અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં તોડફોડ, વાલીઓએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમદાવાદ શાળા મણિનગર ખોખરા વિદ્યાર્થી હત્યા પોલીસ વાલી ક્રાઈમ

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં સેવન્થ ડે શાળા પર ભારે પોલીસ બંદોબસ્ત હતો અને સેંકડો વાલીઓ એકઠા થયા હતા
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે શાળામાં કથિત રીતે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને ધારદાર હથિયારથી ઘા મારવાના કારણે બુધવારે સવારે શાળામાં ધમાલ મચી ગઈ હતી.

મંગળવારે હુમલાનો ભોગ બનનારા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

જેના પગલે બુધવારે સવારે સેંકડોની સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ દરમિયાન શાળામાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

શાળામાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, જેથી વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

બીબીસી ગુજરાતી અમદાવાદ શાળા મણિનગર ખોખરા વિદ્યાર્થી હત્યા પોલીસ વાલી ક્રાઈમ

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, શાળા સામે આક્રોશ વ્યક્ત કરી રહેલા વાલીઓ

લોકો શાળાની ઑફિસમાં ઘૂસી આવ્યા હતા અને ટીવી સહિત ઘણો માલસામાન તોડ્યો હતો.

તેમણે નારેબાજી કરી હતી અને શાળા સામે આરોપો લગાવ્યા હતા.

કેટલાક લોકોએ કથિત રીતે 'જયશ્રી રામ'ના નારા પણ લગાવ્યા હતા.

બીબીસી ગુજરાતી અમદાવાદ શાળા મણિનગર ખોખરા વિદ્યાર્થી હત્યા પોલીસ વાલી ક્રાઈમ

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, શાળામાં વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્ટાફને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.

વાલીઓમાં આક્રોશ

બીબીસી ગુજરાતી અમદાવાદ શાળા મણિનગર ખોખરા વિદ્યાર્થી હત્યા પોલીસ વાલી ક્રાઈમ

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, શાળા અંગે ફરિયાદ કરતા વાલી

પૂનમ પાંચાણી નામના એક વાલીએ બીબીસીને જણાવ્યું કે તેમની બે દીકરીઓ આ શાળામાં ભણે છે, જેમાંથી એક છઠ્ઠા ધોરણમાં અને એક દીકરી દશમા ધોરણમાં ભણે છે.

પૂનમ પાંચાણીએ કહ્યું કે, 'માતા પિતા બાળકોને તેમના ભવિષ્ય માટે શાળાએ મોકલે છે.'

'મહિના અગાઉ પણ ચાલુ બસમાં મારી દીકરીને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેના લિગામેન્ટ ફાટી ગયા હતા અને તેને 15 દિવસનો પાટો આવ્યો હતો.'

'ઘણી વખત છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી છતાં કોઈ ઍક્શન લેવાયા નથી.'

બીબીસી ગુજરાતી અમદાવાદ શાળા મણિનગર ખોખરા વિદ્યાર્થી હત્યા પોલીસ વાલી ક્રાઈમ

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા લોકો શાળાએ ધસી આવ્યા હતા

પુલિન વૈદ્ય નામના એક વાલીએ બીબીસીને કહ્યું કે "આ શાળાને કોઈ પણ સંજોગોમાં છોડવી ન જોઈએ."

"આજે સવારે ત્રણ વાગ્યે છોકરો મૃત્યુ પામ્યો હતો, પણ શાળાએ મૅસેજ આપીને તેની જાણ ન કરી. તેમણે ઍમ્બ્યુલન્સની રાહ જોઈ, પરંતુ પોતાની ગાડીમાં ન લઈ ગયા. પોતાની કારમાં ન લઈ જવા માટે શાળાએ પોલીસ કેસનું કારણ આપ્યું હતું."

તેમણે દાવો કર્યો કે, "અગાઉ પણ આ શાળા સામે ઘણી ફરિયાદો થઈ છે, લોકો છરી ચપ્પા લઈને આવી ચૂક્યા છે."

શાળાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમદાવાદ શાળા મણિનગર ખોખરા વિદ્યાર્થી હત્યા પોલીસ વાલી ક્રાઈમ

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, સેવન્થ ડે સ્કૂલનાં ઍડમિન ઑફિસર મયુરિકાબેન પટેલ

સેવન્થ ડે સ્કૂલનાં ઍડમિન ઑફિસર મયુરિકાબેન પટેલે મીડિયાને જણાવ્યું કે, "ગઈકાલે શાળા છૂટ્યા પછી બાળકો બહાર જતાં રહ્યાં હતાં."

"ત્યારે સામેની ગલીમાં એક બાળકને મારવામાં આવ્યો, પછી તે પોતાનું પેટ દબાવીને ઑફિસની પાછળ બેસી ગયો હતો."

"કોઈએ આવીને સ્ટાફને જાણ કરી કે તમારા બાળકને કોઈએ ચપ્પુ માર્યું છે. તરત અમે ઍમ્બ્યુલન્સને ફોન કર્યો, પરંતુ ઍમ્બ્યુલન્સ તે સમયે ન આવી."

"તેથી અમે રાહ જોયા વગર બાળકને રીક્ષામાં બેસાડીને હૉસ્પિટલે લઈ ગયા હતા. ટ્રાફિકના કારણે ઍમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હતી."

કોઈ વિદ્યાર્થી શાળામાં તીક્ષ્ણ હથિયાર લઈને કેવી રીતે આવી શકે તેવા સવાલ અંગે મયુરિકા પટેલે કહ્યું, "વિદ્યાર્થી પોતાની બેગમાં તીક્ષ્ણ હથિયાર લાવ્યું હોય તેમ લાગતું નથી. તેણે કદાચ બહાર ગાડીમાં હથિયાર રાખ્યું હશે."

પોલીસે ઘટના વિશે શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમદાવાદ શાળા મણિનગર ખોખરા વિદ્યાર્થી હત્યા પોલીસ વાલી ક્રાઈમ

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, જેસીપી જયપાલસિંહ રાઠોડ

આ વિશે અમદાવાદના સેક્ટર-2ના જૉઇન્ટ પોલીસ કમિશ્નર (જેસીપી) જયપાલસિંહ રાઠોડે મીડિયાને જણાવ્યું, "ગઈકાલે શાળામાં ધોરણ 10માં ભણતા બે વિદ્યાર્થીઓના ઝઘડામાં એક બાળક દ્વારા બીજાને છરી મારવામાં આવી હતી. ખોખરા પોલીસ દ્વારા મર્ડરના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો."

તેમણે કહ્યું કે, "જે બાળક છરીથી ઈજાગ્રસ્ત થયો હતો તેનું મૃત્યુ થયું છે. આજે સવારે સિંધી સમાજના લોકો અને બીજા વાલીઓ શાળાએ આવ્યા હતા."

"અહીં પૂરતી સંખ્યામાં પોલીસ હાજર છે. અમે એફઆઈઆર દાખલ કરી છે, મુખ્ય આરોપી ડિટેઇન કરવામાં આવ્યો છે."

પોલીસની હાજરીમાં લોકોએ શાળામાં ઘૂસીને તોડફોડ કરી તે વિશે જેસીપી રાઠોડે કહ્યું, "પોલીસ બધા સીસીટીવી જોશે અને આની વીડિયોગ્રાફી કરવામાં આવી છે."

શિક્ષણ અધિકારીએ શાળા વિશે શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમદાવાદ શાળા મણિનગર ખોખરા વિદ્યાર્થી હત્યા પોલીસ વાલી ક્રાઈમ

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી

આ ઘટના વિશે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ મીડિયાને કહ્યું, "સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ કાર્યવાહી કરશે. અમે અહીં એ વાતની તપાસ કરીશું કે શાળાની શેમાં બેદરકારી રહી ગઈ છે."

"બાળકને અડધા કલાક સુધી સારવાર માટે નહોતો લઈ જવાયો તે વાત સાચી હશે, તો અમે રિપોર્ટ કરીશું. શાળાની જવાબદારી બહાર આવશે તો સરકાર એનઓસી રદ કરી શકે છે. આ આઈસીએસઈ બોર્ડની સ્કૂલ હતી."

તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

બીબીસી ગુજરાતી અમદાવાદ શાળા મણિનગર ખોખરા વિદ્યાર્થી હત્યા પોલીસ વાલી ક્રાઈમ

ઇમેજ સ્રોત, Pawan Jaiswal

ઇમેજ કૅપ્શન, વાલીઓએ શાળાના કાર્યાલયમાં તોડફોડ કરી હતી

અમદાવાદના જૉઇન્ટ કમિશ્નર ઑફ પોલીસ (ક્રાઇમ) શરદ સિંઘલ પણ ઘટનાસ્થળે આવ્યા હતા. તેમણે મીડિયાને કહ્યું કે, "ગઈકાલે (મંગળવારે) સાડા બાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર તેના જ ક્લાસમાં ભણતા બીજા વિદ્યાર્થીઓ હુમલો કર્યો હતો."

"પોલીસે કલમ 307 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આજે સવારે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું તેથી 302ની કલમ લાગી છે."

વીડિયો કૅપ્શન, અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં તોડફોડ, વાલીઓએ શું કહ્યું?

શરદ સિંઘલે કહ્યું, "વિદ્યાર્થીને જે છરી મારવામાં આવી હતી તે પોલીસે જપ્ત કરી છે. પોલીસે બે છોકરાને ડિટેઇન કર્યા છે."

"બીજા લોકોની મદદગારી હશે, એવું બહાર આવશે તો તેમને પણ અટકાયતમાં લેવાશે. બાકી સીસીટીવી કૅમેરા જોયા પછી ખ્યાલ આવશે."

જેસીપી સિંઘલે જણાવ્યું, "સવારે વાલીઓએ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી, જેને પોલીસ કમિશનરે સ્વીકારી છે. હવે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે.

શાળા સામેના આરોપો વિશે તેમણે કહ્યું કે, "ગઈકાલે (મંગળવારે) આ બનાવ પછી વોટર ટેન્કર બોલાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો એવા આરોપ હતા."

"આ વિશે એફએસએલ બોલાવવામાં આવી છે જે તપાસ કરશે. જો પુરાવાનો નાશ કરવામાં આવ્યો, તેવું બહાર આવશે, તો તેમાં સામેલ લોકો સામે કલમ 201 હેઠળ કેસ કરાશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન