સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે, કયા જિલ્લામાં આગાહી કરાઈ?

બીબીસી ગુજરાતી હવામાન વેધર અપડેટ વરસાદ ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

સમગ્ર ગુજરાતમાં હાલમાં વરસાદનું જોર છે અને આગામી ચાર દિવસ સુધી કેટલાય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર ગીર સોમનાથમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. દીવમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

તેવી જ રીતે ડીસા, વલસાડ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયાં સ્થળે અતિભારે વરસાદ પડ્યો છે.

હાલમાં અરેબિયન સમુદ્ર અને ગુજરાત ઉપર અનુક્રમે 5.6 કિમી અને 7.6 કિમીની ઊંચાઈએ અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઑફશોર ટ્રફની રચના થઈ છે.

હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન અનુસાર દીવ, સુરત, નંદૂરબાર, અમરાવતીથી લઈને ઓડિશા સુધી મોન્સુન ટ્રફ પસાર થાય છે. તેના કારણે વરસાદ પડી શકે છે. આંતરિક ઓડિશા પર એક ડિપ્રેશન સર્જાયું છે જે ઓડિશાથી લઈને સાઉથ છત્તીસગઢ સુધી જાય છે અને આગામી 12 કલાકમાં લો પ્રેશર એરિયામાં નબળું પડે તેવી શક્યતા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 273 મિમી (10.74 ઈંચ) વરસાદ પડ્યો છે જે સૌથી વધુ છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં 153 મિમી છ ઈંચ વરસાદ થયો છે. પોરબંદરમાં 100 મિમી, જૂનાગઢમાં 95, ગીર સોમનાથમાં 85, અમરેલીમાં 78, ગીર સોમનાથમાં 74, વલસાડમાં 74, પાટણમાં 44, જામજોધપુરમાં 43, માળિયા હાટિનામાં 42 મિમી વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે શું કહ્યું?

બીબીસી ગુજરાતી હવામાન વેધર અપડેટ વરસાદ ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 20 ઑગસ્ટ, બુધવારે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં 20મીએ અતિભારે વરસાદ પડી શકે છે. આ બધા જિલ્લા માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેવી જ રીતે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને તેમને ઑરેન્જ ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. આ તમામ જિલ્લાઓની સાથે સાથે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યના બાકીના જિલ્લાઓ માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. તે મુજબ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, રાજકોટ, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં 20 ઑગસ્ટે છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાયના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વેધર અપડેટ વરસાદ ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

21 ઑગસ્ટે ગુજરાતમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં કેટલાક સ્થળે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે અને આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

ગુરુવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ બધા જિલ્લા ઑરેન્જ ઍલર્ટ હેઠળ આવે છે.

21મી ઑગસ્ટે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ તમામ જિલ્લાને યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

22 ઑગસ્ટે સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ઑરેન્ટ ઍલર્ટ આપવામાં આવ્યું છે અને તે દિવસે અહીં કેટલાંક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રૂપની બેઠક મળી

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રૂપની બેઠક યોજવામાં આવી હતી. રાહત નિયામકે બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું.

બેઠકમાં NDRF અને SDRFના અધિકારીઓએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લામાં ગોઠવવામાં આવી છે.

આ ઉપરાંત NDRFની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી હતી.

સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, રાજ્યનાં 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઈઍલર્ટ પર, 27 જળાશયો ઍલર્ટ પર તથા 21 જળાશયો વૉર્નિંગ લેવલ પર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન