દિવાળી દરમિયાન રેલવે ટિકિટ બુક કરવી છે, નવા નિયમો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિજયાનંદ અરુમુગમ
- પદ, બીબીસી તામિલ
દિવાળી, છઠ, ધૂળેટી અને પોંગલ જેવા તહેવારના દિવસો દરમિયાન રેલવેની ટિકિટ બુક કરવામાં સામાન્ય લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને ઘણી વખત જેન્યુઇન મુસાફરોને પણ રિઝર્વ્ડ ટિકિટો નથી મળતી.
આને કારણે પરિવાર સાથે સફર કરવા માગતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
ઘણી વખત ટિકિટોનું જનરલ રિઝર્વેશન શરૂ થાય, ત્યારે ગણતરીની પળોમાં ટિકિટો વેચાઈ જતી હોય છે.
એજન્ટ્સ તથા નકલી યૂઝર્સને કારણે જરૂરિયાતમંદ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તેમને તત્કાળ ટિકિટ પણ મળી શકતી નથી.
હવે, રેલવેતંત્રે સામાન્ય મુસાફરોને પડતી હાલાકીનો ઉકેલ કાઢવા પ્રયાસો હાથ ધર્યા છે.

ભારતીય રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે પહેલી ઑક્ટોબરથી આઈઆરસીટીસીની (ઇન્ડિયન રેલવે ઍન્ડ ટુરિઝમ કૉર્પોરેશન) વેબસાઇટ કે મોબાઇલ ઍપ્લિકેશન ઉપરથી રિઝર્વ ટિકિટ બુક કરાવનાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી બની રહેશે.
રેલવે મંત્રાલયે બહાર પાડેલી વિજ્ઞપ્તિ પ્રમાણે, "આ નિયમ બુકિંગ શરૂ થયાની પ્રારંભિક 15 મિનિટ દરમિયાન જ લાગૂ પડશે અને દુરુપયોગ અટકાવવાના હેતુસર આમ કરવામાં આવ્યું છે."
જોકે, આઈઆરસીટીસી એજન્ટ્સ આ અંગે અલગ વિચાર ધરાવે છે. તેમનું કહેવું છે કે 'આ પ્રક્રિયાની જરૂર નથી' અને 'કાઉન્ટર (બુકિંગ) ઉપર થતી ગેરરીતિઓ'ને અટકાવવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું હતું અને જણાવ્યું હતું કે આઈઆરસીટીસીની વૅબસાઇટ કે મોબાઇલ ઍપ્લિકેશન ઉપર સામાન્ય ટિકિટનું બુકિંગ કરતી વેળાએ પ્રારંભિક 15 મિનિટ દરમિયાન આધાર નંબરને ફરજિયાત કરી દેવાયો છે.
રેલવે વિભાગનું કહેવું છે કે સામાન્ય મુસાફરોને લાભ થાય અને ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે જ રેલવે તંત્રે સ્પષ્ટતા કરી છે કે કમ્પ્યૂટરાઇઝ્ડ કાઉન્ટરો ઉપર ટિકિટ બુકિંગના સમયમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
રેલવે મંત્રાલયનું કહેવું છે કે આઈઆરસીટીસીના માન્ય એજન્ટો માટે શરૂઆતની 10 મિનિટનો જે નિયમ હાલમાં લાગુ છે, તેની જોગવાઈઓમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
આ પહેલાં રેલવેએ ટિકિટ બુકિંગ માટેનો ગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી દીધો હતો. છતાં ઑનલાઇન ટિકિટ રિઝર્વેશન તથા તત્કાળ ટિકિટ બુકિંગમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઈઆરસીટીએ તા. 24 મેથી બીજી જૂનના સમયગાળા દરમિયાન ઇન્ટરનૅટ ઉપર થયેલ તત્કાલ બુકિંગ્સ અને પૅટર્નનો અભ્યાસ કર્યો હતો.
રેલવે વિભાગના કહેવા પ્રમાણે, બુકિંગ શરૂ થયાની પહેલી મિનિટમાં ચાર હજાર 724 ટિકિટ બુક થઈ હતી અને બીજી મિનિટ દરમિયાન 20 હજાર 786 ટિકિટ બુક થઈ હતી.
આઈઆરસીટીના કહેવા પ્રમાણે, તત્કાલ બુકિંગ શરૂ થયાંને પહેલી એક કલાકમાં જ 84.02 ટકા ટિકિટો વેંચાઈ ગઈ હતી.
તંત્રને પહેલી એક મિનિટ દરમિયાન ટિકિટ બુક કરવા માટે બૉટ્સ કે કોઈ ઑટોમેટિક વ્યવસ્થાનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું.
રેલવેના કહેવા પ્રમાણે, જ્યારે બૉટનો (સોફ્ટવૅર) ઉપયોગ કરીને બુકિંગ માટે એકસાથે હજારો રિક્વૅસ્ટ મોકલવામાં આવે છે, ત્યારે આઈઆરસીટીસીના સર્વર જામ થઈ જાય છે.
આઈઆરસીટીના કહેવા પ્રમાણે, બનાવટી યૂઝર્સને કારણે આ પ્રકારનાં ફ્રૉડ થતાં હોય છે. આઈઆરસીટીસીનું કહેવું છે કે ગત છ મહિનાના ગાળા દરમિયાન તેણે બે કરોડ 40 લાખ કરતાં વધુ યૂઝર્સને ડિલીટ કર્યા છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું કે આ સમસ્યાના ઉકેલ માટે ઈ-આધાર સ્કીમ લાગુ કરવામાં આવશે.
અગાઉ તત્કાલ બુકિંગ માટે આધાર જરૂરી હતું, હવે પહેલી ઑક્ટોબરથી સામાન્ય બુકિંગ માટે પણ તેને અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.

ઇન્ડિયન રેલવે પૅસેન્જર ઍડ્વાઇઝરી બોર્ડના પૂર્વ સભ્ય એન. કે. રવીચન્દ્રનના કહેવા પ્રમાણે, "પ્રવાસની તારીખના 60 દિવસ અગાઉ ટિકિટ બુકિંગ શરૂ થાય છે. પરંતુ પહેલા દિવસે શરૂઆતની 15 મિનિટ દરમિયાન જ ટિકિટો વેચાઈ જાય છે."
બીબીસી તામિલ સાથે વાત કરતા એન. કે. રવીન્દ્રને કહ્યું, "પૉંગલ કે દિવાળીના તહેવારો દરમિયાન લોકોને પોતાના વતનમાં જવા માટે ટિકિટો નથી મળતી, જેના કારણે સામાન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે."
"એમાં પણ શરૂઆતની બેએક મિનિટમાં ટિકિટો બુક થઈ ગઈ હોય, ત્યારે તો ખાસ."
રવીચન્દ્રન ઉમેરે છેકે બિહાર જેવા ઉત્તર ભારતનાં રાજ્યો માટે જવાની ટિકિટ તો પહેલી એક મિનિટમાં જ વેચાઈ જાય છે. હવે, રેલવેના નવા નિયમને કારણે આઈઆરસીટીસીના એજન્ટ તથા અનઅધિકૃત લોકો આ છેતરપીંડીને કારણે ટિકિટ બુક નહીં કરી શકે.
રવીચન્દ્રન કહે છે કે અમુક એજન્ટ ઍડ્વાન્સમાં ટિકિટો બુક કરીને છેલ્લી ઘડીએ મુસાફરો પાસેથી હજારો રૂપિયા પડાવે છે. હવે, નવા નિયમો લાગુ થવાથી આ દુરુપયોગ બંધ થશે.
તેઓ કહે છે કે, "નવા નિયમોથી ટિકિટો જેન્યુઇન પૅસેન્જરો સુધી જ પહોંચશે તથા અનઅધિકૃત લોકો કે એજન્ટો તેની ઉપર કબજો નહીં જમાવી શકે."

દક્ષિણ રેલવેના સિનિયર પબ્લિક રિલૅશન્સ ઑફિસર સેનથામિલ સૅલ્વનના કહેવા પ્રમાણે, "આધાર વૅરિફિકેશનને કારણે એજન્ટો ટિકિટ બુક નહીં કરી શકે અને પહેલી પંદર મિનિટ દરમિયાન મોટા પાયે બુકિંગની શક્યતાને ઘટાડશે."
બીબીસી તામિલ સાથે વાત કરતા સેનથામિલ સૅલ્વને કહ્યું, "કેટલાક લોકો એકસાથે અનેક ઇમેઈલ ઍકાઉન્ટ્સ ઉપરથી ટિકિટ બુક કરે છે. હવે, આધાર વૅરિફિકેશનને ફરજિયાત કરી દેવામાં આવતા, તેને અટકાવી શકાશે."
"જો કોઈ વ્યક્તિ બહુ બધા ઇમેઈલ આઈડીથી આઈઆરસીટીસીની વૅબસાઇટ ઉપર લૉગઇન કરશે, તો પણ આધાર એક વ્યક્તિ માટે જ છે. એટલે એક જ વ્યક્તિને ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) આવશે."
સેનથામિલ સૅલ્વન કહે છે, "નવા નિયમને કારણે આધાર વૅરિફિકેશન વગરના લોકો બુકિંગ નહીં કરી શકે. જેથી, શરૂઆતની પંદર મિનિટ દરમિયાન આઈઆરસીટીના સર્વર ઉપર બહુ બધી રિક્વૅસ્ટ નહીં આવે."
"જે લોકોનું આધાર વૅરિફિકેશન થશે, તેઓ જ સંબંધીઓ માટે ટિકિટ બુક કરી શકશે અને વ્યવસાયિક હેતુઓ માટે તેનો ઉપયોગ નહીં થઈ શકે. સર્વરો ઉપર વધારાનું ભારણ ન પડે તે માટે આ નિયમ લાવવામાં આવ્યા છે."

ચેન્નાઈસ્થિત આઈઆરસીટીના એજન્ટના કહેવા પ્રમાણે, "નવા નિયમને કારણે કશું નહીં બદલાય."
નામ ન છાપવાની શરતે બીબીસી તામિલ સાથે વાત કરતા તેમણે કહ્યું, "તત્કાલ બુકિંગમાં આધાર વૅરિફિકેશન લાગુ થવાને કારણે મહદંશે ગેરરીતિઓ બંધ થઈ ગઈ છે. એ પહેલાં બેનામી રીતે હજારો ટિકિટો બુક થતી."
તેઓ કહે છે, "એક વ્યક્તિ કાઉન્ટર ઉપરથી વધુમાં વધુ છ ટિકિટ મેળવી શકે છે. જો તે વ્યક્તિ પોતાની સાથે ચાર વ્યક્તિને લાવે તો તેને 24 ટિકિટ મળી જાય."
"જે ટિકિટો કાઉન્ટર ઉપર બુક થઈ હોય, તેમાં આધાર નંબર ચૅક નથી થતાં. જો છ લોકોએ પ્રવાસ ખેડવાનો હોય, તો માત્ર એક જ વ્યક્તિનું આધારકાર્ડ પૂરતું છે. રેલવે તંત્ર તેની ખરાઈ નથી કરતું."
આઈઆરસીટીના એજન્ટના કહેવા પ્રમાણે, "રેલવે સુરક્ષાબળોએ ટ્રેનની સફર દરમિયાન મુસાફરોની ખરાઈ કરવી જોઈએ. તહેવારની સિઝન દરમિયાન એજન્ટો દસ મિનિટ પછી જ બુકિંગ કરી શકે છે. આથી, તેમને ટિકિટ મળે તેવી શક્યતા નહિવત્ હોય છે અને સામાન્ય દિવસો દરમિયાન ટિકિટ મેળવવામાં મુશ્કેલી જ નથી હોતી."

સેનથામિલ સૅલ્વનના કહેવા પ્રમાણે, કાઉન્ટર ઉપર ગેરરીતિ થતી હોવાના "આરોપોની તપાસ થઈ રહી છે."
"કાઉન્ટર ઉપર આધાર દ્વારા ટિકિટ બુકિંગ કરતી વેળાએ કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓ પડી શકે છે. રેલવેના વિજલન્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એજન્ટોને કારણે સમસ્યા થાય છે. આ મુદ્દે (રેલવે) બોર્ડમાં ચર્ચા ચાલી રહી છે."
તેમણે કહ્યું, "કાઉન્ટર ઉપર થતી ગેરરીતિને અટકાવવા માટે પણ કેટલાક પગલાં લેવામાં આવ્યાં છે. તત્કાલ ટિકિટનાં બુકિંગ માટેના નિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય પબ્લિક રિઝર્વેશન સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












