PM મોદીને 'અભિનંદન અને ઉજવણી'ની જાહેરાતો પાછળ ગુજરાત સરકારે રૂપિયા 8.81 કરોડ ખર્ચ્યા : RTI

ગુજરાત, બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીનાં સત્તા પર 23 વર્ષ, ભૂપેન્દ્ર પટેલ,

ઇમેજ સ્રોત, CMO Gujarat

તમે કોઈ પ્રસંગનાં પાંચ વર્ષ, દસ વર્ષ, 25, 50 કે 100 વર્ષની ઉજવણી થતી જોઈ હશે અથવા એ વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ ઘટનાનાં 23 વર્ષની ઉજવણી થતી જોઈ છે ખરી? અને એનાથી પણ વિશેષ શું તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો જોયો છે ખરો?

કંઈક આવી જ એક ઘટના ગયા વર્ષે ગુજરાતમાં બની હતી. જ્યારે 7 ઑક્ટોબર, 2024ના રોજ ગુજરાત સરકારની કેટલીક જાહેરાતો જોવા મળી હતી.

આ પૈકી એક જાહેરાત હતી, 'સફળ અને સક્ષમ નેતૃત્વનાં 23 વર્ષ'ને લગતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર હોદ્દો ધારણ કર્યાનાં 23 વર્ષ પૂરાં કરવા નિમિત્તે અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

આ જ શ્રેણીમાં બીજી જાહેરાત હતી, 'વિકાસ સપ્તાહ- 23 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વનાં'ના સંદેશો આપતી જાહેરાત.

બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારના માહિતી વિભાગમાં માહિતી અધિકારની અરજી કરીને આ જાહેરાતો પાછળ થયેલા ખર્ચની વિગતો માગી હતી. જેના જવાબમાં વિભાગે પ્રિન્ટ, ઇલેક્ટ્રૉનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયામાં આ બંને જાહેરાતો પાછળ કુલ 8,81,01,941 રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની માહિતી આપી હતી.

રાજકીય અને કાયદાકીય બાબતોના જાણકાર આ ખર્ચને 'સંપૂર્ણપણે ગેરવાજબી' અને 'પ્રજાનાં નાણાંનો દુર્વ્યય' ગણાવી રહ્યા છે. તો સામેની બાજુએ ભાજપના પ્રવક્તા 'આવો કોઈ ખર્ચ થયો હોય તો તેનો આંકડો ધ્યાને ન હોવાની' અને 'સરકારના બધા ખર્ચનું નિયમ મુજબ ઑડિટ થતો હોવાની' વાત કરે છે.

તેમજ ગુજરાતની ભાજપ સરકારના પ્રવક્તા મંત્રી "આ વિશે કોઈ જાણ ન હોવાનું" કહે છે.

ગુજરાત સરકારની આ જાહેરાતોમાં શું હતું?

ગુજરાત, બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીનાં સત્તા પર 23 વર્ષ, ભૂપેન્દ્ર પટેલ,

ઇમેજ સ્રોત, Gujarat Information/FB

આ જાહેરાતો પૈકી ગુજરાતના એક મોટા ગુજરાતી દૈનિક અખબારમાં 7 ઑક્ટોબર 2024ના રોજ અડધા પેજની એક ઊભી જાહેરાત હતી.

જેમાં લખ્યું હતું, "સફળ અને સક્ષમ નેતૃત્વનાં 23 વર્ષ" - 7 ઑક્ટોબર 2001 - ગુજરાતને મળ્યો વિકાસનો વિશ્વાસ.

અહીં નોંધનીય છે કે રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના રાજીનામા બાદ 7 ઑક્ટોબર 2001ના રોજ જ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.

આમ ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકેનું પદભાર સંભાળ્યા બાદ 7 ઑક્ટોબર, 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં ઝંપલાવ્યાની આ 23મી વર્ષગાંઠ હતી.

આ પ્રસંગે ગુજરાત સરકારે અખબારોમાં આપેલી જાહેરાતમાં નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત રાજ્યમાં સત્તાની ધુરા સંભાળવા માટે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા એ સમયની તસવીર અને તાજેતરની એક તસવીર પણ મૂકવામાં આવી હતી.

આ જાહેરાતમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંદેશ પણ છે. જેમાં વડા પ્રધાન માટે વિશેષણોની હારમાળા જોવા મળે છે, "વિકસિત ભારતના સ્વપ્નદૃષ્ટા, ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર, વિકાસપુરુષ અને યશસ્વી વડા પ્રધાન, શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન."

"વિકાસના જ્યોતિપુંજને અભિનંદન."

ગુજરાત, બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીનાં સત્તા પર 23 વર્ષ, ભૂપેન્દ્ર પટેલ,

ઇમેજ સ્રોત, Gujarat Information/FB/Arjun Parmar

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સિવાય આ જ દૈનિકમાં અંતિમ પાને આખા પેજમાં આપેલી એક જાહેરાતમાં મોટા અક્ષરે "વિકાસ સપ્તાહ" અને "23 વર્ષ... સફળ અને સક્ષમ નેતૃત્વનાં" લખેલું નજરે પડે છે.

ઉપરાંત આ જાહેરાતમાં નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં જ્યારે રાજ્યના મુખ્ય મંત્રીપદના પ્રથમ વાર શપથગ્રહણ કર્યા હતા એ સમયની તસવીર સાથે લખાયું છે કે, "ભારતના માનનીય વડા પ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ પહેલાં 7 ઑક્ટોબર 2001ના રોજ પ્રથમ વખત મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા."

આ જાહેરાતમાં નીચેની બાજુએ ખૂબ મોટી સાઇઝમાં આંકડામાં 23 લખેલું દેખાય છે, આ આંકડાની અંદર ગુજરાતની સંસ્કૃતિ અને સરકારી વિકાસના દાવાની ઝલકો દેખાય છે. ઉપરાંત આ આંકડાની આસપાસ 23 વર્ષમાં રાજ્ય સરકારના મતે સાધેલી 'પ્રગતિ' અને સરકારના મતે હાંસલ કરેલી 'સિદ્ધિઓ' વિશે લખાયું છે.

નોંધનીય છે કે 6 ઑક્ટોબર 2024ના રોજ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 7 ઑક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા તેથી રાજ્યમાં 7-15 ઑક્ટોબર સુધી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરાશે, કારણ કે ગુજરાત તેમનાં 'નિશ્ચય અને નેતૃત્વ'ને કારણે 'બહુપરિમાણીય વિકાસનું સાક્ષી' બન્યું છે.

ઑલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝની વેબસાઇટ અનુસાર 'વિકાસ સપ્તાહ'ના સાત દિવસ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા 3500 કરોડ રૂપિયા કરતાં વધુ રકમના વિકાસ પ્રોજેક્ટ્સ લૉન્ચ થવાના હતા.

માહિતીના અધિકારની અરજીમાં શું સામે આવ્યું?

ગુજરાત, બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીનાં સત્તા પર 23 વર્ષ, ભૂપેન્દ્ર પટેલ,

ઇમેજ સ્રોત, Arjun Parmar

બીબીસી ગુજરાતીએ ઉપરોક્ત બંને જાહેરાતો આપવા પાછળ કરેલા ખર્ચની વિગતો જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ, 2005 (આરટીઆઈ ઍક્ટ, 2005) હેઠળ ગુજરાતના માહિતી વિભાગને અરજી કરી હતી.

જેના જવાબમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર પદ પર 23 વર્ષ પૂરાં થવા બદલ અભિનંદન પાઠવતી અને 'સફળ અને સક્ષમ નેતૃત્વનાં 23 વર્ષ'ના સંદેશવાળી જાહેરાત માટે માહિતી વિભાગની પબ્લિસિટી શાખાએ ન્યૂઝ પેપરમાં જાહેરાત માટે અંદાજે 2.12 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યાની માહિતી અપાઈ હતી.

ગુજરાત, બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીનાં સત્તા પર 23 વર્ષ, ભૂપેન્દ્ર પટેલ,

ઇમેજ સ્રોત, Arjun Parmar

આ ઉપરાંત બીબીસી ગુજરાતીએ આરટીઆઈ ઍક્ટ અંતર્ગત વધુ એક અરજી કરી હતી, જેમાં રાજ્યના માહિતી વિભાગ પાસેથી ગુજરાત સરકારે 'વિકાસ સપ્તાહ'ની પ્રસિદ્ધિ માટે કરાયેલા ખર્ચની વિગતો માગી હતી.

જેના જવાબમાં માહિતી વિભાગે બે અલગ અલગ જવાબ આપ્યા હતા. જે પૈકી એકમાં આ હેતુ 'વિકાસ સપ્તાહ' અંતર્ગત ન્યૂઝ પેપરમાં જાહેરાતો આપવા માટે માહિતી વિભાગની પબ્લિસિટી શાખા મારફતે અંદાજે રૂ. 3,04,98,000 નો ખર્ચ કરાયો હતો.

ગુજરાત, બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીનાં સત્તા પર 23 વર્ષ, ભૂપેન્દ્ર પટેલ,

ઇમેજ સ્રોત, Arjun Parmar

તેમજ બીજા જવાબમાં રાજ્ય માહિતી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ઑફ ઇન્ફર્મેશનની શાખા દ્વારા 'વિકાસ સપ્તાહ' અંતર્ગત ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા મારફતે પ્રસિદ્ધિ માટે અંદાજે રૂ. 3,64,03,941 નો ખર્ચ કરાયો હોવાની માહિતી મળી હતી.

આમ આ બંને ઍડ્વર્ટાઇઝમેન્ટ કૅમ્પેન અંતર્ગત ગુજરાત સરકારે આશરે રૂ. 8,81,01,941 નો ખર્ચ કર્યો હતો.

ગુજરાત સરકારની જાહેરાતોને નિષ્ણાતોએ ગણાવી "જાહેર નાણાંનો દુર્વ્યય"

ગુજરાત, બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીનાં સત્તા પર 23 વર્ષ, ભૂપેન્દ્ર પટેલ,

સુપ્રીમ કોર્ટે કૉમન કોઝ વિ. યુનિયન ઑફ ઇન્ડિયા, 2015ના પોતાના એક નિર્ણયમાં સરકારી જાહેરાતો માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે અરજદાર વતી દલીલો કરી હતી.

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ગુજરાત સરકારની આ જાહેરાતોને "સત્તાનો દુરુપયોગ અને જાહેર નાણાંનો દુર્વ્યય" ગણાવ્યો હતો.

તેઓ કહે છે કે, "મારા મતે માત્ર જાહેર નાણાં વડે માત્ર વડા પ્રધાન કે અન્ય કોઈ વ્યક્તિની જાહેરાત કરવી એ સત્તાનો દુરુપયોગ હોવાની સાથોસાથ જાહેર નાણાંનો દુર્વ્યય છે."

તેમણે સરકારી જાહેરાતો માટેની માર્ગદર્શિકાના સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે વાત કરતાં કહ્યું કે, "સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે જાહેર હિત માટેની કોઈ યોજનાના જાહેરાતમાં સરકાર વડા પ્રધાનની તસવીરો મૂકી શકશે, પરંતુ એ જાહેરાતનો હેતુ વડા પ્રધાનની જાહેરાત કરવાનો ન હોઈ શકે, આવા જાહેરાતનો હેતુ વડા પ્રધાનની ઉપલબ્ધિઓની જાહેરાત કરવા ન કરી શકાય."

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ આગળ કહે છે કે, "સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે સરકારી જાહેરાતોનો મૂળભૂત હેતુ લોકોને સરકારની નીતિઓ, યોજનાઓ, સેવાઓ અને પહેલો અંગે માહિતગાર કરવાનો છે. મારા મતે ગુજરાત સરકારની આ જાહેરાતો સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આપેલી માર્ગદર્શિકાની ભાવનાનું ઉલ્લંઘન છે."

તેઓ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનના ઉલ્લંઘન અંગે વાત કરતાં કહે છે કે, "રાજ્ય અને કેન્દ્ર સરકારની ઘણી જાહેરાતોમાં આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ઘણીવાર થતું જોવા મળી રહ્યું છે. અને આવું ઉલ્લંઘન માત્ર ભાજપની સરકારો દ્વારા કરાઈ રહ્યું છે એવું નથી, જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી ત્યાંના સત્તાધારી પક્ષો પણ આવી જાહેરાતો આપી રહ્યા છે. દુર્ભાગ્યે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય યોગ્ય રીતે લાગુ નથી થયો."

ગુજરાત હાઇકોર્ટમાં પ્રૅક્ટિસ કરતા ઍડ્વોકેટ આનંદ યાજ્ઞિક આવી જાહેરાતો અંગે કહે છે કે, "આ મોદીની શાસન પર આવ્યા પછીની 23મી વર્ષગાંઠ હોય કે 24મી, આ વાતને અને સરકારની નીતિઓને કોઈ સંબંધ નથી. આ તુષ્ટિકરણના રાજકારણમાં નાનો નેતા મોટા નેતાને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે."

આ પ્રકારની જાહેરાતોની ટીકા કરતાં ઍડ્વોકેટ યાજ્ઞિક કહે છે કે, "આ પ્રકારની જાહેરાતો સરકારની લોકોપયોગી નીતિઓના પ્રચાર માટે નથી, પરંતુ લોકોને પોતાના પ્રચારનો ભોગ બનાવવા માટે છે."

તેઓ આવી જાહેરાતો અંગે કાયદાકીય પરિપ્રેક્ષ્ય આપતાં કહે છે કે, "સરકારી તિજોરીમાં સામાન્ય માણસના પૈસા છે. જેનો ન્યાયોચિત ઉપયોગ કરવા માટે તેઓ પોતાના પ્રતિનિધિઓને ચૂંટણી મારફતે નીમે છે. આમ આ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ નાણાકીય વ્યવહાર સામાન્ય જનતાના ટ્રસ્ટી તરીકે કરે છે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં લોકોનો વિશ્વાસ ચૂંટણીના માધ્યમ સ્વરૂપે મુકાયેલો છે, અને આ વિશ્વાસનો ઉપયોગ તેઓ પોતાના પ્રચાર માટે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ન કરી શકે. ભારતના બંધારણમાં કે આખા દેશમાં પ્રવર્તમાન કોઈ પણ કાયદામાં એવી જોગવાઈ નથી કે જેના અંતર્ગત કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાના પૈસે પોતાના ફોટો સાથેની જાહેરાતો આપી પોતાનો પ્રચાર કરી શકે."

તેઓ કહે છે કે અહીં એક વાત સમજવાની જરૂર છે કે, "સરકારી નીતિઓ કોઈના ચહેરાથી નથી ઓળખાતી, નીતિઓ તો કેટલી લોકોપયોગી છે તેનાથી તેની અમિટ ઓળખ બને છે. હાલ આ સરકારો આપણા પૈસાનો ઉપયોગ કરીને પોતાનો પ્રચાર કરી રહી છે. આ બિલકુલ અસ્વીકાર્ય છે."

"લોકશાહીનો અર્થ થાય છે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓથી બનતી સરકાર. આ સરકારે તમામ ખર્ચ અને નિર્ણય લોકો માટે કરવાના છે, અત્યારે સરકારની નીતિઓના પ્રચારને નામે વ્યક્તિવાદને આગળ વધારવાનું કામ થઈ રહ્યું છે. આ ભાજપ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશના દરેક પક્ષને લાગુ પડે છે."

તેઓ આગળ કહે છે કે, "જાહેરાતો થકી સરકારો મીડિયાને ખરીદવાનું કામ કરી રહી છે અને સ્વતંત્ર મીડિયાને પરતંત્ર બનાવી રહી છે."

બિઝનેસ સ્ટાન્ડર્ડના ઉત્તરપ્રદેશના બ્યૂરો એડિટર અને વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ કલહંસ ગુજરાત સરકારની આ જાહેરાતોને કૉમન કોઝ અને સેન્ટર ફૉર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દ્વારા દાખલ કરાયેલી રિટ અરજી મામલે સુપ્રીમ કોર્ટે મે 2015માં સરકારની જાહેર બાબતોની જાહેરાતો માટે સુપ્રીમ કોર્ટે મંજૂર રાખેલી માર્ગદર્શિકાનું 'ઉલ્લંઘન કરનારાં' ગણાવે છે.

તેઓ આ ખર્ચને "રાજ્યની જનતા અને તેના વિકાસ માટેનાં નાણાંનો દુરુપયોગ" ગણાવે છે.

સિદ્ધાર્થ કલહંસ કહે છે કે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ અન્ય પણ ઘણાં રાજ્યોમાં જાહેર બાબતોની જાહેરાતો માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનમાં જે ઉદ્દેશોની વાત કરાઈ છે, તેનું દરરોજ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે.

સિદ્ધાર્થ કલહંસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સત્તામાં 23 વર્ષ પૂરાં થવાની આ જાહેરાતોને 'આત્મપ્રચાર' ગણાવે છે.

"આ જાહેરાતોને જનતાથી કે જનકલ્યાણથી કોઈ લેવાદેવા નથી. આ જાહેરાતો એક મોટા નેતાનું સ્તુતિગાન કરવા પર પ્રજાકલ્યાણ માટેનાં નાણાં વેડફવાનો પ્રયાસ છે."

ગુજરાતનાં વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી સરકારી જાહેરાતો અંગે પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, "સરકારી યોજનાઓની જાહેરાત અપાય અને એ જાહેરાતમાંથી માહિતી મેળવી સમાજના વંચિત વર્ગના લોકોને કોઈ લાભ થાય તો સરકારી જાહેરાતો પાછળ થતો ખર્ચ લેખે લાગ્યો કહેવાય. પરંતુ જો કોઈ એક નેતાની વાહવાહી કરવા માટે જાહેરાતો આપવામાં આવે તો તેનાથી સમાજના છેવાડાના લોકોને કોઈ લાભ થવાનો નથી."

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈ કહે છે કે, "રાજકીય જાહેરાતો અને સરકારી જાહેરાતો બંનેમાં અંતર છે. પરંતુ ગુજરાતમાં આ ભેદરેખા ખૂબ જ ઝાંખી પડતી જઈ રહી છે."

તેઓ ગુજરાત સરકારની આ જાહેરાતોની ટીકા કરતાં કહે છે કે, "સરકાર કોઈ બાબતનાં 5 વર્ષ, દસ વર્ષ, સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલીની જાહેરાત આપે એ સમજાય છે, પણ આ 23 વર્ષ શું છે? આ બાબતે એવો સવાલ ઊભો કરી દે છે કે સરકાર શું આવા પ્રકારની જાહેરાતો દર વર્ષે આપશે?"

સુપ્રીમ કોર્ટની સરકારી જાહેરાતો માટેની માર્ગદર્શિકામાં શું છે?

ગુજરાત, બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદીનાં સત્તા પર 23 વર્ષ, ભૂપેન્દ્ર પટેલ,

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની સુપ્રીમ કોર્ટમાં કૉમન કૉઝ અને સેન્ટર ફૉર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દ્વારા કરાયેલી એક જાહેર હિતની અરજીમાં જાહેર નાણાંનો સરકાર દ્વારા સરકારી યોજનાઓની જાહેરાતો અને પ્રસિદ્ધિ માટે વિવેકપૂર્ણ અને વાજબીપણે ઉપયોગ કરવા માટે નિર્દેશ આપવા અને તેના યોગ્ય નિયમન માટે માર્ગદર્શિકા ઘડવાની માગણી કરાઈ હતી. કોર્ટે આ માટે એક સમિતિ નીમી.

આ સમિતિએ ઘડેલી ગાઇડલાઇનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, સરકારી જાહેરાતોમાં રાજકીય તટસ્થતા જળવાવી જોઈએ. તેમજ જાહેરાતોમાં કોઈ પણ રાજકારણીનું મહિમાગાન ટાળવાનું જણાવાયું છે.

તેમજ સત્તામાં હોય તે પક્ષની હકારાત્મક છબિ રજૂ કરવાનો અને તેમનો વિપક્ષની નકારાત્મક છબિ રજૂ કરવા માટેની જાહેરાતો માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવાઈ છે.

આ સિવાય રાજ્ય અને કેન્દ્રની સરકારો દ્વારા પોતાના શાસનનાં અમુક દિવસો કે વર્ષો પૂરાં થવાના પ્રસંગે પોતાની સિદ્ધિઓને લગતી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવે છે. જોકે, કોર્ટ દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર આવી જાહેરાતોનો હેતુ પ્રસિદ્ધિ નહીં, પરંતુ જાહેર જનતાને સરકારનાં કામોનાં પરિણામો જણાવવા પૂરતો હોવો જોઈએ.

આ અરજીઓના નિકાલ માટેના હુકમમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે સરકારી જાહેરાતો અને પ્રસિદ્ધિનો હેતુ સરકારની યોજનાઓ અને તેની નીતિઓ અંગે લોકોને માહિતગાર કરવાનો હોવો જોઈએ.

આમ, લોકોને માહિતગાર કરવાના હેતુની સ્વીકાર્યતા અને રાજકારણીના મહિમાગાનની અસ્વીકાર્યતા પર આ ગાઇડલાઇનમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

જોકે, આ માર્ગદર્શિકાનું કેટલી હદે પાલન કરવામાં આવે છે તે એક ચર્ચાનો વિષય છે.

ગુજરાત ભાજપ અને ગુજરાત સરકારે શું કહ્યું?

ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સાથે 'સફળ અને સક્ષમ નેતૃત્વનાં 23 વર્ષ' અને 'વિકાસ સપ્તાહ' અંગેની જાહેરાતો પાછળ થયેલા ખર્ચ અંગે તેમનો મત જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "તમારી પાસે જે ખર્ચનો આંકડો છે, એ મારી જાણ બહાર છે, મારી પાસે એના કોઈ આધિકારિક પુરાવા નથી. તેથી હું આ બાબતે કોઈ નિવેદન ન આપી શકું."

"બીજી વાત એ કે જ્યારે સરકાર કોઈ ખર્ચ કરે તો તેણે ખર્ચ કરેલા દરેકે દરેક રૂપિયાનું ઑડિટ થતું હોય છે. જો કોઈ ખોટો ખર્ચ થયો હોય, કોઈની છબિ ચમકાવવા માટે ખર્ચ થયો હોય કે બંધારણીય જોગવાઈઓની વિપરીત કોઈ ખર્ચ થયો હોય તો ઑડિટર તેને ધ્યાને લેતા હોય છે. અને એ વાત CAGના અહેવાલમાં પણ આવતી હોય છે. સરકારમાં ક્યાંય આવું ખોટું ન થતું હોય. છતાં તમે જે આંકડો કહો છો એ મારા ધ્યાનમાં નથી. "

આ ઉપરાંત બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે કહ્યું હતું કે, "મને આ વિશે જાણ નથી, બધા વિગતો અને ડૉક્યુમેન્ટ્સ જોયા પછી કંઈ કહી શકાય." આટલું કહીને પ્રવક્તા મંત્રી ફોન કાપી નાખ્યો હતો.

બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલે ગુજરાત સરકારનો પક્ષ જાણવા માટે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને તેમના વિભાગની ઑફિસને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ માટે સમય માગવા ઇમેઇલ કર્યા હતા. જોકે, હજુ સુધી તેનો કોઈ જવાબ મળ્યો નથી. તેમની પ્રતિક્રિયા મળતાં આ અહેવાલમાં અપડેટ કરાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન