ધડક-2 ફિલ્મમાં જાતિ અને જાતિવાદ મુદ્દે શું દેખાડ્યું છે કે ખૂબ ચર્ચા થઈ રહી છે?

ધડક-2, દલિતો, જાતિ, જાતિવાદ, બૉલીવૂડ, ફિલ્મ, સમાજ, પરિવર્તન, સમાનતા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

    • લેેખક, નમ્રતા જોશી
    • પદ, બીબીસી માટે

ફિલ્મ નિર્માતા, લેખિકા અને પ્રોડક્શન ડિઝાઇનર શાઝિયા ઇકબાલની પહેલી ફીચર ફિલ્મ 'ધડક-2' ભલે મોહિત સૂરીની 'સૈયારા'ની જેમ કરોડો રૂપિયાની કમાણી ન કરી શકી હોય, પરંતુ તેને ભારતીય સિનેમાના ઇતિહાસમાં પરિવર્તન લાવનારી ફિલ્મ તરીકે યાદ રાખવામાં આવશે.

આ એવી જૂજ મુખ્ય પ્રવાહની હિન્દી ફિલ્મોમાંની એક છે જેમાં જાતિ આધારિત ભેદભાવ, અન્યાય અને જુલમ જેવા મુદ્દાઓને ઊંડાણ અને સંવેદનશીલતા સાથે રજૂ કરવામાં આવ્યા છે.

જોકે, ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદીના 'બ્રાઉન ફેસ'વાળા લુક પર ઘણી ચર્ચા અને ટીકા થઈ છે. તેઓ ફિલ્મમાં એક દલિત યુવાન નીલેશ અહિરવારની ભૂમિકા ભજવી રહ્યા છે. આ યુવાન પોતાની ઓળખ સ્વીકારવાનો અને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે.

જોકે, આ વિવાદને બાજુ પર રાખીએ તો, ફિલ્મનો અભિગમ કોઈના પ્રત્યે દયા ખાતો હોય એવો નથી, ઉપરછલ્લો અભિગમ પણ નથી, પરંતુ તેના બદલે આ ફિલ્મ પ્રામાણિકપણે વંચિત વર્ગની વાસ્તવિકતાનું ચિત્રણ કરે છે.

આ ફિલ્મમાં ભાવનાત્મક અસર અને બોલીવૂડનો મોટો સિનેમેટિક સ્કેલ તો છે, પરંતુ તે ઘણા વિરોધાભાસી સત્યોને પણ સમજાવે છે અને બતાવે છે. તે વિશેષાધિકૃત વર્ગ પર પ્રશ્ન ઉઠાવવામાં શરમાતી નથી.

આ ફિલ્મ દર્શકોને જકડી પણ રાખે છે અને તેમને વિચારવા માટે મજબૂર પણ કરે છે. આ એક એવી ફિલ્મ છે જે વંચિતોના અધિકારોના મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરશે.

આ વધુ મહત્ત્વનું છે કારણ કે સો વર્ષથી વધુ જૂના મુખ્ય પ્રવાહના હિન્દી સિનેમામાં, જાતિવાદ વિરુદ્ધ ખૂબ ઓછી કહાણીઓ બની છે, અને વંચિત વર્ગનાં પાત્રો પર કેન્દ્રિત ફિલ્મો પણ ઓછી બની છે.

ફિલ્મનાં પાત્રો ચુપચાપ સહન કરનારાં નથી, અસરકારક છે

ધડક-2, દલિતો, જાતિ, જાતિવાદ, બૉલીવૂડ, ફિલ્મ, સમાજ, પરિવર્તન, સમાનતા, ગુજરાત, બીબીસી ગુજરાતી, સિદ્ધાંત ચતુર્વેદી

ઇમેજ સ્રોત, Dharmamovies/X

જૂન 2015માં, અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 2013-2014 દરમિયાન રિલીઝ થયેલી લગભગ 300 બોલીવૂડ ફિલ્મોમાંથી ફક્ત છ ફિલ્મોમાં જ મુખ્ય પાત્રો પછાત જાતિનાં હતાં.

તેનાથી વિપરીત, 'ધડક 2'માં, મુખ્ય પાત્ર ઉપરાંત, ઘણાં પ્રભાવશાળી પાત્રો પણ વંચિત સમુદાયોમાંથી આવે છે.

તેમાં સૌથી પ્રભાવશાળી પ્રિયાંક તિવારી છે, જેઓ યુવા નેતા શેખરની ભૂમિકા ભજવે છે (આ પાત્ર હૈદરાબાદ યુનિવર્સિટીના પીએચ.ડી. સ્કૉલર રોહિત વેમુલાથી પ્રેરિત છે, જેમણે કેમ્પસમાં જાતિના અન્યાયના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સસ્પેન્ડ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી.)

ફિલ્મમાં એક જગ્યાએ શેખર કહે છે, "જો અન્યાય કાયદો બની જાય, તો લોકોની ફરજ છે કે તેઓ તેની સામે અવાજ ઉઠાવે."

આ ઉપરાંત, અનુભા ફતેપુરા નીલેશ (મુખ્ય પાત્ર)નાં માતાની ભૂમિકા ભજવે છે. તેઓ ભલે નબળી પરિસ્થિતિમાં હોય અને અને વિશેષાધિકાર પ્રાપ્ત લોકો તરફથી અપમાનનો સામનો કરે છે, પરંતુ તેઓ ચુપચાપ સહન કરી લેનારા લોકોમાંથી નથી.

તેઓ પોતાના અધિકારોથી સંપૂર્ણપણે વાકેફ છે અને તે અધિકારોની લડાઈમાં તેઓ અનામત અને સમાન તક જેવા પગલામાં માને છે.

જાતિનો મુદ્દો બોલીવૂડમાં 'ઉપરછલ્લો'

ધડક-2, દલિતો, જાતિ, જાતિવાદ, બૉલીવૂડ, ફિલ્મ, સમાજ, પરિવર્તન, સમાનતા, ગુજરાત, બીબીસી ગુજરાતી, સિદ્ધાંત ચતુર્વેદી, તૃપ્તિ ડિમરી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'ધડક 2' જેવી વાર્તાઓ બોલીવૂડમાં અપવાદ હોઈ શકે છે, પરંતુ અન્ય ભાષાઓમાં, ખાસ કરીને તમિલ ફિલ્મ ઉદ્યોગમાં તેનો ઊંડો પ્રભાવ દેખાય છે. ત્યાં વંચિત વર્ગના મુદ્દાઓ પર સતત ફિલ્મો બનાવવામાં આવી છે અને ઘણાં મુખ્ય પાત્રો પણ આ સમુદાયોમાંથી લેવામાં આવ્યાં છે.

કે. રવિન્દ્રનની તેલુગુ ફિલ્મ 'હરિજન' અને બીવી કરંથની કન્નડ ફિલ્મ 'ચોમના ડુડી' દક્ષિણની જાતિવિરોધી ક્લાસિક ફિલ્મો માનવામાં આવે છે.

સમકાલીન તમિલ સિનેમામાં મારી સેલ્વરાજની 'કર્ણન' ફિલ્મે સુપરસ્ટાર ધનુષ મારફતે વંચિતોના ગુસ્સાને બહાર દેખાડ્યો હતો.

લીના મણિમેકલાઈની 'માદથી' એ લૈંગિક હિંસા પર પ્રકાશ પાડ્યો હતો. પા. રણજિતની 'સારપટ્ટા પરમ્બરાઈ' અને ટીકે જ્ઞાનવેલની 'જય ભીમ'એ આ મુદ્દાઓ પર ચર્ચા જગાવી હતી અને બૉક્સ ઑફિસ પર પણ સારી કમાણી કરી હતી.

