વડા પ્રધાન મોદી 75 વર્ષના થયા : ભાજપમાં હવે 'નિવૃત્તિની ચર્ચા' પર પૂર્ણવિરામ મુકાઈ જશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઈશાદ્રિતા લાહિડી
- પદ, બીબીસી સંવાદદાતા
શું 75 વર્ષની વય પછી નેતાઓએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ? આ સવાલ ભારતીય જનતા પાર્ટીમાં પાછલા એક દાયકાથી વારંવાર ચર્ચાતો રહ્યો છે.
કોઈ વરિષ્ઠ નેતા આ વયે પહોંચે ત્યારે દરેક વખત આ મુદ્દો ગરમ થાય છે.
હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા હોવાથી આ મુદ્દે ફરી ચર્ચા થઈ રહી છે.
બીબીસીએ ભારત અને ખાસ કરીને ભાજપની રાજનીતિ પર બારીક નજર રાખતા કેટલાક જાણકારો સાથે આ મુદ્દે વાત કરીને તેમનો અભિપ્રાય જાણ્યો હતો.
આ ચર્ચાની શરૂઆત ક્યાંથી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપમાં આ ચર્ચા વાસ્તવમાં 2014ની સામાન્ય ચૂંટણી પહેલાં શરૂ થઈ હતી.
વરિષ્ઠ પત્રકાર અને 'ધ પ્રિન્ટ'ના રાજકીય સંપાદક ડીકે સિંહે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા હતા ત્યારે પક્ષના ઘણા મોટા નેતાઓ આ નિર્ણયથી રાજી ન હતા."
ડીકે સિંહના કહેવા મુજબ, "લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતા મોદીની વિરુદ્ધ હતા. મોદી જાણતા હતા કે આ નેતાઓને સરકારમાં સ્થાન આપવામાં આવશે તો તેમનું સ્વાતંત્ર્ય જોખમાશે. એ વખતે એવી દલીલ આગળ ધરવામાં આવી હતી કે 75 વર્ષની વય બાદ નેતાઓ સક્રિય રાજકારણમાંથી ખસી જશે."
તેમણે જણાવ્યું હતું કે ભાજપ તરફથી આ નિયમની ઔપચારિક જાહેરાત ક્યારેય કરવામાં આવી ન હતી. તેની નોંધ પક્ષના બંધારણમાં પણ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડીકે સિંહે કહ્યું હતું, "એ સમયે ભાજપના નેતા અને પ્રવક્તા ઑફ્ફ ધ રેકૉર્ડ આ વાત જણાવતા હતા. તેનું એક નૅરેટિવ બનાવવામાં આવ્યું હતું, ઔપચારિક રીતે ક્યારેય કશું કહેવામાં આવ્યું ન હતું."
એ પછી અડવાણી, જોશી અને બીજા વરિષ્ઠ નેતાઓને 2014માં એક 'માર્ગદર્શક મંડળ'નો હિસ્સો બનાવવામાં આવ્યા હતા. એ મંડળની એક પણ બેઠક આજ સુધી યોજાઈ નથી.
તેમના જણાવ્યા મુજબ, આનંદીબહેન પટેલે આ 'નિર્ણય'ને ઔપચારિક રીતે સૌપ્રથમ સ્વીકાર્યો હતો. આનંદીબહેને 2016માં ગુજરાતનાં મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.
એ વખતે તેમણે કહ્યું હતું, "હું નવેમ્બરમાં 75 વર્ષની થઈશ. હું કાયમ ભાજપની વિચારધારા, સિદ્ધાંતો અને શિસ્તથી પ્રેરિત રહી છું. તેનું પાલન આજ સુધી કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી પક્ષમાં 75 વર્ષથી વધુ વયના નેતાઓ તથા કાર્યકરો સ્વૈચ્છાએ પોતાના પદ છોડી રહ્યા છે. તેને લીધે યુવાઓને તક મળી રહી છે. આ બહુ સારી પરંપરા છે. હું પણ નવેમ્બરમાં 75 વર્ષની થવાની છું."
આનંદીબહેનના આ નિવેદને એવો સંદેશો આપ્યો હતો કે પક્ષમાં વયની એક મર્યાદા નક્કી થઈ ગઈ છે. જોકે, એ પછી તેનું કાયમ પાલન થયું નથી.
માત્ર સંકેત કે સખત નિયમ?

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકાર અદિતિ ફડણીસ લાંબા સમયથી ભાજપની રાજનીતિ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કામકાજનું રિપોર્ટિંગ કરતાં રહ્યાં છે. તેઓ માને છે કે 75 વર્ષ પછી નિવૃત્ત થવાની વાત "એક સંકેત માત્ર હતી."
