તમારા નખથી કેવી રીતે ખબર પડે કે કોઈ રોગ છે, કેવા સંકેત ગંભીર હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જૈસ્મીન ફૉક્સ સ્કેલી
- પદ, બીબીસી સંવાદદાતા
હાથ અને પગના નખ તેની નીચેની ચામડીને ઈજા સામે રક્ષણ પૂરું પાડે છે. આ સિવાય, તે ખંજવાળવામાં, ફળ તથા અન્ય ખાદ્યચીજો છોલવામાં પણ ઉપયોગી છે.
પણ, નખ આપણા આરોગ્ય વિશે શું જણાવે છે?
હકીકતમાં, નખ પરથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે ઘણી જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.
જેમકે, ઘણા લોકો કહેતા હોય છે કે, નખ પરના સફેદ ધબ્બા (લ્યૂકોનિશિયા) કૅલ્શિયમની ઊણપ દર્શાવે છે, પણ શું આ સાચું છે?

આ જાણવા માટે સૌપ્રથમ આપણે શરીરની રચનાને સમજવી જરૂરી પડશે.
નખ આપણી ત્વચાનો જ ભાગ છે. તે કેરેટિનથી બનેલા હોય છે. કેરેટિન એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે પગની આંગળીઓ અને તેના ઉપરના ભાગને ઈજા સામે રક્ષણ પૂરું પાડે છે.
નખના નીચેના ભાગમાં અર્ધ-ચંદ્રાકાર દેખાતો ભાગ 'લુનુલા' કહેવાય છે. તેને નખની 'ફેક્ટરી' કહી શકાય, કારણ કે ત્યાં નવી કોશિકાઓ બને છે.
આ નવી કોશિકાઓ જ પછીથી નખનું સ્વરૂપ ધારણ કરે છે. લુનુલા ક્યૂટિકલની બરાબર ઉપર આવેલું હોય છે. ક્યૂટિકલ એ મૃત ત્વચાનું નાનું સ્તર હોય છે, જે નખના નીચેના ભાગને ત્વચા સાથે જોડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્યૂટિકલ નખને વધારાનું રક્ષણ પૂરું પાડે છે અને બૅક્ટેરિયા, ફંગસ તથા અન્ય બીમારીઓને ત્યાંથી જ અટકાવી દે છે.
શરીરનું સ્વાસ્થ્ય જાણવા માટે ડૉક્ટરો માટે નખ ઉપયોગી બની શકે છે.
ડૉક્ટરો નખની સહાયથી ત્વચાની સમસ્યાથી લઈને કિડની બીમારી અને ઑટો ઇમ્યૂનની ગરબડ સુધીની તકલીફોનો પણ તાગ મેળવી શકે છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૈન બાઉમગાર્ટ બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં મેડિસિનના જનરલ પ્રૅક્ટિશનર (ડૉક્ટર) છે.
તેઓ જણાવે છે, "મેડિકલ સ્કૂલમાં મેં સૌપ્રથમ ક્લબિંગ વિશે જાણકારી મેળવી હતી. ક્લબિંગમાં વ્યક્તિના નખ અને તેની નીચેની ચામડી (નેઇલ બૅડ) વચ્ચેની જગ્યા ગાયબ થઈ જાય છે."
ક્લબિંગના કારણે નખની નીચેની ત્વચા નરમ થઈ જાય છે અને નખ આંગળી સાથે જ્યાં જોડાયેલા હોય ત્યાં જાણે "તરતા" હોય, એવું જણાય છે. આંગળીનાં ટેરવાં પર પણ સોજો જણાય છે.
બાઉમગાર્ટ કહે છે, "ક્લબિંગને કારણે આંગળી સૂજી જાય છે, જેનાથી આંગળીનો દેખાવ સરગવા જેવો લાગે છે."
જ્યારે લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય, ત્યારે ક્લબિંગ થતું હોય છે. આ સ્થિતિ ઘણી વખત ફેફસાંનાં કૅન્સર સાથે સંકળાયેલી હોય છે.
પરંતુ, આ સ્થિતિ હૃદયની લાઇનિંગમાં ઇન્ફેક્શન, સિલીયાક (પાચનતંત્રમાં સમસ્યા), લીવરની બીમારી (સિરોસિસ) અને ફેફસાંના ઇન્ફેક્શન જેવી અન્ય આરોગ્યલક્ષી તકલીફોનો સંકેત પણ હોઈ શકે છે.
બાઉમગાર્ટ કહે છે, "જો કોઈ દર્દીમાં ક્લબિંગની સમસ્યા જોવા મળે, તો સામાન્ય નિયમ એ છે કે, તેનો તરત જ ઍક્સ-રે કરાવવો, કારણ કે, તે ફેફસાંનાં કૅન્સરનો સંકેત હોઈ શકે છે."
વધુમાં તેઓ જણાવે છે, "ક્લબિંગ વિશે અમને મેડિકલ સ્કૂલમાં જાણવા મળે છે, પરંતુ 14 વર્ષની મારી કારકિર્દીમાં મેં આવી સ્થિતિ કેવળ એક વાર જ જોઈ છે. હું નથી જાણતો કે, આવું શા કારણથી થાય છે".
નખ પર જે સફેદ ટપકાં (લ્યૂકોનીશિયા) જોવા મળે છે, તેને મોટા ભાગે વિટામિન કે ખનીજ તત્ત્વોની ઊણપ માનવામાં આવે છે. જોકે, આ માન્યતાનું સમર્થન કરતા પુરાવા મિશ્ર પ્રકારના છે.
કૉલેજના વિદ્યાર્થીઓના એક અભ્યાસમાં આવાં ટપકાં અને વ્યક્તિના ઝિન્ક કે કૅલ્શિયમના સેવન વચ્ચે કોઈ સબંધ જોવા મળ્યો ન હતો.
જોકે, એક કેસમાં ક્રોહન બીમારી (પાચનતંત્રમાં સોજા)ની સમસ્યાથી પીડાતી વ્યક્તિના નખમાં સેલેનિયમની ઊણપને કારણે સંખ્યાબંધ સફેદ ધબ્બા જોવા મળ્યા હતા અને સેલેનિયમની ઊણપની સારવાર કર્યા બાદ તે ધબ્બા દૂર થઈ ગયા હતા.
સામાન્યપણે નખ પર સફેદ ધબ્બા (લ્યૂકોનીશિયા) ઈજા થવાથી કે નખને નુકસાન થવાથી થતા હોય છે. પગની આંગળી પર ઈજા થવાથી, નખ દરવાજામાં ફસાઈ જવાથી, વધુ પડતું મેનીક્યોર કરાવવાથી કે પગ પર ભારે વસ્તુ પડવાથી આવા ધબ્બા થતા હોય છે.
તેમ છતાં નખ પરના સફેદ ધબ્બા કેટલીક વખત સ્વાસ્થ્યલક્ષી સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જેમકે, આ ધબ્બા લીડ કે આર્સેનિક જેવી મેટલથી થતા ઝેર સાથે સંકળાયેલા હોઈ શકે છે.

એટલું જ નહીં, સફેદ નખ સોરાયસિસ જેવી ચામડીની બીમારી તરફ પણ ઇશારો કરી શકે છે. સોરાયસિસને કારણે ચામડી પર રતાશભર્યા ચકામાં થતાં હોય છે.
જો આખો નખ સફેદ થઈ જાય, તો તે લોહીમાં પ્રોટીનની ઊણપનો સંકેત હોઈ શકે છે. તેનાથી કિડનીને લગતી બીમારી, લીવરની બીમારી કે ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે.
બાઉમગાર્ટ કહે છે, "જો વ્યક્તિના લોહીમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય, તો તેનાથી ઘણી વખત આખો નખ સફેદ પડી જાય છે. આ સ્થિતિને અમે લીવરની બીમારીથી પીડાતા લોકો સાથે જોડીએ છીએ, જેમ કે, લીવરનું સિરોસિસ. આ બીમારી કદાચ શરાબ પીવાથી થાય છે."
બીજી તરફ, શરીરમાં ઑક્સિજનના અભાવથી નખ ભૂરા પડી શકે છે. તેના કારણે હૃદયને લગતી ગંભીર બીમારી કે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યા સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં તાકીદે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આ ઉપરાંત નખની નીચે કાળી રેખા જોવા મળે, એ પણ સમાન સ્થિતિ તરફ ઇશારો કરે છે. જોકે, ઈજાને કારણે પણ આવું થઈ શકે છે, પરંતુ તે સબન્ગ્યુઅલ મિલેનોમાનો સંકેત પણ હોઈ શકે છે, જે ત્વચાનું ભાગ્યે જ જોવા મળતું, પરંતુ ગંભીર પ્રકારનું કૅન્સર છે.
જો નખની વચ્ચેથી લોહી સતત વહેતું રહે અને તે બંધ ન થાય, તો તે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
બાઉમગાર્ટના મતે, "તે "સ્પ્લિન્ટર હેમરેજ" કહેવાય છે, જે નખની નીચે નાની ધાર જેવું દેખાય છે. તે વેસ્કુલિટિસનો સંકેત પણ હોઈ શકે છે."
રક્તવાહિનીઓ (બ્લડ વેસલ્સ)માં સોજો આવે, ત્યારે આવું થાય છે. કેટલીક વખત તેના કારણે હાર્ટ વાલ્વનું ઇન્ફેક્શન પણ થઈ શકે છે.

તમે જોયું હશે કે, નખ પરથી અન્ય સામાન્ય બીમારીઓનું પણ નિદાન થઈ શકે છે. દર્દીની તપાસ કરતી વખતે ડૉક્ટરો નખના રંગ, તેની જાડાઈ અને તેના આકારમાં થતા ફેરફાર પર ધ્યાન આપતા હોય છે.
ઉદાહરણ તરીકે, તંદુરસ્ત નખ ઉપરનાં સફેદ ટોપકાંને છોડીને બાકીના નીચેના ભાગમાં ગુલાબી રંગનો હોવો જોઈએ.
જો રંગ બદલાય, તો નખમાં કોઈ ઇન્ફેક્શન હોવાની કે શરીરની અંદર કોઈ સમસ્યા હોવાની શક્યતા રહેતી હોય છે.
હોલી વિલ્કિન્સન યુનિવર્સિટી ઑફ હલમાં ઈજાની સારવાર વિશે શીખવે છે.
તેઓ કહે છે, "ખાસ કરીને જો તમારા પગના નખ સફેદ કે પીળા પડી જાય, તો તમને ફંગલ ઇન્ફેક્શન હોઈ શકે છે."
અમેરિકા તથા બ્રિટન જેવાં સ્થળો પર તમે હળવા ફંગલ નેઇલ ઇન્ફેક્શનના ઈલાજ માટે સ્ટોર પરથી ક્રીમ કે મલમ ખરીદી શકો છો. પણ, જો તમે લાંબા સમય સુધી તેના પર ધ્યાન ન આપો, તો સારવાર મુશ્કેલ બની શકે છે (જો તમને નેઇલ ઇન્ફેક્શન થયું હોવાની આશંકા હોય, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે).
વિલ્કિન્સન જણાવે છે, "મને લાગે છે કે, જ્યારે લોકોના નખનો રંગ બદલાય, ત્યારે તેઓ સમજી નથી શકતા કે, આ ઇન્ફેક્શન છે. તેના કારણે ઇન્ફેક્શન વકરે છે અને આખરે ફૂટ સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે છે."

નખના આકાર પરથી પણ ઘણી સમસ્યાઓ જાણી શકાય છે. પગની આંગળીઓ અને નખ થોડા બહારની તરફ વળેલા હોવા જોઈએ. નખની સપાટી ખરબચડી ન હોવી જોઈએ. ખરબચડા નખ કોઈલોનિશિયાનો સંકેત આપે છે.
કોઈલોનિશિયામાં નખ અંદરની તરફ વળી જાય છે અને પાતળા તથા નાજુક દેખાય છે.
આવા નખની વચ્ચે કેટલીક વખત ઊંડો ખાડો હોય છે. ખાડો એટલો ઊંડો હોય છે કે, તેમાં પ્રવાહીનું એક ટીપું સુધ્ધાં સમાઈ શકે છે. આથી જ તેને "સ્પૂન નેઇલ્સ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો તમારા કોઈ પણ નખનો આકાર ચમચી જેવો હોય, તો તે એનીમિયાનો સંકેત હોઈ શકે છે.
એનીમિયામાં શરીરમાં ઑક્સિજનનું વહન કરવા માટે પૂરતા પ્રમાણમાં તંદુરસ્ત રક્તકોશિકાઓ હોતી નથી.
એનીમિયા મોટા ભાગે આયર્નની ઊણપથી થાય છે. જોકે, તેના માટે સિરિયેક જેવી બીમારી પણ કારણભૂત હોઈ શકે છે.
બીજી તરફ, નખમાં થતા ફેરફાર તમે ચોક્કસ પોષકતત્ત્વો પૂરતા પ્રમાણમાં નથી મેળવી રહ્યાં, એવું પણ દર્શાવી શકે છે.
કેટલાક લોકોના નખમાં આડી રેખાઓ હોય છે, જે બ્યૂ લાઇન્સ તરીકે ઓળખાય છે.
તેનો અર્થ એવો હોઈ શકે છે કે, તમને પૂરતું પ્રોટીન નથી મળી રહ્યું. અલબત્ત, ડાયાબિટીસ કે પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ જેવી સમસ્યાઓને કારણે પણ આવી રેખાઓ જોવા મળી શકે છે.
પેરિફેરલ વેસ્ક્યુલર બીમારીમાં શરીરના કેટલાક ભાગોમાં રક્તનો પ્રવાહ ઘટી જાય છે. આવું સામાન્યતઃ રક્તવાહિનીઓમાં કૉલેસ્ટરોલ અને ફેટને કારણે થાય છે. આથી, તેની તપાસ કરાવવી આવશ્યક છે.
મેરી પિયર્સન યુનિવર્સિટી હૉસ્પિટલ ઑફ વૅલ્સમાં પીડિયાટ્રિશ્યન (બાળકોનાં ડૉક્ટર) છે.
તેઓ કહે છે, "બ્યૂ લાઇન્સ (આડી રેખાઓ) ઝિન્કની ઊણપને કારણે થઈ શકે છે, જ્યારે નબળા નખ હાઇપોથાઇરોઈડિઝમ (જ્યારે થાઇરોઈડ ગ્રંથિ શરીરની જરૂરિયાત અનુસાર પૂરતા પ્રમાણમાં થાઈરોઈડ હોર્મોન નથી બનાવતી) અથવા વિટામીન બી7ની ઊણપનો સંકેત આપી શકે છે".
તેઓ આગળ જણાવે છે, "કેટલાક કિસ્સામાં આપણે વધુ ધ્યાન રાખવું પડે છે. જેમ કે, જ્યારે આપણે આપણા બાળકના પોષણને લઈને ચિંતિત હોઈએ અથવા તો આપણને જૂની બીમારીની આશંકા હોય, તો વધુ કાળજી લેવાની રહે છે."
કેટલીક વખત નખમાં થતા ફેરફાર માટે આરોગ્યલક્ષી તકલીફો નહીં, બલકે જીવનશૈલીની આદતો જવાબદાર હોવાની સંભાવના છે.
ઉદાહરણ તરીકે, નખ ઊખડી જવા. તેને ઑનાઇકોસાઇસિયા પણ કહેવામાં આવે છે. તેમાં નખનાં પડ છૂટાં પડવાં માંડે છે.
ન્યૂ યૉર્કની માઉન્ટ સિનાઈ હૉસ્પિટલ ખાતે ડર્મેટૉલૉજીના પ્રોફેસર જોશુઆ ઝીચનરના મતે, "હાથને વારંવાર ધોવાથી, નખ સૂકા રહેવાથી અને નેઇલ પૉલીશનો ઉપયોગ કરવાથી ઓનાઇકોસાઇસિયા થઈ શકે છે.''

તમે વિચારતા હશો કે, નખમાં એવું તે શું છે, કે જેનાથી કોઈ વ્યક્તિની તંદુરસ્તી વિશે આટલી બધી જાણકારી મળી શકે છે? તેનું એક મુખ્ય કારણ એ છે કે, નખ શરીરનાં એવાં ગણ્યાં-ગાંઠ્યાં અંગોમાં સ્થાન ધરાવે છે, જેને આપણે બહારથી જોઈ શકીએ છીએ.
બાઉમગાર્ટ કહે છે, "નખ આપણી ત્વચાનો ભાગ છે અને શરીરની અંદર શું ચાલી રહ્યું છે, તેની ઘણી જાણકારી ત્વચા પરથી માલૂમ પડી કે છે."
વધુમાં તેઓ જણાવે છે, "જ્યારે તમે પ્રથમ વાર કોઈ દર્દીને તપાસો છો, ત્યારે તેના આરોગ્ય વિશે જાણવા માટે તેના નખ, આંખો અને મોં તપાસો છો. તેના પરથી એ નક્કી કરવામાં મદદ મળે છે કે, શરીરમાં શું સમસ્યા હોઈ શકે છે. આથી જ પ્રાથમિક ધોરણે થતી તપાસમાં નખ પણ જોવામાં આવે છે."
મોટા ભાગે નખમાં થતા ફેરફારથી કોઈ નુકસાન થતું નથી અને સામાન્યતઃ ઈજાને કારણે આવો ફેરફાર થતો હોય છે.
પણ જો નખના આકાર, રંગ કે રચનામાં થયેલો ફેરફાર લાંબા સમય સુધી જળવાઈ રહે, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
નોટ- (આ અહેવાલમાં આપેલી વિગતો માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ માહિતી કોઈ ડૉક્ટર કે ચિકિત્સા માર્ગદર્શનનો વિકલ્પ નથી. આ અહેવાલમાં આપેલી માહિતીને આધારે કોઈ વાચક દ્વારા કરાયેલી કે લીધેલી કોઈ પણ સારવાર માટે બીબીસી જવાબદાર નહીં હોય.)
નોંધ- આ લેખમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે છે. આ માહિતી ડૉક્ટર કે મેડિકલ પ્રોફેશનલના માર્ગદર્શનનો વિકલ્પ નથી. લેખમાં પ્રસ્તુત માહિતીના આધારે વાચક દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રકારની સારવાર માટે બીબીસી જવાબદાર રહેશે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












