હરિયાણાના એ ખેડૂત જેમણે 6 ફૂટ, 2 ઈંચ લાંબી દૂધી ઉગાડી

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC
- લેેખક, કમલ સૈની
- પદ, બીબીસી માટે
ભારતમાં મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. એક તરફ વધુ ઉત્પાદન કરવા માટે કૃષિ નિષ્ણાતો ફળો, શાકભાજી અને અન્ય પાકની નવી જાતો શોધી રહ્યા છે ત્યારે બીજી તરફ ખેડૂતો સારો પાક લેવા માટે જંતુનાશકોનો ઉપયોગ આડેધડ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.
આમ કરવાથી ઉત્પાદન તો વધે છે, પરંતુ આ રીતે પકાવવામાં આવેલાં ફળો, શાકભાજી અને અન્ય પાક ખાઈને ઘણી વાર લોકો બીમાર પડી જતા હોય છે.
અલબત્ત, કેટલાક એવા લોકો પણ છે, જેઓ રાસાયણિક ખેતીની છોડીને જૈવિક કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આવું જ એક ઉદાહરણ હરિયાણાના કુરુક્ષેત્રના નિવાસી ખેડૂત રણધીરસિંહ પ્રસ્તુત કરી રહ્યા છે.
રણધીરસિંહ 30થી વધુ વર્ષથી પ્રાકૃતિક ખેતીના સ્વરૂપમાં કિચન ગાર્ડનિંગનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમણે કિચન ગાર્ડનિંગમાં અનેક નવા વિક્રમ સ્થાપિત કર્યા છે.
1992માં કિચન ગાર્ડનની શરૂઆત

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC
રણધીરસિંહના જણાવ્યા મુજબ, પહેલાં તેઓ કૈથલના એક ગામમાં રહેતા હતા અને શાળામાં અભ્યાસના દિવસોમાં તેમને ત્યાંની ખેતીમાં બહુ રસ હતો.
એ રસને કારણે તેમણે થોડો અભ્યાસ કર્યા બાદ 1972માં તેમની પૈતૃક જમીનમાં ખેતી શરૂ કરી હતી, પરંતુ તેમનાં સંતાનો મોટાં થઈ ગયાં અને તેમને નોકરી મળી ગઈ ત્યારે રણધીરસિંહ કૈથલ છોડીને કુરુક્ષેત્રમાં રહેવા આવ્યા હતા.
તેઓ હાલ કુરુક્ષેત્ર શહેરમાં રહે છે. તેમનું કહેવું છે કે તેઓ દુકાનેથી શાકભાજી ખરીદતા હતા અને એ ખાતા હતા ત્યારે તેમની તબિયત બગડી જતી હતી.
એ પછી તેમણે નિર્ણય કર્યો હતો કે તેઓ પ્રાકૃતિક રીતે જૈવિક ખેતી કરશે અને પોતે તો સ્વસ્થ રહેશે જ, પરંતુ પોતાના પરિવારને પણ સ્વસ્થ રાખશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલું જ નહીં, તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરશે અને નવા પ્રયોગો કરીને જૈવિક ખેતીને નવા આયામો તરફ લઈ જશે.
આ કારણસર તેમણે 1992માં તેમના ઘરની બહાર કિચન ગાર્ડન શરૂ કર્યું હતું. એ સંપૂર્ણપણે જૈવિક રીતે તૈયાર કરવામાં આવ્યું હતું.
તેમણે એટલી મહેનત કરી હતી કે ત્યાં ઉગાડવામાં આવેલો પાક સમગ્ર દેશમાં પ્રસિદ્ધ થયો.
તેમનું કહેવું છે કે હવે તેમનું લક્ષ્ય ભારતમાં અન્ય લોકોને પણ જૈવિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરવાનું છે.
35 પ્રકારનાં શાકભાજી

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રણધીરસિંહે કહ્યું હતું, "મારા કિચન ગાર્ડનની શરૂઆત નાના પાયે થઈ હતી, પરંતુ હવે હું એક સમયે લગભગ 35 શાકભાજી ઉગાડું છું. તેમાં બટાટા, ટામેટાં, કોબી, દૂધી, મટર, ફ્લાવર, બ્રોકલી, ડુંગળી, પાલક, મેથી, લીંબુ, બીટ, મૂળા, ગાજર, કોથમીર અને તુવેરનો સમાવેશ થાય છે."
તેઓ જડીબુટ્ટીઓ પણ ઉગાડે છે અને એ માટે તેમને પુરસ્કાર પણ મળ્યા છે.
જોકે, હવે તેમની વય બહુ વધી ગઈ છે. તેમ છતાં તેઓ કિચન ગાર્ડન ચલાવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પ્રેરિત કરી રહ્યા છે.
રણધીરસિંહે આ કિચન ગાર્ડનમાં ઉગાડેલાં શાકભાજી અને અન્ય પાક માટે લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં 16 વખત સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રણધીરસિંહનો દાવો છે કે તેમણે ભારતની સૌથી લાંબી છ ફૂટ, બે ઈંચ લાંબી દૂધી ઉગાડી છે. એ કારણે લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં તેમનું નામ ચાર વખત નોંધાયું છે.
એ સિવાય તેમણે લાહોરમાં લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ બે વખત સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તેમણે ભારતમાં 500 ગ્રામ અને 700 ગ્રામ લસણનું બંડલ તૈયાર કર્યું હતું, જેના માટે તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
તેમણે કોરોના કાળમાં પણ 920 ગ્રામ લસણ તૈયાર કર્યું હતું, પરંતુ કોરોનાનો સમય હોવાને કારણે તેની નોંધ લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં થઈ શકી ન હતી.
કારેલા માટે બે વખત અને શલગમ માટે બે વખત પણ તેમને લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. તેમણે બીજાં ઘણાં શાકભાજી માટે રેકૉર્ડ બનાવ્યા છે.
પોતાના કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડવા માટે રણધીરસિંહને કુલ 16 વખત લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું, "હું 1992થી જૈવિક ખેતી કરી રહ્યો છું. તેને લીધે રાજ્ય સરકારે 2001માં જૈવિક ખેતી માટે મને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. હું મારા શાકભાજી સાથે હરિયાણા અને પંજાબના ખેડૂત મેળાઓમાં પણ જાઉં છું."
રણધીરસિંહને હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલય, હિસારરત્ન અને રાય બહાદુર જેવી મોટા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
જૈવિક ખેતીને પ્રોત્સાહન
પોતાના કિચન ગાર્ડનમાં એક પણ રસાયણનો ઉપયોગ ન કરતા રણધીરસિંહનું કહેવું છે કે હવે તેમનું લક્ષ્ય જૈવિક ખેતી માટે અન્ય ખેડૂતોને પ્રેરિત કરવાનું છે.
તેઓ અમૃત બનાવીને તેનો ઉપયોગ કરે છે અથવા તેમાં સ્થાનિક ખાતર ભેળવે છે, જેનાથી તેમને સારો પાક મળે છે.
તેમણે કહ્યું હતું, "રસાયણોના ઉપયોગથી આપણા પાક અને શાકભાજી પર બહુ માઠી અસર થાય છે. ઉત્પાદન વધારે થાય છે, પરંતુ તેનાથી માણસની તબિયત બગડી રહી છે."
"તેથી હવે હું અન્ય ખેડૂતોને જૈવિક ખેતી માટે પ્રોત્સાહિત કરી રહ્યો છું, જેથી તેઓ પણ સ્વસ્થ રહે અને બીજા લોકોને પણ સ્વસ્થ રાખી શકે."
તેઓ પુરસ્કાર વિજેતા શાક અન્ય ખેડૂતોને મફતમાં આપે છે, જેથી તેઓ પણ આ પ્રકારની ખેતી કરીને ખ્યાતિ મેળવી શકે અને પોતાના દેશ તથા રાજ્યનું નામ રોશન કરી શકે.
કૃષિ નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC
કુરુક્ષેત્રના ડીએચઓ સત્યનારાયણનું કહેવું છે કે શાકભાજી ઉગાડવામાં રસ ધરાવતા લોકોને સરકાર 50 ટકા સબસિડી પર કિટ ઉપલબ્ધ કરાવી આપે છે.
તેમાં વિવિધ શાકભાજીનાં બીજ હોય છે, જેને ખેડૂતો તેમના ખેતરમાં કે ઘરની આસપાસના જમીનના નાના ટુકડામાં ઉગાડી શકે છે.
કિચન ગાર્ડનિંગના લાભની વાત કરતાં તેમણે કહ્યું હતું, "કોઈ વ્યક્તિની પાસે જગ્યા હોય તો તે ઓછા ખાતરનો ઉપયોગ કરીને પોતાના ઘર માટે જરૂરી શાકભાજી ઉગાડી શકે છે અને માત્ર પોતે સ્વસ્થ રહી શકે છે એટલું જ નહીં, પરંતુ એ શાકભાજી વેચીને સારી કમાણી પણ કરી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












