કચ્છ : કુસ્તી પર સટ્ટો રમાડતા એ ઇભલા શેઠની કહાણી જેને કારણે IPS કુલદીપ શર્માને જેલમાં જવું પડ્યું

બીબીસી ગુજરાતી ઈભલા શેઠ કચ્છ પોલીસ કુલદીપ શર્મા ગુજરાત કૉંગ્રેસ
ઇમેજ કૅપ્શન, ઇભલા શેઠ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એક સમયે ગુજરાતના 'સુપરકૉપ' ગણાતા આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને ચાર દાયકા અગાઉ મુસ્લિમ આગેવાન ઇભલા શેઠને માર મારવાના કેસમાં ત્રણ મહિનાની કેદ થઈ છે.

લગભગ 41 વર્ષ જૂની ઘટનામાં છેક હવે ચુકાદો આવ્યો છે, જેમાં ભુજની એક કોર્ટે કુલદીપ શર્માને ત્રણ મહિનાની જેલની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ દરમિયાન ઇભલા શેઠનું 2014માં જ અવસાન થયું હતું.

વૉટ્સઍપ

કુલદીપ શર્મા સામેનો કેસ શું હતો?

બીબીસી ગુજરાતી ઈભલા શેઠ કચ્છ પોલીસ કુલદીપ શર્મા ગુજરાત કૉંગ્રેસ
ઇમેજ કૅપ્શન, કુલદીપ શર્મા

કૉંગ્રેસી આગેવાનને માર મારવાનો કેસ છેક 1984નો છે. તે વખતે કચ્છના નલિયામાં સુલેમાન હાજી આમીદ નામની વ્યક્તિને પોલીસે પકડી હતી.

ગુજરાતમાં ત્યારે કૉંગ્રેસ સત્તા પર હતી અને હાજી ઇબ્રાહીમ મંધરા એટલે કે ઇભલા શેઠ મુસ્લિમ સમુદાયના આગેવાન ગણાતા હતા.

ઇભલા શેઠ નલિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને સુલેમાન હાજી આમીદ માટે ભલામણ કરી હતી.

તેમની વાત સાંભળવામાં ન આવી, તેથી ઇભલા શેઠે તે સમયના પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અને 'બાહુબલી' નેતા વિજયદાસ મહંતને વાત કરી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ ભુજમાં વિજયદાસ મહંતને મળ્યા અને મહંતે તેમને કચ્છના પોલીસવડા કુલદીપ શર્માને મળવા કહ્યું હતું.

ત્યાર બાદ ઇભલા શેઠ અને અબડાસાના તત્કાલીન ધારાસભ્ય ખરાશંકર જોશી સહીત આઠ જણ કુલદીપ શર્માને મળવા ગયા હતા.

તેમણે સુલેમાન હાજી આમીદ સહીત પકડાયેલા ચાર લોકોને હેરાન કરવામાં આવે છે તેવી વાત કરી.

રજૂઆત સાંભળ્યા પછી કુલદીપ શર્માએ બધાનો પરિચય પૂછ્યો અને ધારાસભ્ય ખરાશંકર જોશી કહ્યું કે "દાણચોરોને લઈને અહીં આવો છો?"

ફરિયાદ મુજબ કુલદીપ શર્માએ ઇભલા શેઠને ત્યાં જ રોકાવાનું કહ્યું અને બાકીના લોકોને જવા દીધા.

ઇભલા શેઠની સાથે આવેલા શંકરલાલ જોશીએ કુલદીપ શર્મા સામે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે "બીજા લોકો પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ વિજયદાસ મહંતને મળવા ગયા ત્યારે કુલદીપ શર્મા સહિત ત્રણ અધિકારીઓ ઇભલા શેઠને મારવા લાગ્યા. તેમની ચીસો સંભળાતી હતી. મેં બારીમાંથી જોયું તો ઇભલા શેઠ જમીન પર પડ્યા હતા અને પોલીસ તેમને લાકડીથી ફટકારતી હતી."

તેમણે કહ્યું છે કે "અમે વિજયદાસ મહંતને ફોન કર્યો અને તેમણે કુલદીપ શર્માને ગેરવર્તન ન કરવા અંગે ફોન કર્યો હતો."

અડધા કલાક પછી ઇભલા શેઠ રીક્ષા કરી ઉમેદભવન આવ્યા અને મારના કારણે તેઓ ચાલી શકે તેમ ન હતા. પછી અમે મુસ્લિમ સમાજની એક મિટિંગમાં ગયા, ત્યાંથી ઇભલા શેઠને લઇને કોઠારા ગામે ગયા અને તેમની ઇજાના ફોટા પડાવ્યા, ડૉક્ટરની સારવાર લીધી.

શંકરલાલ જોશી દ્વારા થયેલા આ કેસનો નિકાલ કરવા ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અરજીઓ થઈ હતી. ત્યાર પછી ભુજની કોર્ટમાં કેસ ચાલી ગયો. હવે તેમાં ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ બી. એમ. પ્રજાપતિએ કુલદીપ શર્માને ત્રણ મહિનાની સાદી કેદ અને એક હજાર રૂપિયાનો દંડ કર્યો છે.

કોણ હતા ઇભલા શેઠ?

બીબીસી ગુજરાતી ઈભલા શેઠ કચ્છ પોલીસ કુલદીપ શર્મા ગુજરાત કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇભલા શેઠ મુસ્લિમ સમાજમાં વગ ધરાવતા કૉંગ્રેસી આગેવાન હતા. કચ્છમાં અબડાસા તાલુકાના કાલા તળાવ ગામે જન્મેલા ઈભલા શેઠના પિતાની કરિયાણાની દુકાન હતી. નાનપણથી તેઓ દુકાને બેસતા તેથી લોકો ઇભલા શેઠ કહીને બોલાવતા.

કચ્છના વરિષ્ઠ પત્રકાર અને કચ્છમિત્ર દૈનિકના ભૂતપૂર્વ તંત્રી કીર્તિ ખત્રીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "તે સમયે કચ્છનાં ગામડાંઓમાં મેળા યોજાતા. જેમાં પહેલવાનોની કુસ્તીની સ્પર્ધા થતી, જે 'મલાખડો' તરીકે ઓળખાતી."

"મલાખડામાં પહેલવાનો પર રૂપિયા લગાવવામાં આવતા. ઇભલા શેઠના પોતાના કુસ્તીબાજો હતા અને તેમના પર સટ્ટો લગાવાતો."

કીર્તિ ખત્રી કહે છે કે "મલાખડાના સટ્ટામાં ઇભલા શેઠને સારા એવા રૂપિયા મળતા. આ ઉપરાંત તેમની સામે જુગાર રમાડવાના પણ ઘણા કેસ થયેલા હતા. તે જમાનામાં સોના-ચાંદીની દાણચોરી પણ થતી અને અબડાસા તથા મુંદ્રા પાસે દાણચોરીનો માલ ઉતારવામાં આવતો."

"તે વખતે ઇભલા શેઠ અને તેમના સાથીદારો દાણચોરીના માલનું લૅન્ડિંગ કરાવતા તેવા આરોપો પણ લાગ્યા હતા. શેખરપીરની દરગાહ નજીક દાણચોરીની ચાંદી ઉતારવાના કેસમાં તેમનું નામ સંડોવાયું હતું."

1982માં અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં શ્વેતા પાર્ક સોસાઇટીમાં રેખા ચંપક શેઠના ઘરે દરોડા પડ્યા હતા તેમાં ઇભલા શેઠનું નામ ખુલ્યું હતું. તેમના પર 'પાકિસ્તાનીઓને આશરો આપવાના' આરોપ પણ લાગ્યા હતા.

કેટલાક કેસમાં ઇભલા શેઠ તડીપાર કરવામાં આવ્યા હતા પરંતુ તેમની સામે દાણચોરીનો કોઈ ગુનો સાબિત થયો ન હતો. વર્ષ 2014માં તેમનું મૃત્યુ થયું હતું.

'હું જુગાર રમાડતો, રાજકારણીઓને ચૂંટણી જીતાડી આપતો'

કુલદીપ શર્મા કચ્છમાં એસપી હતા ત્યારે 1984માં બે વ્યક્તિઓના કથિત ઍન્કાઉન્ટરમાં મોત થયાં હતાં અને 2010માં સીઆઈડી ક્રાઈમે નવેસરથી તપાસ શરૂ કરી હતી.

ઇભલા શેઠે પોતાના મૃત્યુનાં ચાર વર્ષ અગાઉ 2010માં એક ખાનગી ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે "હું જુગાર રમાડતો તે વાત સાચી છે. કચ્છના મેળામાં કોઈ ગરીબ વ્યક્તિ જુગાર રમીને વધુ રૂપિયા કમાઈ જાય તો તેને ઘરે મૂકવા માટે હું સિક્યૉરિટી તરીકે મારા માણસો મોકલતો હતો."

ઇભલા શેઠે જણાવ્યું હતું કે "કુલદીપ શર્માએ મારા એક સંબંધીને દારુના ખોટા કેસમાં પકડ્યા હતા અને તેમના વતી રજુઆત કરવા હું ગયો હતો ત્યારે મને 'દાણચોર' કહીને ઢોર માર મારવામાં આવ્યો હતો."

તેમણે કહ્યું કે "કુલદીપ શર્માના સમયમાં કચ્છમાં કુલ ચાર ઍન્કાઉન્ટર થયાં હતાં જેમાં મોખા ભાઈઓ પર દાણચોરીનો આરોપ હતો અને બે લોકો ગુમ છે."

ટીવી ચૅનલમાં ઇભલા શેઠે દાવો કર્યો હતો કે કચ્છમાં તેઓ લોકપ્રિય હતા અને તેમણે કેટલાય રાજકારણીઓને ચૂંટણી જીતાડી આપી હતી. તેમણે ઉમેર્યું હતું, "પરંતુ હું તકલીફમાં હતો ત્યારે કૉંગ્રેસના કોઈ નેતાએ મારી મદદ કરી ન હતી."

તેમણે દાવો કર્યો કે "1989ની ચૂંટણીમાં મેં ચીમનભાઈ પટેલના કહેવાથી ભાજપના એક ઉમેદવારને પણ મદદ કરી હતી. હવે હું ખેતી કરું છું. હું અપક્ષ ચૂંટણી લડ્યો ત્યારે મારી વિરુદ્ધ ગરબડ કરવામાં આવી તેથી 3,800 મતથી હું હારી ગયો હતો."

ઇભલા શેઠે કહ્યું, "1984માં મેં પોલીસ પર કેસ કર્યો તેથી મારી સામે ઘણા કેસ કરવામાં આવ્યા, પરંતુ એક પણ કેસમાં ગુનો સાબિત થયો નથી."

ઇભલા શેઠના પરિવારજનો શું કહે છે?

ઇભલા શેઠ તો અત્યારે હયાત નથી, પરંતુ તેમના પુત્ર ઇકબાલ મંધરાએ બીબીસી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "મારા પિતાનું આખું નામ અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ હતું અને અમારી કરિયાણાની દુકાન હતી. અમે ગરીબોને મદદ કરતા. તેથી લોકો મારા પિતાને ઇભલા શેઠ કહીને બોલાવતા."

"1984માં આ ઘટના બની ત્યારે હું મારા પિતાની સાથે હતો. એ સમયે અમારી પાસે એક જીપ હતી. હું જીપમાં બેઠો અને મારા પિતા અને બીજા લોકો પોલીસ થાણામાં ગયા હતા. અમારો ડ્રાઇવર એ વખતે મને ભુજથી કોઠારા લઈ આવ્યો હતો. ત્યાં શું થયું એ મને ખબર નથી."

ઇકબાલ મંધરા કહે છે, "જુલાઈ 2014માં મારા પિતાનું અવસાન થયું ત્યાં સુધી ન્યાય મળ્યો ન હતો. હવે 40 વર્ષ, નવ મહિના અને બે દિવસ પછી ન્યાય મળ્યો એનો અમને આનંદ છે."

તેમણે કહ્યું, "મારા પિતાએ પોલીસ સામે કેસ કર્યો તે અગાઉ તેમની ઉપર કોઈ કેસ ન હતો. પરંતુ પોલીસની સામે પડ્યા પછી કચ્છમાં કોઈ પણ ઘટના બને તો તેમાં મારા પિતાનું નામ સંડોવી દેવામાં આવતું. તેઓ ગુનેગાર હોત તો તેમને ક્યારેક તો સજા થઈ હોત. ખેર, આટલાં વર્ષે પણ અમને ન્યાય મળ્યો એની અમને ખુશી છે."

કુલદીપ શર્મા કોણ છે?

બીબીસી ગુજરાતી ઈભલા શેઠ કચ્છ પોલીસ કુલદીપ શર્મા ગુજરાત કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, FACEBOOK/BOMBAY UNDERWORLD

ઇમેજ કૅપ્શન, અબ્દુલ લતીફ

1976ની બૅચના આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા એક સમયે ભારે પ્રતિષ્ઠા ધરાવતા અને 'સુપરકૉપ' તરીકે ખ્યાતિ પામ્યા હતા.

કચ્છમાંથી તેમની બદલી થયા પછી તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા અને તે સમયે અમદાવાદમાં ડૉન અબ્દુલ લતીફનો જમાનો હતો.

કુલદીપ શર્માએ લતીફ ગૅંગ પર સકંજો કસ્યો હતો અને પછી તેઓ ઍન્ટી-ટેરરિસ્ટ સ્કવૉડ(એટીએસ)માં ગયા હતા.

1992માં ગુજરાતમાં થયેલાં રમખાણો પછી લતીફ ગૅંગ અમદાવાદ બહાર એકે-47 રાઇફલો લઈ ગઈ હતી. કુલદીપ શર્માએ આ હથિયારો મધ્ય પ્રદેશના ઝરનીય ગામમાંથી પકડ્યા હતા.

1995માં લતીફને પકડવામાં પણ કુલદીપ શર્માની ભૂમિકા હતી. તેવી જ રીતે રાજસ્થાનથી ગુજરાતમાં ચરસ ઘૂસાડનાર બળવંતસિંહને પણ પકડવામાં આવ્યો હતો.

કુલદીપ શર્માએ 37 વર્ષ કરતાં વધુ સમય ગુજરાત પોલીસમાં સેવા આપી હતી.

તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાત સરકારે તેમની સાથે પક્ષપાતભર્યું વલણ દાખવ્યું છે અને તેમનું પ્રમોશન અટકાવ્યું છે. તેઓ આ અંગે કોર્ટમાં પણ ગયા હતા.

કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તેમને ડીજીપીનું(ડાયરેક્ટર જનરલ પોલીસ) પ્રમોશન આપ્યું અને તેઓને ઘેટાં અને ઊન વિકાસ નિગમમાં મોકલવામાં આવ્યા હતા.

કુલદીપ શર્મા રાજ્ય સરકારની ઇચ્છા વિરુદ્ધ ડેપ્યુટેશન પર દિલ્હી ગયા હતા. તેમને બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના ઍડિશનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

કુલદીપ શર્માએ નિવૃત્તિ પછી કેન્દ્રીય ગૃહવિભાગમાં ઍડવાઝર તરીકે પણ સેવા આપી હતી. નિવૃત્ત થયાના એક વર્ષ બાદ તેઓ વિધિવત્ રીતે કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

તેમણે સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસમાં સીબીઆઈને કેટલીક વિગતો આપી હતી જેના કારણે મનાય છે કે તેમને સતત બિનમહત્ત્વનું સાઇડ પોસ્ટિંગ મળ્યું હતું.

કુલદીપ શર્માના ભાઈ પ્રદીપ શર્મા આઈએએસ અધિકારી હતા અને કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ બજાવવા દરમિયાન જમીન કૌભાંડ કર્યા હોવાના આરોપ લાગ્યા હતા. તાજેતરમાં પ્રદીપ શર્મા દોષિત સાબિત થયા હતા અને તેમને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.