રાહુલ ગાંધીનો ચૂંટણીપંચ સામે ગંભીર આરોપ, કહ્યું, 'કૉંગ્રેસના મતદારોનાં નામો કરાયા ડિલીટ', ચૂંટણીપંચે અને ભાજપે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાહુલ ગાંધી, રાજકારણ, ભાજપ, ભારતનું ચૂંટણીપંચ, ચૂંટણી, વોટ ચોરી, મત ચોરી, મત ચોરીના આરોપ

ઇમેજ સ્રોત, INDIAN NATIONAL CONGRESS

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં જ્યાં વિપક્ષ મજબૂત હતો, ત્યાં મતદારોનાં નામ હઠાવાયાં.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મતદારોનાં નામ ફેક લૉગ-ઇન મારફતે ડિલીટ કરાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર 'વોટ ચોરો'નું રક્ષણ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે મહિલાઓ, દલિતો અને આદિવાસીઓના મત ચોરી થયા છે અને ટાર્ગેટ કરીને કૉંગ્રેસના મતદારોનાં નામ ડિલીટ કરાઈ રહ્યાં છે.

રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશન અગાઉ કહ્યું હતું કે આ હાઇડ્રોજન બૉમ્બ નથી. હાઇડ્રોજન બૉમ્બ તો હવે આવવાનો છે. આ દેશના યુવાનોને એ બતાવવાની કોશિશ છે કે ચૂંટણીમાં કેવી રીતે હેરફેર કરાઈ રહી છે. આ પહેલાં બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની પાર્ટી 'વોટ ચોરી મુદ્દે પુરાવા રજૂ કરશે.' તેમણે તેને પહેલાં હાઇડ્રોજન બૉમ્બ ગણાવ્યો હતો.

પરંતુ ચૂંટણીપંચે રાહુલ ગાંધીના પ્રેઝન્ટેશન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેમના આરોપ ખોટા અને નિરાધાર છે. ભાજપે પણ રાહુલના આરોપોને ખોટા ગણાવ્યા છે.

તેમણે દિલ્હીમાં એક પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું હતું, "હું અહીં એક દાવો કરવા જઈ રહ્યો છું. ખૂબ જ મજબૂત દાવો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિશે. હું વિપક્ષના નેતા તરીકે આ વાત કહી રહ્યો છું. હું એવા પુરાવા બતાવવા જઈ રહ્યો છું, જે બિલકુલ સ્પષ્ટપણે બતાવે છે કે મુખ્ય ચૂંટણી કમિશનર એવા લોકોનું રક્ષણ કરી રહ્યા છે, જેમણે ભારતની લોકશાહીને નષ્ટ કરી દીધી છે."

રાહુલ ગાંધીએ આ વિશે કર્ણાટકની આલંદ બેઠકનું ઉદાહરણ આપ્યું.

તેમણે કહ્યું, "કર્ણાટકનું એક મતદાર ક્ષેત્ર છે. કોઈએ 6,018 મત હઠાવવાની કોશિશ કરી. અમને એ વાતની ખબર નથી કે 2023માં આલંદમાંથી કુલ કેટલા મત હઠાવાયા હતા. એની સંખ્યા 6,018 કરતાં વધુ છે, પરંતુ કોઈને 6,018 મત હઠાવતા પકડવામાં આવ્યા, અને આ સંજોગથી પકડાયું છે. થયું એવું કે ત્યાંના બૂથ-સ્તરના અધિકારીએ જોયું કે તેમના અંકલ (કાકા)નો મત હઠાવી દેવાયો છે, તો તેમણે તપાસ કરી કે તેમના અંકલનો મત કોણ હઠાવ્યો, અને તેમને ખબર પડી કે એક પાડોશીએ એ મત હઠાવ્યો હતો."

તેમણે કહ્યું, "બૂથ લેવલના અધિકારીએ પોતાના પાડોશીને પૂછ્યું કે આવું કેવી રીતે થયું તો તેમણે કહ્યું કે મેં કોઈ મત નથી હઠાવ્યો. ન મત હઠાવનાર વ્યક્તિ (જેને રેકૉર્ડમાં દેખાડવામાં આવી હતી) અને ના જેમનો મત હઠાવાયો હતો,બંનેને કંઈ ખબર નહોતી. અન્ય કોઈ તાકતે પ્રક્રિયાને હાઇજેક કરી લીધી અને મત હઠાવી દીધો."

આ અગાઉ રાહુલ ગાંધીએ બિહારમાં કહેલું કે દેશમાં મત ચોરી થઈ રહી છે અને પરમાણુ બૉમ્બ નહીં, હાઇડ્રોજન બૉમ્બ ફાટવાનો છે.

તેમના કહેવાનો અર્થ એ હતો કે તેઓ મતદારયાદીમાં ગરબડ કરનારાનો મોટો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે.

ચૂંટણીપંચે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવ્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાહુલ ગાંધી, રાજકારણ, ભાજપ, ભારતનું ચૂંટણીપંચ, ચૂંટણી, વોટ ચોરી, મત ચોરી, મત ચોરીના આરોપ

ઇમેજ સ્રોત, ECI

ચૂંટણીપંચે કહ્યું છે કે રાહુલના આરોપ ખોટા છે. ચૂંટણીપંચે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ મારફતે રાહુલના દાવાનું ખંડન કર્યું છે.

ચૂંટણીપંચે લખ્યું, "જેવી ગેરસમજ ફેલાવાઈ રહી છે, એવી રીતે કોઈ સામાન્ય નાગરિકનો મત ઑનલાઇન ડિલીટ ન કરી શકાય."

"વર્ષ 2023માં, અલંદ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોનાં નામ ડિલીટ કરવાના કેટલાક નિષ્ફળ પ્રયાસ થયા હતા. આ મામલાની તપાસ માટે ચૂંટણીપંચે એફઆઇઆર દાખલ કરાવી હતી."

ચૂંટણીપંચે લખ્યું છે કે, "રેકૉર્ડ પ્રમાણે, 2018માં અલંદ વિધાનસભા ક્ષેત્રમાંથી સુભાષ ગુટ્ટેદાર (ભાજપ) અને 2023માં કૉંગ્રેસના બીઆર પાટીલે જીત હાંસલ કરી હતી."

જોકે, આ પહેલાં પણ જ્યારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નકલી મતદારોનાં નામ જોડવાનાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને તેમના આરોપોના જવાબ આપ્યા હતા.

ભાજપ બોલ્યો, 'રાહુલના બધા બૉમ્બ નિષ્ક્રિય થઈ જશે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાહુલ ગાંધી, રાજકારણ, ભાજપ, ભારતનું ચૂંટણીપંચ, ચૂંટણી, વોટ ચોરી, મત ચોરી, મત ચોરીના આરોપ

રાહુલ ગાંધીએ આ આરોપો પર ભાજપે જવાબ આપ્યા છે.

ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું, "શું રાહુલ ગાંધી બંધારણને સમજે છે? તેઓ સુપ્રીમ કોર્ટ ગયા. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા. શું તેમણે કોઈ નક્કર પગલાં લીધાં? તેઓ કાયદાને કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને સમજતા નથી. માત્ર 'બંધારણ, બંધારણ'ની બૂમો પાડે છે. મુખ્ય વાત સ્પષ્ટ છે; જો રાહુલ ગાંધીને મત નથી મળતા, તો અમે શું કરી શકીએ? તેઓ વિપક્ષના નેતા છે. તેમનાં કેટલાંક મૂલ્યો હોવાં જોઈએ. તેઓ દેશના મતદારોનું અપમાન કરી રહ્યા છે. લોકો ફરી એક વાર તેમને જડબાતોડ જવાબ આપશે. તેમના બધા બૉમ્બ નિષ્ક્રિય થઈ જશે. તેઓ કોઈના પર વિશ્વાસ નથી કરતા. હું તેમની નિંદા કરું છું."

'વોટ અધિકાર યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાઇડ્રોજન બૉમ્બ ફાટશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાહુલ ગાંધી, રાજકારણ, ભાજપ, ભારતનું ચૂંટણીપંચ, ચૂંટણી, વોટ ચોરી, મત ચોરી, મત ચોરીના આરોપ

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' દરમિયાન રાહુલ ગાંધી તેજસ્વી યાદવ અને હેમંત સોરેન સાથે

રાહુલ ગાંધીએ બિહારમાં 'વોટર અધિકાર રેલી' દરમિયાન કહ્યું હતું, "વોટ ચોરીનું સત્ય જલદી જ દેશની સામે આવશે. હવે પરમાણુ બૉમ્બથી મોટો હાઇડ્રોજન બૉમ્બ ફાટવાનો છો. અમે વોટ ચોરી અંગે જનતા સામે ધમાકેદાર પુરાવા રજૂ કરવાના છીએ."

તેમણે કહ્યું હતું કે, જે તાકતોએ મહાત્મા ગાંધીને માર્યા. એ જ લોકોએ હવે બંધારણની પણ હત્યા કરી છે. એ જ લોકો હવે બંધારણની હત્યાની કોશિશમાં લાગેલા છે. પરંતુ અમે એવું નહીં થવા દઈએ.

રાહુલે આગળ કહ્યું, "બિહારમાં જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. ભાજપના લોકોએ કાળા વાવટા દેખાડ્યા, એ લોકો કાન ખોલીને સાંભળી લે, પરમાણુ બૉમ્બથી મોટો હાઇડ્રોજન બૉમ્બ હોય છે."

"એ આવી રહ્યો છે. વોટ ચોરી વિશે દેશ ખબર પડવાની છે. હાઇડ્રોજન બૉમ્બ બાદ નરેન્દ્ર મોદી દેશને પોતાનો ચહેરો નહીં દેખાડી શકે."

કર્ણાટકમાં 'વોટ ચોરી'નો આરોપ લગાવ્યો હતો

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાહુલ ગાંધી, રાજકારણ, ભાજપ, ભારતનું ચૂંટણીપંચ, ચૂંટણી, વોટ ચોરી, મત ચોરી, મત ચોરીના આરોપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા હતા તે વેળાની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વોટ ચોરી મામલે રાહુલ ગાંધીએ 7 ઑગસ્ટના રોજ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. તેમણે 22 પાનાંનો દસ્તાવેજ મીડિયા સામે મૂક્યો હતો.

રાહુલ ગાંધીએ કર્ણાટકની મતદારયાદી બતાવતાં કહ્યું હતું કે મતદારયાદીમાં સંદિગ્ધ મતદાર મોજૂદ છે.

રાહુલે મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ ભાજપ પર 'વોટ ચોરી'ના આરોપ કર્યા હતા.

કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા બેઠકની મતદારયાદી સ્ક્રીન પર બતાવતાં રાહુલે કહ્યું કે અહીં એક લાખ મતોની ચોરી થઈ છે.

તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં અમને 16 બેઠકો પર જીત મળી હોત, પરંતુ અમે માત્ર નવ બેઠકો પર જીતી શક્યા.

તેમણે કહ્યું હતું કે બૅંગ્લુરુ સેન્ટ્રલ બેઠક પર પણ એક લાખ મતોની ચોરી થઈ છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં 40 લાખ નકલી મતદાર જોડવામાં આવ્યા. હરિયાણામાં 'વોટ ચોરી'ના કારણે જ કૉંગ્રેસ હારી.

રાહુલ ગાંધીએ આના માટે ચૂંટણીપંચને દોષિત ઠેરવ્યું હતું. તેમમે કહ્યું હતું કે બંધારણનું રક્ષણ કરનારી સંસ્થાને મિટાવીને તેના પર કબજો કરી લેવાયો છે.

રાહુલે કહ્યું હતું કે તેમની પાસે એવા પુરાવા છે જે આખા દેશને દેખાડાય તો ખબર પડી જશે કે ચૂંટણીપંચ જેવી સંસ્થાનું કોઈ અસ્તિત્વ નથી. એ ગાયબ થઈ ગયું છે.

તેમણે ચૂંટણીપંચના અધિકારીઓને પડકારતાં કહ્યું હતું કે તેઓ વિચારે છે કે તેઓ બચી જશે તો એ તેમની ગેરસમજ છે. તેમણે કહ્યું હતું કે 'વોટ ચોરી' અંગે તેમની પાસે 100 ટકા પુરાવા છે.

ચૂંટણીપંચે આપ્યા હતા રાહુલના પ્રશ્નોના જવાબ

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાહુલ ગાંધી, રાજકારણ, ભાજપ, ભારતનું ચૂંટણીપંચ, ચૂંટણી, વોટ ચોરી, મત ચોરી, મત ચોરીના આરોપ

ઇમેજ સ્રોત, Getty Images

બાદમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને રાહુલ ગાંધી દ્વારા ઉઠાવાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.

જ્ઞાનેશકુમારનું કહેવું હતું કે ચૂંટણીપંચના ખભે બંદૂક મૂકીને રાજકારણ કરાઈ રહ્યું છે અને રાહુલ ગાંધીએ કાં તો સોગંદનામું આપવું પડશે કાં તો માફી માગવી પડશે.

કમિશનની એ પ્રેસ કૉન્ફરન્સ બાદ કૉંગ્રેસ કહ્યું હતું કે આ પ્રેસ કૉન્ફરન્સમાં વિપક્ષે ઉઠાવેલા સવાલોના સીધા જવાબ નહોતા અપાયા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન