અમેરિકાનો ઈબી-5 વિઝા શું છે, ભારતીય નાગરિકોમાં તેને લેવા કેમ હોડ જામી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તનીષા ચૌહાણ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકા જવાનું સપનું અને ત્યાં સ્થાયી થવાની ઇચ્છા ભારતીયો માટે ખૂબ કપરી બનતી જાય છે. એચ-1બી વિઝા અને ગ્રીન કાર્ડની મુશ્કેલ ઉપલબ્ધતા એવા લોકોને નિરાશ કરી રહી છે જે અમેરિકા જવા માગે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલા ગોલ્ડ કાર્ડની રાહ લંબાતી જાય છે, પરંતુ ઘણા લોકો માટે તે મેળવવું મુશ્કેલ છે, કારણ કે તે ખૂબ મોંઘું હશે.
આવી સ્થિતિમાં ભારતીય લોકોમાં ઈબી-5 વિઝા મેળવવાની સતત હોડ લાગી છે. ચીન પછી ભારત એક એવો દેશ છે, જેના નાગરિકો દ્વારા ઈબી-5 વિઝા મેળવવા માટે સૌથી વધુ અરજીઓ કરવામાં આવી છે અને ભારતીય અરજદારોની આ સંખ્યા સતત વધી રહી છે.
પરંતુ અમેરિકાના ઈબી-5 વિઝા તરફ ભારતીયોનો વધુ ઝુકાવ કેમ છે, તે ટ્રમ્પના ગોલ્ડ કાર્ડથી અલગ કઈ રીતે છે? કારણ કે ટ્રમ્પ કહે છે કે તેમનું ગોલ્ડ કાર્ડ ઈબી-5 વિઝાનો વિકલ્પ છે, આ રિપોર્ટમાં આ બધી બાબતે ચર્ચા કરવામાં આવશે, પરંતુ સૌથી પહેલાં જાણીએ કે ઈબી-5 વિઝા શું છે.
અમેરિકાનો વર્તમાન ઈબી-5 વિઝા પ્રોગ્રામ શું છે?
વર્તમાન સમયે, જો વિદેશી રોકાણકારોને અમેરિકાનું ગ્રીન કાર્ડ જોઈતું હોય, તો તેમના માટે ઈબી-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામ છે.
અમેરિકન કૉંગ્રેસે વિદેશી રોકાણને આકર્ષવા માટે 1990માં ઈબી-5 વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો હતો.
ઈબી-5 વિઝા પ્રોગ્રામ એવા લોકો માટે છે, જેઓ અમેરિકામાં ઓછામાં ઓછા 10 લોકો માટે રોજગારીનું સર્જન કરવા માટે લગભગ 10 લાખ ડૉલરનું રોકાણ કરે છે.
આ પ્રોગ્રામ હેઠળ રોકાણકારોને તેમના રોકાણના બદલામાં તરત જ ગ્રીન કાર્ડ મળી જાય છે. જ્યારે મોટા ભાગના ગ્રીન કાર્ડ અરજદારોને કાયમી નિવાસ માટે ઘણા મહિનાઓથી લઈને ઘણાં વર્ષો સુધી રાહ જોવી પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, ઈબી-5 પ્રોગ્રામ હેઠળ દર વર્ષે માત્ર 10,000 વિઝા અપાય છે, જેમાંથી 3,000 વિઝા એવા રોકાણકારો માટે અનામત રાખવામાં આવે છે, જેઓ ઉચ્ચ-બેરોજગારીવાળાં ક્ષેત્રોમાં રોકાણ કરવા માગે છે.
ભારતીયોમાં ઈબી-5 વિઝાનું ચલણ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકા માટેના ઈબી-5 વિઝાની સૌથી વધુ માગ ચીનથી અને બીજા ક્રમે ભારતમાંથી આવે છે.
આઈઆઈયુએસએ (ઇન્વેસ્ટ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા) દ્વારા સાર્વજનિક કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતીય નાગરિકોમાં ઈબી-5 વિઝાની માગ સતત વધી રહી છે.
જો 2014થી 2024 સુધીના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2024માં માગમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.
2024માં 1,428 ભારતીય નાગરિકોને ઈબી-5 વિઝા આપવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ વિઝા છે.
આની પહેલાં માત્ર એક વખત, 2022માં ભારતીય નાગરિકોને 1,381 ઈબી-5 વિઝા આપવામાં આવ્યા, ત્યારે ઉછાળો આવ્યો હતો. 2023ના વર્ષે કુલ 815 ઈબી-5 વિઝા આપવામાં આવ્યા હતા.
