સોનામાં કેટલું રોકાણ કરવું, અને તેમાંથી તમે કેટલું વળતર મેળવી શકો?

ઇમેજ સ્રોત, Getty Images
સોના સાથે ભારતીયો ભાવનાત્મક જોડાણ ધરાવે છે. તેથી બધાને એવું લાગે છે કે તેમની પાસે થોડું સોનું હોવું જોઈએ. પછી ભલે એ જ્વેલરી સ્વરૂપે હોઈ કે કોઈ અન્ય સ્વરૂપે.
સોનું એ માત્ર સંપન્નતાનું પ્રતીક નથી, પરંતુ કટોકટીના સમયમાં એક મજબૂત આર્થિક ટેકો પણ છે.
તેથી માત્ર લોકો જ નહીં, પરંતુ દેશો અને સંસ્થાઓ પણ રિઝર્વ સંપત્તિ તરીકે સોનું રાખે છે.
પરંતુ શું સોનાના વિકલ્પોમાં માત્ર જ્વેલરી, ચોખ્ખી લગડી અથવા બિસ્કિટ જ છે. કે બજારમાં સોનામાં રોકાણ માટે અન્ય પણ કોઈ રસ્તા ઉપલબ્ધ છે? આ બધામાંથી કયો રસ્તો શ્રેષ્ઠ છે? સોનામાં રોકાણ કરી કેવી રીતે અને કેટલું વળતર મેળવી શકાય? ચાલો, આપણે આ બધા પ્રશ્નોના જવાબ શોધીએ.

સ્ટૉક માર્કેટ કરતાં વધુ રિટર્ન?
તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે જે સોનું ખરીદે એ ક્યારેય ખોટમાં નથી જતો, તેને લાભ જ થાય છે.
પણ આ વાત સાચી નથી. જો તમે કોઈ વસ્તુને વધુ ભાવે ખરીદો તો તમારે નુકસાન ભોગવવું પડી શકે છે. આમાંથી સોનું પણ બાકાત નથી.
જોકે, પાછલાં અમુક વર્ષોમાં સોનાએ સારું વળતર આપ્યું છે, જેથી લોકોના માનસ પર એક કિંમતી સંપત્તિ તરીકે તેની છાપ ઊભી થઈ છે.
નિફ્ટીની સરખામણીમાં સોનામાં મળેલ સરેરાશ વાર્ષિક વળતર :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વર્ષ : 30.7 ટકા
ત્રણ વર્ષ : 17.1 ટકા
પાંચ વર્ષ : 14.3 ટકા
દસ વર્ષ : 10.5 ટકા
નિફ્ટીનું આ જ ગાળા દરમિયાન સરેરાશ વાર્ષિક વળતર :
એક વર્ષ : 25.6 ટકા
ત્રણ વર્ષ : 12.1 ટકા
પાંચ વર્ષ : 16.3 ટકા
દસ વર્ષ : 12.3 ટકા
સોનું એ રોકાણ કરો અને ભૂલી જાઓ વાળી વ્યૂહરચના કરતાં હવે રોકાણ માટેનો સારો વિકલ્પ મનાઈ રહ્યો છે.
કારણ કે સોનામાં બજારમાં ઊથલપાથલ સમયે, પડકાર અને દબાણવાળી પરિસ્થિતિમાં પણ સારું વળતર મળે છે.
અગાઉ ઘણા લોકો પાસે રોકાણ માટેના ઝાઝા વિકલ્પો ઉપલબ્ધ નહોતા. તેમને માત્ર રિયલ ઍસ્ટેટ, સોનું અને ફિક્સ્ડ ડિપૉઝિટ વિશે જ ખ્યાલ હતો.
જોકે, વર્તમાન સમયમાં લોકો ધીરે ધીરે શૅર, ડિરેવેટિવ અને મ્યુચલ ફંડમાં રોકાણ તરફ વળી રહ્યા છે. જોકે, શૅર અને ફંડમાં રોકાણ કરનારા લોકોનું પ્રમાણ માત્ર 18.4 ટકા જ છે.
રોકાણમાં સોનું હજુ હાજર છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પર્સનલ ફાઇનાન્સ ઍક્સપર્ટ્સ જણાવે છે કે રોકાણમાં વિવિધતા જરૂરી છે. જો તમે તમારાં બધાં નાણાં એક જ જગ્યાએ રોકી દો તો જોખમ વધી જાય છે. તેથી જો તમારી પાસે રોકાણ માટે 100 રૂ. હોય તો તમારે તેને ત્રણ-ચાર જગ્યાએ રોકવા જોઈએ.
નિષ્ણાતો રોકાણ માટેની ફૉર્મ્યુલા સમજાવે છે. 100માંથી તમારી ઉંમર જેટલાં વર્ષ થઈ હોય એ આંકડો બાદ કરો અને એટલું રોકાણ સ્ટૉક માર્કેટ કે મ્યુચલ ફંડમાં કરો.
ઉદાહરણ તરીકે, જો તમે 35 વર્ષના હો તો 100-35 = 65. આમ તમારે મ્યુચલ ફંડ અને શૅરમાં તમારી પાસે રહેલાં નાણાંમાંથી 65 ટકા ટકા ભાગ રોકવો જોઈએ.
બાકીના 35 ટકા ભાગમાંથી દસ ટકા ગોલ્ડમાં, 15 ટકા સરકારી યોજનામાં અને દસ ટકા રોકડ રાખવી જોઈએ.
1) ફિઝિકલ જ્વેલરી કે સોનાની ખરીદી
જો કુટુંબમાં દીકરીઓ હોય તો તેમનાં લગ્ન માટે સોનું વસાવવું એ પરંપરા છે. પરંતુ એક સાથે 30-40 ગ્રામ ઘરેણાં ખરીદવાની વાત એ મધ્યમ વર્ગ માટે મોટું દબાણ સાબિત કરી શકે છે.
તેથી ઘણા લોકો જ્વેલરોની યોજનામાં રોકાણ કરે છે. પરંતુ ચાલો આપણે જોઈએ કે આપણે ઘરેણાંની ખરીદી માટે કેટલો ખર્ચ કરીએ છીએ.
11 નવેમ્બર, 2024ના રોજ હૈદરાબાદ ખાતે 22 કૅરેટના સોનાના દાગીનાનો ભાવ 7,220 રૂ. પ્રતિ ગ્રામ હતો.
જો તમે આવી રીતે 30 ગ્રામ સોનું ખરીદો, તો ઘરેણાંની કુલ કિંમત -
સોનાની કિંમત : 2,16,600 રૂ.
ઘડાઈ અને બગાડ (16 ટકા) : 34.656 રૂ.
જીએસટી (3 ટકા) : 6,498 રૂ.
કુલ કિંમત : 2,52,754 રૂ.
આનો અર્થ થાય છે કે તમને ખરેખર આ દાગીના 8,425 રૂ. પ્રતિ ગ્રામના ભાવે પડ્યા. આ બતાવે છે કે સોનામાં ઘરેણાં સ્વરૂપે રોકાણ માટે 16-19 ટકાના દરે વધુ પૈસા ચૂકવવા પડે છે.
જો તમે જૂનું સોનું વેચો અને તેના બદલે એટલા જ વજનનું નવું સોનું ખરીદો, તો પણ તમારે ઘડાઈ અને બગાડના ચાર્જ ચૂકવવા પડશે.
સામાન્યપણે આ વાત 20 ટકા ખોટ કરાવે છે. તેથી સોનાનાં ઘરેણાં બનાવડાવવાં એ રોકાણની દૃષ્ટિએ ખૂબ સારો વિકલ્પ નથી.
આ રોકાણ કોના માટે સારું?
- લગ્ન જેવી જરૂરિયાતો માટે ખરીદી કરનાર
- જે લોકો પહેરવા માટે ઘરેણાંની ખરીદી કરે છે અને ખૂબ ઓછું રિટર્ન મેળવે છે
- પરંતુ રોકાણ માટે ભૌતિક સોનાની ખરીદીની સલાહ ન આપી શકાય
સોનાની લગડી કે સિક્કામાં રોકાણ કરવું યોગ્ય?
જો તમે નાણાકીય રીતે સધ્ધર હો તો બિસ્કિટ સ્વરૂપે સોનાની ખરીદીએ સારો વિચાર છે. સોનાનાં બિસ્કિટ સામાન્યપણે જે-તે દિવસના બજારભાવે ઉપલબ્ધ હોય છે.
આ સિવાય 'વૅલ્યૂ એડિશન'ના નામે કોઈ વધારાના ખર્ચ આમાં સામેલ હોતા નથી. પરંતુ જો તમે આ સોનાને ઘરમાં રાખવા માગતા હો તો તમારે તેની સલામતીનું ધ્યાન રાખવું પડે છે.
કેટલાક લોકો અડધા ગ્રામ, એક ગ્રામ, બે ગ્રામ જેવા સિક્કાની ખરીદી કરે છે, પરંતુ તેની કિંમતમાં ઘડાઈ સામેલ હોય છે.
આથી તમારે માત્ર 'વજન બદલે વજન'ની સુવિધા મળતી હોય તો જ સિક્કાની ખરીદી કરવી જોઈએ. એ સિવાય એ ખૂબ મોંઘો વિકલ્પ છે.

1. ઇટીએફ
ગોલ્ડ ઇટીએફમાં રોકાણ એ સ્ટૉક માર્કેટની જેમ જ છે. તમે શૅરની માફક જ તેની પણ ખરીદી કરી શકો છો.
આના માટે તમારે ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે. તેમાં તમે ઇટીએફની ખરીદી કરી શકો. જે દરરોજ વેચાય છે.
કેટલીક કંપનીઓ ગોલ્ડ ઇટીએફ ઇશ્યૂ કરે છે. તમે તેને ખરીદી શકો. આમાં સિક્યૉરિટી ખુદ સોનું જ છે. તમે જરૂરિયાત પ્રમાણે અથવા ઇટીએફની કિંમત વધી હોવાનું તમે નોંધો ત્યારે તેને વેચી શકો છો.
આમાં માત્ર એક જ સમસ્યા છે. અહીં એ વાત મહત્ત્વની છે કે ઇટીએફ તમે જે દિવસે ઇચ્છો છો એ દિવસે જ વેચાય છે કે નહીં.
આનો અર્થ થાય છે કે જો તમે સોનું વેચવા માગો છો, પરંતુ તેનો કોઈ ખરીદદાર ન હોય તો મુશ્કેલી ઊભી થાય છે.
2. ગોલ્ડ ફંડ્સ
આ ફંડ ગોલ્ડ માઇનિંગ અને ટ્રેડિંગમાં રોકાણ સિવાય ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણ કરે છે. આ પ્રકારના ફંડ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે.
3. સોવરેન ગોલ્ડ બૉન્ડ્સ (એસબીજી)
આ બૉન્ડ્સ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા ઇશ્યૂ કરાય છે. બૉન્ડ્સ વાર્ષિક 2.5 ટકાનું વાર્ષિક વળતર ઑફર કરે છે અને મૅચ્યુરિટી સમયે બિલકુલ ટૅક્સ-ફ્રી હોય છે. આ બૉન્ડ્સ ભારત સરકાર તરફથી જાહેર કરાતા હોવાને કારણે તેના રોકાણમાં કોઈ રિસ્ક હોતું નથી.
જોકે, આ બૉન્ડ્સ સરકારી જરૂરિયાતો પ્રમાણે ખુદ આરબીઆઈ દ્વારા ઇશ્યૂ કરાય છે. આ બૉન્ડ્સ સ્ટૉક માર્કેટમાં પણ ટ્રેડ થાય છે. આરબીઆઈ જે તે સમયની સરેરાશ કિંમત આધારે તેની કિંમત નક્કી કરે છે.
4. 11 માસના પ્લાન
હવે ઘણી જગ્યાઓએ 11 માસની બચત યોજનાઓ ચાલે છે, જેમાં સોનાની નાની દુકાનથી માંડીને મોટા શોરૂમ સામેલ છે. તેમાં તમારે દર મહિને એક ચોક્કસ રકમ ભરવાની હોય છે.
એ પછી જ્યારે સમયગાળો પૂરો થાય ત્યારે વેપારી એક માસની રકમ બોનસ તરીકે આપે છે. જ્યારે અન્ય કેટલાક વેપારી તમારા ઍકાઉન્ટમાં દર મહિને તમે જેટલા પૈસા જમા કરાવો છો એટલું સોનું તમારા ખાતામાં જમા કરાવી દે છે.
તમે આ સોનાનો ઉપયોગ કરીને જે તે જ્વેલર પાસેથી ઘરેણાં બનાવડાવી શકો છો.
(આ અહેવાલ રોકાણ માટેના ઉપલબ્ધ વિકલ્પોની માહિતી આપવા માટે છે. રોકાણ કરતા પહેલાં નિષ્ણાત કે ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝરની સલાહ લેવી હિતાવહ છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