તામિલનાડુમાં રોજિંદા જીવનમાં અને સિનેમા બંનેમાં જાતિ એક મોટો મુદ્દો રહ્યો છે. આ સામાજિક ચેતના સમાજસુધારક અને કાર્યકર્તા-રાજકારણી એવા પેરિયાર અને દ્રવિડ રાજકારણનો વારસો છે.

અંગ્રેજી અખબાર ધ ન્યૂ ઇન્ડિયન ઍક્સપ્રેસ સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં ફિલ્મનાં નિર્માતા શાઝિયા ઇકબાલે કહ્યું હતું કે, "ત્યાં તમને જાતિ પર આધારિત ઘણી કહાણીઓ મળશે, જે અહીં (બોલીવૂડમાં) જોવા મળતી નથી, કારણ કે ઘણા ફિલ્મ નિર્માતાઓ તામિલનાડુમાં છે જેમણે એક સંસ્કૃતિ બનાવી છે કે 'અમે અહીં છીએ અને કોઈ અમને અમારી કહાણીઓ કહેતા રોકી શકશે નહીં. બોલીવૂડમાં પણ આવું થવું જોઈએ."

શાઝિયા ઇકબાલની 'ધડક 2' હકીકતમાં મારી સેલ્વરાજની લોકપ્રિય તમિલ ફિલ્મ 'પરિયેરમ પેરુમલ'નું હિન્દી રૂપાંતરણ છે. તેમણે તેને ઉત્તર ભારતમાં સેટ કરી છે અને તેને જાતિના પરિપ્રેક્ષ્ય સાથે એક પ્રેમકથા તરીકે ફરીથી રજૂ કરી છે.

ધડક-2, દલિતો, જાતિ, જાતિવાદ, બૉલીવૂડ, ફિલ્મ, સમાજ, પરિવર્તન, સમાનતા, ગુજરાત, બીબીસી ગુજરાતી, શાઝિયા ઇકબાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાઝિયા ઇકબાલ

શાઝિયા ઇકબાલ માને છે કે પ્રેમકથાઓ દ્વારા સમાજમાં પ્રવર્તતા વિવિધ પ્રકારના પૂર્વગ્રહો અને ભેદભાવો વિશે ખૂબ જ અસરકારક રીતે વાત કરી શકાય છે.

દક્ષિણ ભારતીય સિનેમા વાસ્તવિકતાની ઊંડી સમજણ સાથે બનાવવામાં આવે છે, જ્યારે બોલીવૂડમાં તે ઘણી વાર માત્ર બનાવટી પ્રયાસ લાગે છે. હિન્દી સિનેમા પર ઘણી વાર ઓળખને ભૂંસી નાખવાનો આરોપ મૂકવામાં આવે છે, જ્યારે તમિલ સિનેમા વાસ્તવિકતામાં મૂળિયાં જમાવી રાખવા બદલ પ્રશંસા પામે છે.

ખાસ કરીને 90ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં શહેરી, ગ્લોબલ અને ગ્લેમરસ વાર્તાઓ દર્શાવવામાં આવતી હતી જે એનઆરઆઈ દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હતી અને જેમાં વંચિત વર્ગ માટે કોઈ સ્થાન નહોતું.

આમ, મોટાં ભાગનાં પાત્રો તેમની ઓળખ સાથે જોડાયેલાં નથી હોતાં. પછી ભલે તે જાતિ, વર્ગ, ધર્મ, લિંગની ઓળખ હોય.

શાઝિયા ઇકબાલે ધ ન્યૂ ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "ખરેખર બધું ઓળખની જ આસપાસ ફરે છે, પછી ભલે તે વંશીય ઓળખ હોય, ધાર્મિક ઓળખ હોય કે જાતિની ઓળખ હોય, પરંતુ આપણે આપણી ફિલ્મોમાં તેને સ્પર્શ પણ કરતા નથી."

તેમણે આગળ કહ્યું, "મારા સંશોધન દરમિયાન, મને સમજાયું કે લોકો માને છે કે જાતિનો મુદ્દો ફક્ત ગામડાંમાં જ છે, પરંતુ પછીથી મને સમજાયું કે એ દરેક જગ્યાએ છે. આ અમારી ફિલ્મનો મુખ્ય વિષય છે કે જો તમે નાનાં શહેરોમાંથી મોટાં શહેરોમાં જાઓ તો પણ તમારી ઓળખ તમને છોડતી નથી."

'ધડક 2' પહેલાં 'ઝુંડ'

ધડક-2, દલિતો, જાતિ, જાતિવાદ, બૉલીવૂડ, ફિલ્મ, સમાજ, પરિવર્તન, સમાનતા, ગુજરાત, બીબીસી ગુજરાતી, નાગરાજ મંજુલે

ઇમેજ સ્રોત, Nagraj Manjule/FB

'ધડક 2' પહેલાં હિન્દી સિનેમામાં જ્ઞાતિ સંબંધોને અસરકારક રીતે દર્શાવતી બીજી મહત્ત્વની ફિલ્મ નાગરાજ મંજુલેની પ્રથમ હિન્દી ફિલ્મ 'ઝુંડ' હતી.

મંજુલે તેમની મરાઠી ફિલ્મો 'ફેન્ડ્રી' અને 'સૈરાટ' માટે પણ જાણીતા છે. મે, 2017માં 'ધ હિન્દુ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, "જાતિ આપણા સમાજનો પાયો છે. આ એક વાસ્તવિકતા છે, જેનાથી બચવા માટે ખાસ કુશળતા જરૂરી છે. બોલીવૂડ પાસે તે કુશળતા છે, મારી પાસે નથી."

મંજુલે ખુલ્લેઆમ પોતાની દલિત ઓળખને સ્વીકારે છે અને ફિલ્મ 'ઝુંડ'માં તેમણે પોતાના ગરીબ અને વંચિત પાત્રોને પણ આવો જ આત્મવિશ્વાસ આપ્યો છે.

'ઝુંડ' ફિલ્મમાં તેમનાં પાત્રો દર્શકોની દયાને પાત્ર નથી, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં તેમની પાસે હિંમત અને જુસ્સો છે. તેમના પ્રોફેસર (અમિતાભ બચ્ચન) તારણહાર નહીં પણ તેમના સાથી છે. આ દૃષ્ટિકોણ અગાઉ બનેલી ફિલ્મો કરતા સંપૂર્ણપણે અલગ હતો.

બોલીવૂડમાં દલિત પ્રતિનિધિત્વનો ઇતિહાસ

એવું માનવામાં આવે છે કે સિનેમામાં દલિતોના પ્રતિનિધિત્વનો ઇતિહાસ ફ્રાન્ઝ ઑસ્ટેનની 'અછૂત કન્યા'થી શરૂ થયો હતો, જે 1936માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મ એક પછાત જાતિની છોકરી અને એક બ્રાહ્મણ છોકરાની પ્રેમકથા હતી. તેને સામાજિક બહિષ્કાર અને અસ્પૃશ્યતાનો સામનો કરવાનો પ્રથમ પ્રયાસ માનવામાં આવે છે.

બીજી એક ફિલ્મ જેની ખૂબ ચર્ચા થઈ હતી તે હતી બિમલ રૉયની 'સુજાતા', જે 1959માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં નૂતને એક અસ્પૃશ્ય છોકરીની ભૂમિકા ભજવી હતી. તે એક બ્રાહ્મણ પરિવારમાં ઉછરી હતી, પરંતુ કહેવાતા પ્રગતિશીલ વિશ્વમાં પણ, આ પાત્ર પૂર્વગ્રહોનો શિકાર બને છે.

ગાંધીજીના અસ્પૃશ્યતા વિરોધી સિદ્ધાંતથી પ્રેરિત 'સુજાતા'એ ઉચ્ચ જાતિના ફિલ્મ નિર્માતાઓનું કાર્ય હતું. તેમાં, સમાજના વિશેષાધિકાર ધરાવતાં પાત્રોને અસહાય છોકરીને બચાવવા માટે આગળ આવતા દર્શાવવામાં આવ્યાં છે. કદાચ તે સમયે, આ મુદ્દાને યોગ્ય દિશામાં લઈ જવા માટે ઉચ્ચ જાતિઓ તરફથી આવી હસ્તક્ષેપ જરૂરી હતો.

ધડક-2, દલિતો, જાતિ, જાતિવાદ, બૉલીવૂડ, ફિલ્મ, સમાજ, પરિવર્તન, સમાનતા, ગુજરાત, બીબીસી ગુજરાતી, વિક્કી કૌશલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મસાન ફિલ્મમાં કલાકાર વિક્કી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી હતી

વર્ષો પછી આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'લગાન' (2001)માં પણ કચરા નામનું એક 'અછૂત' પાત્ર હતું. તે એક અનોખો સ્પિન બૉલર હતો અને ફિલ્મમાં ક્રિકેટ ટીમનો ભાગ હતો. આ પાત્રે અંગ્રેજો સામે મૅચ જીતવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મમાં જોકે અસમાન દુનિયામાં તેમના દર્દ કે સંઘર્ષને દર્શાવવામાં આવ્યો ન હતો. કહાણી એવી હતી કે કેવી રીતે દરેક વ્યક્તિએ (વંચિત લોકો પણ) સમાજ અને દેશના ભલા માટે, ખાસ કરીને વિદેશી આક્રમણકારો સામે, એક સાથે આવવું જોઈએ.

પ્રકાશ ઝાની 'આરક્ષણ' (2011)માં સૈફ અલી ખાને એક શિક્ષિત દલિત વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર ફિલ્મમાં એકદમ બિનઅસરકારક લાગ્યું હતું. ઝાએ ફિલ્મની શરૂઆત અનામતના મુદ્દાથી કરી હતી, પરંતુ પાછળથી વાર્તા શિક્ષણના વ્યાપારીકરણ તરફ વળી ગઈ.

અનુભવ સિંહાની 'આર્ટિકલ 15' (2019)માં પણ જાતિગત અસમાનતાના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તે એક શહેરી, શિક્ષિત અને વિશેષાધિકારવાળા હીરો (આયુષ્માન ખુરાના)ની નજરે જોવા મળે છે. ભેદભાવની કહાણી બનવાને બદલે, આ ફિલ્મ એક બ્રાહ્મણ અને પરિવર્તનના સ્વઘોષિત તારણહારની કહાણી બનીને જાય છે.

જાતિ સંબંધિત મુદ્દાઓ પર સૌથી અસરકારક અને શક્તિશાળી કાર્ય પેરેલલ અને ન્યૂ વેવ હિન્દી સિનેમામાં કરવામાં આવ્યું છે.

આ સમયગાળાની મહત્ત્વની ફિલ્મોમાં શ્યામ બેનેગલની 'અંકુર' (1974), સત્યજિત રેની 'સદગતિ' (1981), ગૌતમ ઘોષની 'પાર' (1984), પ્રકાશ ઝાની 'દામુલ' (1985), અરુણ કૌલની 'દીક્ષા' (1991) અને શેખર કપૂરની 'બૅન્ડિટ ક્વીન' (1994)નો સમાવેશ થાય છે. એ સિવાય બેનેગલની 'સમર' (1999) અને જબ્બાર પટેલની હિન્દી-અંગ્રેજી ફિલ્મ 'ડૉ. બાબાસાહેબ આંબેડકર' (2000) પણ મુખ્ય છે.

નીરજ ઘેવાન: હિન્દી સિનેમામાં એક નવો અવાજ

કેટલાક યુવા અને સ્વતંત્ર દિગ્દર્શકોએ જાતિ વિરોધી વાર્તાઓ માટે નવા અને તાજા અભિગમો રજૂ કર્યા છે, જેમ કે વિકાસ મિશ્રાની ચૌરંગા (2014) અને ચૈતન્ય તામ્હાણેની મરાઠી-ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ફિલ્મ કોર્ટ (2014).

સમકાલીન સમયમાં સૌથી મહત્ત્વપૂર્ણ અવાજ નીરજ ઘેવાનનો રહ્યો છે. તેઓ હિન્દી સિનેમાના જૂજ દલિત દિગ્દર્શકોમાંના એક છે અને કદાચ એકમાત્ર ફિલ્મ નિર્માતા છે જે સતત ઉદ્યોગના બ્રાહ્મણવાદી માળખાને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીરજ ઘેવાનની પહેલી ફિલ્મ 'મસાન' (2015) વારાણસીમાં જાતિના રાજકારણની પૃષ્ઠભૂમિમાં પ્રેમ, બ્રેકઅપ અને ઇચ્છાઓની કહાણી છે. તેનું પ્રીમિયર કાન ફિલ્મ ફેસ્ટિવલના 'અન સર્ટેન રિગાર્ડ' વિભાગમાં થયું હતું. તેને એફઆઈપીઆરઈએસસીઆઈ ક્રિટિક્સ ઍવૉર્ડ અને પ્રિક્સ એવેનિર પ્રોમેટુર સન્માન મળ્યું હતું.

તેમની બીજી ફિલ્મ 'હૉમબાઉન્ડ' (2025) પણ આ વર્ષે મે મહિનામાં કાનના 'અન સર્ટેન રિગાર્ડ' વિભાગમાં પ્રીમિયર થઈ હતી. તે 2020માં ધ ન્યૂયૉર્ક ટાઇમ્સમાં પ્રકાશિત બશરત પીરના લેખ 'ટેકિંગ અમૃત હોમ'થી પ્રેરિત છે.

ધડક-2, દલિતો, જાતિ, જાતિવાદ, બૉલીવૂડ, ફિલ્મ, સમાજ, પરિવર્તન, સમાનતા, ગુજરાત, બીબીસી ગુજરાતી, નીરજ ઘેવાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નીરજ ઘેવાન

તેમાં મોહમ્મદ સૈયુબ અને તેમના બાળપણના મિત્ર અમૃતકુમારની વાર્તા કહેવામાં આવી હતી. તેઓ એ હજારો સ્થળાંતર કરનારાઓમાંના હતા જેમને 2020માં કોરોનાની પહેલી લહેર દરમિયાન અચાનક લૉકડાઉન લાદવામાં આવ્યા બાદ પગપાળા ઘરે પાછા ફરવું પડ્યું હતું.

ફિલ્મમાં નીરજ ઘેવાને વંચિતો અને લઘુમતીઓની દુર્દશા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જ્યાં મોહમ્મદ સૈયુબનું નામ બદલીને મોહમ્મદ શોએબ અલી (ઈશાન ખટ્ટર) અને અમૃતકુમારનું નામ બદલીને ચંદનકુમાર (વિશાલ જેઠવા) કરવામાં આવ્યું છે.

મારી મનપસંદ ઘેવાનની ફિલ્મ 'ગીલી પુચ્ચી' છે, જે નેટફ્લિક્સ ઍન્થોલૉજી ફિલ્મ 'અજીબ દાસ્તાન્સ'નો એક ભાગ છે.

ઘેવાન સ્વીકારે છે કે તેઓ જાતિ, વર્ગ, ધર્મ, લિંગ અને જાતીયતાના વિષયો તરફ આકર્ષાય છે, અને 'ગીલી પુચ્ચી' સુંદર રીતે રચાયેલ છે.

આ ફિલ્મ જાતિ, લિંગ અને જાતિયતાના આંતરછેદ પર સુંદર રીતે ઊભી છે.

તે જાતિના પ્રશ્નના સ્તરને એક પછી એક ઉકેલે છે અને તેને વધુ જટિલ ક્ષેત્રમાં લઈ જાય છે. અહીં, જાતિ પર આધારિત કૉમરેડશિપ હાંસિયામાં રહેનારા લોકો વચ્ચે એકતાના સંબંધમાં પરિવર્તિત થઈ જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન