ્યા.

ઉધમસિંહ પર અન્ય એક પુસ્તક 'ઉધમસિંહ - હીરો ઇન ધ કૉઝ ઑફ ઇન્ડિયન ફ્રીડમ' લખનારા રાકેશકુમાર જણાવે છે, "ડ્વાઍરને માર્યા બાદ ઉધમસિંહ હૉલની પાછળની તરફ ભાગ્યા. ત્યારે જ ત્યાં બેસેલી એક મહિલા બર્થા હેરિંગે તેમના પર 'ડાઇવ' મારી."

રાકેશકુમાર પ્રમાણે, "તેઓ કદાવર મહિલા હતાં અને ઉધમસિંહનો ખભો પકડીને જમીન પર પડ્યાં હતાં. ઉધમસિંહે ખુદને બર્થાથી છોડાવવાના તમામ પ્રયાસો કર્યા પણ ત્યારે જ અન્ય એક શખ્સ ક્લાઉડ રિચેઝે ફરી વખત તેમને જમીન પર પાડી દીધા."

રાકેશકુમાર જણાવે છે, "ત્યાં હાજર બે પોલીસ ઑફિસરો તાત્કાલિક દોડી આવ્યા અને તેમનો પગ ઉધમસિંહની હથેળી પર મૂકીને તેને કચડી નાખી. જ્યારે ઉધમસિંહની અંગઝડતી કરવામાં આવી તો તેમની પાસેથી એક નાનકડા બૉક્સમાં રાખેલા 17 કારતૂસ, 1 ધારદાર ચપ્પુ અને તેમના પેન્ટના ખિસ્સામાંથી આઠ કારતૂસ મળી આવ્યા હતા."

'ચાર નહીં, મેં છ ગોળીઓ ચલાવી હતી'

ઉધમસિંહનું પૈતૃક ઘર જ્યાં તેમનું બાળપણ વીત્યું હતું

ઇમેજ સ્રોત, THE PATIENT ASSASSIN/ANITA ANAND

ઇમેજ કૅપ્શન, ઉધમસિંહનું પૈતૃક ઘર જ્યાં તેમનું બાળપણ વીત્યું હતું

અડધો કલાકમાં જ આશરે 150 પોલીસકર્મીઓએ કૅક્સટન હૉલને ઘેરી લીધો અને ત્યાં જ ઉધમસિંહની પૂછપરછ શરૂ થઈ.

ત્યાં જે કંઈ પણ થયું, તેનું વિવરણ આજે પણ બ્રિટનના 'ધ નૅશનલ આર્કાઇવ્ઝ'માં આજે પણ ઉપલબ્ધ છે.

તે પ્રમાણે, "જ્યારે સાર્જન્ટ જોન્સના બૉસ ડિટેક્ટિવ ઇન્સપેક્ટર ડેટને રૂમમાં ઘૂસીને ઉધમસિંહે ચલાવેલી ચાર ગોળીઓના ખોખા ટેબલ પર મૂક્યા. આ જોઈને ઉધમસિંહ ક્રોધે ભરાયા અને કહ્યું, “મેં ચાર નહીં, છ ગોળીઓ ચલાવી હતી." બાદમાં ડેટન ગોળીઓ શોધવા માટે ફરી વખત 'ટ્યૂડર રૂમ'માં ગયા હતા."

ઉધમસિંહ પાસે એ જાણવાની કોઈ રીત ન હતી કે એક ગોળી માઇકલ ઓ ડ્વાઍરના શરીર પર હજી સુધી ધસેલી હતી અને બીજી સેક્રેટરી ઑફ સ્ટેટ લૉર્ડ જૅટલૅન્ડની છાતીમાં ઊતરી ગઈ છે.

તેમણે પૂછ્યું હતું કે 'જૅટલૅન્ડ મર્યા કે નહીં? મેં બે ગોળીઓ એમનામાં પણ ઉતારી હતી.'

દરેક જગ્યાએ નિંદા પણ જર્મનીમાં વખાણ

માઇકલ ઓ ડ્વાઍરની હત્યાના બીજા દિવસે ડેલી મેઇલ અખબારમાં હેડલાઇન

ઇમેજ સ્રોત, THE PATIENT ASSASSIN/ANITA ANAND

ઇમેજ કૅપ્શન, માઇકલ ઓ ડ્વાઍરની હત્યાના બીજા દિવસે ડેલી મેઇલ અખબારમાં હેડલાઇન

આ ઘટના બાદ તરત લંડન અને લાહોરમાં ઝંડા ઝુકાવી દેવાયા. હાઉસ ઑફ કૉમન્સમાં બ્રિટિશ વડા પ્રધાને ડ્વાઍરના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

ભારતમાં મહાત્મા ગાંધીએ આ હત્યાની નિંદા કરી. લંડનમાં ભારતીય મૂળના 200 લોકોએ ઇન્ડિયા હાઉસમાં એકઠા થઈને આ હત્યાની ટીકા કરી હતી.

માત્ર જર્મનીએ આ હત્યાને આવકારી હતી. ત્યાં ઉધમસિંહને સ્વાતંત્ર્ય સેનાની માનવામાં આવ્યા.

જેલમાં ક્રૂરતા

લંડનના શેફર્ડ બુશ ગુરુદ્વારામાં રોટી બનાવતા સરદાર ઉધમસિંહ

ઇમેજ સ્રોત, THE PATIENT ASSASSIN/ANITA ANAND

ઇમેજ કૅપ્શન, લંડનના શેફર્ડ બુશ ગુરુદ્વારામાં રોટી બનાવતા સરદાર ઉધમસિંહ

ઉધમસિંહને બ્રિક્સટન જેલની બૅરક નંબર 1010માં રાખવામાં આવ્યા.

જેલમાં ઉધમસિંહ સાથે ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. તેઓ ઘણી વખત ભૂખ હડતાળ પર બેસ્યા હતા.

એ વાતના પુરાવા છે કે તેમને 42 વખત 'ફોર્સ ફીડિંગ' એટલે કે જબરદસ્તી ભોજન ખવડાવવામાં આવ્યું હતું.

'ધ નૅશનલ આર્કાઇવ'માં રાખેલા દસ્તાવેજ જણાવે છે કે ઉધમે પેન્સિલ અને કાગળની માગ કરી હતી. જેથી તેઓ ડિટેક્ટિવ ઇન્સપેક્ટર જૉન સ્વેનના ઑફિસરોને એક ઔપચારિક પત્ર લખી શકે.

તેમણે એ પત્રમાં માગણી કરી કે, "મને સિગારેટ મોકલવામાં આવે અને એક લાંબી બાંયનો શર્ટ અને ભારતીય શૈલીનાં જૂતાં મને પહોંચાડવામાં આવે."

ઉધમે એમ પણ પૂછ્યું હતું કે શું તેમનું કોટનનું પૅન્ટ અને પાઘડી તેમના ફ્લૅટમાંથી મંગાવી શકાય, જે તેઓ જેલમાં પહેરી શકે?

તેમણે લખ્યું, "હૅટ એટલે કે ટોપી મને માફક નથી કારણ કે હું ભારતીય છું."

ઉધમસિંહનો પ્રયત્ન હતો કે તેઓ આ વસ્તુઓ પહેરીને મામલાને રાજકીય રંગ આપી દે.

મૃત્યુથી ડર નથી

કહેવાય છે કે ઉધમસિંહ વેશ બદલવામાં માહેર હતા, તેમના ઘણા ચહેરા પૈકી એક ચહેરો, આ તસવીર 1935ની છે

ઇમેજ સ્રોત, THE PATIENT ASSASSIN/ANITA ANAND

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે ઉધમસિંહ વેશ બદલવામાં માહેર હતા, તેમના ઘણા ચહેરા પૈકી એક ચહેરો, આ તસવીર 1935ની છે

તેમના પર ચાલી રહેલા કેસ દરમિયાન ઉધમસિંહે બ્રિટિશ સરકારની શાખ પાડવાની કોઈ તક છોડી ન હતી.

આલ્ફ્રેડ ડ્રેપર પોતાના પુસ્તકમાં લખે છે, "જજે તેમને પૂછ્યું હતું કે બસ તેઓ એક કારણ આપે કે તેમને ફાંસીની સજા કેમ ન આપવામાં આવે."

ઉધમ સિંહે ઊંચા અવાજે કહ્યું, "મને મૃત્યુદંડની પરવા નથી, હું એક કારણ માટે મરી રહ્યો છું. મેં એમ કર્યું કારણ કે મને ડ્વાઍરથી ફરિયાદ હતી. તે અસલી ગુનેગાર હતો. તે મૃત લોકોના જુસ્સાને કચડી નાખવા માગતો હતો. એટલે મેં તેને જ કચડી નાખ્યો."

તેમણે કહ્યું, "મેં બદલો લેવા પૂરાં 21 વર્ષ રાહ જોઈ. હું ખુશ છું કે મેં મારું કામ પૂર્ણ કર્યું. મને મૃત્યુથી ડર નથી લાગતો. હું મારા દેશ માટે મરી રહ્યો છું."

31 જુલાઈ, 1940ના રોજ જર્મન વિમાનોના બૉમ્બમારા વચ્ચે સવારે નવ વાગ્યે ઉધમસિંહને પેંટનવિલે જેલમાં ફાંસીના માચડે ચઢાવવામાં આવ્યા.

તેમને દફનાવતી વખતે અંગ્રેજોએ વિચાર્યું હતું કે આ સાથે જ તેમની કહાણી પણ હંમેશાં માટે દફન કરી દીધી છે. પણ એમ ન થયું.

ભારતવાપસી

મૃત્યુનાં 34 વર્ષ બાદ ઉધમસિંહના પાર્થિવ દેહને ભારત લાવવામાં આવ્યો જ્યાં પંજાબના તત્કાલીન મુખ્ય મંત્રી જ્ઞાની ઝૈલસિંહે તેમના મૃતદેહના અગ્નિ સંસ્કાર કર્યા હતા, તસવીરમાં ઝૈલસિંહ સાથે જગમોહન

ઇમેજ સ્રોત, LG.DELHI.GOV.IN

ઇમેજ કૅપ્શન, મૃત્યુનાં 34 વર્ષ બાદ ઉધમસિંહના પાર્થિવ દેહને ભારત લાવવામાં આવ્યો જ્યાં પંજાબના તત્કાલીન મુખ્ય મંત્રી જ્ઞાની ઝૈલસિંહે તેમના મૃતદેહના અગ્નિ સંસ્કાર કર્યા હતા, તસવીરમાં ઝૈલસિંહ સાથે જગમોહન

19 જુલાઈ, 1974ના રોજ તેમના પાર્થિવ દેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને ઍર ઇન્ડિયાના ચાર્ટર્ડ વિમાનમાં ભારત લાવવામાં આવ્યો હતો.

અનીતા આનંદ કહે છે, "જ્યારે ઉધમનો પાર્થિવ દેહ લઈને વિમાન ભારતીય જમીન પર ઊતર્યું ત્યારે વિમાનના ઇંજિન કરતાં લોકોનો અવાજ વધારે હતો. દિલ્હી ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત જ્ઞાની ઝૈલસિંહ અને શંકરદયાલ શર્માએ કર્યું, જે બાદમાં ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા."

અનીતા જણાવે છે, "ઍરપૉર્ટ પર ભારતના વિદેશમંત્રી સ્વર્ણસિંહ પણ હાજર હતા. તેમના પાર્થિવ દેહને કપૂરથલા હાઉસ લઈ જવામાં આવ્યો, જ્યાં તેમના સ્વાગત માટે ઇંદિરા ગાંધી હાજર હતાં. ભારતના જે ભાગમાં તેમની અંતિમ યાત્રા ગઈ, હજારો લોકો ઊમટી આવ્યા હતા."

તે સમયે પંજાબના મુખ્ય મંત્રી જ્ઞાની ઝૈલસિંહે તેમના અંતિમ સંસ્કાર કર્યા. 2 ઑગસ્ટ 1974ના રોજ તેમની અસ્થિઓ એકઠી કરવામાં આવી. તેને સાત કળશમાં રાખવામાં આવી. તેમાંથી એક હરિદ્વાર, બીજી કિરતપુર સાહબ ગુરુદ્વારા અને ત્રીજા કળશને રઉઝા શરીફ મોકલવામાં આવ્યું.

અંતિમ કળશને 1919માં થયેલા નરસંહારના સ્થળ જલિયાંવાલા બાગ લઈ જવામાં આવ્યું. 2018માં જલિયાંવાલા બાગની બહાર ઉધમસિંહની મૂર્તિ લગાવવામાં આવી. જેમાં તેમને પોતાની મુઠ્ઠીમાં લોહીથી લથપથ માટી ઉઠાવતા દર્શાવવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન