ચંદ્રગ્રહણ 2025 : બ્લડમૂન ભારતમાં દેખાતા નજરો આકાશમાં મંડાઈ, ક્યાં ક્યાં દેખાયું?

બ્લડ મૂન, ચંદ્રગ્રહણ, ગુજરાત, બીબીસી ગુજરાતી, ખગોળીય ઘટનાઓ, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images

ખગોળવિદો અને અવકાશરસિકો માટે રવિવારે અગત્યનો દિવસ હતો. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ વધુમાં સંપૂર્ણ 'બ્લડ મૂન' બન્યો હતો, એટલે કે ચંદ્ર લાલ રંગનો અને સામાન્ય કરતાં વધુ મોટો દેખાયો હતો.

આફ્રિકાના પૂર્વ પટ્ટામાં, યુરોપ, પશ્ચિમી ઑસ્ટ્રેલિયા અને ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં ચંદ્રગ્રહણની સંપૂર્ણ ઘટના શરૂઆતથી અંત સુધી લોકોએ નિહાળી હતી.

ભારતમાં ક્યારે અને કયાં શહેરોમાં આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું?

ભારતનાં કયાં રાજ્યોમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું?

બ્લડ મૂન, ચંદ્રગ્રહણ, ગુજરાત, બીબીસી ગુજરાતી, ખગોળીય ઘટનાઓ, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારનું ચંદ્રગ્રહણ છેલ્લાં કેટલાંક ગ્રહણોમાંથી સૌથી વ્યાપક દેખાનાર ચંદ્રગ્રહણ હતું.

રવિવારે રાતે 9:57 વાગ્યાથી પૃથ્વીની છાયાએ ચંદ્રની સપાટીને ઢાંકવાનું શરૂ કર્યું હતું. ધીમેધીમે પૃથ્વીની છાયાએ આખા ચંદ્રને ઢાંકી દીધો હતો અને આકાશમાં બ્લડમૂનનો નજારો જોવા મળ્યો હતો.

વિશ્વના ચાર ખંડ, ભારતમાં ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીનાં મોટાં ભાગનાં શહેરોમાં આ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

ઉત્તર ભારતનાં દિલ્હી, ચંદીગઢ, જયપુર અને લખનઉ તથા પશ્ચિમ ભારતનાં મુંબઈ, અમદાવાદ, પુણે સહિતનાં શહેરોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું

દક્ષિણ ભારતનાં ચેન્નાઈ, બૅંગલુરુ, હૈદરાબાદ અને કોચીમાં પણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

પૂર્વ ભારતના કોલકાતા, ભુવનેશ્વર, ગુવાહાટી તથા મધ્ય ભારતના ભોપાલ, નાગપુર અને રાયપુર સહિતનાં શહેરોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

આ મોટાં શહેરો સિવાય પણ અનેક વિસ્તારોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ લોકોએ નિહાળ્યું હતું.

રવિવારે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

ડૉ. સુવેન્દુ પટનાયકના કહેવા પ્રમાણે, "આગામી ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026ના રોજ દેખાશે. આજનું ચંદ્રગ્રહણ ખાસ્સા સમય સુધી રહેશે. જો તમારા વિસ્તારમાં વાદળ નહીં હોય તો સમગ્ર ભારતમાં કોઈ પણ જાતના ઉપકરણ વગર જોઈ શકાશે."

નહેરુ તારામંડળ ખાતે વરિષ્ઠ એંજિનિયર ઓપી ગુપ્તાએ કહ્યું હતું કે, "ચંદ્રગ્રહણ દરમિયાન ભયભીત થવાની જરૂર નથી.''

તેમણે કહ્યું, "ખાવા-પીવા વિશે અનેક પ્રકારની ભ્રાંતિઓ હોય છે, પરંતુ વાસ્તવમાં ગ્રહણ દરમિયાન ભોજન ખાઈ શકાય છે."

ભારતમાં ચંદ્રગ્રહણનો સમય:

  • ચંદ્રગ્રહણની શરૂઆત : રાત્રે 8 કલાક અને 58 મિનિટથી (ભારતીય સમય અનુસાર), 7 સપ્ટેમ્બર
  • સંપૂર્ણ ચંદ્રગ્રહણ (બ્લડ મૂન ફેઝ) : રાત્રે 11 કલાક થી 12 કલાક અને 22 મિનિટ સુધી
  • ચંદ્રગ્રહણનો અંત: સવારે 2 કલાક અને 25 મિનિટ, સપ્ટેમ્બર 8

ચંદ્રગ્રહણ એટલે શું?

આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે.

તે તેની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.

તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.

ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.

ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.

બ્લડ મૂન શું છે અને તે ક્યારે દેખાય?

બ્લડ મૂન, ચંદ્રગ્રહણ, ગુજરાત, બીબીસી ગુજરાતી, ખગોળીય ઘટનાઓ, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images

બ્લડ મૂન એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાય અને સામાન્ય કરતાં બહુ મોટો દેખાય.

સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે બ્લડ મૂન દેખાતો હોય છે. એ વખતે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે અને તેના પર અનોખા કોણથી પડતાં પ્રકાશને લીધે એ લાલ રંગનો દેખાવા લાગે છે.

આવું ત્યારે ઘટતું હોય છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની એકદમ વચ્ચોવચ આવી જાય છે અને તેનો સંપૂર્ણ પડછાયો ચંદ્ર પર પડે છે.

જોકે, બ્લડ મૂન એ વૈજ્ઞાનિક નામ નથી, પણ ચંદ્ર લાલ દેખાતો હોવાથી એને આવું હુલામણું નામ અપાયું છે.

ચંદ્રગ્રહણ જોતી વખતે શું ધ્યાન રાખવું?

જો તમારી પાસે બાઇનોક્યુલર કે ટેલિસ્કૉપ હોય તો તેનો ઉપયોગ કરવો.

સૂર્યગ્રહણને નરી આંખે જોવું એ હાનિકારક ગણાય છે, પરંતુ ચંદ્રગ્રહણને નરી આંખે જોવાથી તમારી આંખને નુકસાન થતું નથી, કારણ કે ચંદ્રનો પ્રકાશ એટલો તીવ્ર હોતો નથી.

વાદળોને કારણે વિઝિબિલિટીને અસર પહોંચી શકે છે. આથી, હવામાન કેવું છે તેનો અંદાજ મેળવી લેવો.

ગ્રહણ અંગેની ગેરમાન્યતાઓ

બ્લડ મૂન, ચંદ્રગ્રહણ, ગુજરાત, બીબીસી ગુજરાતી, ખગોળીય ઘટનાઓ, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા-ગેરમાન્યતા વણાયેલી છે.

ગ્રહણ અંગે ઘણા લોકોના મનમાં અનેક ગેરમાન્યતા પ્રવર્તે છે. જેમ કે, ગ્રહણની અસરથી ગર્ભવતી મહિલાને શારીરિક ખોડખાપણવાળું બાળક જન્મી શકે છે. ઉપરાંત ગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાથી મહિલાઓને ગર્ભપાત થઈ શકે એવી ગંભીર પ્રકારની માન્યતા પણ લોકોમાં જોવા મળે છે.

ખોરાક અને તેની કેટલીક સામગ્રીને ગ્રહણ દરમિયાન ઢાંકી દેવામાં આવે છે.

વળી, ગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાનું નહીં અને ઉપવાસ કરવાની માન્યતા પણ પ્રવર્તે છે.

આ સમય દરમિયાન પૂજાપાઠ પણ કરવામાં આવે છે, કેમ કે માન્યતા અનુસાર આ સમયને ધાર્મિક ગણવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન