નરેન્દ્ર મોદી જ્યારે સ્મશાનમાં હતા ને ફોન આવ્યો કે 'ગુજરાત સંભાળો'

નરેન્દ્ર મોદી, ગુજરાત, અટલ બિહારી વાજપેયી, ગુજરાતનું રાજકારણ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રદીપકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

આ વાત ઑક્ટોબર, 2001ની છે. દિલ્હીના લોધી રોડ સ્મશાનઘાટમાં એક પ્રાઇવેટ ચૅનલના કૅમેરામૅન ગોપાલ બિષ્ટના અંતિમસંસ્કાર થઈ રહ્યા હતા. તેમાં કેટલાક પત્રકારો સિવાય ઘણા બે-ચાર નેતાઓ પણ સામેલ હતા.

અંતિમસંસ્કાર થઈ રહ્યો હતો અને એક નેતાનો મોબાઇલ રણક્યો. એ ફોન વડા પ્રધાન નિવાસસ્થાનેથી આવ્યો હતો.

ફોન કરનાર વ્યક્તિએ પૂછ્યું, "ક્યાં છો?"

ફોન ઉઠાવનાર વ્યક્તિએ કહ્યું, "સ્મશાનમાં છું."

ત્યાંથી કહેવામાં આવ્યું, "આવીને મળો."

સ્મશાનમાં ફોન ઉઠાવનારી એ વ્યક્તિનું નામ નરેન્દ્ર મોદી હતું. ગોપાલ બિષ્ટનું મોત એ હવાઈ દુર્ઘટનામાં થયું હતું જેમાં કૉંગ્રેસના પ્રભાવશાળી નેતા માધવરાવ સિંધિયા દિલ્હીથી કાનપુર જઈ રહ્યા હતા. એ દુર્ઘટનામાં સિંધિયા સહિત વિમાનમાં સવાર તમામ આઠ લોકોનાં મોત થયાં હતાં.

વાજપેયીએ નરેન્દ્ર મોદીને ગુજરાત જવાનું કહ્યું

નરેન્દ્ર મોદી, ગુજરાત, અટલ બિહારી વાજપેયી, ગુજરાતનું રાજકારણ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીજા દિવસે દિલ્હીમાં તમામ મોટા નેતાઓ ગ્વાલિયરમાં સિંધિયાના અંતિમસંસ્કારમાં સામેલ થવા ઇચ્છતા હતા. ત્યારે નરેન્દ્ર મોદી એક કૅમેરામૅનની અંતિમવિધિમાં સામેલ થઈ રહ્યા હતા.

જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન નિવાસસ્થાને જઈને અટલ બિહારી વાજપેયીને મળ્યા ત્યારે વાજપેયીએ તેમને ગુજરાત સંભાળવાની જવાબદારી સોંપી.

એક પ્રકારે રાજકીય વનવાસ ભોગવી રહેલા મોદીને તેનાથી નવું જીવન મળવા જઈ રહ્યું હતું. જોકે, એ સમયે કોઈને અંદાજ ન હતો કે આવનારા દિવસોમાં મોદી ભારતીય રાજકારણના શિખરે પહોંચી જશે.

સ્મશાનમાં આવેલા એ ફોનનું રસપ્રદ વિવરણ પત્રકાર વિજય ત્રિવેદીએ અટલ બિહારી વાજપેયીનાં સંસ્મરણો વિશે લખેલા પુસ્તક 'હાર નહીં માનૂંગા' (એક અટલ જીવનગાથા)માં કર્યું છે.

એ અટલ બિહારી વાજપેયી જ હતા, જેમણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા નરેન્દ્ર મોદીને એક રાજ્યની કમાન સોંપી હતી.

મોદીને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના વિરોધીઓનો સાથ પણ મળ્યો હતો. બીજી તરફ કેશુભાઈની છબી સગાંસંબંધીઓથી ભરેલા નેતાની બની ગઈ હતી. વધુમાં, ભાજપ હાઈકમાન્ડને 2003માં થનારી વિધાનસભાની ચૂંટણીમાં હારનો ડર પણ સતાવી રહ્યો હતો.

એવામાં કોઈ મજબૂત નેતાને ગુજરાત મોકલવાનું દબાણ વધી રહ્યું હતું, પરંતુ અટલ બિહારી વાજપેયીને સપ્ટેમ્બર, 2000માં કરેલો એક વાયદો યાદ હતો.

મોદીને કારણે ભાજપમાં બળવો થયો, મોદી અમેરિકા ચાલ્યા ગયા

નરેન્દ્ર મોદી, ગુજરાત, અટલ બિહારી વાજપેયી, ગુજરાતનું રાજકારણ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેશુભાઈને બદલે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતની કમાન સોંપવામાં આવી ત્યારે તેઓ પક્ષના મહાસચિવ હતા, પરંતુ રાજકીય રીતે તેમની સ્થિતિ સારી નહોતી. તેઓ એવા રાજ્યોમાં પક્ષના પ્રભારી બનાવાયા હતા જ્યાં ભાજપ ચૂંટણી હારી ગયો હતો. પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પક્ષને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

એ પહેલાં ગુજરાતમાં મોદીને કારણે પક્ષમાં બળવાની સ્થિતિ થઈ ગઈ હતી. આ સ્થિતિ કોઈ પણ રાજનેતાને વિચલિત કરવા માટે પૂરતી હતી અને આ બધું ચાલી રહ્યું હતું ત્યારે જ નરેન્દ્ર મોદી અમેરિકા ચાલ્યા ગયા હતા.

ભાજપને નજીકથી જોનાર પત્રકારોની વાત માનીએ તો પક્ષના જ મોટા નેતાઓએ મોદીને કેટલાક દિવસ માટે પક્ષની ગતિવિધિઓથી દૂર રહેવાની સલાહ આપી હતી.

તેઓ કેટલાક મહિના માટે અમેરિકા ચાલ્યા ગયા હતા. સપ્ટેમ્બર, 2000માં વડા પ્રધાન તરીકે વાજપેયી અમેરિકા ગયા હતા. તેમના આ પ્રવાસ દરમિયાન ન્યૂ યૉર્કમાં રહેતા ભારતીય મૂળના લોકો માટે એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાજપેયી કહ્યું હતું કે હું સ્વયંસેવક છું, અને સ્વયંસેવક રહીશ.

પરંતુ મોદી આ કાર્યક્રમથી પણ દૂર રહ્યા હતા. જોકે, તેઓ પછી આયોજકોમાં સામેલ તેમના એક ગુજરાતી ઉદ્યોગપતિ મિત્રની મદદથી અટલ બિહારી વાજપેયીને મળવામાં સફળ રહ્યા હતા.

'વાજપેયીને મળવા મોદી લાઇનમાં ઊભા હતા'

નરેન્દ્ર મોદી, ગુજરાત, અટલ બિહારી વાજપેયી, ગુજરાતનું રાજકારણ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે 2002માં શપથ લીધા ત્યારની તસવીર

વાજપેયીના એ અમેરિકા પ્રવાસને પત્રકાર તરીકે રાજદીપ સરદેસાઈએ પણ કવર કર્યો હતો.

રાજદીપ સરદેસાઈ એ વખતે શું બન્યું હતું એ યાદ કરતાં કહે છે કે, "વાજપેયીને મળવા માટે ત્યાં અનેક લોકો આવ્યા હતા. હિંદુ સંતો અને હિંદુ સંગઠનોના લોકો આવ્યા હતા. તેમના મળવા આવેલા લોકોની લાઇનમાં નરેન્દ્ર મોદી પણ હતા."

આ મુલાકાતનો ઉલ્લેખ વિજય ત્રિવેદીએ તેમના પુસ્તકમાં કર્યો છે. મોદીના ગુજરાતી ઉદ્યોગપતિ મિત્ર સાથે તેમની વાતચીતને ટાંકીને તેમણે જણાવ્યું છે કે વાજપેયીએ એ મુલાકાતમાં મોદીને શું કહ્યું હતું.

વાજપેયીએ મોદીને એ મુલાકાતમાં કહ્યું હતું કે, "આવી રીતે ભાગવાથી કામ નહીં ચાલે, ક્યાં સુધી અહીં રહેશો? દિલ્હી આવો."

આ મુલાકાતના કેટલાક દિવસો પછી જ મોદી દિલ્હી આવી ગયા હતા. તેમના પાછા આવવામાં વાજપેયી સાથેની મુલાકાતે મુખ્ય ભાગ ભજવ્યો હતો. બીજી તરફ વાજપેયીને પણ મોદી યાદ રહ્યા અને તેમને સ્મશાનમાં ફોન કરીને ગુજરાતની જવાબદારી સોંપી.

વાજપેયીએ એ વખતે વિચાર્યું પણ નહીં હોય કે તેમને થોડા જ મહિનાઓ પછી એ જ નરેન્દ્ર મોદીને 'રાજધર્મનું પાલન' કરવાનું કહેવું પડશે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા

નરેન્દ્ર મોદી, ગુજરાત, અટલ બિહારી વાજપેયી, ગુજરાતનું રાજકારણ, રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં ભાજપની સ્થિતિ ડામડોળ હતી ત્યારે 7 ઑક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી બનતી વખતે નરેન્દ્ર મોદીએ કહેલું કે, "હું તો વન-ડે મૅચ રમવા આવ્યો છું."

1995માં ભાજપને એકલે હાથે ગુજરાતમાં સત્તા મળી હતી, પણ તેનાં છ વર્ષ પછી પક્ષની સ્થિતિ નબળી પડી હતી.

શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં બળવો થયો હતો. મુખ્ય મંત્રી બન્યા પછી પ્રથમ વાર પત્રકારપરિષદ મળી ત્યારે એક પત્રકારે તેમને પૂછેલું કે મુખ્ય મંત્રી તરીકે તેમનો એજન્ડા શું રહેશે, ત્યારે તેમણે ઇન્ડિયન ઍક્સપ્રેસની હેડલાઇનનો ઉલ્લેખ કરીને કટાક્ષ કરેલો કે: "કોઈએ કહ્યું છે તે પ્રમાણે મોદીના ટાયર પર રથયાત્રા".

7 ઑક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમની સામે પક્ષને 2002ની વિધાનસભા ચૂંટણીમાં જીતાડવાની જવાબદારી હતી.

મોદી માટે વજુભાઈ વાળાએ બેઠક ખાલી કરી હતી અને તેઓ રાજકોટથી પેટાચૂંટણીમાં 14 હજાર કરતાં વધુ મતોથી જીતીને 24 ફેબ્રુઆરી, 2002ના રોજ વિધાનસભામાં પહોંચ્યા હતા.

પછી એ જ મહિને ગોધરાકાંડ થયો અને ગુજરાતમાં થયેલાં રમખાણો વિશે મોદી પર ગંભીર આરોપો થયા હતા અને તેમની ટીકા થઈ હતી.

2002, 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણી મોદી મણિનગર વિધાનસભાથી લડ્યા હતા અને જીત્યા હતા. ભાજપે પણ આ ચૂંટણીઓમાં જ્વલંત વિજય મેળવ્યો હતો.

ગુજરાતમાં સૌથી લાંબા સમય માટે મુખ્ય મંત્રી રહ્યા પછી મોદીની આગેવાનીમાં 2014માં ભાજપે લોકસભાની ચૂંટણી લડી અને 282 બેઠકો જીતીને તેમના નેતૃત્વમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બની.

2019માં ભાજપને તેનાથી પણ મોટી બહુમતી મળી અને 303 બેઠકો ભાજપે જીતી, મોદી ફરીથી વડા પ્રધાન બન્યા.

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી ગુમાવી અને 240 બેઠકો જ મળી. મોદી એનડીએના અન્ય પક્ષોના ટેકાથી સરકાર બનાવી શક્યા અને ત્રીજી ટર્મ માટે વડા પ્રધાન બન્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન