'તારાથી અમારી જેવી દાઢી-મૂછ રખાય?' – એમ કહીને દલિત યુવકને માર મારવાનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
જૂનાગઢના ખંભાળિયા નજીકના ઓઝત ગામે એક દલિત યુવકને ઢોર માર મારવાનો અને અપમાનિત કરવાનો મામલો સામે આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ યુવકને 11મી ઑગસ્ટે જ્યારે આ દલિત યુવક તેમના સાસરે મુલાકાત માટે આવેલા એ સમયે કથિતપણે 'દાઢી-મૂછ રાખવાના મામલે' અપમાનિત કરીને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનામાં પીડિતોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને રજા આપવામાં આવી છે.
આ મામલે કુલ પાંચ લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે, પરંતુ હજુ આરોપીઓ ફરાર છે.
સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર સાગર મકવાણા નામના ફરિયાદી યુવક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ તેમના સાસરે આવ્યા હતા.
વીસાવદરના એએસપી રોહિતકુમારે આ ઘટના વિશે મીડિયાને જાણકારી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, "11 તારીખે અમને એક ફરિયાદ મળી હતી. સાગરભાઈ તેમના સાસરે આવેલા હતા. સાંજે સાતેક વાગ્યે તેઓ પોતાની મોટરસાઇકલ રિપૅર કરાવવા માટે ઊભા હતા. ત્યાં એક શૈલેશ જબલિયા નામની વ્યક્તિએ સાગરભાઈની મૂછ-દાઢીને અંગે ટિપ્પણી કરી હતી. પછી બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી."
તેઓ આગળ જણાવે છે કે, "સાગરભાઈએ પછી ફોન કરીને સસરાને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તમારા ગામની કોઈ વ્યક્તિ મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરી રહી છે. પછી આરોપી શૈલેશ જબલિયાએ પણ ફોન કરીને કેટલાક લોકોને બોલાવ્યા હતા. પછી આરોપી અને તેના સાથીદારોએ સાગરભાઈ અને તેમના સસરા સાથે મારામારી કરી હતી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો. પીડિતોને આ ઘટના બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદીએ શું આરોપો લગાવ્યા?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફરિયાદી સાગર મકવાણાએ કહ્યું હતું કે, "હું ખંભાળિયા તરફ જવા નીકળ્યો હતો અને પાનની દુકાને ઊભો હતો. મેં મારી મૂછ પર હાથ ફેરવ્યો હતો ત્યારે એક અજાણી વ્યક્તિએ મને કહ્યું કે આ રીતે મૂછ પર હાથ કેમ ફેરવે છે? મેં એમને કહ્યું કે હું તમને ઓળખતો નથી."
"ત્યાર બાદ એ લોકોએ મને કહ્યું હતું કે હું તને ઓળખું છું અને એમ કરીને બીજા લોકોને બોલાવ્યા. મેં સસરાને બોલાવ્યા પછી એક ગાડી આવી અને પાંચ લોકોએ ઊતરીને અમને માર માર્યો. જાતિસૂચક અપમાનજનક શબ્દો પણ કહ્યા."
તેમના સસરા જીવણભાઈએ કહ્યું હતું કે, "હું ત્યાં પહોંચ્યો અને એ લોકોને કહ્યું કે તમે મારા જમાઈને કેમ દબાવો છો? તો એ લોકોએ કહ્યું કે આ દાઢી-મૂછો કેમ રાખી છે? દાઢી-મૂછો અમારે 'દરબારો'ને હોય. તમારે થોડી હોય? પછી અમને ઢીકાપાટુનો માર માર્યો હતો. જાતિસૂચક અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા."
ત્યાર બાદ આસપાસના લોકો ભેગા થઈ જતાં આરોપીઓ કારમાં બેસીને નાસી ગયા હતા.
એએસપી રોહિતકુમારે કહ્યું હતું કે, "અમે ભારતીય ન્યાય સંહિતા, એસસી-એસટી પ્રિવેન્શન ઍન્ડ ઍટ્રોસિટીઝ ઍક્ટ અંતર્ગત તેમની સામે ફરિયાદ નોંધી છે. હજુ ત્રણ આરોપીઓની ઓળખ કરવાની બાકી છે. તેમની જલદીથી ઓળખ કરવામાં આવશે. હજુ તેઓ ફરાર છે. તેમને જલદી પકડી લેવામાં આવશે."
જૂનાગઢથી બીબીસી સહયોગી હનીફ ખોખરે માહિતી આપી હતી કે 17 ઑગસ્ટ સવારે દસ વાગ્યા સુધી તેમની ધરપકડ થઈ નથી અને હજુ તેઓ ફરાર છે.
આરોપીના પરિવારજનોનો સંપર્ક કરવાનો બીબીસી સહયોગીએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. જ્યારે તેમનો સંપર્ક થશે ત્યારે અમે તેમની સાથે વાતચીત કરીને તેમનો પક્ષ અહીં રજૂ કરીશું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન













