ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પસંદ કરવામાં મોડું કેમ કરી રહ્યો છે?

ઇમેજ સ્રોત, gujarat bjp fb
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના રાજકારણમાં ગત લોકસભા ચૂંટણી બાદ મોદી કૅબિનેટમાં સામેલ કરાયા બાદથી ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલના સ્થાને નવા અધ્યક્ષની નિમણૂક થવાની વાતો થઈ રહી છે.
ખુદ પાટીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં જળશક્તિ મંત્રાલયના કૅબિનેટ મંત્રી તરીકેની જવાબદારી મળ્યા બાદથી ઘણી વાર જાહેરમાં 'ગુજરાત ભાજપને ટૂંક સમયમાં નવા પ્રદેશાધ્યક્ષ મળવાની' જાહેરાત કરીને પોતાની વિદાયના સંકેતો આપી ચૂક્યા છે.
ગત જૂન માસમાં લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ સી. આર. પાટીલ સહિતના PM મોદીના ત્રીજી ટર્મના મંત્રીમડળના સભ્યોએ શપથ લીધા હતા.
આ શપથગ્રહણ સમારોહ બાદથી શરૂ થયેલી 'ગુજરાત ભાજપના નવા પ્રદેશાધ્યક્ષ'ની ચર્ચા લગભગ છ માસ બાદ પણ હકીકતમાં પરિણમી શકી નથી.
તાજેતરમાં સી. આર. પાટીલે દિલ્હી ખાતેના પોતાના નિવાસસ્થાને વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતના તમામ સાંસદો અને ધારાસભ્યોને 'સ્નેહમિલન સમારોહ'માં આમંત્રિત કર્યા હતા. જે બાદથી ગુજરાત ભાજપને જલદી જ નવા પ્રદેશ પ્રમુખ મળવાની અટકળો તેજ બની હતી.
જોકે, કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે પક્ષ હજુ અવઢવમાં છે. અને તેની પાછળ ક્ષત્રિય, પટેલ કે ઓબીસીમાંથી કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવા એ અંગેની 'વિમાસણ' જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
નોંધનીય છે કે જુલાઈ 2020માં કોરોનાના કપરા સમય દરમિયાન પાટીલને પ્રદેશાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.
જાણકારો અનુસાર વિધાનસભા ચૂંટણી અગાઉ 100 બેઠકો પર જીત મેળવવાનું લક્ષ્ય, પેજપ્રમુખ અભિયાન અને વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ બહુમત (156 બેઠકો) અપાવીને સી આર પાટીલ ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાટીલના કૅબિનેટ મંત્રી બન્યાની વાતને સારો એવો સમય પસાર થઈ ગયો હોવા છતાં 'ત્વરિત નિર્ણયો' લેવા માટે જાણીતી ભાજપની નેતાગીરી કેમ હજુ સુધી રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી કરી શકી એ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો અને પક્ષકારો સાથે વાતચીત કરી હતી.
રાજકીય નિષ્ણાતોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, gujarat bjp fb
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણીતા રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ નીમવામાં થઈ રહેલા વિલંબનાં કારણો અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "અધ્યક્ષ બન્યા બાદથી પાટીલે પેજસમિતિ મૉડલ અને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો મેળવીને રેકૉર્ડબ્રેક જીત મેળવી હતી. જોકે, લોકસભાની ચૂંટણી સમયે તમામ બેઠકો પર જીતની હૅટ્રિક મારવાની તેમની મંશા પૂરી ન થઈ."
"આ સિવાય તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બે બેઠકો પર ભાજપના આંતરિક વિરોધને કારણે પક્ષના ઇતિહાસમાં પહેલી વાર ઉમેદવાર બદલવા પડ્યાના દાખલા નોંધાયા, છતાં પક્ષને તેમણે જીત અપાવી. ઉપરોક્ત તમામ વાતોને કારણે કેન્દ્રીય મંત્રી બન્યા પછી, તેમજ તેમની પ્રદેશાધ્યક્ષ તરીકેની ટર્મ પૂરી થયા છતાં તેમને વિધાનસભાની પેટાચૂંટણી એમને પ્રદેશાધ્યક્ષ તરીકે રાખવામાં આવ્યા હતા."
તેઓ આ અંગેનો પોતાનો વિશ્લેષણ રજૂ કરતાં આગળ કહે છે કે, "હવે જો ભાજપની વ્યૂહરચનાની વાત કરીએ તો જ્યારે પણ રાજ્યમાં મુખ્ય મંત્રી પટેલ હોય તો પ્રદેશ પ્રમુખ ક્ષત્રિયને બનાવવામાં આવે છે. પરંતુ 2024માં થયેલા ક્ષત્રિયોના વિવાદ બાદ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ બનવવાની અવઢવ છે."
"હાલની સ્થિતિ મુજબ રાજ્યમાં જો પક્ષ ક્ષત્રિયને પ્રદેશ પ્રમુખ બનાવે તો પટેલો નારાજ થાય એમ છે. અને પટેલ પ્રદેશ પ્રમુખ બને તો બે મહત્ત્વના હોદ્દા પર પટેલોને મળતાં ઓબીસી નારાજ થાય એમ છે. આ સંજોગોમાં ભાજપ પાટીલ જેવા ટેકનોસેવી અને સંગઠન પર પકડ રાખી ચૂંટણીની રણનીતિ ગોઠવી શકે એવા નેતા શોધવાની ગડમથલમાં છે. આ કારણે પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં સમય લઈ રહ્યો છે."
શું કહે છે ભાજપના નેતા?

ઇમેજ સ્રોત, CR Patil/FB
ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે ભાજપના નવા પ્રદેશાધ્યક્ષની નિમણૂકમાં વિલંબ અંગેનું કારણ વ્યક્ત કરતાં કહે છે કે ભાજપને સ્વીકૃત પ્રદેશ પ્રમુખ નથી મળી રહ્યા એવું નથી, પણ અત્યારે ભાજપ નવા પ્રદેશ પ્રમુખની વરણી લોકશાહી ઢબે કરી રહ્યો છે.
"9 ડિસેમ્બર સુધીમાં વોર્ડ કક્ષાએ પ્રદેશ પ્રમુખનાં નામ માટે સેન્સ લેવાશે, ત્યાર બાદ 15 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ અને એ પછી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્ય કક્ષાએ સેન્સ લેવાયા બાદ 15 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે."
જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાજપ માટે હવે પહેલાં જેવું વાતાવરણ રહ્યું નથી, આંતરિક વિરોધ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મોટા પાયે માઇગ્રેશન થઈને પટેલો ગામડાંમાંથી શહેરો તરફ આવી રહ્યા છે. આ સંજોગોમાં ક્ષત્રિય વિવાદ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાજપને નડી શકે એમ છે."
તેઓ પાર્ટીમાં આંતરિક અજંપો અને સંગઠનની જરૂરિયાત અંગે વાત કરતાં કહે છે કે, "ભાજપ અત્યારે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડાને પ્રધાનમંડળમાં સમાવી શકતા નથી, ત્યારે ભાજપ ચૂંટણી વ્યૂહરચના ઘડી શકે એવા નેતાની શોધમાં છે, કારણ કે સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એ સ્વીકૃત નેતા નહોતા છતાં એમણે પોતાની આગવી સૂઝથી સંગઠન પર પકડ જમાવી હતી. આ સંજોગોમાં કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓની સાથે ભાજપના કાર્યકરોને પણ સંભાળી શકે એવા ઓબીસી નેતાને ભાજપ શોધી રહ્યો છે, જેના કારણે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે."
પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલનો કાર્યકાળ

ઇમેજ સ્રોત, TWITTER/@CRPaatil
ગુજરાતમાં ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે સી. આર. પાટીલના કાર્યકાળમાં પાર્ટીએ મેળવેલી 'સફળતા' અંગે તો ઘણી વાત થાય છે, પરંતુ તેમના કાર્યકાળમાં કેટલાક વિવાદો પણ રહ્યા છે.
જેમ કે, 20 જુલાઈ 2020માં પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે સી.આર. પાટીલે જૂનાગઢમાં કાર્યકર્તાઓના સંમેલનને સંબોધતા 20 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તમામ મંત્રીઓએ સપ્તાહમાં એક વાર કમલમ્ ખાતે હાજર રહી કાર્યકર્તાઓને મળવાનો આદેશ આપ્યો હતો, આ મામલો સ્થાનિક મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં એમણે પહેલી પત્રકારપરિષદ કરી ત્યારે ભાજપના કાર્યકર્તાને જાહેર મંચ પર ઉતારી પડ્યા હતા.
એપ્રિલ 2021માં કોરોના સમયે રેમડેસીવર ઇન્જેક્શનની અછત વચ્ચે તેમણે સુરતના ભાજપ એકમ મારફતે મફત રેમડિસિવિર ઇન્જેક્શન વહેંચ્યાં હોવાની વાત વહેતી થઈ હતી, જેના કારણે વિવાદ સર્જાયો હતો. તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નિવેદનમાં કહ્યું હતું કે સરકારે સુરતના ભાજપ એકમને રેમડિસિવિર નથી આપ્યાં.
અત્યાર સુધી કોણ કોણ રહી ચૂક્યું છે ભાજપના પ્રદેશાધ્યક્ષ?
કોરોનાકાળમાં સૌના આશ્ચર્ય વચ્ચે જુલાઈ 2020માં 17 વર્ષ બાદ સૌરાષ્ટ્રને બદલે દક્ષિણ ગુજરાતને ફાળે ભાજપના પ્રદેશ પ્રમુખપદ ગયું હતું.
એ પહેલાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના એ. કે. પટેલ વર્ષ 1985 સુધી રહ્યા હતા.
1986થી 1991 સુધી ઉત્તર ગુજરાતના ભાજપના ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા હતા, ત્યાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પહેલી વાર દક્ષિણ ગુજરાતના ઓબીસી નેતા કાશીરામ રાણા વર્ષ 1993માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા.
એ સમયમાં ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યા બાદ ભાજપ 1996 ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનું પદ સૌરાષ્ટ્રના નેતાઓ પાસે રહ્યું.
ભાજપે 1996માં સૌરાષ્ટ્રના નેતા અને કારડિયા રાજપૂત વજુભાઈ વાળાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા, ત્યાર બાદ 1998થી 2005 સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના ક્ષત્રિય નેતા રાજેન્દ્રસિંહ રાણા રહ્યા હતા.
રાજેન્દ્રસિંહ રાણા સૌથી લાંબા સમય સુધી સાત વર્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.
ત્યાર બાદ સૌથી વધુ સમય સુધી એટલે કે છ વર્ષ માટે સૌરાષ્ટ્રના પટેલ નેતા આર.સી. ફળદુ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.
આ સિવાય પરશોત્તમ રૂપાલા અને ભાવનગરના જિતુ વાઘાણી પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.
નોંધનીય છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ભાગ્યે જ ચર્ચાનો વિષય બની છે, પણ હવે ખુદ સી.આર. પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે વિદાય લેવાના સંકેતો આપ્યા પછી સી. આર. પાટીલે દિલ્હીમાં ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે 'ડિનર ડિપ્લોમસી' કરી છતાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક હજુ સુધી ન થતાં ભાજપના પ્રદેશ પ્રમુખ પટેલ, ક્ષત્રિય કે ઓબીસી નેતા પૈકી કોણ બનશે એ ચર્ચા વધુ ને વધુ રસપ્રદ બનતી જઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












