ગુજરાતના 15 હજારથી વધુ ખેડૂતોએ પાક વીમાનું વળતર મેળવવા માટે સાત વર્ષ સંઘર્ષ કેમ કરવો પડ્યો?
- ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના 15 હજારથી વધારે ખેડૂતોને 2017માં થયેલા નુકસાન બદલ વળતર ચૂકવવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે.
- હાઇકોર્ટે એસબીઆઈ જનરલ ઇન્સ્યૉરન્સ વીમા કંપનીને 7.48 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
- 2017માં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.
- અનેક રજૂઆતો કર્યા છતાં ખેડૂતોને વીમા કંપનીએ વળતર ચૂકવ્યું ન હતું, ત્યાર બાદ ખેડૂતો ગુજરાત હાઇકોર્ટ ગયા હતા.
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત હાઇકોર્ટે 15,047 ખેડૂતોને પાક વીમાનું વળતર ચૂકવવા માટે એસબીઆઈ જનરલ ઇન્સ્યૉરન્સ કંપનીને આદેશ કર્યો છે.
આ ખેડૂતો છેલ્લાં સાત વર્ષથી વળતર મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં લડી રહ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટે એસબીઆઈ જનરલ ઇન્સ્યૉરન્સ વીમા કંપનીને 15,047 ખેડૂતોને 7.48 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.
વર્ષ 2017માં વધારે વરસાદ પડવાને કારણે અતિવૃષ્ટિથી ખેડૂતોના ખરીફ પાકને ખૂબ જ નુકસાન થયું હતું. કેટલાક ખેડૂતોનો તો સંપૂર્ણ પાક પણ નષ્ટ થઈ ગયો હતો.
પાક ધિરાણ મેળવનાર ખેડૂતો માટે વીમા લેવો ફરજિયાત કરવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2020માં સરકારે ફરજિયાત વિમો લેવાનો નિયમ કાઢી નાખ્યો હતો.
ખેડૂતોએ પાકને થયેલા નુકસાન માટે વીમા કંપની પાસે વળતર મેળવવા માટે અરજી કરી હતી. જોકે ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં વીમા કંપનીએ વળતર ન ચૂકવતા ખેડૂતોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
એસબીઆઈ જનરલ ઇન્સ્યૉરન્સ વીમા કંપનીના વીમા લેનાર સુરેન્દ્રનગર, પાટણ, મોરબી, આણંદ, બનાસકાંઠાના ખેડૂતો વળતર મેળવવા માટે કોર્ટમાં ગયા હતા.
જોકે ગુજરાતના લાખો ખેડૂતોએ અલગ-અલગ વીમા કંપની પાસેથી પાક વીમો લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમગ્ર મામલે કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત રાજ્યમાં વર્ષ 2017માં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા. સરકારે ખુદ અતિવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને રાહતનિધિ ફંડમાંથી વચગાળાની રાહત પણ ચૂકવી હતી.
તેમ છતાં વીમા કંપનીઓ ખેડૂતોને તેમના પાક વીમાનું વળતર ચૂકવી રહી ન હતી. આ માટે ખેડૂતોએ વ્યક્તિગત અરજીઓ પણ કરી હતી. પરંતુ વીમા કંપનીએ તેમને સહાય ચૂકવી ન હતી.
વર્ષ 2018માં સુરેન્દ્રનગર જિલ્લાના 10 ખેડૂતોએ પાક વીમાનું વળતર મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ ઍપ્લિકેશન દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.
ત્યાર બાદ અન્ય ખેડૂતોએ અલગ-અલગ અરજીઓ કરી હતી. કુલ 15,047 ખેડૂતોએ એસબીઆઈ જનરલ ઇન્સ્યૉરન્સ સામે પાક વીમાનું વળતર મેળવવા માટે અરજી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે આ બધી જ અરજીઓને સાથે સાંભળીને ઑર્ડર કર્યો છે.
ગુજરાત હાઇકોર્ટે આપેલા ઑર્ડરમાં અનુસાર 7 ઑક્ટોબર 2020 ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે રાજ્યભરના ખેડૂતોના વીમા દાવાની ચુકવણીમાં ભારે વિલંબ થયો છે, જેના કારણે ગુજરાત રાજ્યએ તમામ ખેડૂતોના દાવાઓની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલાની તપાસ કર્યા પછી સમિતિએ 11 જુલાઈ 2023 ના રોજ એક આદેશ પસાર કર્યો હતો જેમાં SBI ઇન્સ્યૉરન્સ 15,047 ખેડૂતોને વીમા દાવા તરીકે 7.48 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે SBI વીમાએ ઉઠાવેલા વાંધાઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને SBIને 15,047 ખેડૂતોને ત્રણ અઠવાડિયાંના સમયગાળામાં 7.48 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે અને SBI ને છેલ્લાં બે વર્ષથી વિલંબિત ચુકવણી માટે આઠ ટકા વ્યાજ ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
હાલમાં જ આઠ ઑગસ્ટના રોજ ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી.એન રેએ સુનાવણી હાથ ધરીને ચુકાદો આપ્યો હતો.
કોર્ટે ઑર્ડરમાં નોંધ્યું છે કે જુલાઈ 2017માં ગુજરાતમાં અનકંટ્રોલ્ડ વરસાદ થયો હતો. જેમાં ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો હતો. આ ખેડૂતો પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના અંર્તગત રજિસ્ટર્ડ હતા અને તેઓ વળતર મેળવવા માટે હકદાર હતા. પરંતુ તેમને વળતર ચૂકવવામાં આવ્યું નથી. માત્ર પિટિશન કરનાર જ નહીં પણ અન્ય પણ ગરીબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે કે નહીં તે અંગે સરકાર અને કૃષી વિભાગને ખાતરી કરવા માટેની વાત કરી છે.
કોર્ટે કૃષી અને સહકાર વિભાગના સચિવને ત્રણ મહિનાનો સમય આપ્યો છે કે જે ખેડૂતો હકદાર હોય અને વળતર ચૂકવવામાં ન આવ્યું હોય તેની ખાતરી કરે. કોર્ટે વ્યક્તિગત દાવાઓની યોગ્યતાના આધારે તપાસ કરી નથી.
ખેડૂતોએ શું કહ્યું?

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત વિનોદ ચાવડા કોર્ટમાં અરજી કરનાર ખેડૂતોમાં એક અરજદાર હતા.
વિનોદ ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "વર્ષ 2017માં અતિવૃષ્ટિ થઈ હતી. ખેડૂતાના પાકને ખૂબ જ નુકસાન થયું હતું. સરકારે ખુદ અતિવૃષ્ટિ જાહેર કરીને રાહતફંડમાંથી સહાય ચૂકવી હતી."
વિનોદ ચાવડા વધુમાં જણાવે છે કે, "પાક વીમાની ઇન્સ્યૉરન્સ કંપનીઓ પણ સરકારે જ નીમી હતી. તેમજ ધિરાણ લેનાર દરેક ખેડૂત પાસે પાક વીમાના ફરજિયાત પ્રિમિયમ ભરાવ્યું હતું. પ્રિમિયમ ભરનાર ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હતો. તેમ છતાં વીમા કંપની ખેડૂતોને વળતર ચૂકવતી ન હતી."
"ખેડૂતોએ જે કંપની પાસેથી વિમો લીધો હતો તે વીમા કંપની ખેડૂતોએ નહીં પરંતુ સરકારે જ નક્કી કરી હતી. આ કિસ્સામાં સરકારે જ વીમા કંપની ખેડૂતોને વળતર ચૂકવે તે ખાતરી કરવી જોઈએ. જોકે સરકારે આ કિસ્સામાં ખેડૂતોને પડખે ઊભા રહેવાની જગ્યાએ વીમા કંપનીને પડખે ઊભી રહી હોય તેવું લાગી રહ્યું છે."
વિનોદ ચાવડાએ વધુમાં જણાવ્યું કે, "અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું હતું તે અંગે સર્વે કરાવ્યો હતો. હાઇકોર્ટમાં અરજી કરનાર 15 હજાર ખેડૂતોમાંથી કેટલાક ખેડૂતો એવા પણ હતા કે જેમનાં નામ સર્વેના લિસ્ટમાં નથી. આ ખેડૂતોને પણ ઝડપથી સહાય મળવી જોઈએ. અમે વર્ષ 2017થી વળતર માટે લડી રહ્યા છીએ. 2017માં અમે સરકાર અને વીમા કંપની પાસે અમારા હકનું વળતર મેળવવા માટે અમે ધક્કા ખાધા હતા. પરંતુ અમને વળતર ન ચૂકવતા અંતે વર્ષ 2018માં ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા."
ખેડૂત જગદીશ પઢીયારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "વર્ષ 2017માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું તે ખુદ સરકારે પણ સ્વીકાર્યું હતું અને ખેડૂતોને તેમને થયેલા નુકસાન બદલ વચગાળાનું વળતર ચૂકવ્યું હતું. સરકારે નિમેલી કંપનીને ખેડૂતોએ સંપૂર્ણ પ્રિમિયમની રકમ ચૂકવી હતી."
"જેમની પાસે એક હેક્ટરથી લઈને પાંચ હેક્ટર જમીન હોય તેવા ખેડૂતો પિટિશનમાં જોડાયા હતા. કોર્ટે અગાઉ પણ ચુકાદો આપ્યો હતો. તેમ છતાં વીમા કંપનીએ વળતર ચૂકવ્યું ન હતું. ખેડૂતોને ઝડપથી વળતર મળવું જોઈએ."
સુરેન્દ્રનગરના ખેડૂત રતનસિંહ ડોડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "સરકારે કરેલા સર્વેમાં જે ખેડૂતોને નુકસાન થયું હોવાનો ઉલ્લેખ હતો તે ખેડૂતોને પણ વીમા કંપની દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું ન હતું."
"માત્ર એક જ વીમા કંપની નહીં પરંતુ દરેક વીમા કંપની ખેડૂતોને તેમના જ વળતરના પૈસા આપવામાં હેરાન કરી રહી છે."

ખેડૂત નેતા સાગર રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં મહત્ત્વની વાત એ છે કે જે ખેડૂતોએ વળતર મેળવવા કોર્ટમાં અરજી કરી ન હતી આ ખેડૂતો પણ વીમા કંપની પાસે અરજી કરીને નુકસાનનું વળતર મેળવી શકશે."
સાગર રબારીએ વધુમાં જણાવ્યું કે, "ક્લાઇમેટ ચેન્જને કારણે ખેડૂતોને ખેતીમાં થતા નુકસાન માટે પાક વીમા યોજના આવશ્યક છે. સરકારે વર્ષ 2016-17માં પાક વીમા યોજનાને ખેડૂતો માટે ફરજિયાત બનાવી હતી. વીમા કંપનીઓએ ખેડૂતોને વળતર ચૂકવેલું નથી."
તેમણે દાવો કર્યો કે સરકાર ખેડૂતોની પડખે રહેવાને બદલે વીમા કંપનીને બચાવી રહી છે.
સાગર રબારી કહે છે કે, "હાલનો ચુકાદો એસબીઆઈ ઇન્સ્યૉરન્સ અંગેનો છે પરંતુ એસબીઆઈ જનરલ ઇન્સ્યૉરન્સ સિવાયની પણ અન્ય વીમા કંપનીઓ છે જેમની પાસેથી રાજયના અલગ અલગ જિલ્લાના ખેડૂતોએ વીમો લીધો હતો, તેવા હજારો ખેડૂતોને હજુ પણ વીમા કંપનીએ વળતર ચૂકવ્યું નથી. જોકે આ ચુકાદાથી ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે."
ખેડૂતો માટે પાક વીમો આવશ્યક છે તે અંગે વાત કરતાં સાગર રબારી જણાવે છે કે, "ક્લાઇમેટ ચેન્જને કારણે ઊપજેલી અનિયમિતતાને કારણે ખેડૂતોને પાકમાં થતા નુકસાન માટે વીમો આવશ્યક રહેશે. સરકારે વર્ષ 2016માં આ યોજના શરૂ કરી હતી."
"વર્ષ 2020માં આ યોજના બંધ કરી દીધી છે. સરકારની જવાબદારી છે કે તેઓ ખેડૂતોને પડખે ઊભી રહે અને વીમા કંપીનીઓ પાસે ખેડૂતોને યોગ્ય વળતર અપાવે."
ગુજરાતના ખેડૂતોના વકીલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, SUBODH KUMUD
આ ખેડૂતોમાં 1300 કરતાં વધારે ખેડૂતોના સુબોધ કુમુદ વકીલ હતા.
સુબોધ કુમુદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "જે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી તે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તે માટે રાજ્ય સરકારે વિચાર કરવો જોઈએ. આ ચુકાદાએ રસ્તો ઉઘાડો કરી દીધો છે. "
"એક ગામમાં એક વ્યક્તિને વળતર મળશે અને અન્ય વ્યક્તિને વળતર નહીં મળે તેવા પણ કિસ્સા સામે આવશે. રાજય સરકારે ફરીથી લિસ્ટ તૈયાર કરવું જોઈએ. જેટલા પણ ખેડૂતોની રજૂઆત છે તે સાંભળવી જોઈએ અને ખેડૂતોને વળતર ચૂકવવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ."
સુબોધ કુમુદે વધુમાં જણાવ્યું હતું કે "આ મામલે હજારો ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે બધી અરજીઓને ભેગી સાંભળી હતી."
કિસાન મોરચાના પ્રમુખે શું કહ્યું?
ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ખેડૂતોને વાવેતરથી લઈને પાકની લણણી સુધી કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેનું વળતર મળી રહે તે માટે વડા પ્રધાને વર્ષ 2016માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી હતી."
"ગુજરાતમાં વર્ષ 2017માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. જે અંગે ખેડૂતોએ વળતર મેળવવા માટે વીમા કંપની પાસે માંગણી કરી હતી. વીમા કંપની સમયસર સર્વે કરાવતી ન હતી."
"આ અંગે ખેડૂતોએ સરકારને રજૂઆત કરી હતી. સરકારે તાત્કાલિક કમિટીની રચના કરીને કમિટી પાસે અહેવાલ માંગ્યો હતો. વળતર મેળવવા માટે કેટલાક ખેડૂતો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા."
"સરકાર ખેડૂતો માટે હકારાત્મક છે. અન્ય જિલ્લાના જે ખેડૂતોને હજુ સુધી વળતર મળ્યું નથી અને તેમની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે પણ જરૂર પડે સરકાર તેમની પડખે જ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