તેમણે બીબીસીને કહ્યું હતું, "સમયાંતરે નેતૃત્વ યુવાઓને સોંપવું જોઈએ, એવું ભાજપમાં કાયમ માનવામાં આવતું રહ્યું છે, પરંતુ આ નિયમનો અમલ ક્યારે થવો જોઈએ અને ક્યારે ન થવો જોઈએ તેનો સંપૂર્ણ આધાર રાજકીય પરિસ્થિતિ પર રહ્યો છે. અડવાણી અને જોશીને 2014માં હાંસિયા પર ધકેલવા જરૂરી હતા, કારણ કે પક્ષ નવા ચહેરાને રજૂ કરવા ઇચ્છતો હતો."
આ જ રીતે વરિષ્ઠ પત્રકાર સુનીલ ગાતાડેએ બીબીસીને જણાવ્યું હતું કે ભાજપનો 75 વર્ષની વયનો નિયમ વાસ્તવમાં એક 'સોફ્ટ ગાઇડલાઇન હતો', આકરી જોગવાઈ નહીં. તેમના કહેવા મુજબ, "પક્ષે તેનો ઉપયોગ વરિષ્ઠ નેતાઓને આદરપૂર્વક સાઇડલાઇન કરવા માટે કર્યો હતો."
"અલબત્ત, રાજકીય મજબૂરી વખતે કાયમ અપવાદ રાખવામાં આવ્યો હતો. આ નિયમ અડવાણી-જોશી જેવા નેતાઓ માટે જ હતો કે પછી તમામને સમાન રીતે લાગુ પડવો જોઈએ, એવો સવાલ આજે થવાનું કારણ એ જ છે."
એ નેતાઓ જેમની ઉંમરની ચર્ચા થઈ

ઇમેજ સ્રોત, Getty Images
વાસ્તવમાં નજમા હેપતુલ્લા અને કલરાજ મિશ્રા કેન્દ્રીય પ્રધાનમંડળનો હિસ્સો હતા. એ પછી તેમને ગવર્નર બનાવવામાં આવ્યા હતા. એ વખતે એવી ચર્ચા ચાલી હતી કે વયને કારણે આવું થયું હતું. બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકનું મુખ્ય મંત્રીપદ છોડ્યું ત્યારે તેઓ 78 વર્ષના હતા.
અડવાણી અને જોશીની માફક વરિષ્ઠ નેતા યશવંત સિંહાને પણ ભાજપમાં સક્રિય રાજકારણમાંથી દૂર કરવામાં આવ્યા હતા. એ વખતે તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા પર આવ્યા પછી 75 વર્ષથી વધુ વયના તમામ નેતાઓને 'બ્રેઈન ડેડ' જાહેર કરી દીધા છે.
બીજી તરફ વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે પાછલા દિવસોમાં સ્પષ્ટ કરી દીધું હતું કે પક્ષના બંધારણમાં આવો કોઈ નિયમ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષની વયે પણ નિવૃત્ત નહીં થાય.
અમિત શાહે કહ્યું હતું, "ભાજપના બંધારણમાં આવું ક્યાંય લખ્યું નથી. મોદીજી આ ટર્મ પૂરી કરશે અને આગળ પણ મોદીજી જ દેશનું નેતૃત્વ કરતા રહેશે. આ બાબતે ભાજપમાં કોઈ મૂંઝવણ નથી. આવી મૂંઝવણ સર્જવામાં આવી રહી છે."
મોહન ભાગવતના નિવેદનની ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આ વર્ષે જુલાઈમાં એક નિવેદન આપ્યું ત્યારે નિવૃત્તિની ચર્ચા ફરી શરૂ થઈ હતી. તેમણે આરએસએસના વરિષ્ઠ નેતા મોરોપંત પિંગળેનો એક અનુભવ શૅર કર્યો હતો.
ભાગવતના જણાવ્યા મુજબ, એક સમારંભમાં પિંગળેનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું, "તમે મને 75 વર્ષની વયે શાલ આપી છે. તેનો અર્થ શું થાય છે એ હું જાણું છું. કોઈને 75 વર્ષની વયે સન્માનિત કરવામાં આવે તો તેનો અર્થ એવો થાય છે કે તમારો સમય હવે પૂરો થઈ ગયો છે. તમે હઠી જાઓ અને અમને કામ કરવા દો."
આ સંદર્ભમાં અદિતિ ફડણીસે જણાવ્યું હતું કે ભાગવતના નિવેદન પહેલાં 2024માં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ એવું નિવેદન આપ્યું હતું કે ભાજપ આરએસએસ વિના પણ ચૂંટણી લડી શકે છે.
અદિતી ફડણીસે કહ્યું હતું, "એ વખતે ભાજપના એકેય વરિષ્ઠ નેતાએ નડ્ડાના નિવેદનનો જોરશોરથી વિરોધ કર્યો ન હતો. ભાગવતના નિવેદનને એ સંદર્ભમાં મૂલવવું જોઈએ."
ભાગવતના એ નિવેદન પછી એવી ચર્ચા શરૂ થઈ હતી કે તેમનો ઈશારો આ વર્ષે 75ના થઈ રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ તો નથી ને.
એ પછી ભાગવતે પોતાના નિવેદનને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન મોદી કે ભાજપના કોઈ અનૌપચારિક નિયમ વિશે વાત કરી ન હતી. સંયોગવશ મોહન ભાગવત પણ આ વર્ષે 75ના થયા છે.
ભાજપમાં લોકો નિવૃત્તિ અંગે શું વિચારે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના પ્રવક્તાઓ આ ચર્ચા બાબતે ઔપચારિક ટિપ્પણી કરવાથી દૂર રહે છે. જોકે, કેટલાક નેતાઓએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે મંતવ્ય જણાવ્યું હતું.
ભાજપના એક ભૂતપૂર્વ સાંસદે બીબીસીને કહ્યું હતું, "તાજેતરની ચૂંટણીમાં 75થી વધુ વયના અનેક લોકોને ટિકિટ આપવામાં આવી હતી, કારણ કે તેઓ પક્ષ માટે ઉપયોગી છે. બીજી તરફ, અનેક સભ્યોને, તેઓ 75થી વધુ વર્ષના થઈ ગયા હોવાથી ટિકિટ આપવામાં આવી ન હતી. આ ઔપચારિક નિયમ ન હોવાથી બધાને સમાન રીતે લાગુ પડતો નથી."
બીજી તરફ એક યુવા નેતાએ કહ્યું હતું, "નિવૃત્તિની એક વય હોવી જોઈએ. તે એક સાચી લોકશાહી પ્રક્રિયા હશે, કારણ કે તેનાથી યુવાઓને તક મળશે."
વડા પ્રધાન સંબંધી સવાલ વિશે તેમણે કહ્યું હતું, "વડા પ્રધાનની વાત અલગ છે. કેટલાક નેતાઓ હલનચલન ન કરી શકતા હોવા છતાં રાજ્યસભામાં જવા ઇચ્છે છે. તેઓ યુવાઓને માર્ગદર્શન કેમ ન આપી શકે? પક્ષને આગળ વધારવામાં મદદ કેમ ન કરી શકે? તેમણે સત્તાવાર કે બંધારણીય પદ પર રહેવાની જરૂર શું છે?"
હવે ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે?
નિષ્ણાતો માને છે કે વાસ્તવમાં ભાજપમાં આ ચર્ચા ક્યારેય ઔપચારિક રીતે હતી જ નહીં.
અદિતિ ફડણીસે કહ્યું હતું, "આ સવાલ ક્યારેય હતો જ નહીં અને ભવિષ્યમાં ક્યારેય હશે પણ નહીં. આ એક નકલી ચર્ચા છે. ભાજપમાં એવા અનેક પદાધિકારીઓ છે, જેઓ ટૂંક સમયમાં 75 વર્ષના થવાના છે. આ વણલખ્યા નિયમનો અમલ બહુ સિલેક્ટિવ રીતે કરવામાં આવ્યો છે."
સુનીલ ગાતાડે પણ આવું જ માને છે. તેમણે કહ્યું હતું, "આ ચર્ચા ક્યાંથી આવી? ભાજપમાં આવી ચર્ચા ક્યારેય હતી જ નહીં. ટોચના નેતૃત્વે નિર્ણય કર્યો હતો અને પક્ષે તેને સ્વીકારવો પડ્યો હતો, પરંતુ આવો નિયમ ટોચના નેતૃત્વને ક્યારેય લાગુ પડતો નથી."
ડીકે સિંહ માને છે કે આ ઔપચારિક નિયમ નથી, પરંતુ ભાજપ અને આરએસએસએ યુવા નેતાઓને ઐતિહાસિક રીતે તક આપી છે.
તેમણે કહ્યું હતું, "ભાજપમાં આ એક સંસ્કૃતિ છે. અટલ બિહારી વાજપેયીએ પણ અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ જેવા યુવા નેતાઓને તક આપી હતી. ભાજપની એચઆર પૉલિસી બહુ મજબૂત છે. એ નવા નેતાઓને સતત આગળ લાવે છે. આરએસએસની પણ આ જ સંસ્કૃતિ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












