ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય ત્યારે દુનિયામાં શું-શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ દરેક 29 દિવસ પછી પૂર્ણિમા આવતી હોય છે, જ્યારે સૂર્ય પૃથ્વીની પાછળથી ચંદ્ર પર ચમકે છે. તેના સંપૂર્ણ ચહેરાને પ્રકાશિત કરે છે.
શુક્રવારનો પૂર્ણ ચંદ્ર ચાર “સુપર મૂન” શ્રેણીનો છેલ્લો હતો. સુપર મૂન વખતે ચંદ્ર સામાન્ય કરતાં 14 ટકા મોટો અને 30 ટકા વધુ તેજસ્વી દેખાય છે.
આ કથિત સુપર મૂનની ઘટના વર્ષમાં ત્રણ કે ચાર વખત આકાર પામે છે અને તે સતત દેખાય છે.
વિશ્વભરની સંસ્કૃતિઓ તથા પરંપરાઓને આકાર આપવામાં પૂર્ણ ચંદ્રે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ અવકાશી ઘટના સાથે જોડાયેલી કેટલાક પૌરાણિક કથાઓ, પ્રવૃત્તિઓ અને તેના અર્થો પર નજર કરીએ.
આપણે પૂર્વજો માટે પૂર્ણ ચંદ્ર કેવી રીતે મહત્ત્વનો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રના લયનો, દર મહિને તેની કળાના વિસ્તારના અને ક્ષીણ થવાના તબક્કા સાથે, સમયનો ટ્રેક રાખવા માટે આદિમ કાળથી ઉપયોગ થયો રહ્યો છે.
ઈશાંગો બોનની વાત કરીએ. તે આધુનિક ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં 1957માં મળી આવ્યું હતું.
તે બોન એટલે કે હાડકું, બબૂન પ્રજાતિના કદાવર વાંદરાના પગના નીચલા હિસ્સાનું હોવાનું અને 20,000 વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે. તે કદાચ કૅલેન્ડરનું પ્રારંભિક સ્વરૂપ હોવાનું પણ માનવામાં આવે છે.
બેલ્જિયન ભૂસ્તરશાસ્ત્રીઓએ શોધી કાઢેલું આ હાડકું અલગ-અલગ કોતરણી ધરાવે છે. તેમાં કેટલાંક વર્તુળ અથવા પાર્ટ-સર્કલ્સના આકારમાં છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્ ઍલેકઝાન્ડર માર્શકનું અનુમાન છે કે તે ચંદ્રના વિવિધ તબક્કાનું પ્રતિનિધિત્વ કરી શકે છે. તે સૂચવે છે કે આ અસ્થિનો ઉપયોગ છ મહિનાના ચંદ્ર કૅલેન્ડર તરીકે કરવામાં આવ્યો હોય તે શક્ય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્વેસ્ટ મૂન એ પૂર્ણ ચંદ્રને આપવામાં આવેલું નામ છે, જે પાનખરના વિષુવકાળ (ઇક્વિનૉક્સ)માં (સપ્ટેમ્બરના અંતમાં અથવા ઑક્ટોબરની શરૂઆતમાં) સૌથી નજીક આવે છે.
વર્ષના એ સમયગાળામાં સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્રનો ઉદય થાય છે. એ સમયમાં પોતાનો પાક લણતા ખેડૂતો ચંદ્રના પ્રકાશમાં મોડી સાંજ સુધી કામ કરી શકતા હતા. જોકે, આજકાલ મોટા ભાગના લોકો ઇલેક્ટ્રિક લૅમ્પનો ઉપયોગ કરે છે.
પૂર્ણ ચંદ્રના દિવસે ક્યા-ક્યા તહેવારો ઊજવવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચીનમાં હાર્વેસ્ટ મૂનના દિવસે ઝોંગકિવ જી નામનો મધ્ય-પાનખર ઉત્સવ (જેને મૂન ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે) હોય છે. એ દિવસે જાહેર રજા હોય છે. આ તહેવાર 3,000 વર્ષ જૂનો છે અને મબલક પાકની આશા સાથે તે યોજવામાં આવ્યો હતો.
એવી જ રીતે કોરિયામાં ચુસેઓકનો તહેવાર હાર્વેસ્ટ મૂન સાથે મેળ ખાતો ત્રણ દિવસનો ઉત્સવ છે. એ દિવસે પરિવારો લણણીની ઉજવણી કરવા અને પૂર્વજોનો આભાર માનવા એકઠા થાય છે.
હિંદુ સંસ્કૃતિમાં પૂર્ણિમાના દિવસે ઉપવાસ અને પ્રાર્થના કરવામાં આવે છે. હિંદુ કૅલેન્ડરના સૌથી પવિત્ર મહિનામાં કાર્તિકી પૂર્ણિમા આવે છે અને તે ત્રિપુરાસુર નામના રાક્ષસ પર ભગવાન શિવના વિજય તેમજ ભગવાન વિષ્ણુના મત્સ્ય તરીકેના પ્રથમ અવતારના ચિહ્નિત કરે છે.
ધાર્મિક વિધિઓમાં નદીઓમાં સ્નાન તથા માટીના દીવડા પ્રગટાવવાનો સમાવેશ થાય છે.
બૌદ્ધો માને છે કે ભગવાન બુદ્ધનો જન્મ 2,500 વર્ષ પહેલાં પૂર્ણ ચંદ્રમાં થયો હતો. તેઓ એવું પણ માને છે કે ભગવાન બુદ્ધે પૂર્ણ ચંદ્રના દિવસે જ બ્રહ્મજ્ઞાન પામ્યા હતા અને પૂર્ણિમાના દિવસે જ મૃત્યુ પામ્યા હતા. એ બુદ્ધ પૂર્ણિમા હોય છે, જે સામાન્ય રીતે એપ્રિલ અથવા મે મહિનામાં પૂર્ણ ચંદ્રના દિવસે હોય છે.
શ્રીલંકામાં દર મહિનાની પૂર્ણિમાએ જાહેર રજા હોય છે, જેને પોયા કહેવામાં આવે છે. એ દિવસે દારૂ અને માંસને વેચાણ પર પ્રતિબંધ હોય છે.
બાલીમાં પૂર્ણ ચંદ્રના દિવસે દેવી-દેવતાઓ પૃથ્વી પર આવતા હોવાનું અને લોકોને આશીર્વાદ આપતા હોવાનું માનવામાં આવે છે. એ પ્રાર્થનાનો, દેવી-દેવતાઓ માટે પ્રસાદ બનાવવાનો અને બગીચાઓમાં ફળોનાં વૃક્ષો વાવવાનો સમય હોય છે.
મુસ્લિમોને પૂર્ણ ચંદ્રના સમયની આસપાસના ત્રણ દિવસ ઉપવાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે વ્હાઇટ ડેઝ અથવા અલ-અયમ અલ-બિદ તરીકે ઓળખાય છે. પયગંબર મહમદ અંધારી રાતોમાં પ્રકાશ ફેલાવવા માટે અલ્લાહનો આભાર માનવા આ દિવસોમાં ઉપવાસ કરતા હોવાનું કહેવામાં આવે છે.
ખ્રિસ્તી ધર્મમાં વસંત વિષુવકાળ (ઇક્વિનૉક્સ) પછીની પહેલી પૂનમે ઇસ્ટરની ઉજવણી કરવામાં આવે છે.
મૅક્સિકો અને કેટલાક અન્ય લેટિન અમેરિકન દેશોમાં મૂળ અમેરિકન “મૂન ડાન્સ”નું પુનરોત્થાન કરવામાં આવ્યું છે. તેમાં પૂર્ણ ચંદ્ર પર ત્રણ દિવસ ચાલતા તહેવારમાં સ્ત્રીઓ સાથે મળીને પૂજા તેમજ નૃત્ય કરે છે.
પૂર્ણ ચંદ્રની આસપાસની માન્યતાઓ અને દંતકથાઓ
યુરોપમાં પ્રાચીન સમયથી માનવામાં આવે છે કે પૂર્ણ ચંદ્રમાં કેટલાક લોકોમાં ગાંડપણ આવી જાય છે. “લ્યુનસી” શબ્દ ચંદ્ર માટેના લેટિન શબ્દ લુના પરથી આવ્યો છે.
પૂર્ણ ચંદ્ર અનિયંત્રિત વર્તણૂકને ઉત્તેજિત કરે છે, તેવી કલ્પનાએ વેરવૂલ્વ્ઝની દંતકથાને જન્મ આપ્યો છે. તેમાં મનુષ્યો એ દિવસે અનૈચ્છિત રીકે વરુના સ્વરૂપમાં પરિવર્તિત થાય છે અને પૂર્ણ ચંદ્રની રાતે તેમના સમુદાયને આતંકિત કરે છે.
ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસે ઈસવી પૂર્વેની ચોથી સદીમાં સિથિયા (જે હવે રશિયામાં છે)ની ન્યૂરી નામની આદિજાતિ વિશે લખ્યું હતું અને દાવો કર્યો હતો કે ન્યૂરી જાતિના લોકો દર વર્ષે ઘણા દિવસો સુધી વરુઓમાં પરિવર્તિત થતા હતા.
યુરોપમાં પંદરમી અને સત્તરમી સદીની વચ્ચે અસંખ્ય લોકો સામે તેઓ વેરવુલ્વ્ઝ હોવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
જર્મનીમાં પીટર સ્ટબ (અથવા સ્ટમ્પ) નામના જમીનદારનો 1589ના કિસ્સો સૌથી વધુ કુખ્યાત છે. પીટરને વરુમાંથી મનુષ્યમાં રૂપાંતરિત થતા પોતે જોયા હોવાનો દાવો સ્થાનિક શિકારીઓએ કર્યો હતો.
પારાવાર ત્રાસ આપવામાં આવ્યા પછી પીટરે કબૂલાત કરી હતી કે લોકોનો શિકાર કરીને તેમનું માંસ ખાઈ શકાય એટલા માટે વેરવુલ્વમાં પરિવર્તિત થવા માટે તેઓ એક જાદુઈ પટ્ટાનો ઉપયોગ કરતા હતા.
પૂર્ણ ચંદ્રની દૈનિક જીવન પર કેવી અસર થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
અભ્યાસો સૂચવે છે કે પૂર્ણ ચંદ્ર દરમિયાન અથવા તેની આસપાસના દિવસોમાં લોકોને મોડી ઊંઘ આવે છે, ગાઢ નિંદ્રામાં ઓછો સમય વિતાવે છે, તેમને ઓછી ઊંઘ આવે છે અને તેમની સિસ્ટમમાં મેલાટોનિન નામના હોર્મોનનું સ્તર ઓછું હોય છે. મેલાટોનિન ઊંઘમાં મદદરૂપ થતું હોર્મોન છે.
અભ્યાસમાં સામેલ લોકોનું કહેવું છે કે તેઓ સજ્જડ રીતે બંધ, પૂર્ણ ચંદ્રનો પ્રકાશ પ્રવેશી ન શકે એવા ઓરડામાં સૂવા ગયા ત્યારે પણ તેમને ઓછી સંતોષકારક ઊંઘ આવી હતી.
બાલીના લોકોની માફક ઘણા માળીઓ પૂર્ણ ચંદ્રના સમયે બીજ અને અંકુરની રોપણી કરે છે. તેઓ માને છે કે આ દિવસોમાં માટીની ગુણવત્તા સુધરતી હોય છે.
પૂર્ણ ચંદ્ર હોય ત્યારે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને એક તરફ ખેંચે છે, જ્યારે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ બીજી તરફ ખેંચે છે. મોટી ભરતીનું કારણ બનવાની સાથે-સાથે તેના કારણે પૃથ્વીની સપાટી પરથી વધુ ભેજ ખેંચાતો હોવાનું પણ માનવામાં આવે છે.
બ્રિટનના બ્રેડફોર્ડમાં વર્ષ 2000માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણ મુજબ, પૂર્ણ ચંદ્ર દરમિયાન પ્રાણીઓ કરડવાની શક્યતા વધે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 1997 અને 1999 દરમિયાન પૂર્ણ ચંદ્રની આસપાસના દિવસોમાં પ્રાણીઓના કરડવાની ઈજા સાથે હૉસ્પિટલમાં આવેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.
જોકે, કોઈને વેરવુલ્વ્ઝ કરડ્યાની એકેય ઘટના નોંધાઈ ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












