આ દેશના ખેડૂતો પાકમાં માનવમૂત્રનો છંટકાવ કેમ કરે છે અને તેનાથી લાભ શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બૅકા વૉર્નર
- પદ, બીબીસી ફ્યૂચર
પ્રાચીન રોમ અને ચીનમાં પેશાબ (મૂત્ર)નો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવતો હતો. હવે અમેરિકાના વર્મૉન્ટના ખેડૂતો પણ ઉત્પાદન વધારવા અને વધુ ટકાઉ રીતે પાક ઉગાડવા માટે આ પ્રથા ભણી પાછા વળ્યા છે.
બૅટ્સી વિલિયમ્સ શૌચાલયમાં જાય છે ત્યારે તેમને ખાતરી હોય છે કે તેમનો પેશાબ વ્યર્થ જશે નહીં. અમેરિકાના ગ્રામીણ વર્મૉન્ટમાં રહેતાં બૅટ્સી અને તેમના પાડોશીઓ છેલ્લાં 12 વર્ષથી તેમનો પેશાબ ખંતપૂર્વક એકત્ર કરી રહ્યાં છે અને તેમણે તેનો ઉપયોગ પાકમાં ખાતર તરીકે કરવા માટે ખેડૂતોને દાનમાં આપ્યો છે.
બૅટ્સી વિલિયમ્સ કહે છે, "અમે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તેમાં પોષકતત્ત્વો હોય છે અને આપણા શરીરમાંથી પસાર થતાં ઘણાં પોષકતત્ત્વોને રિસાઇકલ કરીને આપણા તથા પ્રાણીઓ માટે ખોરાક બનાવવામાં મદદ કરી શકાય છે. તેથી તે મારા માટે તાર્કિક છે."

મૂત્રદાનથી ખાતરનું ઉત્પાદન

ઇમેજ સ્રોત, Rich Earth Institute
બૅટ્સી વિલિયમ્સ વર્મૉન્ટસ્થિત બિન-લાભકારી સંસ્થા રિચ અર્થ ઇન્સ્ટિટ્યૂટ (આરઈઆઈ) દ્વારા સંચાલિત યુરીન ન્યુટ્રિયન્ટ રિક્લેમેશન પ્રોગ્રામ (યુએનપીપી)માં ભાગ લે છે.
તેઓ અને વિન્ડહામ કાઉન્ટીમાંના તેમના પાડોશીઓ દર વર્ષે કુલ 12,000 ગેલન (45,400 લિટર) પેશાબ રિસાઇકલ કરવા અથવા 'પીસાઇકલ' કરવા માટે યુએનપીપીમાં દાન કરે છે.
વિન્ડહામ કાઉન્ટીમાં પેશાબનું દાન એક ટ્રક દ્વારા એકત્ર કરવામાં આવે છે અને એક મોટી ટાંકીમાં લઈ જવામાં આવે છે. તે ટાંકીમાં પેશાબને 80C (176F) પર 90 સેકન્ડ સુધી ગરમ કરીને પૅશ્ચરાઇઝ કરવામાં આવે છે.
ત્યાર બાદ તેને પૅશ્ચરાઇઝ્ડ ટાંકીમાં સંગ્રહિત કરવામાં આવે છે, જે પાકને ખાતર આપવા માટે યોગ્ય સમય હોય ત્યારે સ્થાનિક જમીન પર છંટકાવ માટે તૈયાર હોય છે.
રેકૉર્ડ સૂચવે છે કે પ્રાચીન ચીન અને રોમમાં પાક ઉગાડવા માટે પેશાબનો ઉપયોગ થતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિજ્ઞાનીઓને હવે જાણવા મળ્યું છે કે આ પેશાબ કાલે અને પાલક જેવી ભાજીની ઊપજ બમણી કરી શકે છે અને ઓછી ફળદ્રૂપતાવાળી જમીનમાં પણ ઊપજમાં સુધારો કરી શકે છે.
ખાતર તરીકે પેશાબની શક્તિ તેમાં રહેલા નાઇટ્રોજન અને ફોસ્ફરસને કારણે છે. આ એ જ પોષકતત્ત્વો છે, જેને ઘણાં પરંપરાગત ખેતરોમાં વપરાતા કૃત્રિમ ખાતરોમાં ઉમેરવામાં આવે છે.
ખાતર તરીકે પેશાબના ઉપયોગથી પર્યાવરણને શો લાભ થાય?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, કૃત્રિમ ખાતરો પર્યાવરણ માટે જોખમ સર્જે છે. અશ્મિગત ઈંધણ સઘન હેબર-બોશ પ્રોસેસ દ્વારા નાઇટ્રોજન ઉત્પન્ન કરવામાં આવે છે અને ફોસ્ફરસનું માઇનિંગ હાનિકારક માત્રામાં ઝેરી કચરાનું સર્જન કરે છે.
બીજી તરફ પેશાબ સરળ રીતે ઉપલબ્ધ છે અને બૅટ્સી વિલિયમ્સ કહે છે તેમ "દરેક વ્યક્તિ પેશાબ કરે છે. તે ઉપયોગમાં ન લેવાતો એક સ્રોત છે."
મિશિગન યુનિવર્સિટીમાં સિવિલ અને ઍન્વાયર્ન્મેન્ટલ એન્જિનિયરિંગનાં પ્રોફેસર નેન્સી લવ છેલ્લા એક દાયકાથી આરઈઆઈ સાથે કામ કરી રહ્યાં છે.
તેમણે શોધી કાઢ્યું છે કે પ્રમાણભૂત કૃત્રિમ ખાતરને બદલે પેશાબનો ઉપયોગ કરવાથી ગ્રીનહાઉસ ગૅસનું ઓછું ઉત્સર્જન થાય છે અને લગભગ અડધા પાણીની જરૂર પડે છે.
વાસ્તવમાં યુએનઆરપીનો અંદાજ છે કે શૌચાલય ફ્લશને અટકાવીને તેણે એક કરોડ લિટરથી વધુ પાણીની બચત કરી છે.
નેન્સી લવ કહે છે, "હું કાયમ સિસ્ટમ્સનો વિચાર કરું છું અને આપણી વૉટર સિસ્ટમમાં બિનકાર્યક્ષમતા છે. અમે પેશાબમાંથી હાનિકારક તત્ત્વોને દૂર કરીએ છીએ."
"તેને પાઇપ મારફત ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં મોકલીએ છીએ અને પછી તેને પ્રતિક્રિયાશીલ સ્વરૂપમાં પર્યાવરણમાં પાછું મોકલવા માટે તેમાં વધુ ઊર્જાનો ઉમેરો કરીએ છીએ."
પેશાબનાં પોષકતત્ત્વોનું લાક્ષણિક ગંતવ્ય જળમાર્ગો છે. પેશાબમાં રહેલા નાઇટ્રોજન અને ફોસ્ફરસને ગંદા પાણીમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવતા નથી.
પાણીમાં પેશાબથી શેવાળની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
એ પોષકતત્ત્વો નદીઓ અને તળાવોમાં પ્રવેશે છે ત્યારે શેવાળ તેને શોષી લે છે. તેના પરિણામે શેવાળ વધે છે, જે જળમાર્ગોને અવરોધે છે, ઇકૉસિસ્ટમને અસંતુલિત કરે છે અને તેમાં રહેતી અન્ય પ્રજાતિઓનો નાશ કરે છે.
આરઈઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જામીના શુપેક કહે છે, "આપણું શરીર ઘણાં બધાં પોષકતત્ત્વો બનાવે છે અને હાલ તે પોષકતત્ત્વોનો બગાડ થાય છે એટલું જ નહીં, પરંતુ તે ઘણી સમસ્યાઓનું કારણ પણ બને છે."
શેવાળ માટે તે પોષકતત્ત્વો ખોરાક છે તેમ પાક માટે પણ છે, એમ જણાવતાં શુપેક સમજાવે છે, "તમે જ્યાં પણ નાઇટ્રોજન નાખશો ત્યાં તે છોડને વધવામાં મદદ કરશે. તેથી જો તે પાણીમાં હોય તો શેવાળને વૃદ્ધિમાં મદદ કરશે."
આ બાબતને ધ્યાનમાં લઈને પોષકતત્ત્વોથી ભરપૂર પેશાબને જળમાર્ગોમાં પ્રવેશતો રોકી અને જમીન પર વાળવાથી ખેડૂતોને ખોરાક ઉગાડવામાં મદદ કરવાની સાથે હાનિકારક શેવાળની વૃદ્ધિને પણ અટકાવી શકાય છે.
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આરઈઆઈની ટીમ અને તેમની સાથે કામ કરતા ખેડૂતો જમીન પરથી અને જળમાર્ગોમાં પેશાબનું પ્રમાણ ઓછું કરવા માટે પગલાં લે છે. તેનો ઉપયોગ કાળજીપૂર્વક, સમયસર કરવામાં આવે છે, જેથી સામાન્ય રીતે છોડના સક્રિય વિકાસના તબક્કા દરમિયાન, જ્યારે તે બીજ કરતાં મોટો હોય, પરંતુ ફલનના તબક્કા ન પહોંચ્યો ત્યારે પોષકતત્ત્વોને શોષી શકે. પ્રવાહી પેશાબ શોષાઈ જશે તે સુનિશ્ચિત કરવા માટે જમીનમાં ભેજ પણ માપવામાં આવે છે.
તેઓ ઉમેરે છે કે પીસાઇકલિંગ જળમાર્ગોમાં પ્રવેશતાં પોષકતત્ત્વોનું એકંદર પ્રમાણ ઘટાડે છે, કારણ કે જમીનમાંથી વહેતું પાણી જ નદીઓ તથા તળાવોમાં વધારાનાં પોષકતત્ત્વો પ્રવેશવાનો એકમાત્ર માર્ગ હોય એ તે સુનિશ્ચિત કરે છે. વર્તમાન પ્રણાલીમાં કૃત્રિમ ખાતરો જળમાર્ગોમાં વહે છે તેમજ પેશાબ સીધા ગંદા પાણી સ્વરૂપે નદીઓમાં પ્રવેશે છે.
મૂત્રના પીસાઇકલિંગનો પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, Rich Earth Institute
વર્મૉન્ટમાંની યુએનઆરપી અમેરિકામાં પીસાઇકલિંગ ક્ષેત્રે અગ્રણી છે, પરંતુ આવા પ્રોજેક્ટ્સ અન્ય દેશોમાં પણ ચાલી રહ્યા છે. પેરિસમાં સ્વયંસેવકો સીન નદીને બચાવવા અને બેગુએટ્સ તથા બિસ્કિટ માટેના ઘઉંને ફળદ્રૂપ બનાવવા માટે પેશાબ એકત્રિત કરી રહ્યા છે.
ગોટલેન્ટ ટાપુની આસપાસ શેવાળના ફૂલથી થતું નુકસાન સ્વીડિશ ઉદ્યોગસાહસિકોના ધ્યાનમાં આવ્યું હતું અને તેમણે પેશાબને એકત્રિત કરીને ખાતરમાં ફેરવતી પ્રોડક્ટનું સર્જન કર્યું હતું.
દક્ષિણ આફ્રિકા, નેપાળ અને નાઇજર રિપબ્લિકમાં પણ પીસાઇકલિંગ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.
આ કામના વિસ્તારમાં અનેક પડકારો પણ છે. શુપેકના જણાવ્યા મુજબ, વર્મૉન્ટમાં ખેડૂતો પુરવઠા કરતાં વધારે પેશાબની માગ કરે છે, પરંતુ સંગ્રહનું પ્રમાણ વધારવું મુશ્કેલ છે.
શુપેક કહે છે, "ઘણી વખત અમે નિયમનકર્તા પાસે જઈએ છીએ ત્યારે તેઓ કહે છે કે અમારી પાસે પેશાબ સંબંધી કોઈ વ્યવસ્થા નથી. મને ખબર છે કે પેશાબને બાયૉસૉલિડ્સ સાથે અથવા વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ તરીકે સ્થાન આપી શકાય છે, પરંતુ તેને ખરેખર એવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યો નથી કે અમે જે કરી રહ્યા છીએ તે કરવા માટે અર્થપૂર્ણ બની શકે."

ઇમેજ સ્રોત, Getty Images
આ સમસ્યાનું નિરાકરણ સૂચવતાં શુપેક જણાવે છે કે આરઈઆઈ નિયમોને બરાબર સમજ્યું છે, જેથી તે શક્ય માર્ગો શોધી શકે અને હાલ પરવાના ધરાવતી સૅપ્ટિક હોલર્સ જેવી સંસ્થાઓ સાથે પ્રક્રિયાના વિવિધ હિસ્સા તેમજ જરૂરી પરવાનગી માટે ભાગીદારી કરી શકે.
વર્મૉન્ટના પર્યાવરણીય સંરક્ષણ વિભાગ (વીટીડીઈસી)ના પ્રોગ્રામ મૅનેજર ઇમોન ટુહિંગ બીબીસીને જણાવે છે કે આરઈઆઈએ શરૂઆતમાં તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું :
"પેશાબની ટ્રીટમેન્ટ કે રિસાયકલિંગ માટે કોઈ નિયમનકારી વ્યવસ્થા ન હતી. આરઈઆઈએ વર્મૉન્ટમાં એક રસ્તો જરૂર શોધી કાઢ્યો છે અને મને લાગે છે કે અમે એક કાર્યક્ષમ નિયમનકારી માર્ગ શોધવામાં સફળ થયા છીએ."
શુપેકના જણાવ્યા મુજબ, વર્મૉન્ટમાંના નિયમનકર્તાઓ સાથે આરઈઆઈને સારો સંબંધ છે અને તેમની પાસે સંચાલન માટે જરૂરી તમામ પરવાના છે. તેમાં સાઇટ પર ગંદા પાણીના વ્યવસ્થાપન માટે અને પેશાબના પરિવહન માટે કચરો ઉપાડવાની પરમિટનો સમાવેશ થાય છે.
હવે આ સંસ્થા મેસેચ્યુસેટ્સ અને મિશિગનમાં ભાગીદારો સાથે નિયમન આગળ વધારવાની દિશામાં કામ કરી રહી છે.
શુપેક કહે છે, "અમે ખરેખર તેને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ પર્યાવરણીય નિયમોને અપડેટ કરવાનું કાયમ સરળ હોતું નથી."
પેશાબ એકઠો કરીને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે?

ઇમેજ સ્રોત, Rich Earth Institute
શુપેક ઉમેરે છે કે સૌથી મોટો પડકાર એ છે કે સ્રોત પર અલગ કરાયેલા માનવ કચરા અને ગંદા પાણીના સંયુક્ત પ્રવાહ વચ્ચે કોઈ કાનૂની ભેદ નથી. એ પ્રવાહ ઘણી વાર સલામતી સંબંધિત ચિંતા ઊભી કરતો હોય છે.
અન્ય મર્યાદાઓ પણ છે. પેશાબ વજનદાર અને પરિવહન માટે મુશ્કેલ હોય છે. તેને એકત્રિત કરીને અન્યત્ર લઈ જતી ટ્રકો ઉત્સર્જન પણ કરે છે. હાલમાં વર્મૉન્ટમાં પેશાબનું પરિવહન સ્થાનિક રીતે થાય છે. તેને 16 કિલોમીટરથી વધુ દૂર લઈ જવામાં આવતો નથી, પરંતુ પીસાઇકલિંગ પ્રોગ્રામના વિસ્તાર કરવા માટે તેને દૂરના અંતરે લઈ જવો પડે તે શક્ય છે.
આથી, આરઈઆઈની પેટાકંપનીએ એક ફ્રીઝ કૉન્સન્ટ્રેશન સિસ્ટમ વિકસાવી છે, જે પેશાબને છ ગણો કૉન્સન્ટ્રેટ કરે છે. હાલમાં તેનો ઉપયોગ મિશિગન યુનિવર્સિટીમાં થઈ રહ્યો છે.
પ્લમ્બિંગ પણ એક પડકાર છે. નેન્સી લવના કહેવા મુજબ, પેશાબના સેપરેશનની સિસ્ટમ્સ પ્રમાણભૂત શૌચાલયોની માફક ફ્લશિંગ સિસ્ટમ પર આધારિત હોતી નથી. તે પાણીનો ઉપયોગ ઘટાડવા માટે ઉત્તમ છે, પરંતુ પ્લમ્બિંગ માટે સમસ્યારૂપ છે. સામાન્ય રીતે પાણી સિસ્ટમમાંથી વહેતું હોય ત્યારે લીજનનેયર્સ જેવા રોગોનું જોખમ રહેલું હોય છે.
નેન્સી લવ કહે છે, "તેનું નિરાકરણ પણ છે. જેમ કે ઇમારતમાં લૂપ્ડ સિસ્ટમ્સ. જોકે, તેનો અર્થ એ થાય કે ઇમારતમાં સમગ્ર પ્લમ્બિંગ પ્રક્રિયા અલગ છે."
આ બાબતે નૅન્સી લવ અને તેમના સાથીદારો તેમજ ભાગીદારો કામ કરી રહ્યા છે, જેથી અમેરિકામાં નવી ઇમારતોમાં શરૂઆતથી જ પેશાબ સંબંધે અલગ સિસ્ટમ્સ ઇન્સ્ટૉલ કરી શકાય.
નૅન્સી લવ કહે છે, "આપણે આ સદીના અંત સુધીમાં ટકાઉ વૉટર સિસ્ટમ્સની અપેક્ષા રાખતા હોઈએ તો નવતર ઉકેલને અપનાવનારા લોકોને શોધવાનું હમણાં જ શરૂ કરવું પડશે."
આ નવી સિસ્ટમ્સનું મુખ્ય ધ્યેય પેશાબનું દાન સરળ બનાવવાનું હશે. બૅટ્સી વિલિયમ્સે મોટી લૉન્ડ્રી ડિટર્જન્ટ બોટલોના ઉપયોગ વડે તેમના પીસાઇકલિંગના પ્રયાસો શરૂ કર્યા હતા. તેઓ બૉટલોમાં પેશાબ એકઠો કરીને મહિને એક વાર સેન્ટ્રલ કલેક્શન સેન્ટરમાં પહોંચાડતા હતા.
હવે તેમને આની આદત પડી ગઈ છે. પોતાના પેશાબનો પણ બગાડ થાય તે તેમને પસંદ નથી. તેઓ કહે છે, "પેશાબ કરવા જવું પડે અને મારી સાથે જગ ન હોય એવી જગ્યા જવાનું પણ મને ગમતું ન હતું. તે સીટ બૅલ્ટ પહેરવાની જેમ મારી દિનચર્યાનો એક ભાગ બની ગયું છે."
તેમ છતાં તેમણે તાજેતરમાં તેમના ઘરમાં વિશિષ્ટ શૌચાલય બનાવ્યું તેનો આનંદ થાય છે. તે વિશિષ્ટ શૌચાલય પેશાબમાંથી કચરાને અલગ કરે છે. કચરા વિનાનો પેશાબ ભોંયરામાંની ટાંકીમાં જાય છે, જે દર વર્ષે એક વખત એક ટ્રક દ્વારા બહાર કાઢવામાં આવે છે.
એ ટ્રક બૅટ્સી વિલિયમ્સ અને આ પ્રોજેક્ટમાં ભાગ લેતા તેમના વિસ્તારના લોકોના ઘરે નિશ્ચિત સમયાંતરે પહોંચી જાય છે.
બૅટ્સી કહે છે, "ગંદકી સાથે કામ નહીં પાર પાડવાનું આ એક સારું પરિવર્તન છે. લોકો માટે તેને સરળ બનાવવું એ બહુ મોટી વાત છે."
બૅટ્સી વિલિયમ્સના જણાવ્યા મુજબ, પીસાઇકલિંગથી ગંદકી પ્રત્યેના અણગમાને દૂર કરવામાં મદદ મળવાની શક્યતા છે.
બૅટ્સી વિલિયમ્સ કહે છે, "તે ખરાબ તથા દુર્ગંધયુક્ત છે. તે એવી વસ્તુ છે, જેના વિશે આપણે વાત કરતા નથી."
કેટલાક લોકો પોતાની ગંદકીનો સામનો કરવાના વિચારથી મૂંઝાઈ શકે છે, પરંતુ આરઈઆઈનું સંશોધન સૂચવે છે કે પીસાઇકલિંગ વિશેની લોકોની પ્રતિક્રિયામાં અણગમો જોવા મળતો નથી. આ બાબતે લોકોના વિચાર ઉદાર હોય છે, પરંતુ અન્ય લોકોનું એવું નહીં હોય એવું તેઓ વિચારતા હોય છે.
શુપેક કહે છે, "બીજા લોકો તેને ખરેખર ખરાબ માનશે એવી ધારણા છે. અણગમાનું પ્રારંભિક તત્ત્વ લોકો ધારે છે તેટલું મોટું નથી."
જોકે, ઘણા લોકો પેશાબમાંની ફાર્માસ્યુટિકલ્સ સામગ્રી બાબતે ચિંતિત છે. શુપેક કહે છે, "આ સૌથી મોટી સમસ્યા છે."
પેશાબનો ખાતર તરીકે ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા શાકભાજીમાં કેટલા પ્રમાણમાં કેફીન અને ઍસિટામિનોફન જેવી દર્દશામક દવાઓ હોય છે તે જાણવા માટે આરઈઆઈએ સંશોધન હાથ ધર્યું છે.
આ અભ્યાસનું અંતિમ પરિણામ જાહેર થવાનું બાકી છે, પરંતુ પ્રારંભિક તારણ સૂચવે છે કે પેશાબ વડે ઉગાડવામાં આવેલા શાકભાજીમાં ફાર્માસ્યુટિકલ્સનું પ્રમાણ "અત્યંત ઓછું" છે.
શુપેક કહે છે, "કૉફીના એક કપમાં જેટલું કેફીન હોય તેટલા કેફીન માટે તમારે આજીવન મોટા પ્રમાણમાં કોબી ખાવી પડે."
સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ અને ગંદકીને બાજુ પર રાખીને બૅટ્સી વિલિયમ્સ જણાવે છે કે બગાડ પ્રત્યેના આપણા પશ્ચિમી વલણને તત્કાળ બદલવાની જરૂર છે. "પોતાનો કચરો ક્યાં જાય છે તે ખાસ કરીને અમેરિકામાં લોકો વિચારતા નથી. તેઓ રિસાયકલિંગ અને કચરાપેટીના સંદર્ભમાં એ બાબતે થોડું વિચારે છે, પરંતુ માનવ કચરાના સંદર્ભમાં એટલું વિચારતા નથી. તે લોકો માટે એક નવો મોરચો છે."
આબોહવા પરિવર્તન અને જળ પ્રદૂષણ બહુ મોટા મુદ્દાઓ જેવા લાગે છે, પરંતુ બૅટ્સી વિલિયમ્સ તેમાં અભિભૂત થઈ જવા ઇચ્છતાં નથી. તેના બદલે તેઓ પોતાના ઘરમાં કમસે કમ કેટલું કરી શકે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "અમે પરફેક્ટ નથી, પરંતુ અમારા શારીરિક કચરાનું શું થાય છે તેના સંદર્ભમાં જવાબદાર બનવાનો પ્રયાસ તો અમે કમસે કમ કરીએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














