ગુજરાતમાં ખાતર લેવા ખેડૂતોને લાઇનમાં રહેવાની ફરજ કેમ પડી રહી છે, રાજ્યમાં ખરેખર અછત છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અમુક જિલ્લામાં રાસાયણિક ખાતર ખરીદવા માટે વેચાણ કેન્દ્રો પર ખેડૂતો લાઇનો લગાવી રહ્યા છે. ખાસ કરીને છોટા ઉદેપુર, દાહોદ વગેરે જિલ્લાઓમાં લાંબી કતારો જોવા મળી છે.
પરિસ્થિતિને થાળે પાડવા રાજ્ય સરકારે એક ટેલિફોન હેલ્પલાઇન (ફોન નંબર: 079 23256080) ચાલુ કરી છે અને ખાતરની સ્થિતિ પર નજર રાખવા જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે અને ખેડૂતોને સૂચન કર્યું છે કે ખાતરને લગતી ફરિયાદો કે રજૂઆતો આ હેલ્પલાઇન કે કંટ્રોલરૂમ મારફતે સરકારને કરે.
સાથે જ ખાતરના વેચાણમાં કોઈ 'ગેરરીતિઓ આચરાતી' હોય તો તેને ડામવાના ઉદ્દેશથી સરકારે અધિકારીઓની 64 ટીમોને કામે લગાડી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાતરની કથિત તંગીના સમાચારો આવતા રહે છે અને ખેડૂતો ખાતર વેચાણ કરતી સહકારી સંસ્થાઓ કે પ્રાઇવેટ ડીલરોની દુકાનો બહાર લાઇનો લગાવતા દેખાયા છે.
2024-25ની રવી એટલે કે શિયાળુ સિઝન દરમિયાન આવાં દૃશ્યો રચાયાં હતાં. હવે જ્યારે 2025ની ખરીફ એટલે કે ચોમાસું ઋતુના મોટા ભાગના પાકો વાનસ્પતિક વૃદ્ધિ કે ફૂલ અવસ્થાએ છે ત્યારે ખાતરની તંગીના સમાચાર આવી રહ્યા છે.
રાજ્ય સરકાર દાવો કરી છે કે 'ખાતરની તંગી નથી' પણ ખાતર ઉદ્યોગના જાણકારો કહી રહ્યા છે કે ખાતર બનાવવાના કાચા માલના વધી રહેલા ભાવોને કારણે દેશમાં ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને પરિણામે બજારમાં ખાતરની ઉપલબ્ધતા થોડી ઘટી છે.
આ વર્ષે ગુજરાતના ખેડૂતોની શું ફરિયાદો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં જૂન મહિનાની મધ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારના 4 ઑગસ્ટના આંકડા મુજબ ગુજરાતમાં 70.47 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાઈ ચૂક્યું છે.
પાછલી ત્રણ ખરીફ ઋતુ દરમિયાન સરેરાશ વાવેતર વિસ્તાર 85.57 લાખ હેક્ટર રહ્યો હતો અને તે હિસાબે આ વર્ષે 4 ઑગસ્ટ સુધીમાં 82.35 ટકા વિસ્તારમાં વાવેતર નોંધાઈ ચૂક્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂનમાં વાયેલા પાકો હવે 45થી 50 દિવસના થઈ ગયા હોવાથી યુરિયા ખાતર આપવાનો સમય થઈ ગયો છે અને પરિણામે ખેડૂતો યુરિયા ખાતર મેળવવાની કોશિશ કરી રહ્યા છે.
ખાતરની સ્થિતિ વિષે જાણકારી મેળવવા બીબીસીએ ગુજરાતના કૃષિ નિયામક પ્રકાશ રબારીનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. સંપર્ક થતા અહેવાલમાં ઉમેરી દેવાશે.
સૂત્રોએ જણાવ્યું કે સરકારે શરૂ કરેલા હેલ્પલાઇનમાં સોમવારથી બુધવાર સાંજે ચાર વાગ્યા સુધી 184 ખેડૂતોએ ફોન કરી વિવિધ રજૂઆતો કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે "એમાંથી કેટલાક ખેડૂતોના ફોન પાકની માવજત બાબતે માર્ગદર્શન માગવા સંબંધી હતા અને તેથી ધ્યાનમાં લેવાજોગ નથી, પરંતુ રજૂઆત કરનાર મોટા ભાગના ખેડૂતોએ ફોન કરી ફરિયાદ કરી કે યુરિયા ખાતર મળતું નથી. તો, વળી કેટલાકે ફરિયાદ કરી કે ખાતરની થેલી સાથે પ્રવાહી ખાતર લેવાની ફરજ પડાય છે."
ગુજરાતમાં ખરેખર ખાતરની તંગી છે?

ઇમેજ સ્રોત, @irushikeshpatel
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્ય સરકારના અધિકારીઓ તેમજ ખાતર બનાવતી સંસ્થાઓએ આ મામલે વાત કરવા તૈયારી ન બતાવી, પરંતુ ખાતર ઉદ્યોગના એક જાણકારે બીબીસીને કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે 2022ના પ્રારંભમાં શરૂ થયેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રાસાયણિક ખાતર બનાવવાના રો-મટીરિયલ એટલે કે કાચા માલની કિંમતમાં થયેલા જંગી વધારાની અસર ભારતમાં ખાતરની ઉપલબ્ધતાને અસર કરી રહી છે.
ખાતર ઉદ્યોગના એક જાણકારે બીબીસીને કહ્યું, "રો-મટીરિયલના ભાવ વધી રહ્યા છે તેથી ખાતરની પડતર કિંમત વધી રહી છે. ખાતરની છૂટક વેચાણ કિંમત પર સરકારી નિયંત્રણો છે. તેથી ખાતર બનાવતી સંસ્થાઓએ સરકારને વિનંતી કરી રહી છે કે ખાતરમાં અપાતી સબસિડીમાં વધારો કરવામાં આવે અથવા ખાતરની છૂટક વેચાણ કિંમતમાં વધારો કરવા દેવામાં આવે, પરંતુ એમાંથી એકેય માગ સ્વીકારાઈ નથી. તેથી, ખાતર ઉત્પાદકોને ખાતરનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે. તેને કારણે બજારમાં ખાતરની ઉપલબ્ધતા ઓછી છે. નેનો યુરિયા, નેનો ડીએપી વગેરે સસ્તા છે અને વધારે અસરકારક છે, પરંતુ વિવિધ પરિબળોને કારણે ખેડૂતો તેને જોઈએ તેટલા અપનાવી રહ્યા નથી."
સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું કે, "હાલમાં ખાતરના જથ્થાનું મૉનિટરિંગ કરવા માટે ટીમો સક્રિય કરવામાં આવી છે. રાજ્યમાં 54 ટીમો દ્વારા ખાતરનું વિતરણ થતું હોય તેવા 19 સ્થળે તપાસ કરવામાં આવી હતી જેમાં સાત જગ્યાએ નાની મોટી ગેરરીતિ ઝડપાઈ છે અને તેના અંગે પગલાં લેવાયાં છે."
તેમણે કહ્યું કે "અત્યારે રાજ્યમાં ઓછું ખાતર આવે છે અને આ વિશે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે."
કેન્દ્ર સરકારના આંકડા અનુસાર 2025ના માત્ર જૂન મહિનામાં જ સરકારને ખાતર સબસિડી પેટે 18,150 કરોડ એટલે કે 181.50 અબજ રૂપિયાનો ખર્ચ થયો છે.
ગુજરાતમાં કેટલું ખાતર વપરાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં વપરાતા રાસાયણિક ખાતરોમાં યુરિયા, ડીએપી (ડાઈ એમોનિયમ ફોસફેટ), એમઓપી એટલે કે મ્યુરિએટ ઑફ પોટાશ અને એનપીકેએસ (નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર) મુખ્ય છે.
