ફોનનું કૉલ સેટિંગ બદલાઈ ગયું હોય તો પહેલાં જેવું જ સેટિંગ કેવી રીતે કરી શકાય? આ ચાર સ્ટેપ્સમાં જાણો

ઍન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહેલા લોકોના ફોનમાં કૉલ અને સેટિંગ્સમાં અચાનક આવેલા ફેરફારે વિચારતા કરી દીધા છે.
ઍન્ડ્રોઇડ ફોનથી કોઈને કૉલ કરતી વખતે અથવા કૉલ રિસીવ કરતી વખતે, ફોનનો ઇન્ટરફેસ, એટલે કે ડિસ્પ્લે અને ડિઝાઇન, બદલાઈ ગઈ હોય તેવું લાગે છે.
ઘણાં લોકોએ તેમના ફોનમાં હૅકિંગ થયું હોવાની શંકા ગઈ તો અમુક લોકોએ સુરક્ષાના મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
જોકે, આ મુદ્દે ગૂગલે કહ્યું હતું કે તેમણે ફોનમાં 'મટિરિયલ 3D ઍક્સપ્રેસિવ' નામનું અપડેટ બહાર પાડ્યું છે તેના કારણે ફોનનાં સૉફ્ટવૅર અને ડિસ્પ્લેમાં બદલાવ કરવામાં આવ્યા છે.
પરંતુ હજુ પણ ઘણા લોકોને આ નવા પ્રકારની ડિસપ્લે ગમતી નથી. તો તેમણે ફરીથી જૂના પ્રકારની ડિસપ્લે અને સેટિંગ્સ કરવા માટે શું કરવું? આવો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ.
કૉલ સેટિંગ પહેલાં જેવું કરવા માટે શું કરવું?

જો તમારે પહેલાં જેવા જ કૉલ સેટિંગ્સ રિસ્ટોર કરવા હોય અને પહેલાં જેવી જ ડિસપ્લે અને કૉલ સેટિંગ્સ જોઈએ તો તેના માટેની પ્રક્રિયા સાવ સરળ છે. નીચેના સ્ટેપ્સ અનુસરો.
- સ્ટેપ 1: તમારા ફોનમાં 'પ્લે સ્ટોર' ખોલો.
- સ્ટેપ 2: તેમાં 'ફોન બાય ગૂગલ' એવું સર્ચ કરો.
- સ્ટેપ 3: તમને 'ફોન બાય ગૂગલ'નું અપડેટેડ વર્ઝન દેખાશે. તેમાં બે બટન હશે અનઇન્સ્ટૉલ અને ઓપન.
- સ્ટેપ 4: અનઇન્સ્ટૉલ બટન પર ક્લિક કરો. તમને સવાલ પૂછાશે કે શું તમે ઍન્ડ્રોઇડ સિસ્ટમ ઍપ પરની તમામ અપડેટ્સ અનઇન્સ્ટૉલ કરવા માગો છો કે નહીં? પછી અનઇન્સ્ટૉલ બટન પર ક્લિક કરો.
આ સ્ટેપ્સ ફૉલો કર્યા પછી થોડી જ સેકન્ડ્સમાં તમારી કૉલ સેટિંગ્સ પૂર્વવત થઈ જશે.
નવા સેટિંગથી શું ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Google
તમામ ઍન્ડ્રોઇડ ફોન માટે સૉફ્ટવૅર ગૂગલ દ્વારા બનાવવામાં અને અપડેટ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કંપનીએ 'મે 2025' માં જાહેરાત કરી હતી કે તે 'મટિરિયલ 3D ઍક્સપ્રેસિવ' નામનું અપડેટ બહાર પાડી રહી છે, જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌથી મોટાં અપડેટ્સમાંનું એક હશે.
ગૂગલે કહ્યું છે કે આ અપડેટ ફોનનાં સૉફ્ટવૅર અને ડિસ્પ્લેને ઉપયોગમાં સરળ, ઝડપી અને વધુ સાહજિક બનાવશે.
ગૂગલે જણાવ્યું હતું કે 'મટિરિયલ 3D ઍક્સપ્રૅસિવ' અપડેટ હેઠળ ઍન્ડ્રોઇડ ફોનની કૉલ ઍપની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ અપડેટ જૂનમાં કેટલાક વપરાશકર્તાઓ માટે શરૂ કરવામાં આવ્યું હતું અને પછી તબક્કાવાર વ્યાપકપણે લાગુ કરવામાં આવ્યું હતું.
ગૂગલના મતે, આ પાછળનો હેતુ કૉલિંગ ઍપનો ઉપયોગ સરળ બનાવવાનો છે.
ગૂગલે 'રિસેન્ટ' (તાજેતરના કૉલ્સ) અને 'ફેવરિટ' વિકલ્પોને દૂર કરીને 'હોમ'માં મર્જ કર્યા છે. તેથી હવે જ્યારે તમે ફોન ઍપ ખોલશો, ત્યારે તમને ફક્ત 'હોમ' અને 'કીપેડ' વિકલ્પો દેખાશે.
કંપનીના મતે, હવે એક જ નંબર પરથી આવતા બધા કૉલ એકસાથે અથવા એક જ જગ્યાએ દેખાશે નહીં, પરંતુ સમય અનુસાર કૉલ હિસ્ટ્રીમાં દેખાશે. આનાથી તમારે વારંવાર સંપર્ક શોધવાની જરૂર રહેશે નહીં.
ગૂગલ કહે છે કે આનાથી યુઝર્સને તેમની કૉલ હિસ્ટ્રીને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે. કંપની એમ પણ કહે છે કે હવે કેટલા મિસ્ડ કૉલ છે અથવા કેટલા રિસીવ થયા છે તે તપાસવા માટે દરેક નંબરને અલગથી ખોલવાની જરૂર રહેશે નહીં.
આ સાથે, યુઝર્સ તરફથી મળેલા પ્રતિસાદ પછી 'ઇનકમિંગ કૉલ' અને 'ઇન-કૉલ' ની ડિઝાઇન પણ બદલવામાં આવી છે. નવી ડિઝાઇન મુજબ, ઇનકમિંગ કૉલની ડિઝાઇન પણ બદલવામાં આવી છે. જેથી યુઝર્સ ખિસ્સામાંથી ફોન કાઢતી વખતે ભૂલથી કૉલ રિસીવ કે ડિસ્કનેક્ટ ન થાય.
પહેલાં આપણો ઍન્ડ્રોઇડ ફોન 'મટિરિયલ 3D' ના નામની ડિઝાઇન પર ચાલતો હતો. ગૂગલ પ્રમાણે તેના નિયમિત ઉપયોગની અબજો લોકોને ટેવ પડી ગઈ હતી.
ગૂગલે જણાવ્યું છે કે નવી ડિસપ્લે સેટિંગ્સમાં ઘણી ચીજો બદલવામાં આવી રહી છે. જેમ કે નોટિફિકેશન, કલર થીમ, ફોટો, જીમેઇલ અને વૉચ વગેરે. આ અપડેટ પણ તેનો જ ભાગ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












