મીઠા લીમડાનાં પાનમાંથી ખેડૂતો કેવી રીતે લાખો રૂપિયાની કમાણી કરે છે?

- લેેખક, બાલા સતીશ
- પદ, બીબીસી તેલુગુ સંવાદદાતા
આંધ્ર પ્રદેશના ખેડૂત એન્ની શરથ બાબુ કહે છે, "બે પાકમાં એકરદીઠ સરેરાશ રૂ. ત્રણ લાખનો નફો થાય છે."
અન્ય એક ખેડૂત પથુરી શ્રીનિવાસ કહે છે છે, "આ પાકમાં ખેડૂતોને ક્યારેય નુકસાન નથી જતું."
આ ખેડૂતો મીઠા લીમડાની વાત કરી રહ્યા છે, જે 'કઢી પત્તાં' તરીકે પણ ઓળખાય છે. એક સમયે શાકભાજી સાથે મફતમાં મળતો લીમડો વેચાય છે અને વિદેશમાં તેની પુષ્કળ માગ રહે છે, એટલે ખેડૂતો તેની નિકાસ પણ કરે છે.
જોકે, આંધ્ર પ્રદેશના આ ખેડૂતો શરૂઆતથી જ કઢી પત્તાં વાવતાં ન હતાં, તેઓ એક ફૂલનો ઉછેર કરતાં, જેમાંથી પુષ્કળ કમાણી થતી.
આજે ખેડૂતો ફૂલ ઉપરાંત કઢી પત્તાંનું પણ વાવેતર કરે છે અને આ વિસ્તાર બંને કૃષિઉત્પાદનો માટે વિખ્યાત થયો છે.
ઉત્પાદનની સાથે નિકાસ પણ
ભૂતકાળમાં આ ગામના લોકો ફૂલછોડની નર્સરી ચલાવતા. એ અરસામાં મીઠા લીમડા ઉપર કોઈ ધ્યાન આપતું ન હતું. એવા સમયે ખેડૂતોએ તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તે નફાકારક રહ્યું હતું.
1980ના દાયકામાં આ ગામડામાં મીઠા લીમડાનું વાવેતર શરૂ થયું, એ પહેલાં અહીંના ખેડૂતો ચમેલીનાં ફૂલો ઉછેરતા.
શ્રીનિવાસ કહે છે, "અમારે ત્યાં ખૂબ જ લાંબા સમયથી ચમેલીનું વાવેતર થાય છે. 60 વર્ષ પહેલાં મારો જન્મ થયો, એ પહેલાં મારા દાદા તેનું વાવેતર કરતાં. એ સમયે હાલની વજન પ્રણાલી અસ્તિત્વમાં ન હતી. જે ખેડૂતો જોખમ લેવા તૈયાર હતા, તેમના માટે તે નફાકારક હતું. તે જાન્યુઆરીથી ઑગસ્ટ મહિના દરમિયાન લેવામાં આવે છે તથા તે છ મહિનાનો પાક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજે આ ગામ ચમેલી અને કઢી પત્તાં માટે પણ વિખ્યાત છે.
આ ગામથી પ્રેરિત થઈને આજુબાજુનાં ગામડાંના ખેડૂતોએ પણ મીઠા લીમડાનું વાવેતર શરૂ કર્યું છે. આ કઢી પત્તાં દક્ષિણ ભારતનાં રાજ્યો અને મહારાષ્ટ્રમાં વેચાય છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પથુરી શ્રીનિવાસ તથા તેમનો પરિવાર લગભગ 80 એકર જમીનમાં કઢી પત્તાંની ખેતી કરે છે, એટલું જ નહીં તેઓ જ આ કૃષિઉત્પાદન નિકાસ પણ કરે છે. શ્રીનિવાસ કહે છે :
"અમે વર્ષ 1986થી આ ધંધો કરીએ છીએ. અમે વર્ષ 1986માં કઢી પત્તાંનું વાવેતર શરૂ કર્યું હતું. એ સમયે ખાસ ભાવ મળતા ન હતા, અમે તેને બૉમ્બેમાં વેચતા. આ સાથે અમારો નિકાસનો વ્યવસાય પણ શરૂ થઈ ગયો. અમે ત્યારથી આ કામ કરીએ છીએ."
શ્રીનિવાસની જેમ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના પેડ્ડા વડલાપુડીના અનેક ખેડૂત મીઠા લીમડાનું વાવેતર કરીને મોટી આવક રળે છે.
શ્રીનિવાસ કહે છે, "બજારભાવ, હવામાન અને માગ જેવી અનેક બાબતો ખેતીમાં નફા ઉપર અસર કરે છે. આ એવો પાક છે કે જેમાં લગભગ ખેડૂતોને નુકસાન નથી થતું. એટલે અમને આ પાક પસંદ છે અને તેનું વાવેતર યથાવત્ રાખવા માગીશું."
શરથ બાબુ 30 વર્ષથી મીઠો લીમડો ઉગાડે છે,તેઓ કહે છે, "અમે એકરદીઠ 120 કિલો બિયારણનું વાવેતર કરીએ છીએ. 20થી 40 દિવસની વચ્ચે કૂંપળ ફૂટવા લાગે છે. વાવેતર અને પહેલા પાકની વચ્ચે ઓછામાં ઓછો છ મહિના જેટલો સમય થાય છે."
"તે માત્ર પાન કાપવા જેટલું કામ નથી. જમીનથી ત્રણ ઇંચ ઉપર સુધીનો ભાગ છોડીને આખો છોડ ઉતારવો પડે છે. એ પછી છોડમાં આપોઆપ કૂંપળ ફૂટે છે. સમય આવ્યે મૂળિયામાંથી ફરીથી છોડ ઊભો થાય છે. આપણે વર્ષમાં ત્રણ પાક લઈ શકીએ છીએ. પહેલી વખત વાવેતર કર્યાનાં 25 વર્ષ સુધી પાક લઈ શકાય છે."
અન્ય પરિબળો પણ કારણભૂત

શરથ બાબુ કહે છે, "અમારું ગામ વિજયવાડા, મંગલાગિરિ, તેનાલી તથા ગુંટુર સાથે સારી કનૅક્ટિવિટી ધરાવે છે. અમે કુદરતી સંપદાથી સંપન્ન છીએ. ખેતી માટે પાણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમારાં ગામમાં 20થી 30 ફૂટે જ પાણી મળી રહે છે."
"અમારી જમીન મીઠા લીમડાના વાવેતર માટે સારી છે. એટલે મીઠા લીમડાનું વાવેતર નફાકારક છે અને લોકોએ મોટાપાયે તેનું વાવેતર શરૂ કરી દીધું."
જોકે, મીઠા લીમડાને પણ અન્ય પાકની જેમ કિટક અને વરસાદની અસર પડે છે અને તે સંપૂર્ણપણે તેમાંથી બાકાત નથી.
શ્રીનિવાસ કહે છે, "પાકને ક્યારે વેચવો તે પણ મહત્ત્વપૂર્ણ બાબત છે. મીઠા લીમડાનાં પાન ઝાડ ઉપર હોય અને તેને કોઈ નુકસાન થાય, તો તેની અછત સર્જાય છે. એવી જ રીતે કમોસમી વરસાદ પણ આ પાકને અસર કરી શકે છે."

"જેના કારણે કઢી પત્તાંના ભાવ વધી જાય છે. જે લોકો આવી અછતને પારખીને સમયસર પાન ઉતારી લે, તેમને ફાયદો થતો હોય છે."
અહીંનો મીઠો લીમડો ભારત ઉપરાંત વિદેશમાં પણ નિકાસ થતો, જોકે, તેમાં અવરોધ પણ આવ્યો છે.
શ્રીનિવાસ કહે છે, "અગાઉ લંડન, દુબઈ તથા વિદેશમાં અન્ય સ્થળોએ મીઠા લીમડાની નિકાસ થતી. જોકે, પાંદડાં ઉપર કેમિકલ હોવાને કારણે સમય જતાં તેમાં ઘટાડો થયો છે."
શ્રીનિવાસ ઉમેરે છે, "છેલ્લા કેટલાક સમયથી પાંદડાં પર કેમિકલ નથી એવાં સર્ટિફિકેશનનો આગ્રહ રાખવામાં આવે છે, જેના કારણે પણ નિકાસ ઘટી છે. દક્ષિણ ભારતમાં તેનું મોટું બજાર છે. તેને બેંગ્લુરુ, ચેન્નાઈ અને બૉમ્બે મોકલવામાં આવે છે. ઉત્તર ભારતીયો મીઠા લીમડાનો ઉપયોગ નથી કરતા, એટલે ત્યાં ખાસ બજાર નથી."
જો જંતુનાશ દવાનો છંટકાવ કરવામાં ન આવે તો કિટક તેનો નાશ કરી શકે છે અને જો કાળજીપૂર્વક છંટકાવ કરવામાં ન આવે તો ચાર-પાંચ દિવસમાં પણ પાકને નુકસાન થઈ શકે છે.
શરથ બાબુ કહે છે, "ઉનાળામાં એક કિલોનો ભાવ રૂ. પાંચથી 10 હોય છે. ચોમાસામાં અને ગણેશ ચતુર્થી દરમિયાન તેનો ભાવ રૂ. 15 પ્રતિકિલો સુધી પહોંચી જાય છે. અમુક વર્ષોમાં નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન અમે રૂ. 30-40 કિલોના ભાવે પણ વેચ્યો છે."
"દર વખતે લગભગ 10 ટકા જેટલો પાક ખરાબ થઈ જાય છે. એક પાકમાંથી 30-40 ટકા જેટલો નફો થઈ શકે છે. લગભગ 40 ટકા લોકોને બંને પાકમાં લાભ થાય છે. બે પાક પછી એકરદીઠ રૂ. ત્રણ લાખ જેટલો નફો થાય છે. "
શરથ બાબુ આના વિશે સમજાવતા કહે છે, "વાવેતર અને બીજો ખર્ચ એકરદીઠ રૂ. એક લાખથી 1.2 લાખ જેટલો થાય છે. આમ એકરદીઠ રૂ. એક લાખ જેટલો નફો થઈ શકે છે. જો કોઈ ખેડૂત માત્ર એક સિઝન માટે તેનું વાવેતર કરે, તો તેને નફો નહીં થાય."
શરથ બાબુ ઉમેરે છે, "તેને લાભકારક કે નુકસાનકારક કહી ન શકાય. પાંદડાંની ગુણવતા અને બજારની સ્થિતિ ઉપર નફાનો આધાર રહે છે. જો બધા કરોડપતિ થઈ જાય તો ખેતી કોણ કરશે? આમાંથી લાખોનો નફો થાય જ એવું નથી. કેટલાક લોકોને નુકસાન પણ થાય છે."
શરથ કુમાર કહે છે કે લોકોને લાગે છે કે અમે મીઠા લીમડામાંથી લાખો રૂપિયા બનાવીએ છીએ. અમને આવક થાય છે, પરંતુ એના માટે અમારે સંતાનની જેમ પાકનું જતન કરવું પડે છે. બે મહિના ધ્યાન રાખીએ અને પછી સાત-દિવસ માટે ધ્યાન ન આપીએ તો બે મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













