ગુજરાત : જીરું વાવતા ખેડૂતોને હવે મણનો 10,000 રૂપિયા જેટલો ભાવ કેમ નથી મળતો?

ગુજરાત, જીરું, જીરાનો ભાવ, ઊંઝા, એપીએમસી, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં જીરું, ગુજરાતના ખેડૂતો, ગુજરાતમાં ખેતી, જીરું નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં એક સમયે એક મણ જીરુંનો ભાવ આસમાને પહોંચ્યો હતો
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં એક સમયે એક મણ જીરુંનો ભાવ આસમાને પહોંચ્યો હતો, એટલે કે સરેરાશ 10,000ની આસપાસ ખેડૂતોને ભાવ મળ્યો હતો. જોકે એ પછીના ગાળામાં પહેલાં જેવો ભાવ નથી મળતો.

દેશમાં સૌથી વધુ જીરું ઉત્પાદન કરવામાં ગુજરાત રાજ્ય મોખરે છે. બીજા નંબરે રાજસ્થાન આવે છે. ભારત દેશ જીરું નિકાસ કરવામાં મોખરે છે. જોકે ભારતનું 90 ટકા જીરુંનું ઉત્પાદન માત્ર આ ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યમાં જ થાય છે.

વર્ષ 2022-23માં જીરાનો ભાવ એક મણનો 13 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે હાલના સમયમાં જીરાનો ભાવ 4400ની આસપાસ ચાલી રહ્યો છે.

ભારત પાસેથી જીરું ખરીદનાર દેશોમાં ચીન મોખરે છે. જોકે છેલ્લાં બે વર્ષથી ચીને પણ જીરાના ઉત્પાદનમાં વધારો કર્યો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

ભારતમાં ગયા વર્ષે 1 કરોડ 3 લાખ બોરી (એક બોરીમાં 55 કિલો વજન હોય) જીરું ઉત્પાદન કર્યું હતું. આ વર્ષે પણ 1 કરોડ જીરું ઉત્પાદન થવાનો અંદાજ છે.

વર્ષ 2023 પહેલાં જીરાનો કેટલો ભાવ હતો?

વીડિયો કૅપ્શન, ચણાની ખેતી કરવાનો સૌથી સારો સમય કયો? સારું ઉત્પાદન આપતી જાતો કઈ?

એક સમય હતો જ્યારે જીરાનો ભાવ 2000 રૂપિયા (એક મણ) મળે તો ખેડૂતો ખુશખુશાલ થઈ જતા હતા. જોકે ત્યાર પછી એમાં સતત વધારો જોવા મળ્યો છે.

ફેડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટૉક હોલ્ડર્સ સભ્ય અને જીરાના નિકાસકાર ભરત દશાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "જીરાનો ભાવ સામાન્ય રીતે 130થી 175 (એક કિલો) સુધી રહેતો હતો. લગભગ 10 વર્ષ સુધી આ ભાવ રહેતો હતો. ત્યાર બાદ વર્ષ 2014માં જીરાનો ભાવ વધીને એક કિલોના 214 રૂપિયાએ પહોચ્યો હતો. ભાવ વધવાને કારણે ખેડૂતોએ જીરાનું વાવેતરના વિસ્તારમાં વધારો કર્યો હતો. ઉત્પાદનમાં વધારો થવાને કારણે પાછો ભાવ ઘટીને 175 (એક કિલો) સુધી પહોંચી ગયો હતો. ત્યાર બાદ જીરાનો આગળના વર્ષનો જથ્થો ઓછો થતા થતા 9 વર્ષ વીતી ગયાં હતાં."

તો ઊંઝા એપીએમસી માર્કેટના સભ્ય મીતેશ પટેલનું કહેવું છે કે સામાન્ય રીતે જીરાનો એક કિલોનો ભાવ 170-180 સુધી રહે છે. વર્ષ 2021-22માં પણ જીરાનો ભાવ 220 સુધી હતો.

વર્ષ 2023માં જીરાનો ભાવ કેમ 13 હજારે પહોંચી ગયો હતો?

ગુજરાત, જીરું, જીરાનો ભાવ, ઊંઝા, એપીએમસી, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં જીરું, ગુજરાતના ખેડૂતો, ગુજરાતમાં ખેતી, જીરું નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2023માં જીરાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાને કારણે એક કિલોનો ભાવ 650 રૂપિયાએ પહોંચી ગયો હતો

કૉમૉડિટી ઍક્સપર્ટ અજય કેડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "ભારતમાં જીરાનો વપરાશ અને નિકાસ મળીને 80 લાખ બોરીની જરૂર હોય છે. વર્ષ 2022-23માં માત્ર 65 લાખ બોરી જીરાની આવક થઈ હતી. માગ સામે પુરવઠો ઓછો હતો. આથી વર્ષ 2023માં જીરાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. એ વર્ષે જીરાનો ભાવ એક મણના 13000 રૂપિયા સુધી પહોચ્યો હતો."

ભરત દશાણી જણાવે છે કે "2023માં જીરાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાને કારણે એક કિલોનો ભાવ 650 રૂપિયાએ પહોંચી ગયો હતો. બીજા વર્ષે ઉત્પાદનમાં બંપર વધારો થયો, જેને કારણે 2024માં જીરાનો ભાવ ગગડીને 220 રૂપિયાએ પહોંચી ગયો હતો. આ વર્ષે 2025માં ફેબ્રુઆરી માર્ચમાં જીરાનો નવો પાક બજારમાં આવશે. આ સમયે જીરાનો એક કિલોનો ભાવ 200 રૂપિયાએ પહોંચી જશે. જોકે ત્યાર બાદ 230 સુધી જળવાઈ રહેશે."

મીતેશ પટેલ જણાવે છે કે વર્ષ 2022-23માં જીરાનું ઉત્પાદન ઓછું હોવાને કારણે જીરાનો ભાવમાં વિક્રમજનક વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2024માં જીરાનો એક કિલોનો ભાવ 240 સુધી પહોચ્યો હતો. આ વર્ષે જીરાનો એક કિલોનો ભાવ 220 રૂપિયા જળવાઈ રહેશે.

નિકાસમાં વધારો છતાં ભાવ કેમ વધતો નથી?

ગુજરાત, જીરું, જીરાનો ભાવ, ઊંઝા, એપીએમસી, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં જીરું, ગુજરાતના ખેડૂતો, ગુજરાતમાં ખેતી, જીરું નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એપ્રિલ 2023થી માર્ચ 2024 એક વર્ષમાં 28 લાખ 12 હજાર બોરી જીરું નિકાસ કરવામાં આવ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફેડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટૉક હોલ્ડર્સના વાઇસ ચૅરમૅન કાર્તિક ઉદયન જણાવે છે કે ભારતમાંથી "એપ્રિલ 2023થી માર્ચ 2024 એક વર્ષમાં 28 લાખ 12 હજાર બોરી જીરું નિકાસ કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે એપ્રિલ 2024થી નવેમ્બર 2024 નવ મહિનામાં 32 લાખ 90 હજાર બોરીની નિકાસ કરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીમાં માત્ર નવ મહિનામાં જ 25 કિલો નિકાસ વધારે કરવામાં આવી છે."

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2024, જાન્યુઆરી 2025 સુધી 40 લાખ જીરાની બોરીની નિકાસ કરવામાં આવી છે. આ વર્ષે જીરાનો ભાવ ઓછો હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જીરાની માગ વધી રહી છે. જેથી નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે.

અજય કેડિયા જણાવે છે કે "વર્ષ 2022માં જીરાના ભાવમાં થયેલા વધારાને ધ્યાને રાખીને ભારત સહિત વિશ્વના ઈરાન, સીરિયા તેમજ ચીન વગેરે દેશોના ખેડૂતોએ જીરાના વાવેતરનો વિસ્તાર વધાર્યો હતો. વાવેતરમાં થયેલા વધારાને કારણે વર્ષ 2024માં ભારતમાં 1 કરોડ 3 લાખ બોરી જીરાનું ઉત્પાદન થયું હતું."

કાર્તિક જણાવે છે કે "ઈરાન, સીરિયા, તુર્કી પણ જીરાનું ઉત્પાદન અને નિકાસ કરે છે. ઈરાન સીરિયા દેશોમાં રાજકીય સમસ્યાઓ ચાલી રહી છે, જેને કારણે પણ ભારતની જીરાની નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે."

અજય કેડિયા કહે છે, "ભારતના સૌથી મોટો ખરીદનાર ચીન છે. છેલ્લાં બે વર્ષથી ચીને પણ ઉત્પાદનમાં વધારો કર્યો હોવાથી ચીનમાં નિકાસ ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્પાદનમાં વધારો અને નિકાસમાં ઘટાડો થતાં વર્ષ 2024ના ઉત્પાદનની જીરાની 40 લાખ બોરીનો છે."

કાર્તિક ઉદયને જણાવ્યું કે "છેલ્લાં બે વર્ષથી ચીનનું ઉત્પાદન વધ્યું છે. તેમનું ઉત્પાદન વાર્ષિક 25-30 હજાર ટન હતું જે હવે 60થી 70 હજાર ટન થઈ ગયું છે."

અજય કેડિયાનું માનવું છે કે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે એટલે નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ભારત કયા દેશોને જીરું નિકાસ કરે છે?

ગુજરાત, જીરું, જીરાનો ભાવ, ઊંઝા, એપીએમસી, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં જીરું, ગુજરાતના ખેડૂતો, ગુજરાતમાં ખેતી, જીરું નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2024માં ભારતે 40 લાખ બોરી જીરુ વિશ્વના દેશોને નિકાસ કર્યું છે

વર્ષ 2024માં ભારતે 40 લાખ બોરી જીરુ વિશ્વના દેશોને નિકાસ કર્યું છે તેમ નિષ્ણાતોનું કહેવું છે.

ભરત દશાણી જણાવે છે કે "ચીનમાં આ વર્ષે જીરાનો જથ્થો વપરાઈ ગયો છે. જેથી ચીને ડિસેમ્બર 2024થી ભારત પાસેથી જીરું ખરીદવાનું શરૂ કર્યું છે. ચીન ભારત પાસેથી જુલાઈ ઑગસ્ટ મહિના સુધી જીરું ખરીદશે. ચીન, સીરિયા અને તુર્કી વગેરે દેશામાં જીરાનો નવો પાક જુલાઈ ઑગસ્ટ મહિનામાં આવે છે. જ્યારે ભારતમાં ફેબ્રુઆરી અને માર્ચના પહેલા અઠવાડિયામાં આવે છે."

ભરત દશાણી વધુમાં કહે છે, "જીરાની નિકાસ કરનાર ભારત સૌથી અગ્રણી દેશ છે. ચીન ભારતનો સૌથી મોટો ખરીદનાર દેશ છે. ભારત દર વર્ષે 9 લાખ બોરી જીરું ચીનને નિકાસ કરે છે. બીજા નંબર પર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ખાડીદેશોમાં નિકાસ કરવામાં આવે છે. બ્રાઝિલ, યુએસ, મૅક્સિકો અને યુરોપના દેશોમાં પણ ભારત જીરું નિકાસ કરે છે. પરંતુ આ દેશોમાં ઓછું નિકાસ થાય છે."

આ વર્ષે જીરુંનું ઉત્પાદન કેવું રહેશે?

ગુજરાત, જીરું, જીરાનો ભાવ, ઊંઝા, એપીએમસી, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં જીરું, ગુજરાતના ખેડૂતો, ગુજરાતમાં ખેતી, જીરું નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ડાયરેક્ટર ઑફ એગ્રિકલ્ચરની વેબસાઇટ પર આપેલા વાવેતરના આંકડા અનુસાર વર્ષ 2023-34માં જીરુનું 5,61,306 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે 2024-25માં 4,76,481 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે.

અજય કેડિયા જણાવે છે કે "આ વર્ષનું હવામાન જીરા માટે અનુકૂળ છે, તેમજ વાવેતરના વિસ્તારમાં પણ ગયા વર્ષ કરતાં વધારે ઘટાડો થયો નથી તે જોતા આ વર્ષે પણ ઉત્પાદન 95 લાખથી 1 કરોડ બોરી સુધી થવાની શક્યતા છે."

કાર્તિક ઉદયન જણાવે છે કે "આ વર્ષે ગુજરાતમાં જીરું માટે અનુકૂળ વાતાવરણ છે. થોડું મોડું થયું છે. પરંતુ વાદળછાયું વાતાવરણ નથી જેને કારણે જીવાત જોવા મળતી નથી. બપોરે થોડી ગરમી હોય છે. બપોરનું તાપમાન 28 સુધી પહોંચી જાય છે. જોકે સવારે ઠંડી હોય છે એટલે પાક સારો રહેશે. જો તાપમાન 30 કરતાં વધી જાય તો પાકને નુકસાન થઈ શકે છે. હાલ તો અપેક્ષા છે કે માલ (જીરાનું ઉત્પાદન) સારો આવશે."

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું ધાર્યા કરતાં મોડું શરૂ થયું છે અને વાવણી પણ મોડી થઈ છે. એટલે સ્વાભાવિક છે કે જીરું પણ બજારમાં મોડું આવશે.

અજય કેડિયા જણાવે છે કે "ફેબ્રુઆરી મહિનામાં રમઝાન મહિનો શરૂ થાય છે. પરંતુ નવો માલ આવશે નહીં એટલે જૂનો માલ જશે, જેને કારણે ભાવવધારો મળી શકે છે. આ ઉપરાતં આ વર્ષે સૌથી વધુ લગ્ન છે, તો તેમાં પણ સપ્લાય થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.