આવતી કાલથી GSTના નવા ભાવ લાગુ થશે, કાર, વીમા પ્રીમિયમ સહિત શું શું સસ્તું થશે?

બીબીસી ગુજરાતી વીમો ઈન્શ્યોરન્સ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જીએસટી સેસ ટૅક્સ પ્રીમિયમ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જીએસટીના દરમાં ફેરફારની જાહેરાત કરી.

આ ફેરફારોમાં સૌથી મહત્ત્વપૂર્ણ જાહેરાત જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ખતમ કરવાને લગતી છે.

જીએસટી કાઉન્સિલની દરખાસ્ત પ્રમાણે હેલ્થ અને જીવન વીમાના પ્રીમિયમ પર જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે.

જીએસટી નાબૂદ થયા પછી યુલિપ (યુનિટ લિંક્ડ પ્લાન), પરિવાર માટેની સ્વાસ્થ્ય વીમા યોજના (ફૅમિલી ફ્લોટર પ્લાન) કે ટર્મ જીવન વીમા યોજનાના પ્રીમિયમ પર જીએસટી નહીં લાગે. આનાથી આ વીમા ખરીદવાનું સામાન્ય વ્યક્તિને સસ્તું પડશે. નોંધનીય છે કે પાછલા કેટલાક સમયમાં જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. જેના કારણે સામાન્ય લોકો માટે આ મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ ખરીદવાનું મોંઘું બનતું જઈ રહ્યું હતું.

આ ફેરફારથી જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમાની જૂની પૉલિસીના પ્રીમિયમ અને નવી પૉલિસીની ખરીદી વખતના પ્રીમિયમની રકમમાં ઘટાડો થશે.

આ ફેરફારથી સામાન્ય વીમાધારકોને બહુ મોટી રાહત થશે, જેઓ વીમાના ઊંચા પ્રીમિયમથી પરેશાન હતા.

જોકે, આ નવા દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવવાના છે તેથી ત્યાં સુધી જૂના દરે જ પ્રીમિયમ ભરવાનું રહેશે પછી ભલે એ જૂની પૉલિસીનું પ્રીમિયમ હોય કે નવી પૉલિસીની ખરીદી પરનું પ્રીમિયમ. આ ફેરફાર છતાં વીમાના પ્રીમિયમની રકમમાં ખરેખર કેટલી રાહત મળશે તે સવાલ છે.

તેનું કારણ છે વીમા કંપનીઓને જીએસટી પર મળતી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ. જ્યારે કોઈ વસ્તુને જીએસટીમાંથી દૂર કરવામાં આવે ત્યારે તેના પરની ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી) પણ દૂર થાય છે. જીએસટી શૂન્ય થવાથી વીમા કંપનીઓ હવે પોતાના ખર્ચ પર આઇટીસી ક્લેમ નહીં કરી શકે. જેના કારણે તેમણે પ્રીમિયમના દર થોડા વધારવા પડે તેવી શક્યતા છે.

બીબીસી ગુજરાતી વીમો ઈન્શ્યોરન્સ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જીએસટી સેસ ટૅક્સ પ્રીમિયમ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતીએ જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમાના ક્ષેત્રે જીએસટી શૂન્ય થયા બાદ શું ખરેખર તેનો લાભ સામાન્ય માણસ સુધી પ્રીમિયમની રકમમાં ઘટાડા સ્વરૂપે પહોંચશે કે કેમ એ અંગે કેટલાક નિષ્ણાતો પાસેથી અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

નોંધનીય છે કે જીએસટીના ક્ષેત્રમાં નવા ફેરફારો મુજબ હવેથી 12 ટકા અને 28 ટકાના દર ખતમ કરવામાં આવ્યા છે. તેથી હવે જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા સહિત જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ અને સેવાઓ પર શૂન્ય ટકા, પાંચ ટકા અને 18 ટકા - એમ ત્રણ જીએસટીના સ્લૅબ રહેશે.

જ્યારે સિગરેટ, કોલ્ડ ડ્રિંક્સ, મોટી કાર (1200 સીસીથી વધુ મોટું એન્જિન અને 4000 મીમી કરતાં વધુ લંબાઈ), પાન મસાલા, 350 સીસીથી મોટી મોટરસાઇકલ, પર્સનલ ઉપયોગ માટેની નૌકાઓ અને રેસિંગ કાર પર 40 ટકા જીએસટી લાગશે. આ બધી વસ્તુને સિન (Sin) અથવા સુપર લક્ઝરી આઇટમોમાં મૂકવામાં આવી છે.

જીએસટી નાબૂદ કરાયા છતાં વીમા પ્રીમિયમ વધશે?

બીબીસી ગુજરાતી વીમો ઈન્શ્યોરન્સ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જીએસટી સેસ ટૅક્સ પ્રીમિયમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીવન વીમા અને આરોગ્ય વીમાના પ્રીમિયમ પર અત્યાર સુધી 18 ટકા જીએસટી લાગતો હતો.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જીએસટી નિષ્ણાત કરીમ લાખાણીએ બીબીસી ગુજરાતીને આરોગ્ય અને જીવનવીમા સેક્ટરમાં જીએસટીમાં રાહતના પગલા અંગે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું કે, "આપણે ત્યાં વિકસિત દેશો જેવી સામાજિક સુરક્ષા નથી. તેથી જીવન વીમો અને આરોગ્ય વીમો સસ્તો કરવામાં આવે તે જરૂરી હતું. 2017માં વીમાને 18 ટકાના સ્લૅબમાં લાવ્યા ત્યારથી જ તેનો ભારે વિરોધ શરૂ થયો હતો."

તેઓ કહે છે કે, "ચાર વ્યક્તિનો પરિવાર હોય અને વાર્ષિક 50 હજાર રૂપિયાનું આરોગ્ય વીમાનું પ્રીમિયમ હોય તો તેના પર 9000 રૂપિયા તો જીએસટી લાગતો હતો. જેમાં હવે રાહત મળશે."

તેમણે કહ્યું કે, "વીમા સેક્ટરે હેલ્થ અને લાઇફ ઇન્સ્યૉરન્સ પર શૂન્ય ટકાના બદલે પાંચ ટકા જીએસટીની માંગણી કરી હતી, કારણ કે ડ્યૂટી સ્ટ્રક્ચર એ પ્રકારનું છે."

વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી નાબૂદ કરવાથી શું ગ્રાહકોને સંપૂર્ણ ફાયદો મળવા લાગશે?

આ સવાલના જવાબમાં કરીમ લાખાણી કહે છે કે, "વીમા કંપનીઓ કદાચ 18 ટકાનો પૂરેપૂરો લાભ ગ્રાહકોને નહીં આપે. કારણ કે વીમા કંપનીઓ કમિશન એજન્ટો અને ટીપીએની સર્વિસ લેતી હોય છે. ગ્રાહકો પાસેથી જીએસટી ઉઘરાવીને વીમા કંપનીઓ આવા ખર્ચ સામે ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી) ક્લેમ કરતી હોય છે. હવે જીએસટી દૂર થવાથી તેઓ આઇટીસી ક્લેમ નહીં કરી શકે. તેથી અમુક વીમા કંપનીઓ 18 ટકાનો પૂરેપૂરો લાભ આપવાના બદલે બે-ત્રણ ટકા ઓછો લાભ આપે તેવી શક્યતા છે. અથવા વીમાના પ્રીમિયમમાં બે-ત્રણ ટકાનો વધારો થઈ શકે છે."

વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઇરડા (ઇન્સ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી)ના ભૂતપૂર્વ સભ્ય નીલેશ સાઠેએ એનડીટીવી પ્રોફીટને આ મુદ્દે જણાવ્યું હતું કે વીમા પ્રીમિયમને જીએસટીથી મુક્ત કરવામાં આવશે તો વીમાના પ્રીમિયમ વધી શકે છે.

તેમણે કહ્યું હતું, "કારણ કે વીમા પ્રીમિયમ વસૂલવામાં જે ખર્ચ થાય તેના પર 18 ટકા ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મળતી હતી. એ હવે નહીં મળે. જેથી વીમા કંપનીઓ તેને સરભર કરવા પ્રીમિયમમાં લગભગ બે ટકા સુધી વધારો કરી શકે છે."

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઇસીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અશ્વિની ઘાઈએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ થાય તો ઇનપુટ ટૅક્સ ક્રેડિટને લઈને ગૂંચવણ પેદા થશે. હાલમાં ભાડા અને પ્રોફેશનલ ફી પર વીમા કંપનીઓ જે જીએસટી ચૂકવે છે, તેને ગ્રાહકો પાસેથી વસુલાતા જીએસટી સામે સરભર કરી શકે છે. આઇટીસી બંધ થવાથી આ ક્રેડિટ નહીં મળી શકે. તેથી વીમા કંપનીઓનો સંચાલકીય ખર્ચ વધશે અને તે ખર્ચ ગ્રાહકો પર નાખવામાં આવે તેવી શક્યતા છે."

સર્વિસ સેક્ટરને મોટી રાહત ન મળી

બીબીસી ગુજરાતી વીમો ઈન્શ્યોરન્સ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જીએસટી સેસ ટૅક્સ પ્રીમિયમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાણામંત્રી નિર્મલા સીતારમણ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણી કહે છે કે સર્વિસ સેક્ટરને પણ જીએસટીમાં રાહત મળે તેવી લાંબા સમયથી માંગણી હતી, પરંતુ તે પૂરી નથી થઈ.

"18 ટકાના દરે જીએસટી ચાલુ રહેશે જે હતોત્સાહિત કરનારો નિર્ણય છે. આ દર 12 ટકા કર્યો હોત તો સારું હતું."

તેઓ કહે છે કે "ઍડ્વોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ, ટ્યુશન ક્લાસિસ વગેરે પર 18 ટકા જીએસટી છે. આજે ટ્યુશન ક્લાસિસ વગર શિક્ષણ શક્ય ન હોય તેવી સ્થિતિ છે. તેથી ઍજ્યુકેશનને સસ્તું કરવા માટે તેના પર જીએસટી ઘટાડવાની જરૂર હતી."

પેટ્રોલ-ડીઝલ હજુ પણ જીએસટીમાંથી બાકાત

બીબીસી ગુજરાતી વીમો ઈન્શ્યોરન્સ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જીએસટી સેસ ટૅક્સ પ્રીમિયમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવાની ઘણા સમયથી ચર્ચા થાય છે, પરંતુ હજુ નિર્ણય નથી લેવાયો

પેટ્રોલ અને ડીઝલને હજુ પણ જીએસટીના દાયરામાં લાવવામાં નથી આવ્યાં. કરીમ લાખાણીના મતે ઍનર્જી કોસ્ટ ઘટાડવા અને ઉદ્યોગોને રાહત આપવા માટે બંને ઈંધણને જીએસટીમાં લાવવાની જરૂર હતી.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો મુદ્દો ઘણી વખત ચગ્યો છે. પરંતુ ફ્યૂઅલ પરના ટૅક્સમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકારને નોંધપાત્ર આવક થાય છે, જે કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી છે. તેના કારણે હજુ પણ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યાં છે.

વાહનોના ભાવ કેટલા ઘટશે?

બીબીસી ગુજરાતી વીમો ઈન્શ્યોરન્સ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જીએસટી સેસ ટૅક્સ પ્રીમિયમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીએસટીમાં ફેરફારથી નાની-મોટી દરેક સાઇઝની કારના ભાવ ઘટશે

આ ફેરફારોમાં ઑટોમોબાઇલ ઉદ્યોગ માટે પણ મોટી જાહેરાત છે. 1200 સીસીથી ઓછી ક્ષમતાની પેટ્રોલ કાર અને 1500 સીસીથી નીચેની ડીઝલ કાર પર જીએસટીનો દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. ટુ-વ્હીલર્સમાં 350 સીસીથી નીચેના બાઇક પર જીએસટી 28 ટકાના બદલે 18 ટકા થયો છે.

ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ ઍસોસિયેશન (FADA)ના ગુજરાત સ્ટેટ ચેરપર્સન પ્રણવ શાહે કહ્યું કે, "આ આવકાર્ય પગલું છે જેનાથી તહેવારોમાં વેચાણ વધશે."

તેમણે કહ્યું કે "ટુ-વ્હીલર્સના ભાવ એક લાખ રૂપિયાને પાર કરી ગયા હતા, તે હવે એક લાખથી નીચે આવશે જેથી એક સાઇકોલૉજિકલ રાહત મળશે. 350 સીસીથી ઉપરની બાઇકના ભાવ વધશે, કારણ કે તેના પર 40 ટકા જીએસટી લાગશે. પરંતુ નાની અને મધ્યમ કદની કારને સૌથી વધુ ફાયદો થશે."

બીબીસી ગુજરાતી વીમો ઈન્શ્યોરન્સ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જીએસટી સેસ ટૅક્સ પ્રીમિયમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીએસટીના નીચા દરનો લાભ લેવા આગામી થોડા દિવસો સુધી લોકો વાહનોની ખરીદી મોકૂફ રાખે તેવી શક્યતા છે

સરકારે જાહેર કરેલા FAQ પ્રમાણે હાલમાં મધ્યમ અને મોટા કદની કાર પર 28 ટકા જીએસટી અને 17થી 22 ટકા સુધી કૉમ્પન્સેશન સેસ લાગે છે, જેના કારણે કુલ ટૅક્સ 45થી 50 ટકા થઈ જાય છે. તેની જગ્યાએ મધ્યમ કદની કાર અને મોટી કાર પર હવે 40 ટકા જીએસટી લાગશે, પણ કમ્પેન્સેશન સેસ નહીં લાગે.

ટ્રેક્ટર પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. ટ્રેક્ટરના પાર્ટ્સ પરનો જીએસટી પણ 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા રાખવામાં આવ્યો છે.

પ્રણવ શાહનું કહેવું છે કે, "ટ્રેક્ટરમાં મોટી રાહત મળી છે જેનાથી કૃષિને ઉત્તેજન મળશે. જોકે, જીએસટીના નવા દર 22 સપ્ટેમ્બરથી લાગુ થવાના હોવાથી આગામી બે અઠવાડિયાં સુધી તમામ પ્રકારનાં વાહનોનું વેચાણ ઘટી જશે, કારણ કે લોકો 22 સપ્ટેમ્બર સુધી રાહ જોવાનું પસંદ કરશે."

તેમણે કહ્યું કે, "મોટી કાર પર જે સેસ લાગતો હતો તે નીકળી ગયો છે. તેથી તેમાં પણ આઠથી દસ ટકાનો ફાયદો થશે. ઇલેક્ટ્રિક વ્હીકલ પર જીએસટી પાંચ ટકા જ રહ્યો છે."

સાઇકલ અને તેના પાર્ટ્સ પર 12 ટકા જીએસટી હતો, તે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન