નિવૃત્ત IAS પ્રદીપ શર્માને હવે મની લૉન્ડરિંગ કેસમાં પાંચ વર્ષની જેલ, એક સમયે મોદીની 'મુશ્કેલીઓ વધારી' હતી

ઇમેજ સ્રોત, Getty Images
એક સમયે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે મુશ્કેલીઓ વધારનાર ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને મની લૉન્ડરિંગના કેસમાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે 6 ડિસેમ્બર, શનિવારે અમદાવાદની એક સ્પેશિયલ કોર્ટે નિવૃત્ત સનદી અધિકારી પ્રદીપ શર્માને મની લૉન્ડરિંગના કેસમાં પાંચ વર્ષની સજા કરી છે. આ ઉપરાંત કોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
શર્મા ઉપર આરોપ હતો કે તેઓ કચ્છમાં સેવારત હતા, ત્યારે તેમણે જિલ્લામાં વ્યાપક વેપારીહિતો ધરાવતા મુંબઈસ્થિત ઉદ્યોગગૃહ પાસેથી પોતાનાં પત્નીને આર્થિકલાભ અપાવ્યા હતા, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થયું હતું.
શર્માએ એક સમયે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ઉપર ગુજરાતની એક યુવતીની જાસૂસી કરાવવાના આરોપ મૂક્યા હતા તથા આ અંગે સર્વોચ્ચ અદાલતમાં ઍફિડેવિટ પણ દાખલ કરી હતી.
આ આરોપોનો રેલો ગુજરાતના તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહ મંત્રી અમિત શાહ સુધી પણ પહોંચ્યો હતો.
પ્રદીપ શર્માના ભાઈ કુલદીપ ગુજરાતમાં આઈપીએસ ઑફિસર હતા. ગોધરાકાંડને પગલે ફાટી નીકળેલાં હુલ્લડો બાદ જે આઈપીએસ અધિકારીઓ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે પડ્યા હતા તેમાં કુલદીપ શર્મા સામેલ હતા.
પ્રદીપ શર્મા સામેનો કેસ શું હતો?
2003થી 2006 દરમિયાન પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે એક ખાનગી કંપનીને રાહત દરે જમીન ફાળવીને સરકારને નાણાકીય નુકસાન પહોંચાડ્યું હતું તેવો આરોપ હતો.
ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની અમદાવાદ ઝોનલ ઑફિસે માર્ચ 2012માં આ મામલે પ્રદીપ શર્મા સામે કેસ દાખલ કર્યો હતો અને જુલાઈ 2016માં તેમની ધરપકડ થઈ હતી. ત્યાર પછી માર્ચ 2018માં શર્માને જામીન પર મુક્તિ મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કચ્છમાં કલેક્ટર પદે રહેવા દરમિયાન અંજાર તાલુકાના વર્ષામેડી ગામે વેલસ્પન ઇન્ડિયા અને તેની ગ્રૂપ કંપનીઓને સસ્તા દરે સરકારી જમીન ફાળવવાનો આરોપ શર્મા સામે લાગ્યો હતો.
સ્પેશિયલ PMLA જજ કે એમ સોજિત્રાએ શર્માને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ના સેક્શન 3 અને 4 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે ઈડીની તપાસ દરમિયાન શર્માની જે મિલકતો જપ્ત કરવામાં આવી હતી, તે પણ કેન્દ્ર સરકાર હસ્તક રહેશે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ વર્ષે જાન્યુઆરીમાં પણ પીએમએલએ કોર્ટ દ્વારા પ્રદીપ શર્માને બીજા એક ગુના માટે સજા કરવામાં આવી છે. 71 વર્ષીય શર્માના વકીલે બંને સજાઓ એક સાથે ચલાવવા માટે વિનંતી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે.
કોર્ટે કહ્યું કે "કોર્ટ એવા તારણ પર પહોંચી છે કે આરોપીએ મની લોન્ડરિંગનો ગુનો કર્યો હતો... ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરવામાં સફળ રહ્યો છે."
શર્માના વકીલ આર જી ગોસ્વામીને ટાંકીને ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે "અમે દલીલ કરી હતી કે શર્મા સામે જ્યારે કેસ કરવામાં આવ્યો ત્યારે પીએમએલએ કાયદો અમલમાં ન હતો. ક્રિમિનલ પ્રોસિઝરના કોડના સેક્શન 197 હેઠળ ફરિયાદ કરવાની ઈડીને કોઈ મંજૂરી મળી ન હતી...અમારી વિનંતી ધ્યાને લેવામાં નથી આવી. અમે આ સજા વિરુદ્ધ હાઈ કોર્ટમાં જઈશું."
અગાઉના 2004ના કેસમાં શું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે ભ્રષ્ટાચારના આરોપમાં શર્મા સામે ભ્રષ્ટાચારના ત્રણ કેસ એક સાથે ચલાવવામાં આવ્યા હતા.
પ્રદીપ શર્મા વર્ષ 2004માં કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે વૅલસ્પન ગ્રૂપને બજારકિંમતના 25 ટકા ભાવથી આપી હતી, જેના કારણે રાજ્ય સરકારની તિજોરીને રૂ. એક કરોડ 20 લાખનું નુકસાન થયું હતું.
આના બદલામાં વૅલસ્પન જૂથે શર્માનાં પત્નીને તેમની એક પેટા કંપની વૅલ્યૂ પૅકેજિંગમાં 30 ટકાના ભાગીદાર બનાવ્યાં હતાં. આ સિવાય પ્રદીપ શર્માનાં પત્નીને રૂ. 29 લાખ 50 હજાર જેટલો આર્થિકલાભ મળ્યો હતો.
ઍન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસના આધારે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ કે. એમ. સોજિત્રાએ ભ્રષ્ટાચાર નિરોધક કાયદાની કલમ 13(2) (સરકારી નોકર દ્વારા ગુનાહિત કૃત્ય આચરવું) અને કલમ 11 (સરકારી નોકર દ્વારા ગેરવ્યાજબી લાભ મેળવવો) હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીને ટાંકતા એજન્સી લખે છે કે શર્માને કલમ-13 (2)ના ભંગ બદલ ત્રણ વર્ષની જેલની સજા તથા રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય કલમ-11ના ભંગ બદલ બે વર્ષની જેલ તથા રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
એસીબી દ્વારા સપ્ટેમ્બર-2014માં આ કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે પ્રદીપ શર્મા?

પ્રદીપ શર્મા સાથે કામ કરી ચૂકેલા લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શર્માનો જન્મ અને ઉછેર ગુજરાતમાં જ થયો છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી કૅમિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો છે.
મોટાભાઈ કુલદીપને પગલે પ્રદીપે સનદીસેવાઓની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. પ્રદીપે 1981માં ગુજરાત ઍડમિન્સ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. એ પછી રાજ્યમાં અલગ-અલગ પદ પર સેવાઓ આપી હતી.
વડોદરાથી પ્રદીપ શર્માની બદલી જામનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે થઈ હતી. ગુજરાતમાં થોડા સમય માટે ચાલેલી રાજકીય અસ્થિરતા દૂર થઈ હતી અને ભાજપ સત્તા ઉપર આવ્યો હતો.
કેશુભાઈ સરકારને વહીવટીતંત્રમાં વિશ્વાસુ લોકોની જરૂર હતી, ત્યારે કુલદીપ શર્માએ આ સ્થાન ભર્યું હતું.
વર્ષ 1999માં પ્રદીપને આઈએએસનું (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) પ્રમૉશન આપવામાં આવ્યું હતું. એ પછી પ્રદીપ શર્માને વડોદરામાં પોસ્ટિંગ મળ્યું હતું. જોકે, તેમની સિનિયૉરિટી વર્ષ 1994થી ગણવામાં આવી હતી.
જાન્યુઆરી-2001માં ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો અને હજારો લોકોએ પ્રાણ ગુમાવ્યા. ભૂજ શહેર તારાજ થઈ ગયું હતું, ત્યારે રાજ્ય સરકારે તેને નવેસરથી વસાવવાની કવાયત હાથ ધરી હતી.
એપ્રિલ-2003માં પ્રદીપ શર્માને કચ્છના જિલ્લા કલેક્ટર તરીકે ભૂજમાં નિમણૂક આપવામાં આવી હતી. કેટલાક લોકો દ્વારા શર્માને ભૂજના પુનઃવિકાસનો વ્યાપક શ્રેય તેમને આપવામાં આવે છે.
2006 સુધી ભૂજમાં નોકરી કર્યા બાદ પ્રદીપ શર્માને ભાવનગરમાં પોસ્ટિંગ મળ્યું હતું. અહીંના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકાર અને શર્માની વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું અને શર્માની ઉપર ભૂજના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. જાન્યુઆરી-2010માં પ્રદીપની શર્માની ધરપકડ કરી હતી.
શર્માની સામે ભ્રષ્ટાચાર સહિત અલગ-અલગ 10થી વધુ કેસ દાખલ થયા હતા. એક તબક્કે રાજકોટસ્થિત વરિષ્ઠ ક્રિમિનલ લૉયર અભય ભારદ્વાજ તેમની સામે અદાલતમાં હાજર રહ્યા હતા. આગળ જતાં તેઓ રાજ્યસભામાંથી ભાજપના મૅન્ડેટ ઉપર રાજ્યસભાના સંસદસભ્ય બન્યા હતા.
મોદી-શાહની મુશ્કેલીઓ વધારી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2011માં ગુલબર્ગ હત્યાકેસની તપાસ માટે નિમાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ પ્રદીપ શર્માએ જુબાની આપી હતી, જેમાં શર્માએ દાવો કર્યો હતો કે માર્ચ-2002ની શરૂઆતમાં (તત્કાલીન) મુખ્ય મંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો.
આ કોલમાં હુલ્લડો દરમિયાન વધુ પ્રૉ-ઍક્ટિવ ન થવા માટે મોટાભાઈ કુલદીપને સમજાવવા માટે કહેવામાં આવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં મોદીને ક્લિનચીટ આપી હતી.
સપ્ટેમ્બર-2013માં ભાજપ દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
નવેમ્બર-2013માં કૉબ્રાપોસ્ટ અને ગુલેલ ડૉટ કૉમ નામની વેબસાઇટ દ્વારા કેટલાક ઓડિયો રૅકૉર્ડિંગ્સ બહાર પાડવામાં આવ્યા હતા.
જેમાં કથિત રીતે અમિત શાહે કોઈ 'સાહેબ'ના કહેવાથી આઈપીએસ ઑફિસર જી. એસ. સિંઘલને પ્રદીપ શર્માની હિલચાલ ઉપર સઘન નજર રાખવા સૂચના આપતા જણાય છે.
આ ટેપ્સના આધારે પ્રદીપ શર્માએ દાવો કર્યો હતો કે એક મહિલા સાથે મોદીની નિકટતા હતી અને તેમને આના વિશે માહિતી હતી એટલે તેમની ઉપર નજર રાખવામાં આવી રહી હતી.
સીબીઆઈ દ્વારા આ જાસૂસીકાંડ અને તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવે એવા મતલબની અરજી પણ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી.
શર્માના કહેવા પ્રમાણે, તેમણે જ એ મહિલા આર્કિટેક્ટને ભૂજના એક બગીચાના લૅન્ડસ્કૅપિંગનું કામ સોંપ્યું હતું. ત્યારે મોદી અને મહિલાની મુલાકાત થઈ હતી.
યુપીએના નેતૃત્વવાળી તત્કાલીન કેન્દ્ર સરકારે પણ તપાસપંચ નિમવાની જાહેરાત કરી હતી.
સુપ્રીમ કોર્ટે પ્રદીપ શર્માને મોદી સામેના વ્યક્તિગત આરોપોને કાઢી નાખીને નવેસરથી અરજી કરવા માટે કહ્યું હતું.
એ પછી શર્માએ નવેસરથી અરજી કાઢી ત્યારે જાસૂસીકાંડ તથા તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ દ્વારા તપાસની માગને સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી હતી.
ગુજરાત સરકારે આ કેસમાં બે સભ્યના તપાસ પંચની નિમણૂક કરી હતી. જે મહિલાની કથિત રીતે જાસૂસી કરવામાં આવી હતી, તેમના પિતાએ રાજ્ય સરકારના નિર્ણયને રદ કરવા માટે હાઈકોર્ટમાં ધા નાખી હતી.
પિતાનું કહેવું હતું કે 'દીકરીની સુરક્ષા માટે' તેમણે નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. ઑક્ટોબર-2014માં ગુજરાત હાઈકોર્ટે આ અરજીને ગ્રાહ્યા રાખી હતી અને તપાસપંચને રદ જાહેર કર્યું હતું.
આ પહેલાં કેન્દ્રના રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું હતું. મે-2016માં નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા હતા.
પ્રદીપ શર્માનાં પત્ની શ્યામલ અને પુત્ર પ્રશાંત અમેરિકાનાં નાગરિક છે. વર્ષ 2018માં પ્રશાંતનાં લગ્ન થયાં ત્યારે શર્માએ લગ્નને ઑનલાઇન નિહાળવા માટે જામીન માગ્યા હતા, પરંતુ તે નામંજૂર થયા હતા.
શર્માની ઉપર આરોપ છે કે તેઓ બનાવટી પાસપૉર્ટના આધારે વિદેશ નાસી છૂટવાની ફિરાકમાં હતા. ઈડી દ્વારા પણ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે હવાલાથી વિદેશ રૂપિયા મોકલ્યા હોવાનો આરોપ છે.
બે ભાઈ, એક દાસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ-2012માં પ્રદીપ શર્માએ આરોપ મૂક્યો હતો કે ગુજરાત સરકાર સામે પડવાને કારણે તેમને તથા તેમના મોટાભાઈ કુલદીપને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. છ મહિના પછી ગુજરાતની વિધાનસભા ચૂંટણી હોવાથી આ મુદ્દો ચર્યા હતો.
1976ની બૅચના આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારી કુલદીપ શર્માએ 37 વર્ષ કરતાં વધુ સમય ગુજરાત પોલીસમાં સેવા આપી હતી.
ગુજરાત સીઆઈડી ક્રાઇમના વડા વખતે તેઓએ સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસની તપાસમાં અગત્યની ભૂમિકા ભજવી હતી અને તપાસનો રહેલો તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહ મંત્રી અમિત શાહ સુધી પહોંચ્યો હતો.
ગુજરાત સરકારે તેમની સાથે પક્ષપાતભર્યું વલણ દાખવી તેમનું પ્રમોશન અટકાવ્યું હોવાનો આરોપ લગાવી તેઓ કોર્ટમાં પણ ગયા હતા.
આખરે કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તેમને ડીજીપીનું (ડાયરેક્ટર જનરલ પોલીસ) પ્રમોશન આપ્યું અને તેઓને ઘેટા અને ઊન વિકાસ નિગમમાં મોકલવામાં આવ્યા હતા.
કુલદીપ શર્મા રાજ્ય સરકારની ઇચ્છા વિરુદ્ધ ડેપ્યુટેશન પર દિલ્હી ગયા હતા. તેમને બ્યૂરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના ઍડિશનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
કુલદીપ શર્માએ નિવૃત્તિ પછી કેન્દ્રીય ગૃહવિભાગમાં ઍડવાઝર તરીકે પણ સેવા આપી હતી. નિવૃત્ત થયાના એક વર્ષ બાદ તેઓ વિધિવત્ રીતે કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












