ગુજરાતમાં બટાટાનું વાવેતર 20 હજાર હેક્ટર વધ્યું, પણ શું તેનાથી બટાટા સસ્તા થશે?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
દેશભરનાં છૂટક બજારોમાં લગભગ છેલ્લા દસેક મહિનાથી બટાટાના ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 40ની આજુબાજુ રહ્યા છે.
એ પહેલાંના વર્ષમાં આ ભાવ સરેરાશ રૂપિયા 15 પ્રતિ કિલો હતો. 2023-24નો રવી એટલે કે શિયાળાનો નવો પાક બજારમાં આવવા છતાં ગુજરાતીઓના ભોજનમાં એક મહત્ત્વનો ભાગ બની ગયેલ એવા આ કંદમૂળનો ભાવ સતત વધતો રહ્યો છે અને તાજેતરનાં અઠવાડિયાંમાં તે સરેરાશ રૂપિયા 40 પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે.
ઉત્તર પ્રદેશનું આગ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (આગ્રા એપીએમસી) ભારતમાં બટાટાનું સૌથી મોટું જથ્થાબંધ માર્કેટ ગણાય છે. ત્યાં મોડાલ પ્રાઇસ (જે તે દિવસે વેચાણ થયેલા માલના લૉટની સંખ્યામાંથી જે કિંમતે સૌથી વધારે લૉટનું વેચાણ થાય તે કિંમતને મોડાલ પ્રાઇસ કહેવાય) 2024ના એપ્રિલ મહિનાથી રૂપિયા 13 .25 પ્રતિકિલોથી વધુ રહી છે.
ડિસેમ્બર, 2024નાં છેલ્લાં અઠવાડિયાંમાં બટાટાની મોડાલ પ્રાઇસ રૂપિયા 16થી 20ની રેન્જમાં રહી છે.
આવા સંજોગોમાં એ સમાચાર આવ્યા છે કે ગુજરાતમાં બટાટાના વાવેતર વિસ્તારમાં આ વર્ષે લગભગ 20,000 હેક્ટર વધારો થયો છે.
સરકારી અધિકારીઓના કહેવા મુજબ, અત્યારની સ્થિતિએ ખેડૂતોને ઉત્પાદન સારું મળે તે પ્રકારનો વર્તારો છે. ખેડૂતોનું કહેવું છે કે બટાટાનો નવો પાક ઉત્તરાયણ પછી બજારમાં આવવા લાગશે. તો શું બજારભાવો ઘટશે?
ગુજરાતમાં બટાટાનું ઉત્પાદન વધ્યું

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વમાં બટાટાના ઉત્પાદનમાં ભારતનો ચીન પછી બીજો નંબર આવે છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના 2021-22ના થર્ડ ઍડવાન્સ એસ્ટીમેટ (ત્રીજું આગોતરું અનુમાન) મુજબ ભારતમાં 22 લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં બટાટાનું વાવેતર નોંધાયું હતું અને કુલ ઉત્પાદન 5.33 કરોડ ટન થયું હોવાનો અંદાજ હતો.
ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્ય સૌથી વધારે બટાટાનું ઉત્પન્ન કરતું રાજ્ય છે જ્યાં તે વર્ષે 6.22 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાંથી 1.61 કરોડ ટન બટાટા થયાં હોવાનો અંદાજ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ યાદીમાં પશ્ચિમ બંગાળ (4.47 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર, 1.24 કરોડ ટન બટાટાનું ઉત્પાદન) અને બિહાર (3.30 લાખ હેક્ટર, 91.25 લાખ ટન બટાટા) બાદ ગુજરાતનો ચોથો નંબર આવે છે.
ગુજરાતમાં ખેડૂતોએ તે વર્ષે 1.27 લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર કર્યું હોવાનો અને 37 લાખ ટન બટાટા પાક્યા હોવાનો અંદાજ હતો.