ડીએપીમાં યુરિયા અને ફોસ્ફરસ બંને હોય છે કે જે શરૂઆતના તબક્કામાં છોડને વૃદ્ધિ પામવામાં મદદરૂપ બને છે. યુરિયામાં નાઇટ્રોજન હોય છે જે છોડની વૃદ્ધિમાં મદદ કરે છે.
એનપીકેએસ મિશ્ર ખાતર છે. તે સામાન્ય રીતે એનપીકે કૉમ્બિનેશનમાં વધારે મળતું હોય છે. તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ ઉપરાંત પોટાશ પણ હોય છે જે છોડને વધારાનું પોષણ પૂરું પાડે છે.
ડીએપી અને એનપીકે પાયાના ખાતર ગણાય છે એટલે કે તે સામાન્ય રીતે પાકની વાવણી પહેલાં જમીન તૈયાર કરી વાવી દેવાય છે, જ્યારે યુરિયા પૂરક ખાતર ગણાય છે.
કોઈ પાકોને કોઈ ખાસ પોષાકતત્વની જરૂર હોય તો તેવું ખાતર પાકમાં શિંગ-દાણા થવાની અવસ્થાએ અપાય છે.
ઉદાહરણ તરીકે મગફળીના પાકમાં અપાતા ઝીંક સલ્ફેટ , ફોસ્ફેટ વગેરે જે પૂરક ખાતર તરીકે ઓળખાય છે. એમઓપીમાં પોટેશિયમ ક્લોરાઇડ હોય છે અને તે પણ એક અગત્યનું પૂરક ખાતર ગણાય છે.
3 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યસભામાં પુછાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારનાં રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં વપરાયેલ ખાતરની માહિતી આપી હતી. તેમાં ગુજરાતને પૂરું પડાયેલા ખાતરની પણ માહિતી આપી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
લેખિત જવાબમાં આપેલ માહિતી મુજબ 2024ની ખરીફ ઋતુ દરમિયાન ગુજરાત સરકારે 11.85 લાખ મેટ્રિક ટન યુરિયાની માગણી કરી હતી. યુરિયાની એક થેલીમાં 45 કિલો ખાતર ભરેલું હોય છે અને તે હિસાબે આ જથ્થો 2.63 કરોડ થેલીથી પણ વધારે થાય. તેની સામે કેન્દ્ર સરકારે આશરે 2.92 કરોડ થેલી યુરિયાની ફાળવણી કરી હતી. જોકે ખરેખર વપરાશ 2.38 કરોડ થેલી જ રહ્યો હતો.
તે જ રીતે ડીએપી માટે રાજ્ય સરકારની 3.50 લાખ ટનની માગણી કરી હતી. ડીએપીની એક થેલીમાં 50 કિલો ખાતર ભરેલું હોય છે. તે હિસાબે 3.50 લાખ મેટ્રિક ટન એટલે 70 લાખ થેલી થાય. તેની સામે કેન્દ્ર સરકારે 64.40 લાખ થેલીની ફાળવણી કરી હતી અને વપરાશ 52.20 લાખ થેલી રહ્યો હતો.
એમઓપીની 50 કિલોની એક એવી 7 લાખ થેલીની માગણી સામે 12.80 લાખ થેલીની ફાળવણી કરાઈ હતી અને વપરાશ 5.20 લાખ થેલીરહ્યો હતો.
એનપીકેએસની માગણી 50 કિલોની એક એવી 60 લાખ થેલી હતી, ફાળવણી 1.13 કરોડ થેલી અને વપરાશ 77.20 લાખ થેલી રહ્યો હતો.
આમ, ગત વર્ષની ખરીફ ઋતુમાં ગુજરાતમાં કુલ 3.73 કરોડ થેલી રાસાયણિક ખાતર વપરાયું હતું.
2024-25ની શિયાળુ સિઝનમાં માટે રાજ્ય સકારે 1.20 કરોડ થેલી યુરિયાની કરેલી માગણી સામે 1.23 કરોડ થેલીની ફાળવણી કરાઈ હતી અને 26 નવેમ્બર 2024 સુધીમાં 73.77 લાખ થેલીનો વપરાશ થયો હતો.
ડીએપી માટે આ આંકડા 33.80 લાખ થેલી, 38.60 લાખ થેલી અને 32.40 લાખ થેલી હતા. એમોપીના આંકડા 6.80 લાખ થેલી, 12 લાખ થેલી અને 6.40 લાખ થેલી હતા. તેવી જ રીતે એનપીકેએસના આંકડા 37.409 લાખ થેલી, 66.20 લાખ થેલી અને 44.80 થેલી હતા.
ગુજરાત સરકારે ખાતર મામલે શું પગલાં લીધાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂતોને ખાતરની બાબતમાં માર્ગદર્શન અને સહાય કરવા રાજ્ય સરકારે હેલ્પલાઇન અને કંટ્રોલરૂમ શરૂ કર્યાં છે. રવિવારે રાજ્ય સરકારની એક અખબારી યાદીમાં રાજ્યના ખેતી નિયામકની કચેરીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને ખાતરની ઉપલબ્ધતા, વિતરણ કે અન્ય બાબતો અંગે રજૂઆત કરી શકશે.
આ હેલ્પલાઈન નંબર સવારે 8 વાગ્યાથી રાત્રે 8 કલાક સુધી કાર્યરત્ રહેશે.
ઉપરાંત સરકારે મંગળવારની એક અખબારી યાદીમાં જણાવ્યું કે "કૃષિ વિભાગ દ્વારા રાજ્યના રાસાયણિક ખાતરના સુચારુ વિતરણ અને તેની સબસિડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુરિયા ખાતરના ઔદ્યોગિક ઉપયોગની શક્યતા, કાળા બજાર, કૃત્રિમ ખાધ ઊભી કરવી, સંગ્રહખોરી જેવા મુદ્દાઓ તથા દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે માટે રાજ્યના ત્રણ અધિક કલેક્ટરને છ-છ જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે અને કૃષિ વિભાગની 64 ટીમો આ કામે ફાળવાઈ છે."
યાદીમાં સરકારે જણાવ્યું કે આ ટીમો ખાતરના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતા વિતરણની વ્યવસ્થા, પીઓએસ મશીન દ્વારા થતા વેચાણના આંકડાની ચકાસણી, ભૌતિક રીતે હાજર સ્ટોકની ચકાસણી અને નિયમ મુજબના સ્ટોકપત્રક નિભાવણીની તપાસ વગેરે કામગીરી કરી રહી છે.
યાદીમાં સરકારે ઉમેર્યું કે "તપાસના પ્રથમ દિવસે, એટલે કે ચાર ઑગસ્ટ, 2025ના રોજ 18 જિલ્લામાં કુલ 56 વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરાઈ અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરાઈ હતી, પ્રથમ દૃષ્ટિએ કુલ 17 જેટલી વિસંગતતા સામે આવી જે માટે નોટિસ આપી છે અને ચાર ડીલરોના કિસ્સામાં 'યુરિયા શંકાસ્પદ' અન્ય હેતુ માટે ડાયવર્જન જણાતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે."
આ ઉપરાંત સરકારે મંગળવારની એક અખબારી યાદીમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગુજરાતને યુરિયાની 17.77 થેલી જેટલા વધારાના જથ્થાની ફાળવણી કરી છે અને છેલ્લા અઠવાડિયામાં રાજ્યને 7.62 લાખ થેલી વધારાનું યુરિયા ખાતર મળ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












