ગુજરાતમાં ધોધમાર વરસાદ : મેંદરડામાં 13 ઇંચ અને પોરબંદરમાં 10 ઇંચ વરસાદ, ગુરુવારે ક્યાં-ક્યાં વરસાદ પડશે?

ગુજરાત હવામાન વિભાગની આગાહી, મોન્સૂન ટ્રોફ, બંગાળની ખાડીમાં સિસ્ટમ, સર્ક્યુલેશન, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ, રેડ તથા યેલો ઍલર્ટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, વરસાડ, તાપીમાં વરસાદ, બીબીસી ગુજરાતી હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, દેવભૂમિ દ્વારકામાં પાણીમાં ફસાયેલાં લોકોને ઉગારવામાં આવ્યા હતા

હજુ લગભગ એક અઠવાડિયા પહેલાં ગત વર્ષની સરખામણીએ વરસાદની 12 ટકા જેટલી ઘટ હતી, પરંતુ ગણતરીના દિવસોમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ છે.

બુધવારની સ્થિતિ પ્રમાણે, ચાલુ વર્ષે અને ગત સાલની સરખામણીએ વરસાદની ટકાવારી વધી ગઈ છે.

બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલી સિસ્ટમને કારણે બુધવારે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે.

સવારથી સાંજ સુધીમાં જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ, પોરબંદરમાં 10 ઇંચ તથા નવસારીમાં 8.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. જેની અસર વાહનવ્યવહાર ઉપર થઈ હતી અને તથા અમુક સ્થળોએ એસટી બસના રૂટ બંધ કરવા પડ્યા હતા, તો ગુજરાત ઉપર હાલમાં સક્રિય તથા રાજ્યના આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઊભી થનારી સિસ્ટને કારણે ગુરુવારે તથા આગામી દિવસો દરમિયાન સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાત હવામાન વિભાગની આગાહી, મોન્સૂન ટ્રોફ, બંગાળની ખાડીમાં સિસ્ટમ, સર્ક્યુલેશન, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ, રેડ તથા યેલો ઍલર્ટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, વરસાડ, તાપીમાં વરસાદ, બીબીસી ગુજરાતી હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, imd.gov.in

બુધવારે રાજ્યના 29 જિલ્લાના 162 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તાલુકાવાર સરેરાશ 31.16 મીમી જેટલી રહી હતી.

જેમાં સૌથી વધુ વરસાદ (બુધવાર બપોરની સ્થિતિ મુજબ) જૂનાગઢ જિલ્લાના મેંદરડા (13 ઇંચ) ખાતે પડ્યો હતો. તો પોરબંદર શહેરમાં 9.84 ઇંચ વરસાદ પડ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના કેશોદ, વંથલી તથા માણાવદરમાં અનુક્રમે 11, 10.16 અને આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

નવસારીના ગણદેવીમાં 8.39 ઇંચ, ચીખલીમાં 7.2 ઇંચ અને ખેરગામમાં 5.24 ઇંચ વરસાદ પડ્યો હતો.

કપરાડામાં 6.57 ઇંચ (વલસાડ), કુતિયાણામાં 6.93 ઇંચ (પોરબંદર), દોલવણમાં 5.91 ઇંચ (તાપી) મહુવામાં 5.31 ઇંચ (ભાવનગર) વરસાદ પડ્યો છે.

લગભગ એક અઠવાડિયા પહેલાં ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ વરસાદમાં 12 ટકા જેટલી ઘટ હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે.

ગુજરાત સરકારના ડેટા પ્રમાણે, બુધવારે 660 મીમી વરસાદ પડ્યો છે, જે રાજ્યની કુલ જરૂરિયાતના 74.85 ટકા જેટલો છે.

ગત વર્ષે અત્યારસુધીમાં 651.21 મીમી વરસાદ પડ્યો હતો, જે સિઝનનો સરેરાશ 73.75 ટકા જેટલો હતો.

ગુરુવારે ક્યાં-ક્યાં વરસાદ પડશે?

ગુજરાત હવામાન વિભાગની આગાહી, મોન્સૂન ટ્રોફ, બંગાળની ખાડીમાં સિસ્ટમ, સર્ક્યુલેશન, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ, રેડ તથા યેલો ઍલર્ટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, વરસાડ, તાપીમાં વરસાદ, બીબીસી ગુજરાતી હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Farukh Kadri

ઇમેજ કૅપ્શન, દરિયાની સ્થિતિ જોતા જાફરાબાદના બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી, જે ગુજરાત તરફ આગળ વધી રહી હતી, પરંતુ એ પહેલાં અટકી જતાં મહારાષ્ટ્રના તટીય પ્રદેશ, મુંબઈ, ઠાણે તથા નવી મુંબઈમાં અસામાન્ય વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બૅક-ટુ-બૅક સિસ્ટમો સર્જાઈ રહી હોવાથી ચાલુ સપ્તાહના અંતભાગ સુધી કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર-પૂર્વ અરબ સાગર તથા ગુજરાતમાં દરિયાની સપાટીથી 5.8 કિમી અને 7.6 કિમી ઉપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

મૉન્સુન ટ્રફ નલિયાથી વલ્લભવિદ્યાનગર, બૈત્તુલ માંડલા, સંભલપુર, ચાંદબાલી થઈને બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ સુધી વિસ્તરે છે.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમૅટ વેધરના મહેશ પલાવતના કહેવા પ્રમાણે, 'દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જે રાજકોટ સુધી વિસ્તરી શકે છે. જોકે, અમદાવાદ અને વડોદરા ઉપર તેની આંશિક અસર થવાની શક્યતા છે.'

હવામાન વિભાગના બુલેટિન મુજબ, બુધવારે સાંજે તથા ગુરુવાર સવાર દરમિયાન જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા કેટલાંક સ્થળોએ ; દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ; તથા કેન્દ્રશાસિત દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ અસામાન્ય રીતે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, બોટાદ અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, ડાંગ તથા તાપીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે મેઘગર્જના થશે અને પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.

ગુરુવારે દ્વારકામાં કેટલાંક સ્થળોએ અસમાન્ય વરસાદ પડી શકે છે. રાજકોટ, જામનગર, કચ્છ, મોરબી, જૂનાગઢ અને પોરબંદર ઉપર વરસાદ વરસવાનું ચાલુ રહેશે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ચોમાસું વધારે સક્રિય, કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ફારુખ કાદરી જણાવે છે, "અમરેલીના જાફરાબાદમાં લાઇટ હાઉસ ખાતે આઠથી દસ ફૂટ મોજાં ઊછળી રહ્યાં છે. લગભગ 550 જેટલી બોટો દરિયામાં છે, જેમાંથી પચાસ જેટલી બુધવાર સાંજ સુધી પરત ફરશે. બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. ગામડાંના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં."

કાદરી જણાવે છે કે મંગળવારની રાત્રે દરિયામાં એક બોટ ડૂબી હતી, પરંતુ તેના છ જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. અમરોલીનો વાડિયા નજીકનો સાકરોળી ડૅમ પણ ઓવરફ્લો થયો છે.

છેલ્લા કેટલાક દિવસથી બોટાદ જિલ્લામાં ભારે બફારો થઈ રહ્યો હતો, મંગળવારે રાત્રે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક વર્તાઈ હતી.

રાજકોટસ્થિત બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ બિપીન ટંકારિયા જણાવે છે કે બુધવાર સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને ઝરમર વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલું સુરાવો જળાશય છલકાવાની તૈયારી હોય, નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

ટંકારિયા ઉમેરે છે, જિલ્લાના ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં મંગળવાર રાત્રીથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો, જે બુધવારે સવારે ધોધમાર પડ્યો હતો.

બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ હનીફ ખોખર જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી કેશોદ અને માણાવદરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સિઝનનો 93 ટકા જેટલો વરસાદ પડી ગયો હોવાનું જણાવે છે.

ખોખર જણાવે છે કે મેંદરડામાં ભારે વરસાદને કારણે અમુક કલાકો માટે વાહનવ્યવહાર અટકી ગયો હતો, પરંતુ બાદમાં તે ફરી શરૂ થયો હતો. એસટીના કેટલાક રૂટ પણ વરસાદને કારણે પ્રભાવિત થયા હતા.

જૂનાગઢના જિલ્લા કલેક્ટરે વિશેષ બેઠક બોલાવીને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો જળવાય રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી હતી. રાઉન્ડ-ધ-ક્લૉક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતના વલસાડથી બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ અપૂર્વ પારેખ જણાવે છે કે બુધવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જિલ્લાના મધુવન ડૅમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. ડૅમના 10 દરવાજા દોઢ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા અને દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા ખાતે પાણીમાં ફસાયેલા વીસ જેટલા લોકોને પાણીમાંથી રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ, નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટુકડીઓને કામે લગાડવામાં આવી છે, તો અમુક સ્થળોએ સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ સિવાય જિલ્લા-નગરપાલિકાની ફાયર બ્રિગેડ તથા વહીવટીતંત્રોને સતર્ક રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન