દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માછીમારો વચ્ચે એવો તો શો વિવાદ થયો કે બંને જૂથ સામસામે આવી ગયાં?

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માછીમારો વચ્ચે વિવાદ બાદ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના માછીમારો વચ્ચે વિવાદ બાદ આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારો વચ્ચે દરિયામાં માછીમારી સંદર્ભે થયેલો વિવાદ હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

દક્ષિણ ગુજરાતના માછીમારોએ સૌરાષ્ટ્રના સાગરખેડુ 'દક્ષિણ ગુજરાતના દરિયા વિસ્તારમાં' માછીમારી કરી રહ્યા હોવાની રાવ ઉઠાવી છે.

તાજેતરમાં જ સૌરાષ્ટ્રના જાફરાબાદના માછીમારો દ્વારા 'દક્ષિણ ગુજરાતના દરિયા વિસ્તાર઼માં ઘૂસણખોરી કરાઈ રહી' હોવાનો આરોપ વલસાડના માછીમારો દ્વારા લગાવવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રના જાફરાબાદના માછીમારોની 'દક્ષિણ ગુજરાતના દરિયા'માં કથિત 'ઘૂસણખોરી' મુદ્દે 15 ડિસેમ્બરના રોજ વલસાડના કાંઠા વિસ્તારના સાગરખેડુઓએ ઉમરગામ તાલુકાના નારગોલ બંદર ખાતે પોતાની બોટ લાંગરીને એક દિવસનો બંધ પાળ્યો હતો.

માછીમારો દ્વારા થયેલા આ વિરોધપ્રદર્શનમાં વલસાડ જિલ્લાના ઉમરગામ, નાગરોલ, પલગામ, ખતલવાડા, મરોલી, ટીમ્બી, દાંડી, કાલચ સહિતનાં દસ ગામના અંદાજિત ત્રણ હજાર જેટલા માછીમારો પોતાની 600થી 700 જેટલી બોટ લઈને સામેલ થયા હતા.

તેમણે વિરોધ નોંધાવી સ૨કા૨ને હસ્તક્ષેપ કરવા કહ્યું હતું અને સમાધાનની માગ અને આશા વ્યક્ત કરી હતી.

સામેની બાજુએ સૌરાષ્ટ્રના માછીમારોએ તમામ આરોપોને 'પાયાવિહોણા' ગણાવ્યા છે. જોકે, આ સમગ્ર વિવાદ સંદર્ભે તેમણે સમાધાન માટેની તૈયારી બતાવી છે.

શા માટે દક્ષિણ ગુજરાતના માછીમારોએ વિરોધપ્રદર્શન કર્યું?

ગુજરાત, માછીમારો, વિરોધપ્રદર્શન, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/BBC

વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયાકિનારે આવેલા કાંઠાવિસ્તારનાં ગામોમાં રહેતા લોકો મોટા ભાગે નાના પાયે માછીમારીનો વ્યવસાય કરે છે. આ માછીમારો પાસે નાની બોટ છે જેની મદદથી તેઓ દરિયામાં 40થી 60 નોટિકલ માઈલ સુધી માછીમારી કરવા જતા હોય છે.

દક્ષિણ ગુજરાતના માછીમારોનો આરોપ છે કે જાફરાબાદના માછીમારો વલસાડથી 60 નોટિકલ માઈલ ક્ષેત્રમાં આવી પોતાની દરિયામાં હોડીઓને લાંગરીને બુમલા માછલી પકડે છે જ્યારે નાની હોડી ધરાવતા વલસાડના માછીમારો ગિલ નેટ દ્વારા ફિશિંગ કરે છે.

વલસાડના માછીમારોની ફરિયાદ છે કે તેઓની ગિલ નેટ જાફરાબાદના માછીમારો દ્વારા નાખવામાં આવેલા બૉક્સ ફિશિંગના ખૂંટામાં ફસાઈ જતાં નેટ તૂટી જાય છે અને આર્થિક નુકસાની પહોંચે છે.

માછીમારોનું કહેવું છે કે આ સમસ્યા વર્ષો જૂની છે. આથી સૌરાષ્ટ્રના જાફરાબાદના માછીમારો દાદાગીરી કરતા હોવાના આક્ષેપ સાથે વલસાડ જિલ્લાના માછીમારો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈને સભા સંબોધીને વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું

ગુજરાત, માછીમારો, વિરોધપ્રદર્શન, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/BBC

ઇમેજ કૅપ્શન, નારગોલ માછી સમાજના પ્રમુખ શૈલેષ હોડીવાલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નારગોલ માછી સમાજના પ્રમુખ શૈલેશ હોડીવાલાએ બીબીસીને જણાવ્યું હતું કે " સૌરાષ્ટ્રના જાફરાબાદના માછીમારો અમારા દરિયાઈ વિસ્તારમાં આવીને અમારી સાથે ઘર્ષણ કરે છે અને લાંબા સમયથી દાદાગીરી કરીને ફિશિંગ કરતા આવ્યા છે. આ સમસ્યા છેલ્લાં 15થી 20 વર્ષથી ચાલી રહી છે. તેમના કારણે દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને ઉમરગામ તાલુકાના માછીમારોની આજીવિકા ઉપર ગંભીર અસર પડી છે."

તેમનું કહેવું છે કે, "આ સમસ્યાને કારણે અનેક વાર ફિશરિઝ વિભાગ, તેના મંત્રી, જિલ્લા કલેકટર પોલીસ અને મામલતદારને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી."

ઉમરગામ માછી સમાજના પ્રમુખ અપૂર્વભાઈએ જણાવ્યું કે, "જાફરાબાદના સાગરખેડુઓ અમારા દરિયાઈ વિસ્તારમાં ખૂંટાપદ્ધતિથી માછલી પકડે છે. જેથી અમે દરિયામાં માછલી પકડવા નાખેલી જાળ તેમાં વીંટળાઈ જાય છે અને તેના કારણે અમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેથી આ વિરોધપ્રદર્શન થકી અમારી માગ છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે."

અહીં ઉલ્લેખનીય છે કે, માછીમારીમાં બૉક્સ ફિશિંગ એ એક એવી પદ્ધતિ છે જેમાં માછલીઓને પાણીમાં ડૂબેલી બૉક્સ જેવી જાળીનો ઉપયોગ થાય છે. આ બૉક્સમાં ખાસ પ્રકારનાં દ્વાર અથવા છિદ્રો હોય છે જેનાથી માછલીઓ અંદર જઈ શકે પણ બહાર આવી ન શકે. આ પદ્ધતિ ખાસ કરીને નદી કે તળાવમાં પકડાતી માછલીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

સૌરાષ્ટ્રના માછીમારોનું શું કહેવું છે?

ગુજરાત, માછીમારો, વિરોધપ્રદર્શન, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/BBC

ઇમેજ કૅપ્શન, ઉમરગામ માછી સમાજના પ્રમુખ અપૂર્વભાઈ

દક્ષિણ ગુજરાતના માછીમારો દ્વારા કરવામાં આવેલાં હડતાળ અને આક્ષેપોને જાફરાબાદના માછીમારો ખોટા ગણાવી રહ્યા છે. પરંતુ આ સમગ્ર વિવાદમાં તેઓ પણ સમાધાન કરવા તૈયાર હોય તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો છે.

સૌરાષ્ટ્રના ખારવા સમાજ માછીમાર બોટ ઍસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, "જાફરાબાદના માછીમારો દ્વારા કોઈ ખોટી પદ્ધતિથી ફિશિંગ કરવામાં નથી આવી રહ્યું. આ વર્ષો જૂની પદ્ધતિ છે જેને ટેકનૉલોજી દ્વારા અપગ્રેડ કરી અમારા ખેડૂતો માછીમારી કરી રહ્યા છે. અમે કોઈના વિસ્તારમાં જઈને ફિશિંગ નથી કરી રહ્યા."

પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ ડૉ. વિશાલ ટંડેલ આ મામલે જણાવે છે કે, "12 નોટિકલ માઇલ સુધી ઇન્ટરનૅશનલ બૉર્ડર હોય છે અને ત્યાં સુધીના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ તેમનો વ્યવસાય કરી શકે છે. પરંતુ જાફરાબાદના માછીમારો દ્વારા જે બૉક્સ ફિશિંગ કરવામાં આવે છે તેને કારણે એક જગ્યા નક્કી થઈ જતી હોય છે. તેના કારણે નાના માછીમારો તેમાં ફિશિંગ કરી શકતા નથી."

ડૉ. વિશાલ ટંડેલ કહે છે, "આ સમસ્યા વર્ષોથી ચાલી આવી છે, જેને અંગે છ મહિના પહેલાં નવસારી કલેકટર કચેરીમાં સૌરાષ્ટ્રના આગેવાનો સાથે કલેક્ટર અને એસપીની મધ્યસ્થીમાં મિટિંગ થઈ હતી. અમે વિનંતી કરી હતી કે સૌરાષ્ટ્રના માછીમારોની જે ખૂંટા ફિશિંગની પદ્ધતિ અંગે મર્યાદા નક્કી કરવામાં આવે. એટલે કે 100 નોટિકલ માઈલમાંથી 60 નોટિકલ માઈલમાં સૌરાષ્ટ્રના માછીમારો વ્યવસાય કરે અને ઘોલાઈ બંદરથી 40 નોટિકલ માઈલમાં દક્ષિણ ગુજરાતના માછીમારોને વ્યવસાય કરવા દેવામાં આવે. પરંતુ તે સમયે પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું."

દક્ષિણ ગુજરાતના માછીમારોને લાખો રૂપિયાનું નુકસાન?

ગુજરાત, માછીમારો, વિરોધપ્રદર્શન, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/BBC

દાવો કરાઈ રહ્યો છે કે દરિયાઈ હદ વિસ્તારમાં ફિશિંગ કરવાના મામલે ઊભા થયેલા આ વિવાદ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ઉમરગામના ખેડૂતો ફિશિંગથી અળગા રહ્યા છે. તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

40 વર્ષથી માછીમારી કરતા 60 વર્ષીય કાંતિભાઈ માછી બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "મારી પાસે એક બોટ છે અને ગિલ નેટથી ફિશિંગ કરું છું. પરંતુ જાફરાબાદના માછીમારો ફિક્સ ફિશિંગ કરતા હોય છે અને તેના કારણે અમારી જાળ તેમાં ફસાઈ જાય છે અને ફાટી જાય છે."

તેઓ કહે છે, "અમારે ત્યાં 70થી 80 જેટલી બોટ છે જે માત્ર ગિલ નેટથી માછીમારી કરે છે અને આ રીતે માછીમારી કરતાં તમામ ભાઈઓને આ સમસ્યાને કારણે આર્થિક નુકસાની ભોગવવી પડી રહી છે."

તેમનો દાવો છે કે, "છેલ્લા 14થી 15 દિવસથી ઉમરગામના માછીમારો માછીમારી કરવા નથી ગયા, અને તેના કારણે દસ દિવસમાં પ્રતિ બોટ એક લાખ રૂપિયાની નુકસાની ભોગવવી પડે છે, મેં પોતે છેલ્લા 14થી 15 દિવસમાં દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન વેઠ્યું છે."

અપૂર્વભાઈ માછી જણાવે છે કે, "જાફરાબાદના માછીમારો દ્વારા કરવામાં આવતા બૉક્સ ફિશિંગને કારણે અમારી ચાલતી જાળી તેમાં ફસાઈ જાય છે અને પાંચથી છ લાખ રૂ.ની જાળીનું નિકંદન નીકળી જાય છે. આ ઉપરાંત અમે પણ બુમલા માછલી પકડીએ છીએ અને તેઓ પણ બુમલા માછલી પકડે છે. હાલમાં મચ્છીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે અને તેનું કારણ પણ જાફરાબાદના માછીમારો દ્વારા ઉચ્ચ ટેકનૉલૉજીથી કરવામાં આવતું ફિશિંગ છે. તેના કારણે પણ ખૂબ મોટી પ્રમાણમાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે."

આ આક્ષેપ સામે સ્પષ્ટતા કરતાં કનૈયાલાલ સોલંકી કહે છે કે, "અમે કોઈ ઉચ્ચ ટેકનૉલૉજીનો ઉપયોગ નથી કરતા અને અમારી માછીમારીની રીતોને કારણે માછલીની સંખ્યમાં ઘટાડો થયો હોવાની વાત ખોટી છે."

શૈલેશ હોડીવાલાના જણાવ્યા મુજબ માછીમારો દ્વારા કરાયેલી આ હડતાળમાં 600થી 700 જેટલી બોટ સદંતર બંધ રહી હતી. આ હડતાળને કારણે એક બોટને પ્રતિ દિન દસ હજારનું નુકસાન થાય, એટલે કે એક દિવસની હડતાળને કારણે 70થી 80 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એટલું જ નહીં પરંતુ આ વિવાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી માછીમારો માછીમારી નથી કરી રહ્યા. તેને જોતાં નુકસાનીનો આંકડો કરોડોમાં પહોંચે એમ છે."

સંગઠનો વચ્ચે થયેલી સમજૂતીઓનો ભંગ થયાનો આક્ષેપ

ગુજરાત, માછીમારો, વિરોધપ્રદર્શન, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/BBC

ઇમેજ કૅપ્શન, નારગોલમાં વિરોધપ્રદર્શનની તસવીરો

નારગોલ બંદરે વિરોધ કરી રહેલા ઉમરગામના માછીમારોનો આરોપ છે કે જાફરાબાદના માછીમારો 'ગેરકાયદેસર રીતે તેમના વિસ્તાર'માં માછીમારી કરી રહ્યા છે.

દરિયામાં માછીમારી કરવા મુદ્દે સરકારની નીતિઓ અને માછીમાર સંગઠનો વચ્ચે થયેલ સમજૂતીઓનો ભંગ થઈ રહ્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના ઍડ્વાઇઝર હરેશ ટંડેલ આ સમગ્ર મુદ્દે બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "જાફરાબાદના માછીમારો વ્યવસાયિક રીતે કનડગત કરતા હોવાનો વિવાદ વર્ષોથી ચાલતો આવ્યો છે. અગાઉ પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે બંને માછી સમાજના પ્રમુખોએ ભેગા મળીને તે સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા. જેમાં એવું નક્કી થયું હતું કે સૌરાષ્ટ્રના 50 કિલોમીટર સુધીના પટ્ટામાં દક્ષિણ ગુજરાતના પટ્ટાના માછીમાર ભાઈઓ ફિશિંગ કરવા નહીં જાય અને દક્ષિણ પટ્ટાના 50 કિલોમીટરના વિસ્તારમાં જાફરાબાદના માછીમાર ભાઈઓ માછલી પકડવા નહીં આવે."

તેમણે કહ્યું હતું કે, "ત્યારે લેખિત અને મૌખિક કરાર કરી નકશા નિર્ધારિત કરીને બંને સમાજના લોકોને સમાન વિસ્તાર વહેંચીને વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો."

શૈલેશભાઈ જણાવે છે કે "છેલ્લાં 15થી 20 વર્ષથી ફિશિંગ કરવા અને હદ વિસ્તારને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વર્ષ 2012માં જાફરાબાદના આગેવાનો અને પ્રમુખો સાથે લેખિતમાં આ મુદ્દે સમાધાન થયું હતું, પરંતુ એક વર્ષ સુધી તેનું પાલન થયું અને ફરી જાફરાબાદના માછીમારો દ્વારા નિયમનું ઉલ્લંઘન કરી માછીમારી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે."

તો આ વિશે વાત કરતાં કનૈયાલાલ સોલંકીએ કહ્યું હતું કે જે તે સમયે "ધાકધમકી આપીને, જબરદસ્તીથી સૌરાષ્ટ્રના આગેવાનો પાસે લેખિતમાં સહી કરાવી લેવામાં આવી હતી અને તેનું પાલન પણ કરવામાં આવ્યું હતું. અમે હજુ પણ સમાધાન કરવા માટે તૈયાર છીએ અને 15 નોટિકલ પાછા જતા રહીશું. પરંતુ તેમની નીતિ ધાકધમકી કરવાની છે. જો તેઓ આવીને વાત કરશે તો આ મામલાનું સમાધાન થઈ શકે છે."

વલસાડ કલેકટર નૈમેશ દવે એ જણાવ્યું કે, "માછીમારોની ફરિયાદ અંગે આ સમગ્ર મામલે વલસાડના એસ.પી કરણરાજ વાઘેલા સાથે વાતચીત કરી હતી અને તેમણે જાફરાબાદના એસપી સાથે વાતચીત કરી છે. આમ આ મામલે સમાધાનનો રસ્તો નીકળે આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.