ગુજરાત : ખેડૂતો આ વર્ષે મગફળીનું વાવેતર કેમ વધારે કરી રહ્યા છે, ટેકાનો ભાવ શું છે?

ગુજરાત, મગફળીનું વાવેતર, કપાસનું વાવેતર, ગુજરાતના મુખ્ય પાકો, બીબીસી ગુજરાતી, ગુજરાતની ખેતી, ગુજરાતમાં ખેતી, ખેત ઉત્પાદન, જૂનાગઢ

ઇમેજ સ્રોત, BipinTankaria/getty

ઇમેજ કૅપ્શન, જૂનાગઢના ભેસાણ તાલુકાના ખારચિયા ગામે મગફળી વાવી રહેલા ખેડૂત સુરેશભાઈ વાળાની 19 જૂન, 2025ના રોજ લેવાયેલી તસવીર
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં ચોમાસું સમયસર 16મી જૂને પહોંચી જતા ખેડૂતો ખરીફ એટલે કે ચોમાસુ પાકોની વાવણીનું કામ પૂરજોશમાં કરી રહ્યા છે.

રાજ્યમાં લગભગ સાર્વત્રિક વરસાદ થતા ગુજરાતના બે મુખ્ય ચોમાસુ પાક કપાસ અને મગફળીનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને રાજ્ય સરકારે કેટલા વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કરી દીધું છે તેના આંકડા અઠવાડિક ધોરણે આપવાનું ચાલુ કર્યું છે.

શરૂઆતના અઠવાડિયાના આંકડા સંકેત આપે છે કે રાજ્યમાં આ વર્ષે મગફળીનો વાવેતર વિસ્તાર વધારે રહેશે. કપાસનું વાવેતર ધીમું ચાલી રહ્યું હોય તેવા અણસાર વચ્ચે કૃષિ નિષ્ણાતો તો એવું અનુમાન કરી રહ્યા છે કે આ વર્ષે મગફળીના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થશે અને મગફળીના વાવેતરમાં એક નવો રેકૉર્ડ (વિક્રમ) સ્થપાશે.

મગફળીના વાવેતર વિસ્તારમાં વધારાના સંકેતો સરકારે આ પાકને છેલ્લાં બાર વર્ષથી સતત આપેલા પ્રોત્સાહન અને કપાસના પાકમાં ઘટી રહેલા વળતર વચ્ચે આવી રહ્યા છે.

ભારત સરકારે મગફળીના લઘુતમ ટેકાના ભાવમાં છેલ્લાં બાર વર્ષમાં 100 ટકા કરતાં પણ વધારે વધારો કર્યો છે, જ્યારે કપાસના ટેકાના ભાવમાં એવો વધારો કર્યો નથી અને સાથે જ આ બે પાકોના બજારભાવમાં રહેલા તફાવત હવે નજીવો થઈ ગયો છે.

ગુજરાતમાં મગફળી અને કપાસનું વાવેતર ક્યાં પહોંચ્યું છે?

ગુજરાત, મગફળીનું વાવેતર, કપાસનું વાવેતર, ગુજરાતના મુખ્ય પાકો, બીબીસી ગુજરાતી, ગુજરાતની ખેતી, ગુજરાતમાં ખેતી, ખેત ઉત્પાદન, જૂનાગઢ

ઇમેજ સ્રોત, BBC/ Gopal Kateshiya

ઇમેજ કૅપ્શન, પોતાની વાડીમાં વાવેલી ગિરનાર-4 મગફળીના પાક સાથે મુકેશ રામાણી

ગુજરાત સરકારના ખેતી નિયામકની કચેરી દ્વારા 30 જૂને જાહેર કરેલા અઠવાડિક આંકડા અનુસાર રાજ્યમાં ખેડૂતોએ 33.91 લાખ હેક્ટર (સવા છ વીઘાએ એક હેક્ટર અને 2.48 એકરે એક હેક્ટર)માં ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું છે.

ગુજરાતમાં પાછલા કેટલાય દાયકાથી ચોમાસામાં સામાન્ય રીતે કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે અને મગફળી બીજા નંબરે હોય છે, પરંતુ આ વર્ષે શરૂઆતના આંકડામાં આ પ્રવાહ બદલાયો છે.

30 જૂનના આંકડા અનુસાર ખેડૂતોએ મગફળીનું વાવેતર 15.44 લાખ હેક્ટરમાં કરી દીધું છે, જ્યારે કપાસનું વાવેતર 14 લાખ હેક્ટરમાં જ થયું છે. આમ, 30 જૂનની સ્થિતિએ મગફળીનો વાવેતર વિસ્તાર કપાસ કરતાં 1.44 લાખ હેક્ટર વધારે હતો.

પાછલાં ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં સરેરાશ 17.50 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. તે જ રીતે કપાસનું વાવેતર 25.34 લાખ હેક્ટરમાં થયું હતું.

એટલે કે રાજ્યમાં મગફળીના સરેરાશ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે 30 જૂન સુધીમાં જ 88.22 ટકા જેટલા વિસ્તારમાં તો આ પાકનું વાવેતર થઈ ગયું છે. તો સામે કપાસમાં આ વાવેતર 55.23 ટકા જેટલું એટલે કે લગભગ અડધું જ થયું છે.

પાછલાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં ચોમાસામાં સરેરાશ 85.57 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે અને તે દૃષ્ટિએ 33.91 લાખ હેક્ટરમાં થયેલું વાવેતર સરેરાશના 39 .63 ટકા થાય.

ગુજરાતમાં ખેડૂતો એરંડાનું વાવેતર જુલાઈ મહિનો અડધો પસાર થઈ ગયા બાદ કરતા હોવાથી રાજ્ય સરકાર વાવેતરના આંકડા ઑગસ્ટ મહિનાના અંત સુધી અપડેટ કરતી રહે છે.

તે રીતે મગફળી અને કપાસના આંકડામાં પણ ઉત્તરોત્તર વધારો થશે અને તે પ્રક્રિયા સામાન્ય રીતે જુલાઈ મહિનાના અંત સુધી ચાલતી હોય છે, કારણ કે ગ્રામસેવકો તેમના નિરીક્ષણોને આધારે રાજ્ય સરકારને પોતપોતાના વિસ્તારમાં થયેલા વાવેતરના અંદાજે આંકડા અઠવાડિક ધોરણે મોકલતા રહે છે.

કપાસ કરતાં મગફળીનું વાવેતર કેમ વધી રહ્યું છે?

ગુજરાત, મગફળીનું વાવેતર, કપાસનું વાવેતર, ગુજરાતના મુખ્ય પાકો, બીબીસી ગુજરાતી, ગુજરાતની ખેતી, ગુજરાતમાં ખેતી, ખેત ઉત્પાદન, જૂનાગઢ

ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ શહેરની ભાગોળે 20 જૂન, 2025ના રોજ મગફળીનું વાવેતર કરી રહેલાં ખેડૂતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મગનલાલ ધાંધલિયા જૂનાગઢમાં આવેલી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોસ્ટ-ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍગ્રિબિઝનેસ મૅનેજમૅન્ટમાંથી 30 જૂને કૃષિ અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા છે.

મગનલાલ ધાંધલિયા કહે છે કે મગફળીનું વાવેતર વધવાનાં કારણોમાં મગફળીના બજારભાવ અને કપાસની ઘટી રહેલા ઉત્પાદકતા મુખ્ય છે.

તેઓ કહે છે, "કપાસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રશ્નો થઈ રહ્યા છે. બીટી જિનનો જુસ્સો ઘટતા કપાસની ઉત્પાદકતા ઘટી રહી છે. ઉપરાંત મજૂરોની પણ સમસ્યા છે અને કપાસની ખેતીમાં મજૂરોની જરૂર વધારે રહે છે. સામે પક્ષે, મગફળીની ખેતીમાં મજૂરોની જરૂર તેટલી રહેતી નથી. વળી, કપાસ લાંબા ગાળાનો પાક છે, જ્યારે મગફળી ટૂંકા ગાળાનો પાક હોવાથી ખેડૂતો મગફળીના પાક બાદ શિયાળામાં ઘઉં કે ચણાનો પાક લઈ શકે છે. તેમજ ભારત તેની ખાદ્યતેલોની કુલ જરૂરિયાતનું સાઠ ટકા તેલ વિદેશોમાંથી આયાત કરે છે."

"નિકાસ ઘટાડી દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધે તે માટે ભારત સરકાર મગફળી સહિત તેલીબિયાંના ટેકાના ભાવોમાં ઉત્તરોત્તર વધારો કરી રહી છે. કપાસના ટેકાના ભાવોમાં એટલો વધારો નથી થયો. તેના કારણે મગફળી અને કપાસના બજારભાવોમાં પહેલાં જે પ્રતિ મણ પાંચસોથી છસ્સોનો તફાવત હતો તે બસ્સોથી ત્રણસો થઈ ગયો છે."

પ્રોફેસર ધાંધલિયા કહે છે, "ઊંચા ટેકાના ભાવ અને ટેકાના ભાવે સરકાર દ્વારા થતી ખરીદીને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મગફળીના બજારભાવ પણ ઊંચા રહ્યા છે. તેના કારણે ખેડૂતો માટે મગફળીનો પાક વધારે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે અને તેનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે."

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રના વડા ડૉ. રમેશ માદરિયા કહે છે કે "મગફળીની ઉત્પાદકતા એટલે કે પ્રતિ વીઘે ઉતારો પણ એક મહત્ત્વનું પરિબળ બની ગયું છે."

તેઓ કહે છે, "નવી સંશોધિત જાતોનાં બિયારણ ખેડૂતો સુધી પહોંચતાં અને છેલ્લાં કેટલાંક વર્ષોથી અનુકૂળ વાતાવરણને કારણે મગફળીની ઉત્પાદકતા વધી છે અને તેથી ખેડૂતો મગફળી તરફ આકર્ષાઈ રહ્યા છે."

ગુજરાતના ખેડૂતો મગફળી કેમ વધુ વાવે છે?

ગુજરાત, મગફળીનું વાવેતર, કપાસનું વાવેતર, ગુજરાતના મુખ્ય પાકો, બીબીસી ગુજરાતી, ગુજરાતની ખેતી, ગુજરાતમાં ખેતી, ખેત ઉત્પાદન, જૂનાગઢ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસીમાં કપાસની હરાજી (પ્રતીકાત્મક તસવીર)

24 જૂને જૂનાગઢ ખાતે આવેલી ભારતીય મગફળી સંશોધન સંસ્થા દ્વારા મગફળી વિષે સંશોધન કરી રહેલા સંશોધકો અને મગફળીના બિયારણ ઉત્પાદકો-વિક્રેતાઓની એક મીટિંગનું આયોજન કર્યું હતું.

ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ મીટ-2025 નામની મીટિંગને સંબોધિત કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એનડી ઢોલરિયાએ કહ્યું હતું કે મગફળીનો વાવેતર વિસ્તાર ગુજરાત અને ભારતમાં આ વર્ષે વધશે.

તેમણે કહ્યું હતું, "ગુજરાતમાં મગફળીના વાવેતર વિસ્તારનો રેકૉર્ડ 21 લાખ હેક્ટર (જે વર્ષ 2020માં નોંધાયો હતો) છે, પરંતુ આ વર્ષે તે રેકૉર્ડ તૂટે તેવો અંદાજ છે અને મગફળીનો વાવેતર વિસ્તાર બાવીસ લાખ હેક્ટર જેટલો થઈ શકે છે. તે જ રીતે ભારતમાં આ પાકનો વાવેતર વિસ્તાર વધીને સિત્તેરેક લાખ હેક્ટર થઈ જાય તેવો અંદાજ છે."

તે મીટિંગના આયોજક એવા ભારતીય મગફળી સંશોધન સંસ્થાના ડાયરેક્ટર ડૉ. સંદીપકુમાર બેરાએ કહ્યું હતું કે મગફળી ભારત માટે એક અતિ મહત્ત્વનો તેલીબિયાં પાક છે.

બેરા કહે છે, "મગફળી જ એક એવો તેલીબિયાં પાક છે જેના દાણામાં પચાસ ટકા જેટલું તેલ હોય છે અને તેથી જો મગફળીનું ઉત્પાદન વધે તો દેશમાં ખાદ્યતેલોનું ઉત્પાદન વધે. મગફળીનું ઉત્પાદન વધારવા મગફળીની ઉત્પાદકતા અને વાવેતર વિસ્તાર વધારવા પડશે અને તે માટે મગફળીનું ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ વધારે માત્રામાં ખેડૂતોને મળી રહે તેવા પ્રયાસો સંશોધકો અને બિયારણ વિક્રેતાઓએ કરવા પડશે."

ભારતમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવાં રાજ્યોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે અને દેશમાં રવી અને ઉનાળુ સિઝનના વાવેતર સહિત મગફળીનો વાવેતર વિસ્તાર છેલ્લાં પાંચ વર્ષમાં પચાસ લાખ હેક્ટરથી સાઠ લાખ હેક્ટરની આજુબાજુ રહ્યો છે.

ગુજરાતમાં ગત વર્ષે મગફળી અને કપાસનું કેટલું વાવેતર થયું હતું?

ગુજરાત, મગફળીનું વાવેતર, કપાસનું વાવેતર, ગુજરાતના મુખ્ય પાકો, બીબીસી ગુજરાતી, ગુજરાતની ખેતી, ગુજરાતમાં ખેતી, ખેત ઉત્પાદન, જૂનાગઢ

ઇમેજ સ્રોત, Gopal kateshiya/BBC

ઇમેજ કૅપ્શન, 24 જૂને જૂનાગઢ ખાતે મગફળી વિષે સંશોધન કરી રહેલા સંશોધકો અને મગફળીના બિયારણ ઉત્પાદકો-વિક્રેતાઓની એક મીટિંગનું આયોજન કર્યું હતું

આ વર્ષે રાજ્યમાં ચોમાસું બેસવાની સાથે જ મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ જતા ગત વર્ષે 30 જૂન સુધીમાં 24.40 લાખ હેક્ટરમાં નોંધાયેલા વાવેતરની સરખામણીએ આ વર્ષે 33.91 એટલે કે લગભગ 34 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

ગત વર્ષે 30 જૂન સુધી મગફળીનું વાવેતર નવ લાખ હેક્ટરમાં જ થયું હતું, જ્યારે કપાસનું વાવેતર 12.72 લાખ હેક્ટરમાં થઈ ગયું હતું.

આમ, ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન મગફળી કરતાં કપાસનું વાવેતર લગભગ પોણા ચાર લાખ હેક્ટર જેટલું વધારે હતું.

2024ની ખરીફ ઋતુ દરમિયાન કપાસનું કુલ વાવેતર 23.71 લાખ હેક્ટરમાં અને મગફળીનું કુલ વાવેતર 19.08 લાખ એટલે કે લગભગ ઓગણીસ લાખ હેક્ટરમાં નોંધાયું હતું.

2023માં કપાસનું વાવેતર 26.82 લાખ હેક્ટરમાં અને મગફળીનું વાવેતર 16.35 લાખ હેક્ટરમાં નોંધાયું હતું.

આમ, 2023ની સરખામણીએ 2024માં કપાસના વાવેતરમાં ત્રણ લાખ હેક્ટર એટલે કે પાંચ ટકા કરતા પણ વધુનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે મગફળીના વાવેતરમાં 2.73 લાખ હેક્ટર એટલે કે લગભગ નવ ટકા જેટલો વધારો નોંધાયો હતો.

ગુજરાતમાં મગફળીનો ટેકાનો ભાવ શું છે?

ગુજરાત, મગફળીનું વાવેતર, કપાસનું વાવેતર, ગુજરાતના મુખ્ય પાકો, બીબીસી ગુજરાતી, ગુજરાતની ખેતી, ગુજરાતમાં ખેતી, ખેત ઉત્પાદન, જૂનાગઢ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસી યાર્ડમાં મગફળીની થઈ રહેલી હરાજી

કેન્દ્ર સરકારના આંકડા મુજબ 2013-14માં મગફળીનો ટેકાનો ભાવ 652 રૂપિયા પ્રતિ મણ હતો. ગત વર્ષે તે 1,356 રૂપિયા હતો.

આ વર્ષ એટલે કે 2025-26માં સરકારે તેમાં 96 રૂપિયાનો વધારો કરતાં તેને 1452 રૂપિયા પ્રતિ મણ નિર્ધારિત કર્યો છે.

આમ, બાર વર્ષમાં મગફળીનો ટેકાનો ભાવ બે ગણાથી પણ વધારે વધ્યો છે. તો સામે પક્ષે કપાસનો ટેકાનો ભાવ 2013-14માં 802 રૂપિયા હતો તે 2025-26માં વધીને 1,542 થયો છે. એટલે કે કપાસનો ભાવ આ સમયગાળામાં બમણો થયો નથી.

વળી, કપાસ અને મગફળીના ભાવ વચ્ચેનો તફાવત માત્ર નેવું રૂપિયા જેટલો જ રહ્યો છે.

"કપાસની નિકાસને તાજેતરનાં વર્ષોમાં ફટકો પડ્યો છે અને તેથી ખેડૂતોને કપાસના ભાવ વધારે મળતા નથી. બીજી તરફ સરકાર મોટા પાયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતી હોવાથી ખેડૂતોને એક નિશ્ચિત માર્કેટ અને નિશ્ચિત ભાવ પણ મળી રહ્યા છે. તેના કારણે પણ ખેડૂતો મગફળી તરફ વળ્યા છે," તેમ પ્રો. ધાંધલિયા ઉમેરે છે.

2024-25માં રાજકોટ એપીએમસી (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)માં મગફળીના સરેરાશ ભાવ 1150 અને કપાસના સરેરાશ ભાવ 1450 રૂપિયા રહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન