આ વ્યક્તિ ગાયોની પાસે સંગીત કેમ વગાડે છે, એનાથી ગાયો વધારે દૂધ આપવા લાગી?
- લેેખક, વિલ જેફોર્ડ
- પદ, બીબીસી ન્યૂઝ, વેસ્ટ મિડલૅન્ડ્સ
બ્રિટનના લીલાછમ અને રમણીય ગોચરનાં મેદાનોમાં હાલમાં એક નવું સંગીત સાંભળવા મળે છે.
એક સમયે અહીં પક્ષીઓનાં ગીત સંભળાતાં અને ટ્રેક્ટરના ઍન્જિનનો કર્કશ અવાજ આવતો હતો. પરંતુ હવે ખેતરના કેટલાક ભાગોમાં અલગ પ્રકારના ધ્વનિ સાંભળવા મળે છે.
અહીં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાય ખેડૂતો પોતાની ગાયો પાસે મ્યુઝિક વગાડે છે. તેનાથી ગાયોને રાહત રહે છે અને દૂધ ઉત્પાદન પણ વધે છે એવું માનવામાં આવે છે.
હાલમાં ટિકટૉક પર આવા વીડિયો વાઇરલ થયા છે અને આખી દુનિયામાં તેને કરોડો વ્યૂ મળ્યા છે. વૉર્વિકશાયરના એક ખેડૂત ચાર્લ્સ ગોડબાયે આ નવો ટ્રેન્ડ અપનાવ્યો છે. તેનું કહેવું છે કે ગાયો નજીક સંગીત વગાડવાથી લોકોને પણ ફાયદો થાય છે.
શરૂઆતમાં ચાર્લ્સ ગોડબાયે માત્ર ગાયોને શાંત રાખવા સંગીત વગાડવાનું શરૂ કર્યું હતું. પરંતુ એવું માનવામાં આવે છે કે સંગીતના કારણે ગાયો વધારે દૂધ આપે છે.
તેઓ કહે છે કે સંગીત સાંભળીને ગાયો દૂધ આપવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થાય છે.
તેઓ આના માટે રશિયન વૈજ્ઞાનિક પેવલોવના એક પ્રયોગને ટાંકે છે. આ પ્રયોગમાં કૂતરાને ખાવાનું આપતી વખતે ઘંટડી વગાડવામાં આવતી હતી. તેનાથી કૂતરા એવી રીતે ટેવાઈ ગયા કે માત્ર ઘંટડીના અવાજથી જ લાળ પાડવા લાગતા હતા. એટલે કે ઘંટડીના અવાજને તેમણે ખોરાક સાથે સાંકળી લીધો અને શારીરિક તથા માનસિક પ્રતિભાવ આપવા લાગ્યા હતા.
તેઓ કહે છે, "અમે મિલ્કિંગ પાર્લરમાં પણ હંમેશા સંગીત ચાલુ રાખતા હતા... (અને) તે માત્ર સ્ટાફના સાંભળવા માટે ન હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ પેવલોવ્ઝ ડૉગ થિયરી જેવું છે જેમાં તે ઇન્દ્રીયને જગાડે છે, તે હોર્મોનના ઉત્પાદનને અસર કરે છે. તેનાથી ગાયો વધુ ઝડપથી દૂધ રિલિઝ કરે છે."
"તેનાથી ગાયો અને કામદારો રિલેક્સ રહે છે. તેથી બધા માટે ફાયદાકારક છે."
ગાયોને કેવું સંગીત ગમે છે?

ઇમેજ સ્રોત, John Bray
ગોડબાય માટે સંગીતનો ક્રેઝ સૌથી પહેલાં ત્યારે શરૂ થયો જ્યારે ખેડૂતોએ પોતાની ગાયોને શાસ્ત્રીય સંગીત સંભળાવવાનું શરૂ કર્યું.
પરંતુ હાલમાં આખા બ્રિટનના ખેતરોમાં જૅઝ મ્યુઝિકને વધારે પસંદ કરવામાં આવે છે.
ગોડબાય કહે છે કે ગાયો કદાચ કોઈ પણ પ્રકારનાં સંગીત પર પ્રતિક્રિયા આપશે.
તેઓ કહે છે, "મને લાગે છે કે તમે ટિકટૉક પર જુઓ છો તેવા કોઈ ખેતરમાં જઈને ઉભા રહો અને કોઈ પણ સંગીત વગાડશો, તો ગાયો આવી જશે."
"ગાયોને માત્ર એ જોવું હોય છે કે શું થઈ રહ્યું છે. તમે કંઈક ચોંકાવનારું કામ કરતા નહીં હોવ ત્યાં સુધી ત્યાં સુધી તે આવશે અને રસ લઈને જોશે."
વાર્વિકશાયરના અન્ય એક ખેડૂત રૉબ હેડલીને એ બાબતે શંકા હતી કે ગાયો અલગ અલગ પ્રકારના સંગીત પર પ્રતિભાવ આપશે કે નહીં.
તેઓ કહે છે, "જૅઝ મ્યુઝિક અંગે ગાયો બહુ સહજ છે. પરંતુ તેઓ ગમે તે ચીજ માટે તૈયાર હશે. કદાચ ઓઝી ઑસ્બૉર્ન (જાણીતા બ્રિટિશ ગાયક) પણ ગમે."
"સાચું કહું તો ઓઝી ઑસ્બૉર્ન તેમને ડરાવી દેશે."
ટિકટૉક પર આ વીડિયો કેમ ધૂમ મચાવે છે?

ઇમેજ સ્રોત, John Bray
બ્રિટનમાં સોશિયલ મીડિયામાં પ્રાણીઓના વીડિયો બહુ લોકપ્રિય છે. કોઈ ખેડૂત પોતાની ગાય પાસે સંગીત વગાડતા હોય તેમાં પણ લોકોને ભારે રસ પડ્યો છે.
ગોડબાયે જણાવ્યું કે "આનું કારણ માત્ર એટલું નથી કે આ એક વિચિત્ર પદ્ધતિ છે. તેઓ કહે છે કે લોકોને ગાય બહુ ગમે છે. તેથી ગાયના વિશે કંઈ પણ હશે તેમાં રસ પડશે."
ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા આ ખેડૂતે કહ્યું કે આ ઉદ્યોગ પર આટલું બધું ધ્યાન અપાઈ રહ્યું છે તે સારી વાત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