ગુજરાત રાજ્યના ખેતી નિયામકની કચેરીના આંકડા અનુસાર, ગુજરાતમાં 2023-24ના વર્ષમાં 1.34 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થયું હતું અને કુલ ઉત્પાદન 43 લાખ ટન રહ્યું હતું.
ગુજરાતમાં વાવેતરમાં ક્યાં વધારો થયો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં રેતાળ પ્રકારની માટી ધરાવતા અને જ્યાં પૂરતા પ્રમાણમાં પિયતની સગવડ છે તેવા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા તેમજ મધ્ય ગુજરાતના ખેડા જેવા જિલ્લાઓમાં બટાટાનું વાવેતર થાય છે.
ગુજરાત રાજ્યના ખેતી નિયામકની કચેરી ખાતે ઉપલબ્ધ આંકડા અનુસાર, 23 ડિસેમ્બર, 2024 સુધીમાં ગુજરાતમાં 1.52 લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર નોંધાયું છે.
આ વાવેતર વિસ્તાર પાછલાં ત્રણ વર્ષમાં નોંધાયેલ 1.31 લાખ હેક્ટરની સરખામણીએ લગભગ 21,000 હેક્ટર જેટલો વધારે છે. ટકાવારીની દૃષ્ટિએ તે 16.28 ટકાનો વધારો સૂચવે છે.
ગત વર્ષના આ સમયગાળા દરમિયાન નોંધાયેલ 1.33 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સરખામણીએ પણ આ વર્ષે લગભગ 19,000 હેક્ટર જેટલો વધારો નોંધાયો છે.
ખેતી નિયામકની કચેરીના આંકડા અનુસાર આ વર્ષે બટાટાનું સૌથી વધારે વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થયું છે. આ જિલ્લામાં વાવેતર ગયા વર્ષના 52100 હેક્ટરથી વધીને 61000 હેક્ટર થઈ ગયું છે.
તે જ રીતે સાબરકાંઠા જિલ્લામાં વાવેતર 26900 હેક્ટરથી વધીને 38000 હેક્ટર થયું છે. અરવલ્લીમાં પણ બટાટાનો વાવેતર વિસ્તાર 20300 હેક્ટરથી વધીને 20400 હેક્ટર થયો છે.
આમ, આ ત્રણ જિલ્લાઓમાં ચાલુ રવી ઋતુ દરમિયાન બટાટાના વાવેતર વિસ્તારમાં અનુક્રમે આશરે 8900, 11100 અને 100 હેક્ટર જેટલો વધારે થયો છે. પાટણમાં પણ વાવેતર 1000 હેક્ટરથી વધીને 1200 હેક્ટર થયું છે. પરંતુ, ગાંધીનગર, મહેસાણા અને ખેડામાં બટાટાના વાવેતરમાં ઘટાડો થયો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી અધિકારી મયૂર પટેલ જણાવે છે કે આ વર્ષે સામાન્ય રીતે બટાટા ન વાવતા ખેડૂતોએ પણ આ પાકમાં ઝંપલાવ્યું છે.
તેઓ કહે છે, "બનાસકાંઠામાં ડીસા તાલુકો બટાટાની ખેતીનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ઉપરાંત, પાલનપુર, દિયોદર અને દાંતીવાડામાં પણ બટાટાનું વાવેતર થાય છે. સારા બજારભાવ મળવાને કારણે આ વર્ષે ખેડૂતોએ બટાટાનું વાવેતર વધાર્યું છે. સામાન્ય રીતે થરાદ તાલુકામાં ખેડૂતો બહુ બટાટા વાવતા નથી પણ સારા ભાવની અપેક્ષાએ અને નર્મદાના પાણી મળતાં થવાના કારણે ત્યાં પણ બટાટાનું વાવેતર વધ્યું છે."
તેમનું કહેવું છે કે, "ગુજરાતમાં બટાટાનું વાવેતર ઑક્ટોબર-નવેમ્બરમાં થાય છે અને લગભગ 100 દિવસમાં પાક તૈયાર થતા જાન્યુઆરીના બીજા પખવાડિયાથી શરૂ કરીને ફેબ્રુઆરી-માર્ચ સુધી આ પાકની લણણી થાય છે."
ગુજરાતના ખેડૂતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
ડીસા રહેતા પરેશભાઈ માળી સંયુક્ત પરિવારમાં રહે છે અને ડીસા તાલુકામાં અને બનાસકાંઠા નજીક આવેલ પાટણ જિલ્લાના વેજાવાડા ગામમાં આવેલ જમીન સહિત અંદાજે 700 વીઘા (6.25 વીઘાએ એક હેક્ટર થાય)માં ખેતી કરે છે.
તેઓ કહે છે કે, "બટાટા વધારે વળતર આપતો પાક છે. ઉત્તર ગુજરાતમાં એરંડા અને રાયડો પણ થાય છે. પરંતુ બટાટાની ખેતી વધારે વળતર આપે છે, કારણ કે સારા વર્ષે વીઘે 400 મણ બટાટાનું ઉત્પાદન મળે છે."
પરેશભાઈ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "ગયા વર્ષે વાતાવરણ ખરાબ હોવાને કારણે વીઘે 350 મણ જેટલા બટાટાનું ઉત્પાદન મળ્યું હતું. પરંતુ ગત વર્ષે ભાવ સારા મળી જતા એકંદરે ફાયદો રહ્યો હતો."
આ વર્ષે પણ તેમના પરિવારે તેમની બધી જમીનમાં બટાટાનું જ વાવેતર કર્યું છે.
પરેશ માળીના કહેવા પ્રમાણે, દેશમાં વર્ષ 2024માં રવી સિઝનમાં અંદાજે છથી સાત ટકા બટાટાનું વાવેતર વધ્યું છે.
ડીસા શહેર નજીક આવેલા લોરવાળા ગામના ખેડૂત ઈશ્વરદાન ગઢવી પણ છેલ્લાં 30 વર્ષથી બટાટાની ખેતી કરતા આવ્યા છે અને આ વર્ષે પણ છ વીઘામાં બટાકા વાવ્યા છે.
તેઓ કહે છે, "બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી મોંઘી થતા બટાટાનું ઉત્પાદનખર્ચ વધ્યું છે. વળી, બટાટાના છૂટક બજારમાં ઊંચા ભાવનો લાભ કોને મળે છે? ખેડૂતોને? ના. મારા જેવા હજારો ખેડૂતો તો તેમના બટાટાની લણણી થતા ફ્રેબ્રુઆરી-માર્ચ મહિનામાં કોલ્ડ સ્ટોરેજ ચલાવતા વેપારીઓને વેચી દે છે, કારણ કે અમારી પાસે આ બટાટાનો સંગ્રહ કરી ધીમે ધીમે બજારમાં વેચવા માટે જોઈતી નાણાકીય સગવડ નથી."
તેઓ કહે છે કે, "આ વેપારીઓ બટાટાને પાંચ-છ મહિના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રાખે છે અને પછી ધીમેધીમે બજારમાં વેચે છે અને નફો રળે છે. બટાટાના બજારમાં બે વર્ષ મંદી અને એક વર્ષ તેજી હોય. પરંતુ, બટાટાની ખેતી જુગાર જેવી છે."
ખેડૂતો બટાટા સીધા જ કંપનીઓને વેચી રહ્યા છે?

બજાર નિષ્ણાતો પણ કહે છે કે બટાટાના ભાવ અંગેનો આશાવાદ બહુ ફળદાયી નીવડે તેવું હાલની સ્થિતિએ લાગતું નથી, કારણ કે લોકોની બટાટા આરોગવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે તેથી આ શાકની માગ છેલ્લાં કેટલાંક વર્ષોથી વધારે જ રહી છે.
ગુજરાતમાં લગભગ 300 કોલ્ડ સ્ટોરેજ આવેલ છે અને તેમાંના મોટા ભાગના ગુજરાત કોલ્ડ સ્ટોરેજ ઍસોસિયેશન નામના સંગઠનના સભ્યો છે અને આ ઍસોસિયેશનના કહેવા મુજબ તેમના 213 કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ બટાટાનો સંગ્રહ કરે છે.
આ ઍસોસિયેશનના સેક્રેટરી ગણપતભાઈ કછવાએ બીબીસીને જણાવ્યું હતું કે, "2024ની રવી ઋતુનો બટાટાનો પાક બજારમાં આવતા ભાવોમાં કોઈ મોટી ઊથલપાથલ થઈ જાય તેવું જણાતું નથી. ગત વર્ષના ડિસેમ્બર મહિનાથી બટાટાના ભાવ ઊંચકાયા છે અને 2023ની રવીપાક બજારમાં આવવા છતાં કિંમતો ઘટી નહીં, કારણ કે મોટી કંપનીઓ ફ્રેન્ચ ફ્રાઈઝ અને વેફર બનાવવા મોટા પાયે બટાટાનો ઉપયોગ કરી રહી છે. આ બટાટા મેળવવા તેઓ ખેડૂતો પાસે કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે."

ઇમેજ સ્રોત, Getty Images
ગણપતભાઈના કહ્યા અનુસાર, સાબરકાંઠાના અંદાજે 90 ટકા ખેડૂતો અને બનાસકાંઠાના અંદાજે 70 ટકા ખેડૂતો આ પ્રકારનું કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને બટાટાની ખેતી કરે છે. આવા ખેડૂતની વાડીમાં બટાટા તૈયાર થાય એટલે જે-તે કંપની તેને લઈ જાય છે. એમાં ખેડૂતોને ફાયદો છે, કારણ કે કંપનીઓ ખેડૂતોને ભાવ વધારે આપે છે. પરંતુ ખેતીની આ પદ્ધતિના કારણે રૅશન માટે જરૂરી બટાટાનો પુરવઠો ઘટી ગયો છે.
"કુલ ઉત્પાદનના માંડ 25 ટકા બટાટા ખેડૂતો ડાયરેક્ટ માર્કેટમાં વેચે છે જ્યારે બાકીના કંપનીઓ ખરીદી લે છે અથવા કોલ્ડ સ્ટોરેજમાં જાય છે. તેવામાં, ગયા વર્ષે ખરાબ હવામાન અને રોગચાળાને કારણે બટાટાનું ઉત્પાદન ઘટતાં તેના ભાવ ઊંચા જ રહ્યા છે. આવા સંજોગોમાં ઉત્પાદનમાં એક-બે ટકાનો પણ ફેરફાર થાય તો ભાવ પર તેની મજબૂત અસર જોવા મળે. તેથી, આ વર્ષે નવો પાક આવતા ભાવ એકદમ ગગડી જાય તેવું લાગતું નથી."
કેન્દ્ર સરકારના અંદાજ મુજબ 2022-23માં બટાટાનો વાવેતર વિસ્તાર 23.32 લાખ હેક્ટર હતો અને ઉત્પાદન 6.01 કરોડ મેટ્રિક ટન હતું. 2023-24માં વાવેતર વિસ્તાર ઘટીને 23.22 લાખ હેક્ટર થઈ ગયો અને ઉત્પાદન પણ 5.70 કરોડ મેટ્રિક ટન થઈ ગયું.
ગણપતભાઈ ઉમેરે છે કે કોલ્ડ સ્ટોરેજ પાસે હવે વધારે માલ રહ્યા નથી. કોલ્ડ સ્ટોરેજમાં સાડા ત્રણથી ચાર લાખ પૅકેટસ (દરેકમાં 50 કિલો બટાટા ભર્યા હોય તેવી ગુણીઓ)નો જથ્થો છે.
ઝાઝો આધાર આવનાર એક મહિનામાં હવામાન કેવું રહે છે અને આગ્રાના બજારમાં શું સ્થિતિ છે તેના પર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