અગાઉનાં વર્ષોમાં આ સંખ્યા ઘણી ઓછી હતી.
ભારતીય નાગરિકોને 2014માં 96 ઈબી-5, 2015માં 111, 2016માં 149, 2017માં 174, 2018માં 585, 2019માં 760, 2020માં 613, 2021માં 211 ઈબી-5 વિઝા આપવામાં આવ્યા હતા.
યુએસસીઆઈએસ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા દ્વારા જાણવા મળે છે કે આ માગમાં સતત વધારો થઈ રહ્યો છે.
આઈઆઈયુએસએના ડિરેક્ટર ઑફ પૉલિસી રિસર્ચ અને ડેટા ઍનાલિસ્ટ લી લાયે જણાવ્યા અનુસાર, ઈબી-2 અને ઈબી-3 વિઝાની સરખામણીએ ઈબી-5 વિઝા પીઆર (પરમેનન્ટ રૅસિડન્સી, કાયમી રહેણાક) મેળવવાનો સૌથી ઝડપી રસ્તો છે. ઈબી-2 અને ઈબી-3 વિઝા માટે પહેલાંથી જ ભારતીય નાગરિકોનો મોટો બૅકલૉગ છે.
ઈબી-5 વિઝા ધરાવતા રોકાણકારો એકસાથે નોકરીના અધિકાર અને ટ્રાવેલ પરમિટ માટે અરજી કરી શકે છે. ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયો માટે ઈબી-2 અને ઈબી-3 વિઝા અમેરિકામાં રહેવાની એક વધુ સારી સુવિધા છે.
કઈ કૅટેગરીમાં સૌથી વધુ માગ છે?

ઇમેજ સ્રોત, Getty Images
આઈઆઈયુએસએની વેબસાઇટના અનુસાર, બિનઅનામત કૅટેગરીમાં ભારત અને ચીનમાંથી ઈબી-5 વિઝાની વધતી માગને કારણે કટ-ઑફ ડેઝમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ભારતીય અરજદારો માટે બિનઅનામત શ્રેણીમાં હવે 198 દિવસનો ઘટાડો કરી દેવાયો છે, એનો અર્થ એ કે વિઝા આપવાની ગતિ ઝડપી બની છે. આ ઉપરાંત, બાકીની અનામત શ્રેણીઓ માટે સ્થિતિ વધુ સારી છે, એટલે કે કોઈ બૅકલૉગ કે વેઇટિંગ નથી.
અનામત કૅટેગરી એટલે કે, જ્યારે કોઈ ખાસ પ્રકારના વિઝા આપવામાં આવે છે, ત્યારે તેમાં ગ્રામીણ, ઉચ્ચ રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૅટેગરીનો સમાવેશ થાય છે.
તેમાં, બિનઅનામત શ્રેણી, એટલે જેમાં બધા અરજદારોનો સમાવેશ થાય છે. આ કોઈ ખાસ કૅટેગરી માટે નથી, પરંતુ તમામ વિઝા અરજદારો માટે છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું ગોલ્ડ કાર્ડ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ડ કાર્ડની ઘણી ચર્ચા થઈ રહી છે અને હવે તેના વિશે એક રેગ્યુલર વેબસાઇટ પણ લૉન્ચ કરવામાં આવી છે, જ્યાં તમે તમારી માહિતી મેળવી શકો છે અને જેવી ઍપ્લિકેશન ખૂલશે કે તમને તેનું નૉટિફિકેશન મળી જશે.
હકીકતમાં, ગોલ્ડ કાર્ડ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધનવાન રોકાણકારો માટે લાવવામાં આવેલું કાર્ડ છે, જે તમને અમેરિકામાં કાયમી નિવાસની તક આપી શકે છે.
ગોલ્ડ કાર્ડની કિંમત 50 લાખ ડૉલર એટલે કે લગભગ 43.52 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
ગોલ્ડ કાર્ડ મળવાથી લોકોને અમેરિકામાં કાયમી ધોરણે રહેવાનો અને કામ કરવાનો અધિકાર મળશે. તેથી, તેમના માટે અમેરિકન નાગરિક બનવાનો માર્ગ પણ સરળ બની શકે છે.
ગોલ્ડ કાર્ડની જાહેરાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, "જે લોકો શ્રીમંત હશે અને તેઓ સફળ થશે, અને તેઓ ઘણા બધા પૈસા ખર્ચશે, ઘણા બધા ટૅક્સ ચૂકવશે, અને ઘણા લોકોને રોજગારી આપશે. અમને લાગે છે કે તે ખૂબ જ સફળ થશે."
અમેરિકાના વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે કહ્યું હતું કે પ્રસ્તાવિત 'ગોલ્ડ કાર્ડ' વર્તમાન ઈબી-5 ઇન્વેસ્ટર વિઝા સ્કીમનું સ્થાન લેશે, જે વિદેશી રોકાણકારોને વિઝા આપે છે.
ટ્રમ્પના ગોલ્ડ કાર્ડનો ટ્રેન્ડ શો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રીન કાર્ડ ફંડના કૉ-ફાઉન્ડર ગિરીશ પટેલનું પણ માનવું છે કે હાલના સમયમાં ઈબી-5 વિઝાની માગમાં મોટો વધારો થયો છે.
બીબીસી સાથે આ માહિતી શૅર કરતાં ગિરીશ કહે છે કે આ ડિમાન્ડ મોટા ભાગે એવા પરિવારો તરફથી થઈ રહી છે, જેમનાં બાળકો કાં તો અમેરિકામાં ભણે છે અથવા તો નોકરી કરે છે.
પટેલે જણાવ્યું કે, ગયા મહિને જ અમદાવાદના એક વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો, જેમનો ભત્રીજો ન્યૂ યૉર્કમાં રહે છે અને તેના એચ-1બી વિઝાની મુદત પૂરી થવાની છે. વિઝા અંગેની ચિંતા તેમનામાં સ્પષ્ટ જોઈ શકાતી હતી.
પટેલે કહ્યું, "જો ટ્રમ્પના ગોલ્ડ કાર્ડની વાત કરીએ તો, અમને આટલા મોંઘા વિઝા માટે લોકોમાં ખૂબ ઓછો રસ જોવા મળ્યો છે. તે રાજકીય ઘોંઘાટ વધુ છે, પરંતુ કહીકતમાં લોકો તેના વિશે ઓછા ઉત્સાહી જણાય છે. જે લોકો ગંભીર રોકાણકારો છે, તેઓ ઈબી-5 વિઝા માટે પોતાનું નસીબ અજમાવવા માગે છે."
ઈબી-5 ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામનું શું થશે?
ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાંથી જ ઈબી-5 ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામનો વિરોધ કરતા રહ્યા છે. તેમણે આ વ્યવસ્થાને જૂની અને નકામી ગણાવી છે.
ટ્રમ્પે જ્યારે ગોલ્ડ કાર્ડની જાહેરાત કરી ત્યારે અમેરિકાના વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિક પણ હાજર હતા.
તેમણે કહ્યું, "ઈબી-5 જેવા નકામા કાર્યક્રમો ચલાવવાને બદલે અમે તેને બંધ કરી દેવાના છીએ. અમે તેને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડથી બદલવા જઈ રહ્યા છીએ."
"ઈબી-5 પ્રોગ્રામ ખોટો, મનઘડંત અને છેતરપિંડીભર્યો હતો. તે ઓછી કિંમતે ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવાની એક રીત હતી. તો રાષ્ટ્રપતિએ કહ્યું, આ પ્રકારના અતાર્કિક કાર્યક્રમને બદલે અમે તેને ખતમ કરવા જઈએ છીએ."
સરળ શબ્દોમાં કહીએ તો, પહેલાં અમેરિકામાં કાયમી નિવાસ માટે 8થી 10 લાખ ડૉલરની જરૂર પડતી હતી, હવે 50 લાખ ડૉલરની જરૂર પડશે. આનો અર્થ એ છે કે માત્ર ખૂબ જ અમીર ભારતીયો જ તેનો લાભ લઈ શકશે.
જે લોકો અત્યારે એચ-1બી અથવા ઈબી-2/એબી-3 વિઝા પર અમેરિકામાં છે, તેઓ પણ ગોલ્ડ કાર્ડ માટે અરજી કરી શકશે, પરંતુ તેમની પાસે પહેલાં 50 લાખ ડૉલર હોવા જરૂરી છે.
જોકે, 50 લાખ ડૉલર ચૂકવ્યા પછી જ અરજદારની પુષ્ટિ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












