ગુજરાતમાં ગણતરીના કલાકોમાં 13-13 ઇંચ વરસાદ કેમ પડવા લાગ્યો, પૅટર્ન બદલાઈ ગઈ?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું હીટવેવ તાપમાન વેધર

ઇમેજ સ્રોત, Sachin pithwa

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ રેકૉર્ડબ્રૅક વરસાદ નોંધાયો છે
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ રેકૉર્ડબ્રૅક વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં એક દિવસની અંદર 10-14 ઇંચ વરસાદ પડી જાય છે જેના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થાય છે.

દાખલા તરીકે 20 ઑગસ્ટે જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત કેશોદ તાલુકામાં 11 ઇંચ કરતાં વધારે વરસાદ, વંથલીમાં 10 ઇંચ, પોરબંદરમાં 10 ઇંચ, નવસારીના ગણદેવીમાં 9 ઇંચ, વલસાડના કપરાડામાં 8 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 8, નવસારીના ચીખલીમાં 8, પોરબંદરના કુતિયાણામાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો.

વર્ષો અગાઉ એક વિસ્તારમાં થોડા જ કલાકોમાં આટલો ભારે વરસાદ પડી જાય તેવી ઘટનાઓ ઓછી બનતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ રૂટિન બની ગયું હોય એવું લાગે છે, તેવું નિષ્ણાતો માને છે.

ગુજરાતમાં આ વખતે મોટાં શહેરોમાં માત્ર સાત દિવસની અંદર આખી સિઝનનો 50 ટકા કરતાં વધારે વરસાદ પડી ગયો છે.

એક અહેવાલ મુજબ માત્ર 13 દિવસના ભારે વરસાદના દિવસોમાં અડધાથી વધુ વરસાદ પડ્યો છે. દ્વારકા તાલુકામાં મંગળવારે બે કલાકની અંદર પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. જે આખી સિઝનના સરેરાશ વરસાદનો 25 ટકા થાય છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સુરત શહેરમાં માત્ર સાત દિવસમાં સિઝનનો 61 ટકા વરસાદ પડ્યો છે જ્યારે રાજકોટમાં સાત દિવસમાં 59 ટકા વરસાદ પડી ગયો છે.

ગયા વર્ષે પણ ગુજરાતમાં અતિ ભારે વરસાદના દિવસો મોટી સંખ્યામાં હતા. 2024માં ગુજરાતમાં ચોવીસ કલાકની અંદર આઠ ઇંચ અથવા વધારે વરસાદ પડ્યો હોય તેવા 66 દિવસ હતા.

એકલા સૌરાષ્ટ્ર-કચ્છ સબ ડિવિઝનમાં આવા અતિભારે વરસાદના 75 ટકા કેસ હતા જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં તેનું પ્રમાણ 72 ટકા અને પૂર્વ રાજસ્થાનમાં 72 ટકા હતું.

ગુજરાતમાં વરસાદની પૅટર્ન બદલાઈ ગઈ?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું હીટવેવ તાપમાન વેધર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 20 ઑગસ્ટે ભારે વરસાદ પછી પોરબંદરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં હવામાન વિભાગના અધ્યક્ષ ડૉ. મનોજ લુણાગરિયા બીબીસી સાથે વાત કરતા કહે છે કે "ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની પૅટર્નમાં ચોક્કસ બદલાવ આવ્યો છે. ગુજરાતમાં મુખ્ય બે ફેરફાર જોવા મળ્યા છે. એક તો ગુજરાતમાં ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. પાછલા ત્રણ દાયકામાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તે વધારે નોંધપાત્ર દેખાય છે. બીજું, વરસાદના દિવસોની સંખ્યા ઘટી છે."

તેઓ વિગતવાર સમજાવતા કહે છે, "ચોક્કસ વિસ્તાર પ્રમાણે વરસાદના દિવસો નિશ્ચિત હોય છે. આપણે ત્યાં સામાન્ય રીતે ચોમાસું ચાર મહિના એટલે કે 120 દિવસનું હોય છે. કચ્છમાં વરસાદના દિવસો 16થી 20 હોય છે જ્યારે 2.5 મિમીથી વધુ વરસાદ પડતો હોય. જ્યારે વલસાડ વિસ્તારમાં વર્ષમાં 65 દિવસ વરસાદ પડતો હોય છે. આ પૅટર્ન બદલાઈ છે."

"હાલમાં સાઉથ રિજયનમાં વરસાદના દિવસો ઘટ્યા છે જ્યારે કચ્છમાં વરસાદના દિવસો અને તેની તીવ્રતા વધે છે. એટલે કે એક જ દિવસમાં ભારે વરસાદ પડે છે."

ડૉ. મનોજ લુણાગરિયાએ જણાવ્યું કે "હાલની પૅટર્નમાં અમુક દિવસોમાં અતિભારે વરસાદ પડે છે અને વચ્ચેના દિવસો કોરા રહે છે. આ અસર ખાસ કરીને પશ્ચિમ ગુજરાતના પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિક દ્વારકા, કચ્છમાં જોવા મળે છે જ્યાં અતિ તીવ્રતાવાળા વરસાદના દિવસો વધતા જાય છે."

ગુજરાતમાં અતિ ભારે વરસાદનું કારણ શું છે?

આણંદ કૃષિ યુનિવર્સિટીના ડૉ. મનોજ લુણાગરિયા કહે છે કે હાલના ભારે વરસાદનું કારણ ક્લાઇમેટ ચેન્જ જ છે. તેમાં મુખ્ય ત્રણ ફેરફાર થયા છે.

પહેલું, ગ્લોબલ વૉર્મિંગ જેના કારણે તાપમાન વધી રહ્યું છે. બીજું, સમુદ્રની જળસપાટીમાં વધારો થયો છે. ત્રીજો, ફેરફાર વરસાદની પૅટર્નમાં બદલાવ છે. તેમાં વરસાદનું પ્રમાણ વધઘટ થાય છે અને વરસાદી દિવસોની સંખ્યા ડિસ્ટર્બ થઈ છે. ગુજરાતમાં સૌથી વધારે અસર તાપમાન પર પડી છે જેથી હીટ વેવ આવે છે અને તેની સાથે વરસાદની પૅટર્ન પર બદલાઈ છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું હીટવેવ તાપમાન વેધર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદના પગલે દેવભૂમિ દ્વારકાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા

ગુજરાત સહિત ભારતનાં શહેરોમાં અતિભારે વરસાદ અને અત્યંત ગરમીની સમસ્યા વધવાની છે તેમ IPE ગ્લોબલ અને Esri ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે. તે મુજબ ભારતના લગભગ 85 ટકા જિલ્લામાં હવામાનની વિકટ અસર થવાની છે.

ગુજરાત ઉપરાંત બિહાર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને આસામમાં હવામાન બદલાયું છે. આ સ્થિતિ ચાલુ રહેશે તો 2036 સુધીમાં 1.47 અબજ લોકો હીટ વેવ અને અતિશય ભારે વરસાદ- એમ બે તકલીફોનો સામનો કરતા હશે.

તેમાં એવું પણ જણાવાયું છે કે દેશના 45 ટકા જિલ્લા એવા છે જ્યાં અગાઉ ભારે વરસાદ પડતો હતો, પણ હવે દુકાળની સ્થિતિ પેદા થાય છે અને જ્યાં અત્યંત ઓછો વરસાદ પડતો હતો ત્યાં દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે.

આ અભ્યાસમાં 1973થી લઈને 2023 સુધીના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો. તેના પરથી તારણ નીકળ્યું કે તાજેતરના દાયકાઓમાં કોઈ જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડે તેવી ઘટનાઓ વધી છે.

ભારતમાં 80 ટકા વરસાદ ચોમાસાની સિઝનમાં પડે છે જેની શરૂઆત જૂનથી થાય છે અને સપ્ટેમ્બરના મધ્યમાં ચોમાસું વિદાય લેવા લાગે છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદની કેવી સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું હીટવેવ તાપમાન વેધર

ઇમેજ સ્રોત, Getty Images

21 ઑગસ્ટના ડેટા પ્રમાણે સમગ્ર ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તેમાં સાઉથ ગુજરાતમાં સૌથી વધુ 79 ટકા, કચ્છમાં 79 ટકા, સૌરાષ્ટ્રમાં 76 ટકા, ઉત્તર ગુજરાતમાં 74 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 72 ટકા સરેરાશ વરસાદ પડી ગયો છે.

ગુજરાત સરકારના ડેટા પ્રમાણે ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ 79 ટકા ભરાયો છે. આ સિવાય રાજ્યના 206 ડૅમમાંથી 55 ડૅમ સંપૂર્ણ છલકાઈ ગયા છે. 66 ડૅમમાં 70થી 100 ટકા પાણી ભરાયેલું છે, 36 ડૅમમાં 50થી 70 ટકા પાણી છે જ્યારે 30 ડૅમ 25થી 50 ટકા સુધી ભરાયેલા છે.

ગુજરાતમાં હાલમાં 70 ડૅમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 35 ડૅમ એલર્ટ પર અને 16 ડૅમ વોર્નિંગ એલર્ટ પર છે.

હવામાનનો મુદ્દો સંસદમાં પણ ઊઠ્યો

અતિશય ગરમી અને અત્યંત ભારે વરસાદનો મુદ્દો સંસદમાં પણ ઊઠ્યો છે. તાજેતરમાં IPE ગ્લોબલ અને Esri ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવાયું હતું કે 2030 સુધી ભારતમાં ભીષણ ગરમીના કેસ વધવાના છે.

સાયન્સ અને ટેકનૉલૉજીના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે લોકસભામાં 20 ઑગસ્ટે જણાવ્યું હતું કે આ રિપોર્ટ વિશે સરકાર વાકેફ છે. આ રિપોર્ટ કહે છે કે "આગામી પાંચ વર્ષમાં હીટવેવના કેસ બમણા થશે અને અત્યંત ભારે વરસાદની ઘટનાઓ પણ વધશે. આ રિપોર્ટ મુજબ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં અતિભારે વરસાદના કેસમાં 43 ટકા વધારો થશે."

સરકારે આપેલા ડેટા પ્રમાણે ગુજરાતમાં 2025માં હીટ વેવના સાત દિવસ હતા, 2024માં 14 દિવસ સુધી હીટ વેવની સ્થિતિ હતી જ્યારે 2022માં 13 દિવસ સુધી હીટ વેવની સ્થિતિ જોવા મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન