રાજકોટના રાજેશ સાકરિયા કોણ છે, જેમના પર દિલ્હીનાં સીએમ પર હુમલાનો આરોપ લાગ્યો

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
- દ્વારા રિપોર્ટિંગ, રાજકોટથી
રાજેશ સાકરિયા નામના રાજકોટના રહીશે બુધવારે દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પર કથિત રીતે હુમલો કર્યાના સમાચાર આવતા શહેરના કોઠારિયા રોડ પર આવેલા ગોકુલ પાર્કમાં તેમના પાડોશીઓમાં અચંબા સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
રાજેશ સાકરિયાના પાડોશીઓએ મીડિયાને જણાવ્યું કે "રાજેશ કોઈને નડે તેવો માણસ નથી પણ કૂતરાં અને ગાયો માટે ગમે તે કરી છૂટે તેવો છે."
ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં રાજકોટ શહેર પોલીસ રાજેશના પિતા ખીમજીભાઈ અને માતા ભાનુબહેનને પૂછપરછ માટે આજીડેમ પોલીસ સ્ટેશનને લઈ ગઈ હતી.
રાજેશના મોટા ભાઈ ભરતભાઈ રિક્ષા ચલાવવા જતા રહ્યા હતા. રાજેશનાં પત્ની ઉષાબહેન અને તેમનો સગીર દીકરો ઉષાબહેનનાં બહેનને મળવા અમદાવાદ ગયાં હતાં. તેથી સવારના સમયે તેમના ઘરે કોઈ હાજર ન હતું. પરંતુ તેમના પાડોશીઓએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી.
રાજેશના મકાનની બાજુમાં જ રહેતાં હર્ષાબહેન ચોથાણીએ બીબીસીને જણાવ્યું કે, "રાજેશભાઈ અને તેમનો પરિવાર નિરુપદ્રવી પાડોશી છે."
હર્ષાબહેને કહ્યું કે, "રાજેશભાઈ શિવના ભક્ત છે અને મહિનામાં ઓછામાં ઓછું એક વાર તો ઉજ્જેન જાય જ. સાથે જ તેઓ પશુઓની સેવા પ્રત્યે પણ એટલા જ સમર્પિત છે. ખાસ કરીને તેઓ કૂતરાં પ્રત્યે વધારે લાગણી ધરાવે છે. તેઓ શેરીનાં કૂતરાંને દૂધ પાય છે અને અમારી સોસાયટીમાંથી રોટલીઓ એકઠી કરી ગાયોને ખવડાવે છે. તેમના પરિવારમાંથી ક્યારેય ફરિયાદ આવે તેવા માણસ નથી."

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
રાજેશના મકાનની સામે રહેતા સુરેશ કાચાએ બીબીસીને જણાવ્યું કે રાજેશ જીવદયામાં માનનાર એક વ્યક્તિ છે.
સુરેશ કાચાએ કહ્યું, "રાજેશભાઈએ તેમના ઘરમાં જ શિવની સ્થાપના કરી છે અને તેની પૂજા કરે છે. તે કોઈને નડે તેવા માણસ નથી. પણ કૂતરાં અને ગાયો માટે ગમે તે કરી છૂટે તેવો માણસ છે. અમારા વિસ્તારમાં કોઈ કૂતરું બીમાર પડે તો તે તેને પોતાની રિક્ષામાં લઈ જઈને સારવાર કરાવે. એક વાર એક કૂતરું મરી જતાં તેને રિક્ષામાં લઈ જઈ તેની અંતિમ યાત્રા કાઢી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાડોશમાં જ રહેતા એક મહિલાએ પોતાની ઓળખ છતી ન કરવાની શરતે કહ્યું, "રાજેશભાઈ કૂતરાં પાછળ પાગલ છે. તે તેમના ઘરના સભ્યો માટે ત્રીસ રૂપિયાનું લીટર દૂધ લે પણ કૂતરાં માટે પચાસ રૂપિયાનું લીટર દૂધ લે તેવા માણસ છે. દિલ્હીવાળાએ કૂતરાંને કંઈક કર્યું હશે એટલે રાજેશભાઈએ આ કર્યું હશે."
અહીં એ નોંધનીય છે કે 11 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટની બે-જજની ખંડપીઠે દિલ્હીમાં શેરીઓમાં રખડતાં-ભટકતાં કૂતરાંને પકડીને નિશ્ચિત આશ્રયસ્થાનોમાં ખસેડવાનો હુકમ કર્યો હતો.
ત્યાર બાદ 14 ઑગસ્ટ સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશવળી એક ખંડપીઠે આ મામલે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
કોર્ટમાં આ કેસ અનિર્ણિત છે ત્યારે મીડિયાના અહેવાલો અનુસાર દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ ગત સપ્તાહે અધિકારીઓને સૂચના આપી હતી કે શ્વાનપ્રેમીઓની લાગણીઓ ઘવાય તેવા કોઈ પગલાં ન લેવાં.
દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પર હુમલાનો શું મામલો છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પર બુધવાર સવારે તેમના નિવાસસ્થાન પર જનસુનાવણી દરમ્યાન રાજેશે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, "જનસુનાવણી દરમ્યાન એક વ્યક્તિ તેમની પાસે આવી, કેટલાક કાગળ તેમની સામે મૂક્યા અને પછી તેમનો હાથ પકડીને તેમને ખેંચવાનો પ્રયત્ન કર્યો. તે દરમ્યાન થોડી ધક્કા-મુક્કી થઈ, જ્યાર બાદ તેમને પકડી લેવામાં આવ્યા."
સચદેવાએ કહ્યું કે પોલીસે હુમલો કરવાનો પ્રયત્ન કરનાર શખ્સની પૂછપરછ કરી છે.
રાજેશની ધરપકડ કરીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
જનસુનાવણી દરમ્યાન બનેલી ઘટના વિશે જાણકારી આપતા દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, "જે લોકો પથ્થર અથવા થપ્પડ મારવાની વાત કરી રહ્યા છે, એ મનગડંત છે પણ શક્ય છે કે કોઈ ટેબલનો ખૂણો તેમના માથા પર વાગી ગયો હોય. તે વ્યક્તિ હાથ પકડીને સીએમને ખેંચવાની કોશિશ કરી હતી."
રેખા ગુપ્તા પર હુમલો કરવાના આરોપમાં રાજેશ પર દિલ્હી પોલીસે પર ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 109 (1) હેઠળ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાજેશ પર પહેલાં પણ કેસ નોંધાયા હતા.
અધિકારીઓએ કહ્યું કે રાજેશ પર અગાઉ પણ ગુના દાખલ થઈ ચૂક્યા છે, તેમની પર ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની જુદી જુદી કલમો જેમાં ખતરનાક હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવી, શાંતિ ડહોળવાની ઉશ્કેરણીના ઇરાદા સાથે ઇરાદાપૂર્વકનું અપમાન કરવું, ગુનો બને ત્યારે ઉશ્કેરનાર તરીકેની હાજરી વગેરે સામેલ છે, અંતર્ગત ધરપકડ પણ થઈ ચૂકી છે.
તેમણે કહ્યું કે તેમની સામે દારૂને ગેરકાયદેસર રીતે કબજામાં રાખવા બાબતની કલમો અંતર્ગત પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે.
અધિકારીઓએ કહ્યું કે વર્ષ 2017માં રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આપીઈસીની કલમ 326, 504, 114 અંતર્ગત એફઆઈઆર થઈ હતી. જોકે, નવેમ્બર 2019માં રાજકોટ કોર્ટે તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા.
તેમણે કહ્યું કે તેમની સામે ગુજરાત પ્રોહિબિશન ઍક્ટની 65એએ, 116બી કલમો અંતર્ગત ગુનો (1227/2020) દાખલ થઈ ચૂક્યો છે.
આ કલમો નશાકારક દ્રવ્યનાં વેચાણ, ખરીદી, કબજા કે હેરફેરને લગતી તેમજ દારૂના ગેરકાયદેસર કબજાને લગતી છે. જોકે, રાજકોટ કોર્ટમાંથી આ કેસમાં પણ તેમનો નિર્દોષ છૂટકારો થયો હતો.
અયોધ્યા અને ખોડલધામ સામે રાજેશે કઈ બાબતે ઉપવાસ કરેલો?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીબીસી સાથે વાત કરતાં રાજેશના પિતા ખીમજીભાઈએ કહ્યું કે તેમના ચાલીસ વર્ષના દીકરાને માણસો કરતાં પશુઓ પ્રત્યે વધારે લાગણી છે.
ખીમજીભાઈએ કહ્યું, "તે કોઈ માણસ મરતો હોય તો તેને મરવા દે પણ કૂતરાં કે ગાયોને ન મારવા દે તેવા પ્રકારનો માણસ છે. તેને અમારા ઘરના માણસો કરતાં કૂતરાં અને ગાયોની વધારે ચિંતા છે. તેથી જ બે-ત્રણ મહિના પહેલાં તે અયોધ્યા ગયો હતો અને પશુઓ માટે હૉસ્પિટલ બનાવવાની માંગણી કરી અને ત્યાં જ ઉપવાસ પર બેસી ગયો હતો."
"છેવટે ત્યાંની પોલીસે તેને પકડી લીધો અને મને ફોન કર્યો હતો. મેં પોલીસને કહ્યું કે મારો દીકરો પાગલ નથી પણ પશુઓ માટે પાગલ થઈ જાય છે. તેથી, પોલીસે તેને છોડી મૂક્યો હતો. એકાદ વર્ષ પહેલાં આવી જ માંગણી લઈને રાજેશ રાજકોટમાં આવેલા ખોડલધામની ઑફિસ સામે પણ ઉપવાસ પર ઊતરી ગયો હતો. છેવટે (ખોડલધામના પ્રમુખ) નરેશ પટેલે તેને સમજાવતા તેણે ઉપવાસના પારણાં કર્યાં હતાં."
પિતાએ કહ્યું કે રાજેશે રાજકોટના લલુડી વોંકળી વિસ્તારમાં આવેલા મહાકાલ મંદિરનું સમારકામ કરાવ્યું હતું અને ત્યાં જ મોટા ભાગનો સમય સેવામાં વિતાવે છે.
ખીમજીભાઈએ કહ્યું કે, "તે સવારથી સાંજ સુધી આ મંદિરે સેવા કરે અને મહિનામાં બે-ચાર વાર ઉજ્જૈન જાય. છેલ્લાં આઠ-દસ વર્ષથી આ તેનો ક્રમ છે. પંદર દિવસ અગાઉ મને કહ્યું કે પપ્પા મને રિક્ષા લઈ આપો. તેથી, હું જે રિક્ષા ચલાવતા હતો તે મેં તેને આપી અને મેં એક નવી રિક્ષા લીધી."
ખીમજીભાઈએ કહ્યું કે, તેઓ અને તેમના બંને દીકરા રાજકોટ શહેરમાં ઑટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
રાજેશનાં પત્ની ઉષા ઘરે ઇમિટેશન જ્વેલરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરે છે.
રાજેશ શું કહીને દિલ્હી ગયા હતા?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીબીસી સાથે વધારે વાત કરતા ખીમજીભાઈએ જણાવ્યું કે, "રાજેશ પાંચ દિવસ અગાઉ ઉજ્જૈન જવા રાજકોટથી નીકળી ગયો હતો. પછી ગઈકાલે (મંગળવારે) સાંજે છ વાગ્યે મેં તેને ફોન કરી પૂછ્યું કે તે ક્યાં છે. તેણે જવાબ આપ્યો કે કૂતરાંના કામે દિલ્હી ગયો છું. કામ પૂરું થઈ જશે એટલે ઘરે પાછો આવી જઈશ. એમ કહીને ફોન કાપી નાખ્યો."
રાજેશનાં માતા ભાનુબહેને મીડિયાને જણાવ્યું કે રાજેશ થોડા ક્રોધિત સ્વભાવના છે અને કૂતરાં પર થતા અત્યાચાર તે સહન કરી શકતા નથી અને થોડા દિવસ અગાઉ દિલ્હીનો કૂતરાંનો એક વીડિયો ફોન પર જોઈને તે ક્રોધે ભરાઈ ગયા હતા.
ભાનુબહેને કહ્યું કેે, "દિલ્હીનો વીડિયો રાજેશે મોબાઇલમાં જોયો—કોણે મોકલ્યો એ મને નથી ખબર—અને પછી સેટીમાં ઢીંકા મારવા માંડ્યો. ઈ કે કૂતરાં સારુ થઈને આવું કરાય કે તેને ખવરાવાય-દૂધ પિવડાવાય? એમાં એનેય નો ખાધું બપોરે. જમ્યો જ નહીં પોતે. ઈ કે મારેય નથી જમવું, કૂતરાંનેય ના પાડે છે?"
ભાનુબહેને મીડિયા મારફત દિલ્હીનાં મુખ્ય મંત્રીને વિનંતી કરી કે તેમના દીકરાને માફ કરી દેવામાં આવે.
તેમણે કહ્યું કે, "મારો છોકરો તો પશુ માટે કરે છે જે કરે તે. લાફો મારી દીધો છે તો હવે તો આપણે માફી માગવી પડે. તેનો સ્વભાવ થોડો છે તેવો— ખારો. પશુ સારુ થઈને કરે છે. બાકી એમ કઈ ન કરે... અપીલ કરું કે થાય તો મહેરબાની કરો. અમે તો ગરીબ માણસો છીએ. પૈસા નથી કે માણસ નથી અમારી પાસે. કમાવાવાળો એક છે. એટલે હાથ જોડીને હું કહું છું કે મહેરબાની કરો..."
ખીમજીભાઈએ કહ્યું કે રાજેશ દસમા ધોરણની પરીક્ષામાં નાપાસ થતા આગળ અભ્યાસ કર્યો નથી. પરિવાર એક રો-હાઉસમાં રહે છે.
પિતાએ જણાવ્યું કે તેમના પરિવારમાંથી રાજેશ કે અન્ય કોઈ સભ્યો કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ નથી.
રાજેશ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
દિલ્હીમાં મુખ્ય મંત્રીના લોકદરબારમાં બનેલી ઘટના પછી દિલ્હી પોલીસે રાજેશ સાકરિયાને પકડી લીધા છે.
પરંતુ પોલીસે રાજેશને પકડ્યા હોય તેવો આ પહેલો બનાવ નથી.
રાજકોટ શહેર પોલીસના એક સિનિયર અધિકારીઓએ તેમની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે, "રાજેશ પ્રાણીઓ પ્રત્યે લાગણી ધરાવતો એક તરંગી સ્વભાવના માણસ છે. તેની સામે દારૂ પીવાના પાંચ-છ કેસ અને મારામારી કરવાના એક-બે કેસ નોંધાઈ ચૂક્યા છે."
"જોકે આજની ઘટના દિલ્હીમાં બની હોવાથી રાજકોટ પોલીસ આ બાબતે કશું આધિકારિક રીતે કહેવા માંગતી નથી. ઘટના બાબતે માત્ર પૂછપરછ માટે અમે તેમનાં માતા-પિતાને પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા અને પૂછપરછ પછી તેમને જવા દેવામાં આવ્યા છે."
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












