વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને સ્વસ્થ રહે તે માટે શરૂ કરવામાં આવેલો 'સારથિ પ્રોજેક્ટ' શું છે?

સારથિ પ્રોજેક્ટ, અમદાવાદ શાળાઓ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાળામાં તણાવગ્રસ્ત બાળકોની પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

શાળાના વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને ભણે, જંકફૂડને બદલે પોષણયુક્ત આહાર લેતા થાય, મોબાઇલની લતમાંથી છૂટે અને ડ્રગ્સ જેવા વ્યસનો બાબતે જાગૃત થાય તે માટે અમદાવાદમાં એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું નામ છે 'સારથિ પ્રોજેક્ટ'. આ પ્રોજેક્ટનું સંચાલન કરે છે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી પોતે.

હાલ આ સારથિ પ્રોજેક્ટ શહેરની 300 જેટલી શાળામાં ચાલી રહ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને આશા છે કે આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ શહેરની 1,800 જેટલી શાળામાં શરૂ થઈ જશે.

સાઇકૉલૉજીસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ કે ડ્રગ્સ જેવા વિષયો પર કામ કરી રહેલા નિષ્ણાતો દ્વારા શિક્ષકોને આ મામલે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. જે શાળામાં આ પ્રોજેક્ટ હાલ ચાલે છે તે શાળાના કુલ બે શિક્ષકોને હાલ તાલીમ આપવામાં આવી રહી છે.

તાલીમબદ્ધ શિક્ષકો બાળકો સાથે વાતચીત કરે છે અને તેમની સમસ્યા જાણે છે અને હલ કરવાનો પ્રયાસ કરે છે.

કેટલીક વખત બાળકો વિષય નિષ્ણાતો સાથે પોતે પણ વાત કરે છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે જેને કારણે બાળકો પોતાના મનની વાત મોકળાશથી કરી શકે છે. આ લોકોનો દાવો એ પણ છે કે બાળકો આ વાતચીત બાદ પોષણયુક્ત આહાર લેવા મામલે અને અન્ય બાબતોમાં હકારાત્મક અભિગમ ધરાવતા થયા છે.

વિદ્યાર્થીઓના કેવા પ્રશ્નો આવે છે?

શાળા વિદ્યાર્થીઓ સારથી પ્રોજેક્ટ, અમદાવાદ ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PROJECT SARATHI/FB

ઇમેજ કૅપ્શન, શાળાના વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓ ભણવા સાથેના પ્રશ્નો લઈને તો આવે જ છે, પરંતુ સાથે તેઓ પારિવારિક પ્રશ્નોના ઉકેલ માટે પણ આ શિક્ષકો કે નિષ્ણાતોની મદદ લે છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી શાળાઓમાં 'સંવેદના પેટી' મૂકવામાં આવી છે.

જેમાં બાળકો પોતાનાં નામ જણાવ્યાં વગર ચિઠ્ઠીમાં પોતાના મનની વાત કરી શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સારથિ પ્રોજેક્ટના સંચાલક ડી. એચ. અમીન બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "બાળકો ભણવાના તણાવ વિશે પણ વાત કરે છે. વાંચવાનું કેવી રીતે યાદ રાખવું તે વિશે પણ વાતચીત કરે છે. તથા માતાપિતાના અણબનાવ વિશે પણ વાત કરતા હોય છે."

"પરિવારની સમસ્યાને કારણે ઘણી વખત બાળક હતાશ થઈ જાય છે. અમે તેમને આ બધી સમસ્યા કહેવાની મોકળાશ આપીએ છીએ."

"ઘણી વખત કોઈ વિદ્યાર્થીના પજવણીની પણ ફરિયાદ થાય છે. જરૂર જણાય તો અમે જે તે વિદ્યાર્થીના વાલીને બોલાવીને સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ."

વાડજની નિર્માણ શાળાનાં આયાર્યા લીલાબહેન ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે મોબાઇલની લતની પણ ફરિયાદો વધી રહી છે.

લીલાબહેન ચૌધરી કહે છે, "વાલીઓ પણ અમને આ વિશે ફરિયાદ કરે છે. સોશિયલ મીડિયાની તેમના પર ઘણી અસર થાય છે. સરખામણી કરવાની વૃત્તિને કારણે બાળક ઘણી વખત હતાશ થઈ જાય છે. આ પ્રકારના કિસ્સામાં અમે કાઉન્સેલિંગ કરીએ છીએ."

તાલીમ પામેલા શિક્ષકો દર અઠવાડિયે પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે.

અમૃત જ્યોતિ શાળાનાં આચાર્યા ઉમાબહેન કરમચંદાની કહે છે, "અમારી શાળામાં બાળકોને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવામાં આવે છે. બાળકો હવે લંચબૉક્સમાં જંકફૂડ લાવતાં નથી."

આ શાળામાં ન્યુટ્રિશનિસ્ટ તરીકે ફરજ બજાવતાં ડૉ. ઋજુતા અવારનવાર બાળકો સાથે આ વિષય પર વાતચીત કરે છે. તેમનું પણ કહેવું છે કે બાળકો પોષણયુક્ત આહાર ન લે તો તણાવ અનુભવે છે.

ડૉ. ઋજુતા કહે છે, "અપૂરતો અને પોષણ વગરનો ખોરાક બાળકના શારીરિક અને માનસિક વિકાસને અવરોધવાનું કામ કરે છે."

સારથિ પ્રોજેક્ટમાં બાળકોનું કઈ બાબતે ધ્યાન રાખવામાં આવે છે?

શાળા વિદ્યાર્થીઓ સારથી પ્રોજેક્ટ, અમદાવાદ ગુજરાત બીબીસી ગુજરાતી

સારથિ પ્રોજેક્ટમાં બે એનજીઓ કામ કરે છે. આ બંને એનજીઓના કાર્યકર્તાઓ શિક્ષકોને તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડે છે.

નમસ્તે ફાઇન્ડેશનનાં ફાઉન્ડર ડૉ. મીના શાહ પોતે બાળરોગ નિષ્ણાત છે. તેઓ વિદ્યાર્થીઓ માટે વીડિયો તૈયાર કરવાનું કામ પણ કરે છે. સાથે તેઓ રમતો અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી તૈયારીઓ કરવામાં પણ મદદ કરે છે.

ડૉ. મીના શાહ બીબીસી ગુજરાતી સાથે આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં કહે છે, "વિદ્યાર્થીનો ધ્યાન કેન્દ્રીત કરવાનો સમય ઘટી રહ્યો છે. અમે ધ્યાન કેવી રીતે કેન્દ્રીત કરી શકાય તે વિશે વિવિધ પ્રવૃત્તિઓ મારફતે તેમને શીખવીએ છીએ."

"હવે સમય બદલાયો છે. માતાપિતા બાળકોથી ડરે છે. તેથી તેઓ તેમને કંઈ કહી શકતા નથી. આ પ્રકારની સમસ્યાનો હલ પણ અમારી પાસે છે."

ડૉ. મીના શાહ વધુમાં જણાવે છે કે તેઓ તણાવ ઘટાડવા મામલે 70 જેટલા વીડિયો તૈયાર કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.

વધુમાં ડૉ. મીના શાહ જણાવે છે, "આ પ્રોજેક્ટ હાલ 9થી 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે છે. આ ઉંમરમાં તેમને તણાવ ઉપરાંત રિલેશનશીપની સમસ્યા પણ હોય છે."

"તેઓ કોઈ ડ્રગ્સ લેવા જેવી પ્રવૃત્તિમાં ન જોતરાઈ જાય, તે વિશે પણ અમે તેમને સજાગ કરીએ છીએ."

સારથિ પ્રોજેક્ટ શું છે?

ડૉ. મીના શાહ વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં સારથી પ્રોજેક્ટ, અમદાવાદ ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, DR.MEENA SHAH

ઇમેજ કૅપ્શન, ડૉ. મીના શાહ વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં નજરે પડે છે.

આમ તો વિદ્યાર્થીઓ વ્યસનથી દૂર રહે તે માટે જ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2023માં 100 જેટલી શાળામાં આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. 2024માં તે વધીને 200 જેટલી શાળામાં શરૂ થયો, વર્ષ 2025માં 300 શાળા સુધી વિસ્તર્યો છે.

આ પ્રોજેક્ટમાં મોબાઇલનું વળગણ, ડ્રગ્સ વિશે જાગૃતિ, શારીરિક કે માનસિક સતામણી, તણાવ, પોષણયુક્ત આહાર- આ પાંચ મુદ્દાને મુખ્યત્વે આવરી લેવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી જણાવે છે, "કેટલીક વખત વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવે છે. તેમને પણ તણાવ હોય છે. તેઓ કોઈને કહી શકતા નથી અને પછી ખોટું પગલું ભરે છે. તેથી અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો."

તેમના જણાવ્યા પ્રમાણે બાદમાં અન્ય વિષયો પણ આ પ્રોજેક્ટ સાથે જોડાતા ગયા.

પ્રોજેક્ટના સંચાલક ડી. એચ. અમીને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ પ્રોજેક્ટમાં ખાનગી અને સરકારી શાળાઓને આવરી લેવાઈ છે. અમે તેમના માટે એક વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું છે."

"આ ગ્રૂપમાં ખાસ વિષયોના નિષ્ણાતો હોય છે. દરેક શાળાનું ગ્રૂપ અલગ હોય છે. તેની સાથે ક્યૂઆર કોડ હોય છે. જેના મારફતે કોઈ પણ વિદ્યાર્થી તેને સ્કૅન કરીને ગ્રૂપમાં જોડાઈ શકે છે."

"અહીં તેમને નિષ્ણાતો દ્વારા યોગ્ય સલાહ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જરૂર જણાય તો નિષ્ણાત ફોન પર પણ વાતચીત કરે છે અને કાઉન્સેલિંગ પણ કરે છે."

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન