ગુજરાત પાસેની સિસ્ટમ આગળ વધશે તો કયા કયા જિલ્લામાં વરસાદ લાવશે, આગાહી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા અમુક દિવસથી વરસાદનું જોર થોડું ઘટ્યું છે. છતાં છૂટાંછવાયાં સ્થળો કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો છે.
મોટાં ભાગનાં સ્થળોએ ધીમી ધારે પડેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે.
હવે ચોમાસું ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધતું જઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી વરસાદની આગાહી કરી છે.
નોંધનીય છે કે શુક્રવારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ જોવા મળ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ અતિ ભારે વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ અને તાપી જિલ્લામાં કેટલાંક સ્થળે ભારે વરસાદ પડ્યો હતો.
ગુજરાતના આ વિસ્તારો ઉપર સાયક્લૉનિક સર્ક્યુલેશન

ઇમેજ સ્રોત, IMD
શુક્રવારે બપોરના અઢી વાગ્યાની સ્થિતિ પ્રમાણે ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર લૉ-પ્રેશર એરિયા જોવા મળ્યો હતો.
દરિયાની સપાટીથી 7.6 કિમી ઉપર આની સાથે સંકળાયેલ સાયક્લૉનિક સર્ક્યુલેશન જોવા મળ્યું હતું. જે 7 સપ્ટેમ્બરની સવાર સુધી ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી આગળ વધી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તરપૂર્વ અરબ સાગરથી બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમ સુધી ટ્રફ જોવા મળી રહ્યું છે. આ સિવાય સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સાયક્લૉનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં કેટલાંક સ્થળોએ શનિવારે અસાધારણ રીતે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ સિવાય આ દિવસે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ તમામ જિલ્લામાં હવામાન વિભાગે શનિવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
આ સિવાય પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર અને સૌરાષ્ટ્રના રાજકોટ,મોરબી અને બોટાદ ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે આ જિલ્લાઓમાં શનિવાર માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
આ સિવાય હવામાન વિભાગે શનિવારના રોજ અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છનાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે અને સાથે જ યલો ઍલર્ટ પણ જાહેર કર્યું છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના વેધર બુલેટિન પ્રમાણે રવિવારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેને પગલે વિભાગે આ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
ઉપરાંત રવિવાર માટે પાટણ, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર અને મોરબી ખાતે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને બોટાદના છૂટાંછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેને પગલે આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












