ગુજરાતમાં ઊગતા આ વિદેશી છોડને કારણે ખેડૂતો અને માલધારીઓ કેમ પરેશાન થઈ ગયા છે?

ઇમેજ સ્રોત, Getty Image/BBC
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
જો તમે ગુજરાતમાં કોઈ ગ્રામ્ય રસ્તા પર અથવા કોઈ હાઇવે પરથી પસાર થતા હો, તો આવા રસ્તાની બંને બાજુ પર ચોમાસા દરમિયાન ઘાટા લીલા રંગના પાંદ અને પીળા ફૂલવાળા છોડના ઘાટા ઝુંડ તમારી નજરે ચડશે. દેશી આવળ જેવા પાન ધરાવતા આ છોડ કુંવાડિયાના છે, તે 'પુવાડિયા' તરીકે પણ ઓળખાય છે.
'કુંવાડિયો' જે કુળનો સભ્ય છે તે Senna કુળમાં આશરે 263 જાતોના છોડ છે અને તેમાંથી 43 ભારતમાં જોવા મળે છે.
ભારત અને ગુજરાતમાં 'દેશી કુંવાડિયો' અને 'પરદેશી કુંવાડિયો'—આ બે જાતો સૌથી વધારે નજરે ચડતી જાતો છે. વિદેશી કુંવાડિયો 'આમરેચ' તરીકે પણ જાણીતો છે.
જેનું વાનસ્પતિક નામ Senna tora છે તે દેશી કુંવાડિયો ભારતમાં અનેક દાયકાઓથી છે, પરંતુ છેલ્લા દોઢ-બે દાયકાથી પરદેશી કુંવાડિયો (વાનસ્પતિક નામ Senna uniflora) ગુજરાતમાં અને ભારતનાં કેટલાંય રાજ્યોમાં એટલી હદે ફેલાઈ રહ્યો છે કે પશુપાલન સાથે સંકળાયેલા લોકો ચિંતામાં મૂકાયા છે. કારણ કે, પરદેશી કુંવાડિયો ઘાસને ઉગવા દેતો નથી અને તેથી ગૌચર, ખેતીની પડતર જમીનો અને સરકારી ખરાબા જેવા અન્ય ચરિયાણોમાં ઘાસની ઉપલબ્ધતા ઘટવા લાગી છે.
પ્રશ્ન અહીં જ ન અટકતા કુંવાડિયાની આ જાત ફોરેસ્ટ ઍક્ટ હેઠળ રક્ષિત ઘાસનાં મેદાનો અને ગીર સહિતનાં જંગલોમાં પણ ફેલાઈ ગયો છે અને ત્યાંની ઇકૉસિસ્ટમ એટલે કે નિવસન તંત્રમાં પણ અસમતુલા ઊભી કરશે તેવો ભય સેવાઈ રહ્યો છે.
પશુપાલકોમાં ચિંતા કેમ છે?

ઇમેજ સ્રોત, Bhushan Pandya
કુંવાડિયો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા દક્ષિણ અમેરિકા ખંડના ઉષ્ણકટિબંધમાં આવેલા બ્રાઝિલ, પેરુ, વેનેઝુએલા, કોલંબિયા, ઇક્વાડૉર, તેમ જ વેસ્ટ ઇન્ડિઝ દ્વીપસમૂહનો મૂળ નિવાસી છે, પરંતુ હવે તે ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધમાં આવેલા ભારત, શ્રીલંકા, ચીન, ઑસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં ફેલાઈ ગયો છે.
વડોદરાસ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બૉટની (વનસ્પતિશાસ્ત્ર) ડિપાર્ટમેન્ટમાં ઍસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રોફેસર પદમનાભી નાગર જણાવે છે કે વિદેશી કુંવાડિયો ભારતમાં આવેલી નવી પ્રજાતિ છે.
બીબીસી સાથે વાત કરતાં પ્રો. નાગરે જણાવ્યું, "દેશી કુંવાડિયો અમુક સૈકાઓથી ભારતમાં છે અને તે સ્થાનિક વાતાવરણ અને જીવસૃષ્ટિમાં ભળી ગયો છે. તેથી તેને તેને હવે વિદેશી જાત કહેવું કદાચ યોગ્ય ન ગણાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પરંતુ વિદેશી કુંવાડિયો ભારતમાં આવ્યો તેને અમુક દાયકા જ થયા હોય તેમ મારું માનવું છે અને તે અર્થમાં તે વિદેશથી આવેલી નવી પ્રજાતિ છે."
"વળી, વિદેશી કુંવાડિયો ઘાસની સ્થાનિક પ્રજાતિઓને ડામી રહ્યો છે અને તેથી તે એક વિદેશી આક્રમણકારી પ્રજાતિનો છોડ છે. આ પ્રજાતિ ઘાસનું ઉત્પાદન ઘટાડી રહી છે, તેથી એક ચિંતાનો વિષય છે."

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં માલધારી એટલે કે પશુપાલોકોનાં હિત અને ઉન્નતિ માટે કામ કરી રહેલી 'સહજીવન' નામની બિનસરકારી સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટી જણાવે છે કે સૌરાષ્ટ્રમાં વિદેશી કુંવાડિયો એક વિકટ સમસ્યા બની રહ્યો છે.
રમેશ ભટ્ટીએ બીબીસીને કહ્યું: "ગાંડો બાવળ, કુંવાડિયો અને જેને માલધારીઓ 'અભાગણી' કહે છે તે લૅન્ટના કમારા (lantana camara) આ ત્રણ વનસ્પતિની એવી જાતો છે જે ચરિયાણોનો નાશ કરી રહી છે."
"કચ્છનાં ચરિયાણોમાં ગાંડો બાવળ એક મોટી સમસ્યા બની ગયા છે, જયારે સૌરાષ્ટ્રમાં કુંવાડિયો ત્રીસેક વર્ષથી એક વિકટ સમસ્યા બની રહ્યો છે. મેં પોતે જોયું છે કે સૌરાષ્ટ્રની વીડોમાં જે જગ્યાએ ઘાસ હોવું જોઈએ, ત્યાં ચોમાસું શરૂ થતા ચોમેર કુંવાડિયો ઊગી નીકળે છે."
"કુંવાડિયાને કોઈ પશુ ખાતું નથી અને જ્યાં કુંવાડિયો ઊગી નીકળે છે, ત્યાં તે ઘાસને થવા દેતો નથી. તેથી ગાય-ભેંસો અને ઘેટાં-બકરાં ખાઈ શકે તેવું ઘાસ ઘટ્યું છે. આના કારણે માલધારીઓને ચરિયાણની શોધમાં બીજે જવાની ફરજ પડે છે."
અમરેલી જિલ્લા સહકારી દૂધઉત્પાદક સંઘ એટલે કે અમર ડેરીના ચૅરમૅન અશ્વિન સાવલિયાએ બીબીસીને જણાવ્યું, "સૌરાષ્ટ્રમાં ગૌચર પર ખેતીનાં દબાણો અને માટી ચોરીની ખરાબ અસરો વર્ષોથી હતી જ. તેમાં હવે થોડાં કેટલાંક વર્ષોથી વિદેશી કુંવાડિયો ભયંકર રીતે ફેલાઈ જતા સમસ્યામાં ઉમેરો થયો છે."
"પશુઓ ચરી શકે તેવા ઘાસમાં ઉત્તરોતર ઘટાડો થયો છે. તેથી પશુપાલકોને ઘાસ-ચારાનો ખર્ચ વધી રહ્યો છે."
કુંવાડિયાથી કેટલું આર્થિક નુકસાન થાય છે?

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC
કેટલાક નિષ્ણાતોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે કુંવાડિયામાં કબજિયાત મટાડવાના ગુણ છે અને અમુક લોકો કુંવાડિયાનાં પાંદ-ફૂલમાંથી ભાજી બનાવીને આરોગે છે. આ સિવાય કથિત રીતે કૉફીમાં ભેળસેળ કરવામાં અને પશુઓ માટેના ખાણદાણ બનાવવામાં પણ તેનાં બીજ વપરાય છે.
જોકે, નિષ્ણાતોએ કહ્યું કે કુંવાડિયાના ફાયદા કરતાં ગેરફાયદા વધારે છે અને તેથી તેના ફેલાવાને નિયંત્રણમાં રાખવો કે અટકાવવો ખૂબ જ જરૂરી છે.
કુંવાડીયાનાં અતિક્રમણથી થતા આર્થિક નુકસાન અંગે ગુજરાતમાં કે ભારતમાં કોઈ પદ્ધતિસરનો અભ્યાસ થયો નથી.
પરંતુ યુનાઇટેડ નૅશન્સના નેજા હેઠળ કામ કરતી ઇન્ટરગવર્નમેન્ટલ સાયન્સ-પૉલિસી પ્લૅટફૉર્મ ઑન બાયૉડાઇવર્સિટી ઍન્ડ ઇકૉસિસ્ટમ સર્વિસીસ (IPEBS ) નામની સંસ્થાએ 2023માં જાહેર કરેલ એક રિપોર્ટમાં જણાવ્યું કે:
"2019માં વિશ્વમાં જૈવિક અતિક્રમણથી વાર્ષિક નુકસાન અંદાજે 423 અબજ અમેરિકન ડૉલર (અંદાજે રૂ. 37 હજાર અબજ) હતું. તેમાંથી 92 ટકા નુકસાન માણસોને કુદરતમાંથી મળતી સંપદાઓ પર વિદેશી આક્રમણકારી જાતિઓના નકારાત્મક પ્રભાવના સ્વરૂપમાં અને બાકીનું આઠ ટકા નુકસાન આવી આક્રમણકારી વિદેશી પ્રજાતિઓનાં આક્રમણને ખાળવામાં કરવા પડતા ખર્ચને કારણે થાય છે."
વિદેશી કુંવાડિયો કઈ રીતે ઘાસને થવા દેતો નથી?

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC
ગુજરાતમાં પેસી ગયેલા વિદેશી કુંવાડિયા સહિતની વિદેશી આક્રમણકારી છોડની પ્રજાતિઓ વિષે ગુજરાત વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ફૉરેસ્ટ ફોર્સના વડા આઈ.એફ.એસ. (ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર) ડૉ. એ. પી. સિંહે Invasive Alien Plant Species of Gujarat: Exotic Plants of Gujarat નામનું પુસ્તક લખ્યું છે.
ડૉ. એ. પી. સિંહ કહે છે કે "દેશી કુંવાડિયાની શિંગ એટલે કે ફળી લાંબી અને ગોળ આકારની હોય છે, જયારે વિદેશી કુંવાડિયાની શિંગ ટૂંકી અને અને ચપટા આકારની હોય છે."
"વિદેશી કુંવાડિયાનો છોડ એક મીટર એટલે કે ત્રણ ફૂટ કરતાં પણ વધારે ઊંચો થઈ શકે છે. કુંવાડિયા વરસાદ થતા ઊગી નીકળે છે. તેમાં ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ફૂલ આવે છે અને શિંગોમાં ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં ઘટ્ટ બદામી રંગના બીજ બને છે."

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC
નૅશનલ બાયૉડાઇવર્સીટી ઑથોરિટી (એનબીએ) એટલે કે રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળના નેજા હેઠળ ચાલતા સેન્ટર ફર બાયૉડાઇવર્સીટી પૉલિસી ઍન્ડ લૉ દ્વારા 2018માં ભારતમાં પેસી ગયેલી આક્રમણકારી વિદેશી જાતો વિશે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
તેમાં જમીન પર થતી 54 વનસ્પતિઓની જાતોની યાદ આપવામાં આવી હતી, પરંતુ તેમાં કુંવાડિયાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ રિપોર્ટ તૈયાર કરનારા વૈજ્ઞાનિક ડૉ. સાંડિલ્યન હવે એનબીએના કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.
ડૉ. સાંડિલ્યન કહે છે કે "આક્રમણકારી વિદેશી જાતિઓના કોઈ કુદરતી ભક્ષક હોતા નથી. પરિણામે તે ઝડપથી ફેલાય છે. વળી, આવી જાતોમાં બીજ ઉત્પાદન પણ વધારે હોય છે.'
ડૉ. સાંડિલ્યન ઉમેરે છે, "માનવીઓનો હસ્તક્ષેપ વધારે હોય તેવી ઇકૉસિસ્ટમમાં આક્રમણકારી વિદેશી જાતો ઝડપથી ફેલાય છે, કારણ કે માણસો ઇકૉસિસ્ટમને વિવિધ કારણોસર ડિસ્ટર્બ કરતા રહે છે."
"ઉદાહરણ તરીકે રોડ બનાવવા માટીનું ખોદાણ અને હરફર થાય છે. વિદેશી જાતો આવી રીતે ડિસ્ટર્બ થયેલી ઇકૉસિસ્ટમનો ફાયદો ઉઠાવીને સ્થાનિક જાતો કરતાં પહેલાં ઊગી નીકળે છે અને તેવા વિસ્તારોમાં તેમનો કબજો જમાવી લે છે. સ્થિર ઇકૉસિસ્ટમમાં તેમનો ફેલાવો એટલી ગતિથી થઈ શકતો નથી."

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
ડૉ. એ.પી. સિંહ ઉમેરે છે, "પ્રથમ તો વિદેશી કુંવાડિયાનાં પાનનો સ્વાદ કડવો હોવાથી ગાય-ભેંસ કે ઘેટાં-બકરાં જેવાં પાલતું પશુઓ કે સાબર, ચિતલ, ચિંકારા, નીલગાય જેવાં જંગલી તૃણભક્ષી પશુઓ તેને ખાતાં નથી."
"વળી, આ કુંવાડિયામાં શિંગો ખૂબ આવે છે અને તેથી તેનાં બીજ મોટી સંખ્યામાં દર વર્ષે તૈયાર થાય છે. વિદેશી આક્રમણકારી પ્રજાતિ હોવાથી તે ખૂબ ઝડપથી વધે છે અને ઘાસની સ્થાનિક પ્રજાતિઓ સાથે જગ્યા, ભેજ, જમીનમાં રહેલ પોષકદ્રવ્યો તેમ જ સૂર્યપ્રકાશ માટે હરિફાઈ કરે છે."
"ઘાસની સ્થાનિક પ્રજાતિઓ આવી હરીફાઈમાં વિદેશી કુંવાડિયા સામે ટકી શકતી નથી. તેથી ધીમે-ધીમે વિદેશી કુંવાડિયો સ્થાનિક ઘાસની જગ્યા લઈ રહ્યો છે. વિદેશી કુંવાડિયો એટલો બળૂકો છે કે તે માત્ર ઘાસ જ નહીં પણ દેશી કુંવાડિયાને પણ પોતાની આસપાસ થવા દેતો નથી."
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મોહન રામ કહે છે કે કુંવાડિયાના ફેલાવા માટે પશુઓ જ કેટલાક અંશે જવાબદાર છે. આ અંગેનો તર્ક સમજાવતા તેઓ કહે છે:
"ચોમાસું આવતાં કુંવાડિયો શરૂઆતમાં જ્યાં ખુલ્લી જગ્યા હોય, ત્યાં ઊગી નીકળે છે. પરંતુ પશુઓને તે ભાવતો ન હોવાથી કોઈ તૃણભક્ષી તેને ખાતા નથી."
"સામે પક્ષે ઘાસની સ્થાનિક જાતો જંગલી અને પાલતું પશુઓને ભાવે છે. એટલે વરસાદ આવ્યા બાદ ઘાસ ઊગી નીકળે, ત્યારથી પશુઓ તેને ચરવાનું ચાલુ કરી દે છે. પરિણામે ઘાસ મોટું થઈ શકતું નથી. પરંતુ કુંવાડિયાને વધવા માટે જગ્યા, સૂર્યપ્રકાશ, ભેજ અને પોષકતત્ત્વો મળી જાય છે."
ડૉ. મોહન રામ ઉમેરે છે કે જે વિસ્તારોમાં પાલતું પશુઓ ચરતાં હોય તે વિસ્તારોનાં ચરિયાણ, નદી-નાળાના કાંઠા તેમ જ રસ્તાઓની બંને બાજુએ વિદેશી કુંવાડિયો વધારે જોવા મળે છે.
ગીર સહિત ગુજરાતનાં જંગલોમાં કુંવાડિયો કઈ રીતે ફેલાયો?

ઇમેજ સ્રોત, Bhushan Pandya
જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને ગુજરાત સ્ટેટ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યા 1980ના દાયકાથી ગીરની વન્યજીવ સૃષ્ટિ અને તેનાં રહેઠાણોનું દસ્તાવેજીકરણ અને અભ્યાસ કરતા આવ્યા છે.
ભૂષણ પંડ્યા કહે છે, "કુંવાડિયો 1980ના દાયકાથી ગીરના જંગલમાં વધારે દેખાવા લાગ્યો. ખાસ કરીને માલધારીના નેસની આજુબાજુ કુંવાડિયો ખૂબ ઊગી નીકળે છે."
ડૉ. એ. પી. સિંહ કહે છે કે ગીરનાં જંગલમાં વિદેશી કુંવાડિયો છેલ્લા દોઢેક દાયકાથી સમસ્યા બની ગયો છે.
ડૉ. એ. પી. સિંહ કહે છે, "ગીરનું જંગલ દુનિયામાં એશિયાઈ સિંહોનું એક માત્ર ઘર છે, પરંતુ સિંહો તો જ ટકી શકે જો તેનો ખોરાક એવાં તૃણાહારી પ્રાણીઓ ત્યાં હોય. તૃણાહારી પ્રાણીઓ તો જ ટકી શકશે, જો તેઓ ખાઈ શકે તેવા ઘાસ-પાન ત્યાં હોય."
"પરંતુ વિદેશી કુંવાડિયો ઘાસની ઉપલબ્ધતાને ઘટાડી રહ્યો છે. તેથી, ગીરની આખી ઇકૉસિસ્ટમ અંસતુલિત થઈ જવાની ચિંતા છે. પરિણામે, વન વિભાગ હેબીટાટ મૅનેજમેન્ટ (રહેઠાણ વ્યવસ્થાપન) અંતર્ગત કુંવાડિયાને કંટ્રૉલમાં રાખવા અને તેને નાબૂદ કરવા પ્રયત્ન કરી રહ્યું છે."
ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એમ ચાર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નૅશનલ પાર્ક્સ અને ત્રેવીસ વન્યજીવ અભયારણ્યો આવેલાં છે.

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
ડૉ. એ. પી. સિંહ કહે છે કે વિદેશી કુંવાડિયો ગુજરાતના મોટા ભાગના વન વિસ્તારોમાં પેસી ગયો છે અને સૌરાષ્ટ્રમાં સમસ્યા વધુ છે. જો કે કચ્છમાં તેના અતિક્રમણનું પ્રમાણ બહુ વધારે નથી.
ડૉ. એ. પી. સિંહ કહે છે, "વિશ્વમાં જૈવ વિવિધતાના નાશ માટે આક્રમણકારી વિદેશી પ્રજાતિઓ દ્વારા થતાં આક્રમણ એક મોટું કારણ છે."
1,412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ગીરનું જંગલ મુખ્યત્વે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય એમ બે ભાગોમાં વહેંચાયેલું છે.
મધ્ય ગીર તરીકે ઓળખાતો ગીરના જંગલની અંદરનો 258 ચોરસ કિલોમીટર વિસ્તાર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, જયારે તેની ફરતેનો બાકીનો વિસ્તાર ગીર વન્યજીવ અભયારણ્ય છે.
ડૉ. મોહન રામ કહે છે કે વિદેશી કુંવાડિયો ગીર અભયારણ્યની બૉર્ડર પર, જ્યાં પાલતું પશુઓનાં ચરિયાણ છે, તેવા માલધારીઓના 44 જેટલા નેસની આજુબાજુ તેમજ ગીરમાંથી પસાર થતાં રસ્તાઓની સાઇડમાં વધારે ફેલાઈ ગયો છે.

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC
તેઓ કહે છે, "ખાસ કરીને ગીર પશ્ચિમ વિસ્તારમાં વિદેશી કુંવાડિયાનો ફેલાવો વધારે છે, પરંતુ ગીર નૅશનલ પાર્ક વિસ્તારમાં પાલતું પશુઓને ચરવાની છૂટ નથી. તેથી નૅશનલ પાર્ક ગીરનાં જંગલમાં જ આવેલો હોવા છતાં ત્યાં કુંવાડિયાનો ફેલાવો થયો નથી.
તે જ રીતે અમે નતાળિયા વીડી, ઝીંઝુડી વીડી, બાબરા વીડી, લામધાર વીડી જેવી ગ્રાસલૅન્ડમાં આક્રમણકારી વિદેશી પ્રજાતિઓના છોડ દૂર કરી, ચરિયાણ પર કાબૂ મૂકી અને સ્થાનિક પ્રજાતિઓની વૃદ્ધિ થાય તેવાં પગલાં લઈ આ ગ્રાસલૅન્ડને રિસ્ટોર (પુનઃસ્થાપિત) કરી છે. તેથી, તેમાં પણ કુંવાડિયો નથી.
મોહન રામ ઉમેરે છે કે ગીરનાં જંગલમાં માલધારીઓની માલિકીના 15,000 થી 18,000 જેટલાં પાલતું પશુઓ છે જે જંગલની અંદર ચરે છે.
કુંવાડિયાને દૂર કરી શકાશે?

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC
ભૂજસ્થિત સહજીવન સંસ્થાની જૈવિક વિવિધતા અને જતન ટીમના આગેવાન રિતેશ પોકાર કહે છે કે કુંવાડિયાને કાબૂમાં લેવો બહુ અઘરું કામ છે.
રિતેશ પોકાર કહે છે, "ગુજરાતમાં ગૌચરોની માલિકી જે-તે ગામની છે, પરંતુ ગુજરાતમાં સામૂહિક માલિકીની ગૌચર જેવી અસ્કયામતો પ્રત્યે લોકોમાં માલિકીનો ભાવ પ્રબળ નથી."
"તેથી, લોકો તેમનાં ગાય,ભેંસ, ઘેટાં, બકરાં વગેરેને ચરાવવા ગૌચરમાં લઈ જાય છે, પરંતુ ગૌચરની સારંભળ પણ રાખવી જોઈએ તે જવાબદારીની ભાવના ઓછી છે. પરિણામે ગૌચરમાંથી ગાંડા બાવળ કે કુંવાડિયાને દૂર કરવાના બહુ પ્રયાસો થયા નથી."
રિતેશ પોકાર આગળ ઉમેરે છે, "વિદેશી કુંવાડિયાનું બીજઉત્પાદન બહુ મોટા પ્રમાણમાં છે અને બીજમાંથી અંકુર ફૂટવાનો દર પણ આશરે 90 ટકા છે જે બહુ ઊંચો કહેવાય."
"વળી, જો ગૌચરની જમીનમાં વિદેશી કુંવાડિયાનો નાશ કરવા નિંદામણનાશક દવા છાંટવામાં આવે, તો કુંવાડિયા સાથે સ્થાનિક ઘાસ પણ નાશ પામવાનો ભય રહે છે. તેથી તે પણ બહુ સારો વિકલ્પ નથી. આવા સંજોગોમાં કુંવાડિયાને નિયંત્રણમાં રાખવો કે નાબૂદ કરવો બહુ અઘરું કાર્ય લાગે છે."
ડૉ. એ. પી. સિંહ કહે છે કે જંગલ વિસ્તારોમાં મીઠા અને ડિટર્જન્ટ પાવડરને પાણીમાં ઓગાળી તેનો વિદેશી કુંવાડિયા પર છટકાવ કરી નિયંત્રણમાં લેવાના પ્રયાસો થયા છે, પરંતુ તેમાં ધારી સફળતા મળી નથી.
ડૉ. એ. પી. સિંહ કહે છે, "મજૂરો દ્વારા તેને દૂર કરાવવાનો ખર્ચ પોસાય તેમ નથી, કારણ કે હાથથી દૂર કરવા છતાં વિદેશી કુંવાડિયો એક વર્ષમાં જતો રહે તેમ નથી. વળી, રક્ષિત વનો અને ગ્રાસલૅન્ડમાં જંતુનાશકોનો ઉપયોગ સલાહભર્યો ન કહેવાય. તેથી, તેનો નાશ કોઈ જૈવિક રીતે જ થઈ શકે તેમ અત્યારની સ્થિતિએ લાગે છે."
ડૉ. સાંડિલ્ય એસ. જણાવે છે, "આઈ.યુ.સી.એન. સંસ્થા અનુસાર વિશ્વમાં જૈવિક વિવિધતાને ઘટાડનારાં પરિબળોમાં છઠ્ઠું પ્રમુખ પરિબળ આક્રમણકારી વિદેશી જાતિઓ દ્વારા થતાં અતિક્રમણ છે."
"પરંતુ ભારતમાં આવી જાતોનો બહુ અભ્યાસ હજુ થયો નથી અને તેનાથી થતા આર્થિક અને જૈવિક નુકસાન અંગે પણ પદ્ધતિસરનાં સંશોધન થયા નથી. આ પ્રકારનાં નુકસાન માટે આપણી પાસે અતિક્રમણ પહેલાં અને પછીની સ્થિતિની આંકડાકીય માહિતી હોય તે જરૂરી છે."
"પરંતુ આવી માહિતીનો અભાવ છે. પરિણામે આ બાબતમાં હજુ સ્પષ્ટતા નથી. આવી કાર્યવાહી લગભગ ગાંડા બાવળ સુધી મર્યાદિત રહી છે. પરંતુ કોઈ એક આક્રમણકારી વિદેશી જાતિને નાબૂદ કરવી હશે તો તો કોઈ એક રાજ્યમાં કામ કરવાથી પ્રશ્ન ઉકેલી નહીં શકાય."
"આખા દેશમાં ઝુંબેશ ચલાવવી પડે. આ બહુ ખર્ચાળ સાબિત થઈ શકે તેવું કામ છે. તેથી, મનરેગા જેવી સ્કીમો હેઠળ આ કામ કરાવી શકાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












