ગુજરાતના ખેડૂતોએ કપાસ વાવવાનું કેમ ઓછું કરી દીધું, આવનારા દિવસોમાં શું અસર થશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કપાસની ખેતી, કપાસ, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે ભારતમાંથી કપાસની નિકાસ કરતાં ભારતમાં આયાત કરાતા કપાસનો જથ્થો વધારે રહેશે
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા ભારત ટેક્સ, 2025 નામના કાપડ ઉદ્યોગના પ્રદર્શનને સંબોધન કરતાં જણાવ્યું કે ભારત હાલ વાર્ષિક ત્રણ લાખ કરોડ રૂપિયા (ત્રણ હજાર અબજ રૂપિયા) મૂલ્યનાં કાપડ અને કપડાંની નિકાસ કરે છે. તેમણે ઉમેર્યું કે 2030 સુધીમાં આ આંકડો નવ લાખ કરોડ એટલે કે નવ હજાર અબજ રૂપિયા થઈ જવાનું અનુમાન છે.

પરંતુ, વડા પ્રધાનના આ નિવેદનના થોડા દિવસ અગાઉ જ કૉટન ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ (CAI) તેના અહેવાલમાં જણાવ્યું કે આ વર્ષે ભારતમાંથી કપાસની નિકાસ કરતાં ભારતમાં આયાત કરાતાં કપાસનો જથ્થો વધારે રહેશે.

બીજી બાજુ, સીસીઆઈનું કહેવું છે કે ભારતમાં કપાસની આયાત વધે તો તેને 'સકારાત્મક બાબત' તરીકે જોવી જોઈએ અને ટૂંક સમયમાં બજારમાં કૉટનનો પુરવઠો વધશે.

છેલ્લા બે દાયકામાં ભારતમાં આવી સ્થિતિ ક્યારેય થઇ નથી અને બજારના જાણકારો કહે છે કે બ્રાઝિલ દેશનો કપાસ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કપાસનો એક મજબૂત હરીફ બની ગયો છે અને તેના કારણે કપાસની ખેતીને ટકાવી રાખવા દેશમાં ઉત્પાદકતા વધારવી પડશે અને ખેતીનો ખર્ચ ઘટાડવો પડશે.

કપાસની આયાત-નિકાસ કેટલી રહેશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કપાસની ખેતી, કપાસ, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિકાસમાં 11 લાખ ગાંસડીના ઘટાડો અને આયાતમાં 11 લાખ ગાંસડીનો વધારો થવાને કારણે સરવાળે ભારતમાં કપાસની નિકાસ કરતાં આયાત નવ લાખ ગાંસડી વધારે થશે

કપાસ વર્ષની શરૂઆત ઑક્ટોબર મહિનાથી થાય છે અને તેની સિઝન દર વર્ષે સેપ્ટેમ્બરમાં પૂર્ણ થાય છે.

તારીખ 13/02/2025ના રોજ CAIની પાક સમિતિની એક મિટિંગ યોજાઈ હતી અને તેમાં દેશમાં 2024-25ના કપાસ વર્ષમાં કપાસની સ્થિતિ વિષે ચર્ચા થઇ હતી.

આ મિટિંગના અંતે CAI એ જાહેર કરેલ આંકડા અનુસાર 2024-25ના વર્ષમાં ભારતમાંથી કપાસની નિકાસ 17 લાખ ગાંસડી (દરેક ગાંસડીમાં 170 કિલો રૂ હોય તેવી) રહેશે.

તેમાંથી 2025ના જાન્યુઆરીના અંત સુધીમાં, એટલે કે કપાસ વર્ષના પ્રથમ ચાર મહિનામાં, આઠ લાખ ગાંસડીની નિકાસ થઇ ગઈ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2023-24માં ભારતમાંથી કુલ 28 લાખ ગાંસડી રૂની નિકાસ થઇ હતી. આમ, નિકાસમાં લગભગ 11 લાખ ગાંસડીનો ઘટાડો નોંધાશે. તેની સામે 2024 -25 માં આયાતમાં 11 લાખ ગાંસડીના વધારા સાથે 26 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ગત વર્ષે ભારતે 15 લાખ ગાંસડી રૂની આયાત કરી હતી. પરંતુ આ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં જ 16 લાખ ગાંસડીની આયાત થઇ ચુકી છે.

નિકાસમાં 11 લાખ ગાંસડીના ઘટાડો અને આયાતમાં 11 લાખ ગાંસડીનો વધારો થવાને કારણે સરવાળે ભારતમાં કપાસની નિકાસ કરતાં આયાત નવ લાખ ગાંસડી વધારે થશે.

આમ, ભારત એકંદરે કપાસની આયાત કરતો દેશ બની જશે.

CAI ના પ્રમુખ અતુલ ગણાત્રાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મેં છેલ્લાં વીસ વર્ષમાં એવી સ્થિતિ ક્યારેય જોઈ નથી કે જયારે ભારતની કપાસની આયાત નિકાસ કરતાં વધી ગઈ હોય. ભારતમાં 2002-03 માં બીટી કપાસનું વાવેતર ચાલું થયું ત્યારથી દેશમાં કપાસના ઉત્પાદનમાં મોટો વધારો નોંધાયો છે."

તેમણે વધુમાં જણાવ્યું, "આપણા દેશમાં કપાસનું ઉત્પાદન 135 લાખથી 150 લાખ ગાંસડી રહેતું હતું. તે બીટી કપાસ આવતા 2013-14ના વર્ષમાં વધીને 400 લાખ ગાંસડી થઇ ગયું હતું. છેલ્લા બે દાયકા દરમિયાન ભારત સરવાળે કપાસની નિકાસ કરતો દેશ જ રહ્યો હતો. પરંતુ, આ વર્ષથી આ સ્થિતિ બદલાઈ રહી છે."

કપાસની નિકાસ કરતાં આયાત કેમ વધી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કપાસની ખેતી, કપાસ, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખેતી ખર્ચ ઊંચો રહેતા કપાસની ખેતીમાં ખેડૂતોને મળતા વળતરમાં ઘટાડો થયો છે અને પરિણામે કપાસનો વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે

અતુલ ગણાત્રા તે માટે સ્થાનિક અને વૈશ્વિક કારણોને જવાબદાર માને છે.

તેઓ કહે છે કે ભારતમાં પ્રતિ હેક્ટર કપાસનું મળતું ઉત્પાદન (જેને ઉત્પાદકતા પણ કહે છે) નીચું રહેતા અને ખેતી ખર્ચ ઊંચો રહેતા કપાસની ખેતીમાં ખેડૂતોને મળતા વળતરમાં ઘટાડો થયો છે અને પરિણામે કપાસનો વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે.

તેઓ ઉમેરે છે, "2016-17 ના વર્ષ પછી ભારતમાં કપાસનું ઉત્પાદન ધીમે ધીમે ઘટી રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે નીચી ઉત્પાદકતા. ભારતમાં કપાસની ઉત્પાદકતા કેટલાંક વર્ષો પહેલાં પ્રતિ હેક્ટર 560 કિલો હતી તે ઘટીને આ વર્ષે 400 કિલો રહે તેવું અનુમાન છે."

"દુનિયામાં આ સૌથી નીચી ઉત્પાદકતા છે. પાકિસ્તાનમાં પણ ઉત્પાદકતા આ વર્ષે 700 કિલો રહેશે. બ્રાઝિલમાં તો તે 2,300 કિલો એટલે કે ભારત કરતાં છ ગણી વધારે રહેવાનો અંદાજ છે. ત્યાં પ્રતિ 100 કિલો કપાસની કલ્ટિવેશન કૉસ્ટ (ખેતી ખર્ચ) અંદાજે 1200 રૂપિયા થાય છે. આપણે ત્યાં કલ્ટિવેશન કૉસ્ટ 6000 રૂપિયા છે અને ખેડૂતોને એટલો કપાસ વેચતા 7000 રૂપિયા મળે છે."

ખેડૂતોને વળતર ઓછું મળવાને કારણે કપાસ પકવવામાં રસ ઓછો થઈ રહ્યો હોવાનું જણાવતા તેઓ કહે છે કે "આમ, કપાસની ખેતીમાં આપણે ત્યાં નજીવું વળતર છે જયારે બ્રાઝિલના ખેડૂતોને આપણા ખેડૂતો કરતા છ ગણું વધારે વળતર મળે છે. તેથી, ભારતમાં 2023-24ની સરખામણીએ 2024-25માં કપાસના વાવેતર વિસ્તારમાં 10 ટકાનો ઘટાડો થયો છે અને આવનારાં વર્ષોમાં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહે તેમ લાગે છે કારણ કે ખેડૂતોનો કપાસમાં રસ ઓછો થઇ રહ્યો છે."

ગણાત્રા ઉમેરે છે ભારતમાં સિંચાઇની સુવિધા મળતા ખેડૂતો લાંબા ગાળાના પાક એવા કપાસ કરતા ટૂંકા ગાળાના બે પાક વાવવાનું ચાલું કર્યું છે.

તેમના મત પ્રમાણે, "ખેડૂતોને મગફળી, ઘઉં અને મકાઈનું વાવેતર કરવાથી વધારે ફાયદો થાય છે. કઠોળ અને તેલીબિયાંમાં પણ વધારે વળતર મળે છે. પહેલાં ભારતમાં માત્ર 17 ટાકા વાવેતર વિસ્તારમાં પિયતની સુવિધા હતી પરંતુ હવે પિયતનો વિસ્તાર વધીને 40 ટાકા થઇ ગયો છે. તેથી, ખેડૂતો કપાસ સિવાયના પાક પણ વાવતા થયા છે."

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, ભારતમાં 2023-24માં કપાસનો વાવેતર વિસ્તાર 126 લાખ 88 હજાર હેક્ટર હતો તે 2024-25માં ઘટીને 113 લાખ 60 હજાર હેક્ટર થયો છે.

તેવી જ રીતે દેશમાં કપાસનું કુલ ઉત્પાદન ગત વર્ષના 325 લાખ ગાંસડીથી ઘટીને લગભગ 300 લાખ ગાંસડી થવાનો અંદાજ છે.

વધી રહેલ વપરાશ

બીબીસી ગુજરાતી, ગુજરાત, કપાસની ખેતી, કપાસ, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કપાસના ઉત્પાદન અને વપરાશમાં ભારત દુનિયામાં ચીન પછી બીજા નંબરે આવે છે

કપાસના ઉત્પાદન અને વપરાશમાં ભારત દુનિયામાં ચીન પછી બીજા નંબરે આવે છે.

દેશમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવા છતાં કપાસના વપરાશમાં વધારો જોવાઈ રહ્યો છે.

ભારત સરકારના આંકડા મુજબ ભારતમાં 2022-23ના વર્ષમાં 3 કરોડ 36 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું, પરંતુ તેની સામે ભારતમાં કાંતણ-વણાટ તથા અન્ય ઉદ્યોગોની કુલ માંગ 3 કરોડ 13 લાખ ગાંસડી જેટલી હતી.

તેવી જ રીતે 2023-24ના વર્ષમાં કપાસનું ઉત્પાદન 3 કરોડ 25 લાખ ગાંસડી હતું અને 2022-23ના વર્ષની વણવપરાયેલી 61લાખ 16 હજાર ગાંસડીની સિલક સહિત કુલ ઉપલબ્ધ જથ્થો 3 કરોડ 86 લાખ ગાંસડી હતો. તેની સામે ઉદ્યોગોની માંગ 3 કરો 23 લાખ ગાંસડી હતી.

કેન્દ્ર સરકારના અંદાજીત આંકડા મુજબ 2023-24માં આગલા વર્ષના 61 લાખ ગાંસડીના ઓપનિંગ સ્ટોક અને 325 લાખ ગાંસડીના ઉત્પાદન સાથે કુલ ઉપલબ્ધ જથ્થો 386 લાખ ગાંસડી હતો. તેની સામે ભારતની સ્થાનિક મિલોની માંગ 326 લાખ ગાંસડી હતી.

તેવી જ રીતે 2024-25ના વર્ષમાં ગત વર્ષે આયાત કરાયેલ 15 લાખ 20 હજાર ગાંસડી અને નિકાસ કરાયેલ 28 લાખ ગાંસડી બાદ વધેલ 47 લાખ 10 હજાર ગાંસડીની સિલક અને ત્રણ કરોડ ગાંસડીના ઉત્પાદનના અંદાજથી કુલ ઉપલબ્ધ જથ્થો 3 કરોડ 46 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. પરંતુ માંગ 3 કરોડ 26 લાખ રહેવાનો અંદાજ છે.

CAI ના અંદાજ મુજબ આ વર્ષે ભારતમાં કપાસનો વપરાશ ત્રણ કરોડ 15 લાખ ગાંસડી રહેશે.

ખેડૂતો પર એની શું અસર થશે?

ગુજરાતના કપાસના વેપારીઓ તેમ જ કપાસની જિનિંગ અને સ્પિનિંગ મિલો સાથે સંકળાયેલ વેપારીઓની સંસ્થા ગુજકોટના સેક્રેટરી અજય શાહ કહે છે કે વધી રહેલ આયાત ખેડૂતોને નડી રહેલ ઘણી સમસ્યાઓમાંની એક છે.

તેમનું કહેવું છે કે "2000ના દાયકાની શરૂઆતમાં ભારતમાં કપાસની નીચી ગુણવત્તા અને નીચી ઉત્પાદકતાના કારણે કપાસની ખેતી કરતા ખેડૂતો પર સંકટ હતું. પરંતુ બીટી કપાસનાં બિયારણો આવતા ભારતમાં કપાસની ખેતીમાં એક ક્રાંતિ આવી. પરંતુ, વીસ વર્ષ પછી પહેલાંના જેવી જ સમસ્યા ઊભી થઇ છે."

અજય શાહ વધુમાં જણાવે છે, "ગુલાબી ઇયળના ઉપદ્રવને કારણે પ્રતિ હેક્ટર ઉત્પાદન નીચું થાય છે જયારે અન્ય દેશોમાં ઉત્પાદન ઊંચા રહે છે. તેથી, ભારતમાં કપાસના ખેડૂતો માટે ખેતી યોગ્ય રહી નથી. એક સમયે સફેદ સોનું કહેવાતા કપાસથી ખેડૂતો દૂર ભાગી રહ્યા છે. ભારત સરકાર લઘુત્તમ ટેકાના ભાવે કપાસ ખરીદી રહી છે. તેથી, ભારતના કપાસના ભાવ ઊંચા છે અને તેના કારણે આયાત વધી રહી છે. હવે, વધારે ઉત્પાદન આપતી કપાસની જાતો આવે તો સ્થિતિ સુધરે તેમ છે."

કાપડ ઉદ્યોગ પર શું અસર થશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કપાસની ખેતી, કપાસ, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વમાં કાપડની સૌથી વધારે નિકાસ કરતા દેશોની યાદીમાં ભારતનું સ્થાન છઠ્ઠું છે

વિશ્વમાં કાપડની સૌથી વધારે નિકાસ કરતા દેશોની યાદીમાં ભારતનું સ્થાન છઠ્ઠું છે.

કાપડ વણાટ ઉદ્યોગ(વિવિંગ ઇન્ડસ્ટ્રી)સાથે જોડાયેલ મોરબીના ઉદ્યોગપતિ દુર્લભજીભાઈ દેથરિયા કહે છે કે વધી રહેલ આયાતોની અસર કાપડ ઉદ્યોગ પર કઈ ખાસ નહિ પડે.

તેઓ કહે છે, "વધી રહેલ આયાતોથી કપાસ મોંઘો થાય તો તેની અસર વિવિંગ ઇન્ડસ્ટ્રી પર બહુ નહિ પડે કારણ કે સુતરાઉ કાપડમાં ચોરસ મીટરના હિસાબે વપરાતા કપાસના યાર્ન (દોરા)ની માત્રા બહુ વધારે નથી હોતી. વળી, કપાસના ભાવોમાં સામાન્ય વધઘટ થાય તો સ્પિનીંગ ઇન્ડસ્ટ્રી વીવિંગ ઇન્ડસ્ટ્રી માટે એક ફિલ્ટરનું કામ કરે છે."

"સ્પિનીંગ ઇન્ડસ્ટ્રી સામાન્ય રીતે એવો ભાવ વધારો વિવિંગ ઇન્ડસ્ટ્રી પર નાખતી નથી," તેઓ કહે છે.

તેમના મત પ્રમાણે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની પણ આ ઉદ્યોગ પર થઈ છે.

આ વિશે વાતચીત કરતાં તેઓ કહે છે, "બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને કારણે ત્યાંની વિવિંગ ઇન્ડસ્ટ્રી માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. તેથી, ભારતના કાપડ ઉદ્યોગને આડકતરો લાભ મળે તેમ લાગી રહ્યું છે. જો ભારતીય કાપડ ઉદ્યોગને ખરેખર ફાયદો થાય તો કપાસની ખેતી કરતા ખેડૂતોને પણ ફાયદો થશે."

સ્પિનર્સ ઍસોસિયેશન, ગુજરાતના પ્રમુખ ભરત બોઘરા જણાવે છે કે કપાસની આયાત દેશના કાપડ ઉદ્યોગ માટે સારી બાબત છે અને કેન્દ્ર સરકાર આયાતો સામે ખેડૂતોના હિતોનું પણ રક્ષણ કરશે.

આ વિશે વધુ વાત કરતાં તેઓ કહે છે કે "કાપડ ઉદ્યોગ માટે લાંબા અને ટૂંકા તારવાળા એમ બંને પ્રકારનાં રૂની જરૂર રહેતી હોય છે અને તેથી ભારતે અમુક પ્રકારના કપાસની આયાત કરવી પડે છે. દેશના કાપડ ઉદ્યોગને જરૂરી કાચો માલ એવો કપાસ વિવિધ સ્ત્રોતોમાંથી મળતો થાય તો ભારતીય કાપડ ઉદ્યોગ વધારે વિકસશે અને વૈશ્વિક બજારમાં આગળ આવશે."

બોઘરાએ બીબીસીને જણાવ્યું, "અત્યારે કેન્દ્ર સરકાર કપાસની આયાત પર અગિયાર ટાકા આયાત કર વસુલ કરે છે તે પણ હટાવી લેવો જોઈએ જેથી કાપડ ઉદ્યોગને વ્યાજબી ભાવે કાચો માલ મળી રહે. પરંતુ એ સાથે જ સરકાર ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરવા માટે પણ મિશન મોડ પર કામ કરી રહી છે. વધારે ઉત્પાદન આપતી કપાસની જાતો વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે અને તે ખેડૂતો સુધી પહોંચતા ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટશે અને વળતર વધશે"

બોઘરાએ ઉમેર્યું કે દેશમાં ઉત્પાદન થતા યાર્નના પચાસ ટાકા યાર્ન ભારતની વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે જયારે અન્ય પચાસ ટકાની નિકાસ કરવામાં આવે છે.

'કપાસની આયાત વધવી સકારાત્મક બાબત'

બીબીસી ગુજરાતી, ગુજરાત, કપાસની ખેતી, કપાસ, ખેડૂતો

એક તરફ કપાસની આયાત થઈ રહી છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારની સંસ્થા કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (સીસીઆઈ) એટલે કે ભારતીય કપાસ નિગમ ભારતના બજારોમાં કપાસના ભાવ ગત ત્રણ વર્ષોની સરખામણીએ નીચા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા માટે ટેકાના ભાવે કપાસની ખરીદી મોટા પાયે કરી રહ્યું છે.

સીસીઆઈના અધ્યક્ષ લલિતકુમાર ગુપ્તાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "શુક્રવાર (21 / 02 / 2025 ) સુધીમાં અમે 90 લાખ ગાંસડી જેટલા કપાસની ખરીદી કરી લીધી છે અને આગામી દિવસોમાં આ ખરીદી 100 લાખ (એક કરોડ) ગાંસડી પર પહોંચી જાય તેવી શક્યતા છે, કારણ કે કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે."

"બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવોની અસર હેઠળ ભારતના સ્થાનિક બજારમાં કપાસના ભાવ તુલનાત્મક રીતે નીચા છે."

સીસીઆઈ ચૅરમૅન કહે છે કે કપાસની આયાતને સકારાત્મક બાબત તરીકે જોવી જોઈએ.

લલિતકુમાર ગુપ્તાના મતે, "કપાસની નિકાસ કરતાં જો આપણે કપાસમાંથી કાપડ કે અન્ય વસ્તુ બનાવી તેની નિકાસ કરીએ તો ભારતના સ્પિનનિંગ અને વિવિંગ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને તેથી રોજગારની તકો વધે અને ભારતને વધારે વિદેશી હૂંડિયામણ પણ વધારે મળે."

"ખરેખર તો આયાત વધવા છતાં ભારતમાં કપાસ આધારિત ટેક્સ્લાઇટ ઇન્ડસ્ટ્રી સારો નફો રળી રહી છે. રહી વાત રો મટીરિયલની, તો અમે ભારતીય ઉદ્યોગોને તે પૂરતા પ્રમાણમાં પૂરું પાડવા પ્રતિબદ્ધ છીએ. ટૂંક સમયમાં જ અમે ટેકાના ભાવે ખરીદેલા કપાસનું હરાજીથી વેચાણ શરૂ કરી બજારમાં કપાસની ઉપલબ્ધતા વધારીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.